ઠંડીમાં ટ્રેકિંગનો શોખ હોય તો ટ્રેક પૅન્ટ લેતાં પહેલાં આટલું જાણી લેજો

15 January, 2024 08:00 AM IST  |  Mumbai | Heena Patel

ટ્રેકિંગ પર જાઓ ત્યારે તમે જે પણ આઉટફિટ પહેર્યો હોય એમાં કમ્ફર્ટેબલ ફીલ કરો એ ખૂબ જરૂરી છે

પ્રતીકાત્મક તસવીર

ટ્રેકિંગ પર જાઓ ત્યારે તમે જે પણ આઉટફિટ પહેર્યો હોય એમાં કમ્ફર્ટેબલ ફીલ કરો એ ખૂબ જરૂરી છે, નહીંતર તમને તમારી જર્ની ઍડ્વેન્ચરસ ફીલ થવાને બદલે ફુલ ઑફ હર્ડલ્સ લાગવા લાગે. એટલે એ જરૂરી છે કે તમારું ટ્રેકિંગ પૅન્ટ ડ્યુરેબલ, લાઇટ વેઇટ, ક્વિક ડ્રાય, ઈઝી ટુ ક્લીન અને પ્રૉપર ફિટિંગવાળું હોય અને એની પસંદગી કઈ રીતે કરવી એ ફૅશન એક્સપર્ટ પાસેથી જાણીએ

વિન્ટર ટ્રેકિંગની સીઝન ચાલી રહી હોય અને ઍડ્વેન્ચર લવર ટ્રેકિંગ પર ન જાય એવું બને નહીં, પણ તમારી ટ્રેકિંગ જર્ની કેટલી કમ્ફર્ટેબલ રહેશે એ તમે કયા પ્રકારના આઉટફિટ સિલેકટ કરો છો એના પર ડિપેન્ડ કરે છે. ખાસ કરીને ટ્રેકિંગ પર જતી વખતે તમે એક રાઇટ ટ્રેકિંગ પૅન્ટ ચૂઝ કરો એ ખૂબ જરૂરી છે જેમાં તમે માઉન્ટન ચડતી વખતે કમ્ફર્ટેબલી મૂવમેન્ટ કરી શકો. હવે કઈ વસ્તુને ધ્યાનમાં રાખીને ટ્રેકિંગ પૅન્ટ ખરીદવા એ જનરલી લોકોને ખબર હોતી નથી, કારણ કે એનો રેગ્યુલર બેઝિસ પર યુઝ થતો નથી. તો ચાલો આજે જાણીએ કે ટ્રેકિંગ પૅન્ટ ખરીદી કરતી વખતે કઈ વાતોનું ધ્યાન રાખવું જોઈએ જેથી તમારી જર્ની સ્મૂધ જાય અને તમારા આઉટફિટને કારણે કોઈ અડચણ ન આવે. 

આ ફૅબ્રિક રહેશે બેસ્ટ
ટ્રેકિંગ પર જઈએ ત્યારે પહાડોનું ચડાણ કરવાનું હોય છે. જંગલ, ઝરણાં, નદીમાંથી પસાર થવાનું હોય એટલે ફૅબ્રિક હળવું હોવું જોઈએ એવું જણાવતાં ફૅશન સ્ટાઇલિસ્ટ દેવાંશી જોશી કહે છે, ‘તમારા ટ્રેકિંગ પૅન્ટનું ફૅબ્રિક એવું હોવું જોઈએ જે વજનમાં હળવું હોય, સાફ કરવામાં સરળ હોય, જલદીથી સુકાઈ જાય એવું હોય, મજબૂત અને ટકાઉ હોય. એની ઇલૅસ્ટિસિટી સારી હોવી બહુ જરૂરી છે. ચડાણ કરતી વખતે શરીરને ખૂબ શારીરિક શ્રમ પડે છે એટલે તમારું ટ્રેકિંગ પૅન્ટ જેટલું લાઇટ વેઇટ હશે એટલી તમને ચાલવામાં સરળતા રહેશે. બીજું એ કે ઘણી વાર આપણે મોટા-મોટા લાંઘા ભરીને પથ્થરોનું ચડાણ કરવાનું હોય છે એવામાં તમારું ટ્રેકિંગ પૅન્ટ ઇલૅસ્ટિસિટીવાળું હોય એ પણ ખૂબ જરૂરી છે, નહીંતર એના ફાટવાનું જોખમ રહે છે. ટ્રેકિંગનો જે રસ્તો એકદમ રફ હોય છે. આજુબાજુમાં ઝાડીઝાંખરાં પણ હોઈ જ શકે છે. એવામાં તમારા ટ્રેકિંગ પૅન્ટનું ફૅબ્રિક ડ્યુરેબલ હોય એ પણ જરૂરી છે. બીજું એ કે તમારે ધૂળ, કાદવ-કીચડવાળા રસ્તામાંથી પસાર થવાનું હોય છે એટલે ટ્રેકિંગ પૅન્ટનું એવું ફૅબ્રિક હોવું જોઈએ જે જલદીથી સાફ થઈ જાય. ઘણી વાર ટ્રેકિંગના માર્ગે નદી કે તળાવ આવે તો એને પણ ક્રૉસ કરવા પડતાં હોય છે તો એવા સમયે ટ્રેકિંગ પૅન્ટનું ફૅબ્રિક જલદીથી સુકાઈ જાય એવું હોવું જોઈએ. બીજું એ કે વિન્ટર સીઝનમાં ઠંડીથી બચવા માટે એવું ફૅબ્રિક ચૂઝ કરવું જરૂરી છે જે તમારા શરીરને થોડો ગરમાટો આપે. આ બધી વસ્તુને ધ્યાનમાં લેતાં સિન્થેટિક મટીરિયલ જેમ કે હાઇ પૉલિસ્ટર અથવા પૉલિમાઇડ ફૅબ્રિકનાં ટ્રેકિંગ પૅન્ટ્સ બેસ્ટ રહેશે.’

