નવરાત્રિ માટે પર્ફેક્ટ રહેશે આ એમ્બ્રૉઇડરીવાળાં ઇઅર-રિંગ્સ

09 September, 2022 08:01 PM IST  |  Mumbai | Aparna Shirish

ગરબા રમતા સમયે લાઇટવેઇટ પણ મોટી અને ફૅશનેબલ દેખાય એવી ઍક્સેસરીઝ ડિમાન્ડમાં હોય છે. હાલમાં મોતીની એમ્બ્રૉઇડરીવાળાં ઇઅર-રિંગ્સ ખૂબ ચાલી રહ્યાં છે

નવરાત્રિ માટે પર્ફેક્ટ રહેશે આ એમ્બ્રૉઇડરીવાળાં ઇઅર-રિંગ્સ

નવરાત્રિમાં ખાસ કરીને યુવતીઓ ફ્યુઝન આઉટફિટ અને એની સાથે શોભે એવી લાઇટવેઇટ જ્વેલરી પહેરવાનું પસંદ કરતી હોય છે. મોટા ભાગે ઑક્સિડાઇઝ્ડ જ્વેલરી વેઇટમાં હેવી હોવા છતાં નવરાત્રિ દરમિયાન ડિમાન્ડમાં હોય છે. આ વર્ષે જોકે માર્કેટમાં કંઈક હટકે આવ્યું છે. બીડ એમ્બ્રૉઇડરી ઇઅર-રિંગ્સ. આ ઇઅર-રિંગ્સ મોટાં દેખાય છે, કલરફુલ હોવાને લીધે હાઇલાઇટ થાય છે અને સૌથી મહત્ત્વની વાત એ લાઇટવેઇટ છે. ચાલો જાણીએ આ નવા ટ્રેન્ડ વિશે વધુ.

હૅન્ડમેડની ડિમાન્ડ
છેલ્લાં કેટલાંક વર્ષોમાં ફૅશન જ્વેલરીની વાત આવે ત્યારે લોકો હૅન્ડમેડને વધુ પ્રાધાન્ય આપતા થયા છે પછી હૅન્ડમેડ વાયર જ્વેલરી હોય કે ટેરાકોટા કે પછી મોતીકામ કરેલી એમ્બ્રૉઇરીવાળી જ્વેલરી. હૅન્ડમેડ જ્વેલરી માસ પ્રોડ્યુસ નથી હોતી, એને કારણે એને આર્ટિસ્ટ એક એક્સક્લુઝિવ ટચ આપે છે. જ્વેલરી તમારા માટે જ બનેલી છે એ જાણ્યા પછી એ પહેરવાની ફીલિંગ જુદી જ છે. અહીં જો બીડ એમ્બ્રૉઇડરી ઇઅર-રિંગ્સની વાત કરીએ તો એ કાપડ કે કૅન્વસના બેઝ પર ઝીણા મોતીનું ભરતકામ કરી બનાવવામાં આવે છે અને એમાં એક્સ્ટ્રા એમ્બેલિશમેન્ટ માટે કોડી, મોતીનાં લટકણ વગેરે લગાવવામાં આવે છે. આ ઇઅર-રિંગ્સ વજનમાં ખૂબ હલકાં હોવાને લીધે એ પહેરવામાં અને ખાસ કરીને પહેરીને ગરબા રમવા માટે આરામદાયક રહે છે. 

અસંખ્ય વેરિએશન 
સિમ્પલ ફ્લાવર્સ અને પત્તીની ડિઝાઇનથી લઈને ફળ, ફ્રૂટ, તમારું ફેવરિટ જન્ક ફૂડ, ગણપતિબાપ્પા, દુર્ગામા, કેટલાક શબ્દો, પૉપકૉર્ન જેવી અનેક ડિઝાઇન આ મોતીનાં ઇઅર-રિંગ્સમાં પૉસિબલ છે. વધુમાં કોઈ આર્ટિસ્ટ મળી જાય તો તમે પોતાના માટે કસ્ટમાઇઝ્ડ ઇઅર-રિંગ્સ પણ બનાવડાવી શકો છો. મોતી સાથે સીક્વન્સ, આભલા, કચ્છી વર્કના પૅચ જેવાં વેરિએશન પણ કરી શકાય. સિલ્કના દોરા કે મેક્રેમના દોરાનાં ફૂમતાં પણ સરસ લાગે છે. 

બીજું શું ટ્રેન્ડમાં? 
આ વર્ષે બીડ એમ્બ્રૉઇડરી ઇઅર-રિંગ જેવી જ લાઇટ વેઇટ અને ફ્યુઝન લુક આપતી જ્વેલરી ઇન છે. મોટા ઇઅર-કફ્સ, કડા, લાંબા નેકલેસ, નોઝ ચેઇન, માથાપટ્ટી વગેરેમાં વજનમાં હલકી પણ હટકે દેખાતી ઍક્સેસરીઝની ડિમાન્ડ છે. હાથફૂલ પણ યુવતીઓ પસંદ કરે છે જે કડા કે બંગડીઓને બદલે પહેરી શકાય. કચ્છી વર્ક કરેલા પૅચ, ગમછાનું કાપડ, પટોળાનું કાપડ વગેરેમાંથી બનાવેલી ફૅબ્રિક બેઝ્ડ જ્વેલરી પણ ઇન ટ્રેન્ડ છે. 

ટિપ |  આ ટાઇપની જ્વેલરી શોધવી હોય તો કોલાબા કોઝવે કે બાંદરાની હીલ રોડ માર્કેટ પહોંચી જાઓ અને ઘેરબેઠાં મગાવવી હોય તો ઇન્સ્ટાગ્રામ પર ચેક કરો. તમને ઘણી સ્મૉલ બિઝનેસ બ્રૅન્ડ્સ મળી જશે જે આવી જ્વેલરી બનાવે છે. 

શું કહે છે ડિઝાઇનર? 
બીડ એમ્બ્રૉઇડરી ઇઅર-રિંગ્સ વિશે જ્વેલરી ડિઝાઇનર નૂપુર જૈન કહે છે, ‘નવરાત્રિની વાત આવે એટલે બધું જ વાઇબ્રન્ટ અને કલરફુલ હોવું જોઈએ અને બીડ જ્વેલરી પણ એવી જ છે. ચણિયાચોળી જેવી જ કલરફુલ અને સ્ટાઇલિશ. વધુમાં એ બાકીની હેવી જ્વેલરી કરતાં વજનમાં હલકી અને પૉકેટ-ફ્રેન્ડ્લી પણ હોય છે એટલે નવરાત્રિમાં એ પહેરીને મન મૂકીને ઝૂમવા માટે શ્રેષ્ઠ રહેશે.’

fashion news fashion navratri columnists