કોણ કહે છે એકનો એક આઉટફિટ રિપીટ કરવો બોરિંગ છે?

17 May, 2022 10:25 AM IST  |  Mumbai | Rupali Shah

યોગ્ય સ્ટાઇલિંગ કરતાં આવડી જાય તો બે દાયકા જૂનો ડ્રેસ પણ એટલા જ ચાવથી પહેરી શકાય છે. આજે મળીએ એવા લોકોને જેમને દાયકાઓ જૂના તેમના આઉટફિટ સાથે હજીયે એટલું જ મમત્વ છે

વર્ષો પહેલાં સહેલીઓ સાથે બ્લુ સ્કર્ટ અને બ્લુ ટૉપમાં (ડાબે) અને એ જ સ્કર્ટમાં બ્લૅટ ટૉપમાં હાલમાં નૂતન શેઠ (ઉપર).

તાજેતરમાં સોનાલી બેન્દ્રે તેનો સોળ વર્ષ પહેલાંનો એક ડ્રેસ ફરીથી પહેરેલી જોવા મળી હતી અને તેણે પહેલાંનો અને હાલનો એમ બન્ને ફોટો પણ શૅર કર્યા હતા. વેલ, યોગ્ય સ્ટાઇલિંગ કરતાં આવડી જાય તો બે દાયકા જૂનો ડ્રેસ પણ એટલા જ ચાવથી પહેરી શકાય છે. આજે મળીએ એવા લોકોને જેમને દાયકાઓ જૂના તેમના આઉટફિટ સાથે હજીયે એટલું જ મમત્વ છે