આનું પણ ધ્યાન રાખવું જરૂરી
ટ્રેકિંગ પૅન્ટ ખરીદતી વખતે બીજી કઈ-કઈ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ એ જણાવતાં દેવાંશી જોશીનું કહેવું છે કે ‘જનરલી આપણે ટ્રેકિંગ પર જઈએ ત્યારે આપણી પાસે મોબાઇલ, કૅમેરા, નાનું એવું સ્પીકર, ડ્રાય સ્નૅક્સ આ બધુ હોય. એટલે તમારા ટ્રેકિંગ પૅન્ટમાં મલ્ટિપલ પૉકેટ્સ હોય એ જરૂરી છે. આ પૉક્ટ્સ પણ ઝિપવાળાં હોવાં જોઈએ એટલે ચડાણ કરતી વખતે એમાંથી કોઈ પણ વસ્તુ સરકીને નીચે પડવાનો ભય ન રહે. બીજું એ કે આપણે ચડાણ કરતા હોઈએ ત્યારે ખૂબ પસીનો થતો હોય છે અથવા તો રસ્તામાં તમારે નદી કે સરોવરમાંથી પસાર થવાનું હોય ત્યારે મૉડ્યુલર અથવા તો કન્વર્ટિબલ પૅન્ટ્સ ખૂબ કામ આવે છે. આ પૅન્ટ્સના નીચેના ભાગમાં ગોળ ફરતે ચેઇન હોય છે જે તમે ખોલી નાખો તો તમારું ફુલ પૅન્ટ શૉર્ટ્સમાં કન્વર્ટ થઈ જાય. ઘણાં ટ્રેકિંગ પૅન્ટ ઍન્કલ કફ્સ સાથે આવે છે. હવે આનો ફાયદો એ છે કે જો તમે ટ્રેકિંગ શૂઝની ઉપર ઍન્કલ પર કફ્સ ફિટ બેસાડી દેશો તો અંદર માટી કે કાંકરીઓ નહીં જાય. એ સિવાય જો તમને એમ લાગે કે ગરમી થઈ રહી છે તો તમે કફ્સને આરામથી ઉપર ચડાવી શકો છો, જ્યારે નૉર્મલ પૅન્ટમાં તમારે નીચેથી કપડું વાળીને વારંવાર ઉપર ચડાવવું પડે.’

ફિટિંગ કેવું?
જો તમે એવું માનતા હો કે ટ્રેક પૅન્ટ તો ઢીલુંઢાલું હોય તો સારું, પણ ના. એવું નથી. એનું ફિટિંગ પ્રૉપર હોય એ તમારા દેખાવ માટે તો ઠીક, કમ્ફર્ટ માટે પણ એટલું જ જરૂરી છે એમ જણાવતાં દેવાંશી કહે છે, ‘ટ્રેકિંગ પૅન્ટનું ફિટિંગ વધારે પડતું ટાઇટ ન હોવું જોઈએ નહીંતર એમાં તમે સરખી રીતે મૂવમેન્ટ નહીં કરી શકો. એ વધારે પડતું ઢીલું પણ ન હોવું જોઈએ નહીંતર એમાં હવા ભરાઈને હેવી થઈ જશે જે અડચણરૂપ બનશે. એટલે બેટર રહેશે કે તમે સ્ટોરમાં જ પૅન્ટ પહેરીને ટ્રાય કરી લો કે એમાં તમે સરખી રીતે મૂવમેન્ટ કરી શકો છો. તમારા ઘૂંટણને ઉપર છાતી સુધી લઈ જઈને તમે ચેક કરી શકો કે એમાં તમે સરખી રીતે મૂવમેન્ટ કરી શકો છો કે નહીં. એ સિવાય ઘૂંટણના ભાગેથી પૅન્ટ જલદીથી ફાટવા લાગે છે એટલે ટ્રેકિંગ પર આપણે જઈએ ત્યારે રીઇન્ફોર્સ ની એટલે કે ઘૂંટણના ભાગેથી કપડાનું ડબલ લેયર હોય એવાં ટ્રેકિંગ પૅન્ટ લેવાં જોઈએ.’

ટ્રેક પૅન્ટ એટલે પૅન્ટ, એવું નથી. આ બધી એવી ઝીણી ઝીણી વસ્તુ છે જેનું ધ્યાન લોકો ટ્રેકિંગ પૅન્ટ ખરીદતી વખતે રાખતા નથી અને પૅન્ટની અગવડોને કારણે ટ્રેકને પૂરતું એન્જૉય નથી કરી શકતા.

ચડાણ કરતી વખતે શરીરને ખૂબ જ શારીરિક શ્રમ પડે છે એટલે ટ્રેકિંગ પૅન્ટ જેટલું લાઇટ વેઇટ હશે એટલી તમને ચાલવામાં સરળતા રહેશે. ઘણી વાર આપણે મોટા-મોટા લાંઘા ભરીને પથ્થરોનું ચડાણ કરવાનું હોય છે એવામાં ટ્રેકિંગ પૅન્ટ ઇલૅસ્ટિસિટીવાળું હોય એ ખૂબ જરૂરી છે, નહીંતર એના ફાટવાનું જોખમ રહે છે.
દેવાંશી જોશી

columnists fashion news travelogue