હૅન્ડલૂમનો નવતર અવતાર વિશ્વમાં રચી રહ્યો છે નવો ટ્રેન્ડ

07 August, 2021 11:43 AM IST  |  Mumbai | Jigisha Jain

છેલ્લાં કેટલાંક વર્ષોથી ડિઝાઇનરો અને ઑનલાઇન પ્લૅટફૉર્મને કારણે એ દુનિયાના ખૂણે-ખૂણે પહોંચ્યું છે.

હૅન્ડલૂમનો નવતર અવતાર વિશ્વમાં રચી રહ્યો છે નવો ટ્રેન્ડ

ઇન્ડિયન હૅન્ડલૂમ એટલે ખાદીનો કુરતો કે કૉટનની સાડી એેેવું  જ જો તમે માનતા હો તો જાણજો કે બજારમાં આ ઉદ્યોગ એના નવા મૉડર્ન અવતારમાં આવી ગયો છે. છેલ્લાં કેટલાંક વર્ષોથી ડિઝાઇનરો અને ઑનલાઇન પ્લૅટફૉર્મને કારણે એ દુનિયાના ખૂણે-ખૂણે પહોંચ્યું છે. જે યુવાનો દેસી પ્રિન્ટ અને દેસી કાપડથી દૂર ભાગતા હતા એ હવે હૅશટૅગ ગોઇંગ લોકલને ઇનથિંગ માનવા લાગ્યા છે. એક વાત નિશ્ચિત છે કે નજીકના ભવિષ્યમાં હેન્ડલૂમ સસ્તું થવાનું નથી પરંતુ એના કદરદાન ચોક્કસ વધી રહ્યા છે અને આ જ ટ્રેન્ડ રહ્યો તો દિવસે ન વધે એટલા રાત્રે વધશે એની ગૅરન્ટી છે ત્યારે કહી શકાય કે ઇન્ડિયન હૅન્ડલૂમનો સુવર્ણકાળ હવે દૂર નથી

