બૂટકટની કલ, આજ ઔર કલ

16 March, 2021 01:10 PM IST  |  Mumbai | Pratik Ghogare

છેલ્લા બે દાયકામાં આ જીન્સે જેટલી વાર કમબૅક કર્યું છે એના પરથી સાબિત થાય છે કે આ પૅટર્ન એવરગ્રીન છે

બૂટકટની કલ, આજ ઔર કલ

થોડા સમય પહેલાં એક ટિકટૉક સ્ટારે હવે પગ પર ટાઇટ બેસી જતું સ્કિની જીન્સ આઉટડેટેડ છે એવી અનાઉન્સમેન્ટ કર્યા બાદ ફૅશનની દુનિયામાં ખાસ્સી ચર્ચા થઈ હતી અને એકાએક ઍક્ટ્રેસિસ અને મૉડલોએ બેલ બૉટમ કે બૂટકટ જીન્સ અપનાવી લીધું. એ જોઈને તો એવું જ લાગે કે બાકીનાં જીન્સ આવે ને જાય પણ બૂટકટ સદાબહાર છે. કરીના કપૂરથી લઈને આલિયા ભટ્ટ અને દીપિકા પાદુકોણથી લઈને મલાઇકા અરોરા સુધી બધા જ આજકાલ આ ફ્લેર્ડ બૉટમ જીન્સ પહેરેલી જોવા મળે છે.
૧૯૭૦ના દાયકામાં ઝીનત અમાને પહેરેલા બેલ બૉટમ પૅન્ટ્સે ૨૦૦૦ની સાલમાં ફરી પાછું કમબૅક કર્યું હતું અને હવે બે દાયકા બાદ ફરી પાછી આ પૅટર્ન હિટ છે. આ જીન્સને જોકે આજની સ્ટાઇલ પ્રમાણે પહેરવાં હોય તો કેટલીક બાબતોને ધ્યાનમાં રાખવી જરૂરી છે.
બેલ બૉટમ કે બૂટકટ જીન્સ રોજબરોજનાં કૉલેજ કે ઑફિસવેઅરથી લઈને પાર્ટીવેઅર સુધી બધે જ સૂટ થઈ શકે એવાં છે. આ વિશે માહિતી આપતાં વિલે પાર્લેની ફૅશન-ડિઝાઇનર રીમા શાહ જણાવે છે, ‘કયું જીન્સ બેસ્ટ છે એવું પૂછવામાં આવે તો જવાબ હોવો જોઈએ કે એવું જીન્સ જે બધે જ અને વારંવાર પહેરી શકાય. અને એ જીન્સ એટલે બૂટકટ. આ એક ઑલપર્પઝ જીન્સ છે. પહેરવામાં આરામદાયક અને કેટલીય રીતે સ્ટાઇલ કરી શકાય એવું.’
છેલ્લાં કેટલાંક વર્ષોથી સ્કિની જીન્સ ખૂબ ટ્રેન્ડમાં હતાં, પણ હવે લૉકડાઉન દરમ્યાન રોજ ઘરમાં પાયજામા અને ઢીલાંઢાલાં આરામદાયક કપડાં પહેરવાની આદતે બૂટકટ જેવી પૅટર્નને ફરી એક વાર હિટ કરી દીધી છે. જોકે આવા જીન્સ સાથે ટૉપ કેવું પહેરવું એ સૌથી મોટો પ્રશ્ન હોય છે. આ વિશે ટિપ્સ આપતાં રીમા શાહ કહે છે, ‘કૅઝ્યુઅલી પહેરો ત્યારે આ જીન્સ સિમ્પલ ટી-શર્ટ સાથે પહેરી શકાય. એ સિવાય ઑફિસમાં ફૉર્મલ લુક માટે બૂટકટ સાથે શર્ટ અને ઓવરકોટ પહેરો. પાર્ટીમાં જવુ હોય તો ટાઇટ ફિટેડ ટૉપ્સ અને હાઈ હીલ્સ પર્ફેક્ટ લુક આપશે.’
ક્રૉપ ટૉપ કે મલાઇકા અરોરા અને ક્રિતી સૅનનની જેમ ઇન કરીને પહેરી શકાય એવું ટાઇટ ટૉપ પણ બેલ બૉટમ સાથે પર્ફેક્ટ લાગશે.
હવે જો આ જીન્સની ડિઝાઇનની વાત કરીએ તો બૂટકટ જીન્સનો ફ્લેર જ એનું મુખ્ય ફીચર છે. જોકે એ ફ્લેર ખૂબ વધુ પણ ન હોવો જોઈએ. પગની પાની કરતાં ફ્લેરની ગોળાઈ વધુ ન હોવી જોઈએ. એ જ રીતે આ જીન્સની લંબાઈ પણ જમીનને અડકતી નથી રાખવાની. વળી આજકાલ હાઈ-વેસ્ટ એટલે ડૂંટીની ઉપરથી પૅન્ટ્સ અને જીન્સ પહેરવાનો ટ્રેન્ડ છે. લંબાઈ જો વધુ રાખવી જ હોય તો હાઈ હીલ્સ પહેરો. સિવાય બેલ બૉટમ પર ફ્લૅટ સૅન્ડલ કે કૅન્વસનાં સ્નીકર્સ પણ સૂટ થશે.

બૉયફ્રેન્ડ પૅટર્ન
બૂટકટ કે ફ્લેર લેગ્ડ જીન્સ ઓલ્ડ ફૅશન ન લાગે એ માટે એમાં રિપ્ડ (ફાટેલી) પૅટર્ન બનાવી શકાય. એ સિવાય પ્રિન્ટેડ ડેનિમ પણ સારું લાગશે અને જ બેલ બૉટમનો આઇડિયા ન જામતો હોય તો સાથળના ભાગથી લઈને પગની ઘૂંટી સુધી એકસરખું ઢીલું હોય એવું જીન્સ ટ્રાય કરો. બૉયફ્રેન્ડ જીન્સ તરીકે ઓળખાતી એ પૅટર્ન પણ ટ્રેન્ડમાં છે.

બૂટકટ જીન્સ પેઅર શેપ એટલે કે કમરથી નીચેનો ભાગ હેવી હોય એવી સ્ત્રીઓ માટે પર્ફેક્ટ ચૉઇસ છે, કારણ કે બૉટમનો ફ્લેર તમારા હેવી હિપ્સ પરથી ધ્યાન હટાવી પર્ફેક્ટ લુક આપે છે - રીમા શાહ, ફૅશન-ડિઝાઇનર

fashion news fashion columnists