ટ્રાય કરશો તમે ટાઇ ઍન્ડ ડાઇ?

04 May, 2021 02:19 PM IST  |  Mumbai | Aparna Shirish

ઇંગ્લિશ રંગો સાથે મળીને મૉડર્ન લુક ધારણ કરી ચૂકેલી આ પૅટર્ન કિચનની કેટલીક સામગ્રીઓ દ્વારા તમે પણ પોતાનાં કપડાં પર ઘરે જ કરી શકો છો

પ્રતીકાત્મક તસવીર

બાંધણી, ટાઇ ઍન્ડ ડાઇ અને શિબોરી આ નામો ફૅશનની દુનિયામાં ક્લાસિક કે સદાબહાર કહી શકાય એવી પૅટર્ન્સ છે. સાડી, ચણિયા-ચોળી અને કુરતામાં આ હાથે બનાવેલી પૅટર્ન ખૂબ જોવા મળે છે. પણ આજકાલ બૉલીવુડની યંગ ઍક્ટ્રેસિસે ટાઇ ઍન્ડ ડાઇને ક્રૉપ ટૉપ, સ્વેટ શર્ટ અને ટ્રૅક સૂટ જેવા મૉર્ડન પરિધાનોમાં ઉતારી છે. આ વિશે વાત કરતાં ફૅશન-ડિઝાઇનર પરિની ગાલા કહે છે, ‘આ એક એવી પૅટર્ન છે જે હંમેશથી જ સ્ત્રીઓની પસંદગી રહી છે પછી સાડી હોય કે સ્કર્ટ. ફેરફાર આવ્યો છે તો એ રંગોમાં. થોડા ચેન્જ કરીને કઈ રીતે કોઈ ફૅશનને સદાબહાર રાખી શકાય એનું આ એક ઉત્તમ ઉદાહરણ છે.’
શું છે ટ્રેન્ડી?
જેનાં મૂળ આઠમી સદી સુધી જાય છે એવી ટાઇ ઍન્ડ ડાઇમાં હાલની ફૅશન પ્રમાણે નવું શું છે? એ વિશે વાત કરતાં પરિની કહે છે, ‘નવા છે રંગો. મૉડર્ન ઇંગ્લિશ શેડ્સે ટાઇ ઍન્ડ ડાઇને મૉડર્ન લુક આપ્યો છે. આજ સુધી સાડી કે ચણિયા-ચોળીમાં આ પૅટર્નમાં લાલ, લીલો, ગુલાબી, જાંબલી જેવા રંગો જોવા મળ્યા છે. પણ વેસ્ટર્ન વેઅરમાં આ રંગો નહીં ચાલે. આ બધા જ રંગોના પેસ્ટલ શેડ્સ હવે ઇન ટ્રેન્ડ છે. એ સિવાય નિયૉન કલર્સ પણ ખૂબ ટ્રેન્ડી લાગે છે. આલિયા ભટ્ટ કે અનન્યા પાન્ડેના સ્વેટ શર્ટનું જ ઉદાહરણ લઈએ તો આ વાત સમજાશે. અહીં સીઝન પ્રમાણે પણ રંગોની પસંદગી કરી શકાય. હાલમાં સમરમાં આંખોને ઠંડક આપતા પેસ્ટલ શેડ્સ તો શિયાળામાં થોડા ડાર્ક કલર્સ પહેરી શકાય.’
કઈ રીતે પહેરશો?
ટાઇ ઍન્ડ ડાઇ સ્ટાઇલિશ લાગે છે પણ સાથે જ જો કેટલાક ફૅશનના રૂલ્સ ધ્યાનમાં ન રાખવામાં આવે તો આ જ ફૅશન ફિયાસ્કો કરાવી શકે છે. ટાઇ ઍન્ડ ડાઇ કે શિબોરી પહેરતા સમયે શું ધ્યાનમાં રાખવું એ વિશે પરિની કહે છે, ‘તમારી બૉડીનો જે પાર્ટ હેવી હોય ત્યાં આ પૅટર્ન અવૉઇડ કરો. અર્થાત્ જો હિપ્સ હેવી હોય તો સૉલિડ શેડનું પૅન્ટ અથવા સ્કર્ટ ને ટૉપમાં ટાઇ ઍન્ડ ડાઇ સારું લાગશે. એ જ રીતે જો અપર બૉડી હેવી હોય તો પ્લેન ટૉપ સાથે ટાઇ ડાઇ સ્કર્ટ પહેરી શકાય. સાડીમાં પાટલી-પાલવના કન્સેપ્ટ સાથે ટાઇ ઍન્ડ ડાઇ પહેરી શકાય. ટૉપ ટુ બૉટમ ટાઇ ઍન્ડ ડાઇ આલિયા કે અનન્યા જેવું પાતળું ફિગર હોય તો જ સારું લાગશે, કારણ કે આ પૅટર્ન ઝીણી નથી. એના લીધે જે અંગ પર પહેરી હોય એ તરફ ધ્યાન ખેંચે છે.’ 

 

aparna shirish columnists fashion news fashion