હૅન્ડલૂમની વાત આવે ત્યારે હજી પણ સસ્તામાં મગજમાં ખાદી આવી જાય છે. ડલ અને એક જેવી વર્ષો જૂની ડિઝાઇન્સ યાદ આવે. એ સિવાય મોંઘામાં ગુજરાતી મગજમાં બાંધણી અને પટોળા દેખાય, પરંતુ આજની તારીખે હૅન્ડલૂમની શકલ જ બદલાઈ ગઈ છે. કપડાંમાં તો એકથી ચડિયાતી એક ડિઝાઇન આજે માર્કેટમાં અવેલેબલ છે. ઇન્ડિયન હૅન્ડલૂમ ફૅબ્રિકમાંથી બનાવાતાં વેસ્ટર્ન વેઅર મૉડર્ન યંગસ્ટર્સની પહેલી પસંદ બની રહ્યા છે. કપડાં સિવાય પણ ખૂબ જ સારી ક્વૉલિટીનાં ફૅબ્રિક્સમાંથી બનતી ચાદરો, ટેબલ ક્લોથ્સ, કુશન કવર્સ, પડદા, ટુવાલ, કાર્પેટ, પર્સ, વૉલેટ, બૅગ્સ પણ ખૂબ જ પૉપ્યુલર થતાં જાય છે. આજે નૅશનલ હૅન્ડલૂમ દિવસ છે. ઇન્ડિયન હૅન્ડલૂમ છેલ્લાં કેટલાંક વર્ષોમાં જાણે કે નવો જન્મ લીધો હોય એ રીતે એના નવા જ અવતાર સાથે આપણી સમક્ષ આવ્યું છે. આ એક એવી ઇન્ડસ્ટ્રી બનતી જાય છે જે દર વર્ષે ઉત્તરોત્તર પ્રગતિ કરી રહી છે. આજે ભારતીય હૅન્ડલૂમને થોડું નજીકથી જોવાની કોશિશ કરીએ.
આંકડા શું કહે છે?
ઇન્ડિયન હૅન્ડલૂમ ઇન્ડસ્ટ્રી કુલ કાપડમાંથી ૧૩ ટકા કાપડનું ઉત્પાદન કરે છે જેમાંથી ૧૬ ટકા એક્સપોર્ટ કરે છે. ૨૦૧૯-’૨૦ના સેન્સેક્સ મુજબ કુલ ૩૧.૪ લાખ કારીગર ઘરઘરાઉ હૅન્ડલૂમ પ્રોડક્ટ્સ બનાવે છે. આમ તો ૪૩ લાખથી પણ વધુ લોકો આ ઇન્ડસ્ટ્રીમાં પ્રોડક્શનના કામ સાથે સંકળાયેલા છે. ગ્રામીણ લોકોને કામ આપતી આ બીજી મોટી ઇન્ડસ્ટ્રી છે. આર્થિક વર્ષ ૨૦૨૦માં હૅન્ડલૂમ ઇન્ડસ્ટ્રીનું એક્સપોર્ટ ૩૧૯.૦૨ મિલ્યન યુએસ ડૉલર એટલે કે ૨૩,૬૬,૬૧,૭૯,૬૮૦ રૂપિયા જેટલું હતું. છતાં ૨૦૧૯ અને ૨૦૨૦ની ચોથી વસ્તી ગણતરી મુજબ મોટા ભાગના હાથવણકર મહિને ૫૦૦૦ રૂપિયાથી પણ ઓછું કમાય છે. આ પરિસ્થિતિ પર કામ કરવાની ખાસ્સી જરૂર છે. 
પરંપરા એ જ, લુક મૉડર્ન 
ભારતીય હૅન્ડલૂમને ગ્લૅમરસ અવતાર આપીને એને નવો જ લુક આપનાર ખૂબ જ જાણીતા ડિઝાઇનર ગૌરાંગ શાહ ફક્ત ને ફક્ત હૅન્ડલૂમ કાપડ સાથે જ કામ કરે છે. ફક્ત ઇન્ડિયન હૅન્ડલૂમ સાથે ગ્લોબલ પ્લૅટફૉર્મ પર કામ કરનાર આ ડિઝાઇનરનો હૅન્ડલૂમ માટેનો પ્રેમ અનહદ છે. એની પ્રેરણા વિશે વાત કરતાં તેઓ કહે છે, ‘મારી માને મેં હંમેશાં હૅન્ડલૂમ સાડીમાં જ જોઈ છે. ફક્ત મા જ નહીં, સમગ્ર પરિવાર હૅન્ડલૂમનો ચાહક હતો.’ 
તેમના પિતાનો સાડીનો જ સ્ટોર હતો જ્યાંથી તેમને સાડી પ્રત્યેનો આદર પણ જાગ્રત થયો. તેમણે તેમના જીવવનો પહેલો થાન હૅન્ડલૂમ મટીરિયલનો બનાવડાવ્યો જેમાંથી એની પરંપરા જળવાઈ રહે છતાં એને મૉડર્ન લુક મળે એવી ડિઝાઇન્સ તૈયાર કરી. હૅન્ડલૂમ મટીરિયલમાંથી સાડી બનાવવા માટેની પ્રેરણાના સ્રોત અગણિત છે. એમાં એટલો બધો સ્કોપ છે કે એક ડિઝાઇનર ઘણું-ઘણું કરી શકે એવું તેઓ માને છે. 
ભવિષ્ય ઉજ્જવળ 