આ ફૅશનની ફૈબા કોણ હશે? રોજ સવાર પડે ને પલાઝો, પૅન્ટ, પટિયાલા કે પોલકા ડૉટ્સ શું પહેરવું એની મૂંઝવણ થાય છે. નવાં ખરીદેલાં કપડાંય બે મહિનાકબાટમાં ડોકિયું કરતાં દેખાય તો જૂનાં લાગવા માંડે છે!  
જોકે બૉલીવુડ અભિનેત્રી સોનાલી બેન્દ્રેએ ઇન્સ્ટાગ્રામ પર પોતાનો એક જૂનો અને નવો ફોટો શૅર કર્યો હતો જેમાં અત્યારની એક ઈદ પાર્ટીમાં તે પોતાનો સોળ વર્ષ જૂનો કોઈ ડ્રેસ ફરીથી પહેરેલી જોવા મળી હતી. ફૅશન આઇકન ગણાતી બૉલીવુડ અભિનેત્રીઓ પોતાની ડ્રેસિંગ સ્ટાઇલમાં વર્ષો જૂના ડ્રેસ સામેલ કરતી હોય ત્યારે પહેલો વિચાર એ આવે કે આપણા જેવી લેડીઝલોગ આ વિશે શું વિચારે છે? તેમનો શો મત છે? તેમના આવા ડ્રેસિસ કબાટના કોઈ ખૂણે ફક્ત સંગ્રહખોરી વૃત્તિને નામે ડટાઈ રહ્યા છે કે અતિ પ્રિય એવા ડ્રેસિસ આજેય વર્ષો પછી તેઓ ખુશી-ખુશી પહેરી રહ્યા છે? કે પછી આજ નહીં તો કાલ મારો મનગમતો ડ્રેસ પાછો પહેરી શકાશે એવી ઇચ્છા સાથે સ્ટોરેજના કોઈ એક પોટલામાં એ સચવાઈ રહ્યા છે?  
વેરિએશન્સ બદલાય
સાઉથ મુંબઈમાં રહેતાં ઑક્યુપેશનલ થેરપિસ્ટ ડૉ. નિકી જોગેન પારેખ પોતાનું પચીસ વર્ષ જૂનું યુએસએથી લાવેલું સ્લીવલેસ ટૉપ આજે પણ હોંશે-હોંશે પહેરે છે. ડૉ. નિકી કહે છે, ‘૧૯૯૬થી ૧૯૯૮ની સાલ દરમિયાન હું યુએસમાં જૉબ કરતી હતી ત્યારે એ ખરીદ્યું હતું. જોકે એ ટૉપ જ નહીં, મારાં લગ્ન સમયે સીવડાવેલાં સાડીનાં બ્લાઉઝ આજે પણ હું પહેરું છું. ૧૮ વર્ષ પહેલાંનું એક બ્લૅક ટૉપ પૅન્ટનાં ઘણાં વેરિએશન સાથે આજે પણ મને પહેરવાની મજા આવે છે.’ 
જોકે સત્યાવીસ વર્ષ પહેલાંનું અમેરિકાથી લીધેલું એક સ્કર્ટ તેમને બે-એક આંગળ જેટલું ફિટ પડે છે છતાં જલદીથી પાછું પહેરીશ એવા મક્કમ ઇરાદા સાથે તેમણે એ સાચવી રાખ્યું છે. અમેરિકાથી લીધેલું એ સ્કર્ટ તેમણે હનીમૂન વખતે પહેર્યું હતું. નજાકતથી જાળવેલાં તેમનાં કપડાંની ક્વૉલિટી પણ એવીને એવી જ છે. નિકી કહે છે, ‘ઓલ્ડ ઇઝ ગોલ્ડ કહેવત અમસ્તી નથી આવી. મનગમતાં કપડાં યોગ્ય જાળવણી સાથે સાચવી રાખો અને ફરી-ફરી પહેરો એમાં ખોટું શું છે? મને મારું વજન થોડું પણ વધે એ બિલકુલ નથી ગમતું અને જૂનાં કપડાંમાં તમે ફિટ બેસો એટલે એ બાબત તમને ખાતરી આપે છે કે હાશ, વજન નથી વધ્યું. ખુશ થવા જેવું જ છેને! ડ્રેસ ટાઇટ પડે એટલે એક હિન્ટ મળે છે કે હવે કૉન્શિયસ થવાની જરૂર છે.’ 
મજાની યાદો છે 
સામાન્ય રીતે લગ્ન અને બાળકો પછી મોટા ભાગની સ્ત્રીના શરીર પર અમુક હદે ચરબીનો થર લપેટાઈ જતો હોય છે. પુરુષોમાં પણ ઉંમરના એક તબક્કે એકવડો બાંધો ભલેને હોય છતાં ફાંદ આવી જતી હોય છે. પણ મજાની વાત એ છે કે નિકીના હસબન્ડ જોગેન પારેખ પણ પોતાના એન્ગેજમેન્ટ વખતની એકવીસ વર્ષ પહેલાંની શેરવાની આજેય વટથી પહેરે છે. નિકી કહે છે, ‘આમાં ફક્ત પાતળા રહેવાની કમાલ નથી. હેલ્થ પૉઇન્ટ ઑફ વ્યુથી અને ફિટનેસ બાબતે જોઈએ તો એકબીજાને અવેર કરવાની જવાબદારી કપલની હોય છે અને વી આર હૅપી કે અમે સજાગ રહીને આ બાબતે એકબીજાનું ધ્યાન રાખીએ છીએ.’ 
