એલિગન્ટ ઑર્ગેન્ઝા

20 July, 2021 01:25 PM IST  |  Mumbai | Varsha Chitaliya

સાડીની ફૅશન ક્યારેય આઉટડેટેડ થવાની નથી એટલે મોટા-મોટા ફૅશન ડિઝાઇનરો એમાં વેરિએશન ઍડ કરીને ડિફરન્ટ સ્ટાઇલ ઇન્ટ્રોડ્યુસ કરતા રહે છે. લેટેસ્ટમાં ઑર્ગેન્ઝા સાડી ટ્રેન્ડમાં છે ત્યારે એના વિશે એ ટુ ઝેડ જાણી લો

એલિગન્ટ ઑર્ગેન્ઝા

બૉલીવુડની ઍક્ટ્રેસિસથી લઈને સામાન્ય મહિલાઓ સાડીમાં સર્વાંગ સુંદર લાગે છે. એટલે જ એની પૉપ્યુલરિટી ક્યારેય ઓછી થઈ નથી અને થવાની પણ નથી. જોકે ફૅશનવર્લ્ડમાં ટકી રહેવા સાડીની સ્ટાઇલમાં વેરિએશન ઍડ થતું રહે છે. હાલમાં મોટા-મોટા ફૅશન ડિઝાઇનરોના કલેક્શનમાં ઑર્ગેન્ઝા સાડી જોવા મળી રહી છે. ફૅશનટ્રેન્ડ સેલિબ્રિટીઝના માધ્યમથી કૉમન મહિલાઓ સુધી પહોંચે છે ત્યારે એમાં નવું શું ચાલે છે એ જોઈએ. 
વાય ઇન ટ્રેન્ડ?  |  ફૅશનવર્લ્ડ લાઇફ સર્કલ જેવું છે. ફરી-ફરી એ જ ટ્રેન્ડ જુદી રીતે માર્કેટમાં આવે છે એમ જણાવતાં કાંદિવલીનાં ફૅશન ડિઝાઇનર ઉન્નતિ ગાંધી કહે છે, ‘સાડી એવો પોશાક છે જેને ભારતીય મહિલાઓ અવગણી ન શકે. લેટેસ્ટમાં ઑર્ગેન્ઝા સાડી મહિલાઓની ફેવરિટ બની હોવાનું કારણ છે કલર કૉમ્બિનેશન અને ડિઝાઇન. આંખમાં ખટકે એવા ડાર્ક કલરનો જમાનો ગયો. હવે બ્રાઇટ ઍન્ડ પેસ્ટલ કલર્સ આંખને જોવા ગમે છે. ઑર્ગેન્ઝા સાડી ડિઝાઇન કરતી વખતે આ બાબતને ફોકસમાં રાખવામાં આવે છે. અત્યારે મૉન્સૂન કલર્સ અને ત્યાર બાદ ફેસ્ટિવ સીઝન પ્રમાણે ફિરોઝી, એબ્રૉઇડ ગ્રીન જેવા કલર્સ વધુ ચાલશે. આ કલર્સમાં તમારી બ્યુટી એન્હૅન્સ થાય છે. ઑર્ગેન્ઝા સાડીની પ્રિન્ટમાં જ્યૉમેટ્રિક, ફ્લોરલ અને પોલકા ડોટ્સ ફેવરિટ છે.’
ન્યુ વર્ઝન  |  આજથી થોડાં વર્ષો પહેલાં જે ઑર્ગેન્ઝા મળતું હતું એમાં હવે ઘણા ચેન્જિસ જોવા મળે છે એવી માહિતી આપતાં ઉન્નતિ કહે છે, ‘એક સમયે ઑર્ગેન્ઝાની ગણના હાઇક્લાસ  ફૅબ્રિક તરીકે થતી હતી. એલિગન્ટ અને ક્લાસિક લુક માટે ઉચ્ચ શ્રીમંત વર્ગની મહિલાઓ એને પહેરતી હતી. અગાઉની ઑર્ગેન્ઝા સાડી સ્ટિફ આવતી હતી. સાડી પહેર્યા બાદ શરીરથી દૂર અને ખૂલતી-ખૂલતી દેખાતી હતી. મૉડર્નાઇઝેશન, ટેક્નૉલૉજી અને મશીનરીના કારણે એમાં પરિવર્તન આવ્યું છે. સ્ટિફ ઑર્ગેન્ઝાને સૉફ્ટ બનાવવામાં આવતાં એ બૉડી-ફ્રેન્ડ્લી બની ગયું છે અને દરેક ફિગર માટે સૂટેબલ છે. ઑર્ગેન્ઝા વિથ રફલ્સ અને જ્યૉર્જેટને ન્યુ વર્જન ઑફ ઑર્ગેન્ઝા કહી શકાય. આ ફૅબ્રિકનો દેખાવ એટલો આકર્ષક છે કે તમારે એક્સ્ટ્રા ઍક્સેસરીઝ ઍડ કરવાની જરૂર નથી. એલિગન્ટ લુક માટે ઑર્ગેન્ઝાથી બેસ્ટ ફૅબ્રિક હોઈ ન શકે.’
રેડી ટુ વેઅર  |  આજકાલ મહિલાઓ પાસે ડ્રેપિંગનો સમય નથી તેથી રેડી ટુ ડ્રેપ સાડી વધુ ચાલે છે એમ જણાવતાં ઉન્નતિ કહે છે, ‘ફૅશનવર્લ્ડ એટલું આગળ વધી ગયું છે કે ટ્રેન્ડમાં રહેવા માટે તમારે વધુ સમય ફાળવવાની જરૂર નથી. સાડી પહેરવા માટે પ્લીટ્સ બનાવવી, પલ્લુ ઍડ્જસ્ટ કરવો જેવી ઘણી વસ્તુ હોય છે. એ માટે ધીરજ જોઈએ જે બધા 
પાસે નથી અને બધી મહિલાઓને જાતે સાડી પહેરતાં આવડતું પણ નથી. એના કારણે રેડી ટુ વેઅર સાડીની ડિમાન્ડ વધી છે. ઑર્ગેન્ઝા વિથ રફલ્સ રેડી સાડીનો લુક લૉન્ગ સ્કર્ટ જેવો દેખાતાં ઇન્ડો-વેસ્ટર્ન સ્ટાઇલ તરીકે પણ એ ચાલી જાય છે.’

આટલું ધ્યાન રાખો
 ઓર્ગેન્ઝા સાડીને હંમેશાં મલમલના કપડામાં વીંટાળીને રાખવી.
 ધોવાની હોય ત્યારે ડ્રાયક્લીનિંગ અથવા પેટ્રોલ વૉશ માટે બહાર આપવી.
 આ કાપડ ડેલિકેટ હોવાથી સાડીને સ્ટીમ પ્રેસ કરવી.

  પહેલાં ઑર્ગેન્ઝા સાડી સ્ટિફ આવતી હતી. જે શરીરથી દૂર અને ખૂલતી દેખાતી. હવે. ઑર્ગેન્ઝા વિથ રફલ્સ સાડી એલિગન્ટ લુક આપે છે. જોકે સાડી સાથે બ્લાઉઝની પૅટર્ન પર ધ્યાન આપવું. 
ઉન્નતિ ગાંધી, ફૅશન ડિઝાઇનર

 

Varsha Chitaliya columnists fashion