ઇન્ડિયન હૅન્ડલૂમ ગ્લોબલ પ્લૅટફૉર્મ પર અત્યારે જઈ રહ્યું છે અને અઢળક યુવાન ડિઝાઇનર્સ પણ પોતાના કામ માટે હૅન્ડલૂમ ફૅબ્રિક વાપરતા થયા છે ત્યારે હૅન્ડલૂમનું ભવિષ્ય તમે શું જુઓ છો? આ પ્રશ્નનો જવાબ આપતાં ગૌરાંગ કહે છે, ‘આજની તારીખે જ્યારે બૉલીવુડ ઍક્ટર્સ, સેલિબ્રિટીઝ અને ઇન્ફ્લુઅન્સર્સ હૅન્ડલૂમના શોખીન બન્યા છે ત્યારે બદલાવ આવવો નિશ્ચિત છે. ખૂબ આનંદ થાય છે જ્યારે આપણા દેશના વણકરોના હાથ બનાવેલા હૅન્ડલૂમ કાપડની આજે ગણના વધી છે. ખરા અર્થમાં એ અમૂલ્ય વિરાસત છે જેને આપણે જાળવવી જોઈએ. કોરોનાકાળમાં ઇન્ટરનેટ થકી હૅન્ડલૂમ વૈશ્વિક રીતે ઘણું વ્યાપ્ત બન્યું છે અને એક ખૂણામાં ઘરે બેસીને કામ કરતો વણકર દુનિયાના કોઈ પણ ખૂણે પોતાનું કામ પહોંચાડી રહ્યો છે. આ એક ક્રાન્તિથી ઓછું નથી. હૅન્ડલૂમનો સુવર્ણકાળ ખૂબ નજદીક છે.’ 
જૂનું એ શ્રેષ્ઠ 
ભુલેશ્વરની ૧૧૧ વર્ષ જૂની ખત્રી જમનાદાસ બેચરદાસની દુકાન આજે તેમની ચોથી પેઢી ચલાવી રહી છે. બાંધણી અને પટોળા સિવાય બનારસી સેલા અને બંધેજ માટે જાણીતા એવા ખત્રી, ઑનલાઇન પણ હૅન્ડલૂમ સાડી અને મટીરિયલ તથા રેડીમેડ વેઅર વેચે છે. દેશની બહાર પણ એક્સપોર્ટ કરે છે. એ વિશે વાત કરતાં ખત્રી જમનાદાસ બેચરદાસના માલિક રિખવ ખત્રી કહે છે, ‘હૅન્ડલૂમ કાપડની દેશ બહાર પણ ખૂબ માગ છે. એનઆરઆઇ ગુજરાતીઓમાં તો હજી પણ ઠેઠ ટ્રેડિશનલ ડિમાન્ડની માગ વધુ છે. જેમ કે અહીંના ગુજરાતીઓ ઘરચોળામાં મૉડર્ન ડિઝાઇન માગતા હોય છે, જ્યારે બહારના ગુજરાતીઓ પ્રાચીનકાળમાં ચાલતું ચોકડાવાળું ઘરચોળું જ માગે છે. ટ્રેડિશનલ પ્રિન્ટ્સ અને હૅન્ડલૂમ કાપડની માગ ક્યારેય ઓછી નહોતી અને ક્યારેય ઓછી થશે નહીં.’
મોંઘું કેમ? 
આજની તારીખે હૅન્ડલૂમ ક્લાસની નિશાની છે. જો તમે કૉટન સાડી પહેરીને નીકળ્યા હો તો ખૂબ ગરવા લાગો. પહેલાંના સમયમાં સ્ત્રીઓ ઘરમાં કૉટનની સાડી પહેરતી. માસમાંથી હવે હૅન્ડલૂમ ક્લાસ તરફ ઢળ્યું છે. હજી પણ દાદીમાને કહો કે પાંચ હજારની કૉટન સાડી લીધી છે તો તે કહેશે, પાંચ હાજર કૉટનમાં નખાતા હશે! પરંતુ હવે લોકો હૅન્ડલૂમ પર ખર્ચ કરતા થયા છે. જો કે હૅન્ડલૂમ ખૂબ મોંઘું થતું જ જાય છે. એ વિશે વાત કરતાં રિખવભાઈ કહે છે, ‘જે હાથવણકર છે તેમને પોતાની આર્ટનું મહત્ત્વ સમજાયું છે. એટલે તેઓ હવે વધુ પૈસા ચાર્જ કરતા થયા છે. હાથવણકરના ઘરમાં બાળકો ભણવા લાગ્યાં. તેમની પારંપરિક આર્ટને કઈ રીતે વેચવી એ હવે તેમને આવડે છે. બીજું એ કે ફક્ત તેમની આર્ટનું જ નહીં, પરંતુ તેમના સમયનું પણ એ મૂલ્ય છે. એક પીસ બનાવતાં એક મહિનો લાગતો હોય તો પછી એ પીસની કિંમત વધુ જ હોવાની એમાં કોઈ શંકા નથી. ભવિષ્યની વાત કરીએ તો હૅન્ડલૂમ ક્યારેય હવે સસ્તું નહીં થાય પરંતુ એના કદરદાનો વધશે એ નક્કી છે.’ 