અમુક ક્લોથ સાથે તમારી મનગમતી યાદો પણ જોડાયેલી હોય છે. તેઓ કહે છે, ‘સામાન્ય રીતે એકનાં એક કપડાં પહેરીને સ્ત્રીઓ કંટાળી જતી હોય છે. કબાટમાં જૂનાં કપડાંની થપ્પી જોઈને અકળામણ થતી હોય છે, પણ અમુક ખાસ લોકો સાથે આપણે પસાર કરેલો સમય કે શૅર કરેલી હૅપીનેસની સુગંધ એ કપડાંઓમાં જળવાયેલી હોય છે. બેસિકલી ઇટ બ્રિંગ્સ ગુડ મેમરી ઑલ્સો.’ 
ફિગર મેઇન્ટેઇન રાખવું પડે.. 
નવી મુંબઈમાં રહેતાં સમાજસેવામાં સક્રિય નૂતન પરેશ શેઠે તેમનાં હનીમૂન વખતનાં અમુક કપડાં હજી સાચવી રાખ્યાં છે અને ચાવથી પહેરે સુધ્ધાં છે. કૉલેજ વખતનું તેમનું મોસ્ટ ફેવરિટ પીળા રંગનું ફ્રૉક આજે પણ તેઓ પહેરીને સખત એન્જૉય કરે છે. નૂતન વસ્તુનો સંગ્રહ કરવામાં નથી માનતાં છતાં કહે છે, ‘અમુક કપડાં સાથે આપણી યાદગીરી સચવાયેલી હોય છે કે ઘણી વાર કોઈ પણ કારણ વગર પણ એ ગમતાં હોય છે. ખાસ કરીને સ્ત્રીઓને કપડાં બાબતે ખૂબ ઘેલું હોય છે. મારા એ પીળા ફ્રૉકનું ઇલૅસ્ટિક લૂઝ થઈ ગયું છે અને થોડું કધોણું પણ થઈ ગયું છે છતાં એટલું પ્રિય છે કે કાઢી નાખવાનો જીવ નથી ચાલતો.’ 
પચીસ વર્ષ પહેલાં ‘જૈસે થે’ એવા જ ફિટ ઍન્ડ ફાઇન રહેવા પાછળનો રાઝ જણાવતાં નૂતન કહે છે, ‘જૂનાં કપડાં પહેરવા માટે મેં સ્વાસ્થ્ય નથી જાળવ્યું. સ્વાસ્થ્ય જળવાયું છે એટલે એ પહેરી શકાય છે. અંદરથી ખુશ રહો તો તમે ફિટ જ છો. આપણાં માતા-પિતાએ ખાવા-પીવાની જે આદતો કેળવી છે એ જ બેસ્ટ છે. હસતાં-ખેલતાં રહો અને લાઇવલી રહો તો આપોઆપ શારીરિક અને માનસિક બૅલૅન્સ જળવાઈ રહે છે.’ 
નથી થતો, પણ કાઢીશ નહીં
ઘણી વાર ખૂબ જહેમત સાથે તૈયાર થયેલો ખર્ચાળ ડ્રેસ આવતો ન હોય છતાં કાઢી નાખવાનો જીવ નથી ચાલતો એવું કહેતાં કાંદિવલી ઈસ્ટનાં સીમા રાજકુમાર ઝવેરી કહે છે, ‘એમ તો મારી પાસે દોઢ દાયકા પહેલાંના ચાર-પાંચ જૂના ડ્રેસિસ છે. જોકે મારાં નણંદને ત્યાં લગ્ન હતાં એ વખતનો એક ડ્રેસ મને ખૂબ પ્રિય છે. હું ખાસ જાડી નથી થઈ, પણ અનફૉર્ચ્યુનેટલી એ મને આવતો નથી. એ ફરી પાછો પહેરી શકાય એ માટેના મારા પ્રયત્ન ચાલુ જ છે. ફિંગર્સ ક્રૉસ્ડ. હોપફુલી ક્યારેક તો એને હું પાછો પહેરી જ શકીશ. છેવટે એ ન જ આવ્યો તો બીજી કોઈ રીતે કાપકૂપ કરીને કે બીજાં કપડાં પર એનું વર્ક લઈને ફરી તૈયાર કરીને પણ એને હું પહેરીશ તો ખરી જ.’
કાંદિવલીમાં જ રહેતાં આશા જિતેન્દ્ર જોશી કહે છે, ‘હેવી લુકનો ગમતો ડ્રેસ કાઢવાનો જીવ ન ચાલે. આમ તો મેં ઘણા જૂના ડ્રેસ સંઘરી રાખ્યા છે અને પહેર્યા પણ છે. પહેરવાનો સંતોષ મળ્યા પછી કાઢી પણ નાખ્યા છે. જોકે હેવી એમ્બ્રૉઇડરી વર્કવાળો બ્રાઇટ રાણી કલરનો મારો એક પંદર વર્ષ જૂનો ડ્રેસ મને નથી આવતો છતાં મેં એને સાચવી રાખ્યો છે.’ 
રોજ બદલાતી ફૅશન વચ્ચે જૂના લુક અને કટવાળાં કપડાં પહેરવાં બોરિંગ ન લાગે? એવું પૂછતાં આ બધી બહેનોનો સૂર એક જ છે કે સતત એકનાં એક કપડાં પહેરવાં કદાચ ન જ ગમે, પણ થોડા વખતે ફરી પાછી એની એ ફૅશન આવતી જ રહેતી હોય છે. ફૅશન અને સ્ટાઇલ વચ્ચેનો ભેદ સમજીને ચોક્કસ ડ્રેસિંગ સેન્સ કેળવીએ તો એકનો એક ડ્રેસ બે દાયકા પછીયે બકાયદા પહેરી જ શકાય અને એ પહેરીને ગૉર્જિયસ પણ લાગી જ શકાય. 

fashion news fashion columnists