સલમાનની જેમ સૅન્ડલ્સ પહેરવા શું ધ્યાનમાં રાખશો?

05 September, 2022 03:56 PM IST  |  Mumbai | Aparna Shirish

હંમેશાં હાઈ હીલ્સવાળાં બૂટ્સ પહેરેલો જોવા મળતો સલમાન તાજેતરમાં ફૉર અ ચેન્જ સૅન્ડલ્સ પહેરેલો જોવા મળ્યો હતો. ખૂબ કમ્ફર્ટેબલ લાગતાં આ ફુટવેર પહેરવાના રૂલ્સ જાણી લો

સલમાન ખાન

ફરી ગરમી પડવા લાગી છે. આવામાં સૌથી વધુ તકલીફ આખો દિવસ પગમાં મોજાં અને બૂટ પહેરી રાખતા પુરુષોને થતી હોય છે. કમ્ફર્ટ આપતાં ફુટવેર એટલે સૅન્ડલ્સ. ચોમાસામાં પહેરાતાં રબરનાં સૅન્ડલ્સ હોય કે પછી બાકીની સીઝન માટેનાં રિયલ કે વીગન લેધરનાં સૅન્ડલ્સ હોય, એ પગને આરામ આપે છે. પણ તકલીફ એ છે કે સૅન્ડલ્સ કૅઝ્યુઅલી ભલે ચાલી જાય, પણ ઑફિસ વેઅર સાથે એ સૂટ નથી થતાં.  

જીન્સ અને શૉર્ટ્સ સાથે

સલમાનની જેમ કૅઝ્યુઅલી જીન્સ અને શર્ટ કે ટી-શર્ટ સાથે સૅન્ડલ્સ પહેરી શકાય. એ સિવાય હૉલિડે પર શૉર્ટ્સ સાથે તો સૅન્ડલ્સ મસ્ટ છે. અહીં જો જીન્સ વાઇટવૉશ્ડ કે રિપ્ડ હશે તો સૅન્ડલ્સ સાથે કમ્પ્લીટ કૅઝ્યુઅલ લુક આપશે. એ વિશે પર્સનલ સ્ટાઇલિસ્ટ સ્મૃતિ ધાનુકા કહે છે, ‘તમે સમરવેઅર તરીકે કોઈ પણ ચિનોઝ અને ટી-શર્ટની સાથે સૅન્ડલ્સ પહેરી શકો.’

એથ્નિક વેઅર સાથે

કોલ્હાપુરી ચંપલ અને જૂતી સિવાય સૅન્ડલ્સ પણ કુરતા-પાયજામાવાળા એથ્નિક લુક માટે પુરુષોની પહેલી પસંદગી હોય છે. પહેરવામાં અને ખાસ કરીને લગ્નપ્રસંગે ડાન્સ કરવાની વાત આવે ત્યારે સૅન્ડલ્સ પહેરવાં આસાન લાગે છે. વધુમાં પ્રસંગો સમયે ભાગદોડ કરવાની આવે ત્યારે સૅન્ડલ પહેરેલાં હોય તો કામ આસાન બને છે. પણ અહીં રેગ્યુલર વેઅર માટેનાં વેલક્રોવાળાં સૅન્ડલ્સ નહીં ચાલે. કુરતા, ચૂડીદાર અને ધોતી પૅન્ટ્સ સાથે પહેરવા માટેનાં સૅન્ડલ્સ લેધરનાં સ્માર્ટ ડિઝાઇનનાં હોવા જરૂરી છે. આંગળીનો ભાગ કવર થઈ જાય એવા ક્રૉસ પૅટર્નનાં પહોળા પટ્ટાનાં બ્લૅક કે બ્રાઉન લેધરનાં સૅન્ડલ સારો લુક આપશે. 

ટ્રાઉઝર સાથે સૅન્ડલ્સ

ટ્રાઉઝર્સ એટલે ફૉર્મલ્સ અને ફૉર્મલ્સ સાથે સૅન્ડલ્સ પહેરવાં કે નહીં એ હંમેશથી જ ચર્ચાનો વિષય રહ્યો છે. અહીં ટેલર્ડ ટ્રાઉઝર્સ સાથે તો સૅન્ડલ્સ અવૉઇડ કરવાં પણ કૉટન પૅન્ટ્સ સાથે એ પહેરી શકાય. જોકે સૅન્ડલ્સ લેધર જેવા દેખાતાં પસંદ કરવાં, સ્પોર્ટી નહીં. જો સૅન્ડલ્સનો લુક સારો નહીં હોય તો ઓવરઑલ દેખાવ સારો નહીં લાગે. 

ક્યારે નહીં

નેવી કે બ્લૅક કલરનાં સૅન્ડલ્સ લો જેની પર કોઈ લોગો કે પૅટર્ન ન હોય અને સૂટ સેપરેટ્સની સાથે પહેરી શકો. સૂટ સેપટેટ્સથી તમારો લુક થોડોક ફૉર્મલાઇઝ થઈ જશે અને કૅઝ્યુઅલ લુકની અસર ઘટશે. આ ટિપ્સની સાથે એક ખાસ સૂચન સાથે પર્સનલ સ્ટાઇલિસ્ટ સ્મૃતિ ધાનુકા કહે છે કે, ‘તમારી પાસે ભલેને માર્કેટમાં અવેલેબલ મોસ્ટ સ્ટાઇલિશ સૅન્ડલ્સ હોય, કેટલીક જગ્યાઅે એ ન પહેરાય તો ન જ પહેરાય. તમારે જો પ્રોફેશનલ અને ફૉર્મલ એન્વાયર્નમેન્ટમાં જવાનું હોય તો સૅન્ડલ્સનો વિચાર જ ન કરવો. તમને લાગી શકે કે સ્ત્રીઓના ડ્રેસકોડમાં ઓપન ટો ફૂટવેઅર ચાલે છે, પણ બોટ શૂઝમાં તમે વધુ શોભશો.’

સૅન્ડલ્સ પહેરો ત્યારે...

સાથે મોજાં પહેરવાની ભૂલ ન કરવી. 
ઑફિસનાં ફૉર્મલ્સ સાથે સૅન્ડલ્સ ન પહેરવાં.
સૅન્ડલ્સ વેકેશન અને સમર પૂરતાં જ વપરાશમાં લેવાં. 
એથ્નિક અને કૅઝ્યુઅલ માટેનાં સૅન્ડલ્સ જુદાં-જુદાં રાખવાં. બધું જ બધે ન પહેરી શકાય. 

fashion news columnists fashion Salman Khan