કઈ રીતે વધારવું આકર્ષણ? 
આજની તારીખે એવાં ઘણાં ઑનલાઇન પ્લૅટફૉર્મ છે જે યુવાનોને ગમે એવી ડિઝાઇનની હૅન્ડલૂમ પ્રોડક્ટસ વેચે છે. એ દેખાવમાં એકદમ મૉડર્ન છે પરંતુ બનાવટમાં એકદમ દેસી, જે આજના યુવાનોને ઘણું આકર્ષે છે. આવી જ એક વેબસાઇટ છે સૂતા. મુંબઈમાં બેઝ્ડ આ કંપની ૨૦૧૬માં શરૂ થઈ. એ સાડીઓ અને બ્લાઉઝ બનાવે છે. તેમની મોટા ભાગની પ્રોડક્ટ્સ હૅન્ડલૂમ જ હોય છે. પાંચ જ વર્ષની આ કંપનીની વર્થ ૩૩ કરોડ રૂપિયા થઈ ગઈ છે, જે ચલાવનારી બે બહેનો સુજાતા અને તાન્યાએ આ કંપની શરૂ કરી ત્યારે તેમના મનમાં હૅન્ડલૂમ કાપડ જ હતું. એનું કારણ જણાવતાં મોટી બહેન સુજાતા કહે છે, ‘અમે એવી પ્રોડક્ટ બનાવવા માગતા હતા જે દુનિયામાં કાર્બન ફૂટપ્રિન્ટને ઘટાડે. કુદરતને કોઈ રીતે નુકસાન ન કરે. નૅચરલ ડાઇ, નૅચરલ વસ્તુઓમાંથી જ બને. આ સિવાય અમારે હૅન્ડલૂમને દરેક વ્યક્તિ સુધી પહોંચાડવું હતું. એટલું મોંઘુ નહોતું બનાવવું કે જેથી એ ફક્ત અમીર લોકો સુધી જ રહે એટલે અમે રીઝનેબલ પ્રોડક્ટ્સ બનાવી.’ 
આ વાતને આગળ વધારતાં તાનિયા કહે છે, ‘યુવાનોને જે આકર્ષે છે એ છે સિમ્પલ ડિઝાઇન્સ. તેમને ગમે કમ્ફર્ટ. તો અમે સાડીને હલકી-ફૂલકી બનાવી જેથી તેઓ સરળતાથી પહેરી શકે. એક સમય હતો જ્યારે સાડી ફક્ત વડીલો જ પહેરતા. આજે કૉલેજ જતી ૧૮-૨૦ વર્ષની કે ઑફિસ જતી પ્રોફેશનલ છોકરી પણ સાડી પહેરે છે અને એ લુક અત્યારે મૉડર્ન ગણાય છે. એક સમય હતો જ્યારે સિમ્પલ કૉટન સાડીઓ લગ્નમાં કોઈ પહેરતું નહીં. અમે એ સાડીને એવો ઓપ આપ્યો કે આજે ઘણી સ્ત્રીઓ લગ્નોમાં પણ કૉટન સાડી પહેરવા લાગી છે.’ 
ક્રીએટિવિટીનો સ્કોપ અઢળક 
જૂની પરંપરાગત હૅન્ડલૂમ કારીગરી અને ડિઝાઇનમાં નવું કરવાનો કે વિચારવાનો સ્કોપ કેટલો હોઈ શકે એવું પહેલી નજરે લાગતું હોય છે, પરંતુ એવું છે નહીં. સ્કોપ તો અઢળક છે. હૅન્ડલૂમ મટીરિયલની સાડી પર પોતાની ક્રીએટિવિટીથી ગૌરાંગ શાહ ફાઇન આર્ટ્સ, પેઇન્ટિંગ્સ, વિઝ્યુઅલ ઇમેજ, અજંતાની ગુફાઓમાંની છબિઓ, મુગલ સમયની જ્યૉમેટ્રિક પૅટર્ન કે પછી બનારસી સાડી પર રિચ ફ્લોરલ ઇમેજ લઈને કામ કરે છે જે પોતાનામાં ખૂબ રૉયલ લુક આપે છે અને એ હૅન્ડલૂમ સાથેનો એક યુનિક એક્સપરિમેન્ટ છે. પોતાના એક્સપરિમેન્ટ વિશે વાત કરતાં ગૌરાંગ શાહ કહે છે, ‘મને એક્સપરિમેન્ટ કરવા ખૂબ ગમે છે. ક્રીએટિવ વિઝનમાં હું ફૅબ્રિકની પસંદગીની સાથે રાઇટ ટેક્સ્ચર કઈ રીતે બનાવવું અને એમાં નૅચરલ કલર્સ ઉમેરીને એવું બનાવવાનું પસંદ કરું છું જે દરેક સ્ત્રીને આકર્ષે. મને કૉટન કે સિલ્કમાં પ્યૉર જરીનું કામ ગમે છે. હું જુદા-જુદા ટેક્સ્ચર સાથે પણ રમું છું. જેમ કે સાડીનું બેઝિક ફૅબ્રિક ઑર્ગેન્ઝા હોય, એની બૉર્ડર સિલ્કની હોય અને પાલવ સૅટિન હોય તો એકસાથે ત્રણ પ્રકારને ટેક્સ્ચર મળે. આ સિવાય મેં એકસાથે પાંચ જુદા-જુદા પ્રકારની બૉર્ડરનો ઉપયોગ કરીને પણ સાડી બનાવી છે. કલમકારી જે વર્ષોથી નિશ્ચિત કલર્સમાં જ આવે છે એને અમે એકદમ ભળતા જ બ્રાઇટ કલરમાં બનાવી. કોટા સાડીમાં અમે ઑફ-વાઇટ, ચૉકલેટ અને બ્લૅક રંગ વાપર્યા હતા અને મુગલ બુટીઝ લગાડી હતી. અમારી સૌથી ફેમસ ડિઝાઇન હતી મોટી બૉર્ડર્સવાળી સાડીઓ જે જૂની ડિઝાઇનથી સાવ વિપરીત હતી. મારો અનુભવ સૂચવે છે કે હૅન્ડલૂમ આર્ટની ગરિમાને અને પરંપરાને સાચવીને પણ એની અંદર ઘણો સ્કોપ છે જુદું-જુદું વિચારવાનો અને બનાવવાનો.

