09 April, 2025 06:55 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ઘણા લોકોને એમ લાગે છે કે ઉનાળામાં ડ્રાય સ્કિનની કોઈ સમસ્યા નથી થતી તો પછી મૉઇશ્ચરાઇઝર લગાવવાની શું જરૂર છે? પણ વાસ્તવિકતામાં ઉનાળામાં પણ મૉઇશ્ચરાઇઝર લગાવવું જરૂરી છે. સાથે જ એ મૉઇશ્ચરાઇઝર કેવું હોવું જોઈએ જેથી સ્કિન વધુ ઑઇલી ન થાય એ પણ જાણવું જરૂરી છે
ઠંડીની સીઝનમાં ત્વચા સૂકી થઈ જતી હોય છે. એટલે આપણે ત્વચાની નમી જાળવી રાખવા માટે મૉઇશ્ચરાઇઝરનો ઉપયોગ કરીએ છીએ. બીજી બાજુ ઉનાળામાં ગરમી અને પરસેવાને કારણે ત્વચા ઑઇલી થઈ જતી હોય છે. એને કારણે ઘણા લોકો મૉઇશ્ચરાઇઝર લગાવવાનું ટાળે છે. તેમને લાગે છે કે મૉઇશ્ચરાઇઝર લગાવવાથી ત્વચા વધુ ઑઇલી થઈ જશે. જોકે ઠંડીની જેમ ગરમીમાં પણ મૉઇશ્ચરાઇઝરનો ઉપયોગ કરવો જરૂરી છે.
ઉનાળામાં આપણે વધુ પરસેવો થાય છે. એને કારણે ડીહાઇડ્રેશન થાય છે જેની અસર આપણી ત્વચા પર પણ થાય છે. મૉઇશ્ચરાઇઝર લગાવવાથી સ્કિન હાઇડ્રેટેડ અને હેલ્ધી રહે છે. આપણી ત્વચા ડીહાઇડ્રેટ થાય ત્યારે એ વધુ ઑઇલ પ્રોડ્યુસ કરે છે, જેથી પરસેવાને કારણે ત્વાચામાંથી જે મૉઇશ્ચર ગયું છે એની ભરપાઈ કરી શકાય. એને કારણે ત્વચા વધુ ઑઇલી થઈ જાય છે. એટલે ત્વચા ડીહાઇડ્રેટ થાય એ પહેલાં જ જો તમે મૉઇશ્ચરાઇઝર લગાવો તો ત્વચા સિબમ એટલે કે ઑઇલ પ્રોડક્શન પણ વધુ નહીં કરે. એને કારણે તમારી ત્વચા તૈલી દેખાવાને બદલે વધુ ફ્રેશ દેખાશે. ઉનાળામાં સૂર્યનાં હાનિકારક કિરણોથી પણ ત્વચાને ઘણું નુકસાન પહોંચતું હોય છે. એવામાં સનસ્ક્રીનની સાથે જો મૉઇશ્ચરાઇઝર પણ લગાવીએ તો ત્વચા પર એક એક્સ્ટ્રા પ્રોટેક્શન લેયર આવી જાય.
ઉનાળામાં મૉઇશ્ચરાઇઝર લગાવવું તો જરૂરી છે જ પણ સાથે-સાથે કેવા પ્રકારનું મૉઇશ્ચરાઇઝર યુઝ કરવું જોઈએ એ જાણવું પણ જરૂરી છે જેથી તમને એ મૉઇશ્ચરાઇઝર લગાવ્યા પછી ત્વચા વધુ ઑઇલી ફીલ ન થાય. એટલે ગરમીમાં લગાવવા માટે ઑઇલ-ફ્રી મૉઇશ્ચરાઇઝર અથવા તો જેલ-બેઝ્ડ જે મૉઇશ્ચરાઇઝર હોય એનો ઉપયોગ કરવો જોઈએ. એવી જ રીતે મૉઇશ્ચરાઇઝર ક્રીમ એવી યુઝ કરવી જોઈએ જે લાઇટ-વેઇટ હોય.