 ગુજરાતીઓ ઘરચોળામાં મૉડર્ન ડિઝાઇન માગતા હોય છે, જ્યારે બહારના ગુજરાતીઓ પ્રાચીન કાળમાં ચાલતું ચોકડાવાળું ઘરચોળું જ માગે છે. ટ્રેડિશનલ પ્રિન્ટ્સ અને હૅન્ડલૂમ કાપડની માગ ક્યારેય ઓછી નહોતી અને ક્યારેય ઓછી થશે નહીં - રિખવ ખ‌ત્રી, ત્રી જમનાદાસ બેચરદાસ, ભુલેશ્વર

સુતાની શરૂઆતથી જ પોતાની સાડીઓનું મૉડલિંગ એની માલિક સુજાતાએ જ કર્યું છે અને તાનિયાએ એની ફોટોગ્રાફી કરી છે. સુજાતાના મૉડર્ન લુક પર શોભતી હૅન્ડલૂમની સાડીઓને કારણે ઘણી યુવાન છોકરીઓએ સાડી પહેરવાનું શરૂ કર્યું છે જે એક મોટો બદલાવ છે. સુજાતા અને તાનિયા બન્નેના પહેલા અક્ષરથી બનેલી બ્રૅન્ડ સુતા સાથે આજે દેશના લગભગ ૧૫,૦૦૦ હાથવણકરો જોડાયેલા છે જે તેમના માટે કામ કરે છે. 

આ સાડીઓ પર રાજા રવિ વર્માનાં ચિત્રો છે જે એના પર દોરાથી વણાયેલાં છે. આ કલેક્શન વેચાણ માટે બનાવવામાં નથી આવ્યું, પરંતુ એને જગતભરનાં જુદાં-જુદાં મ્યુઝિયમોમાં એક્ઝિબિશન અર્થે મોકલવામાં આવશે. ઇન્ડિયન આર્ટને ગ્લોબલ પ્લૅટફૉર્મ પર શો-કેસ કરવાનું આનાથી સારું માધ્યમ શું હોઈ શકે?

ગૌરાંગ શાહે ડિઝાઇન કરેલી સાડીમાં તાપસી પન્નુ,

 

યુવાનોને જે આકર્ષે છે એ છે સિમ્પલ ડિઝાઇન્સ. તેમને ગમે કમ્ફર્ટ. તો અમે સાડીને હલકી-ફૂલકી બનાવી જેથી તેઓ સરળતાથી પહેરી શકે. એક સમય હતો જ્યારે સાડી ફક્ત વડીલો જ પહેરતા. આજે કોલેજ જતી ૧૮-૨૦ વર્ષની કે ઑફિસ જતી પ્રોફેશનલ છોકરી પણ સાડી પહેરે છે અને એ લુક અત્યારે મૉડર્ન ગણાય છે
તાનિયા, સૂતા 

fashion news fashion columnists Jigisha Jain