ઠંડીમાં સ્કાર્ફ પણ પહેરો સ્ટાઇલથી

26 January, 2024 07:32 AM IST  |  Mumbai | Heena Patel

સ્ટનિંગ દેખાવા માટે એક્સપેન્સિવ આઉટફિટ ખરીદવાને બદલે તમારા આઉટફિટમાં એક સ્કાર્ફ ઍડ કરી દેશો તો તમારો લુક આપોઆપ સ્ટાઇલિશ બની જશે

પ્રતીકાત્મક તસવીર

કહેવા માટે તો સ્કાર્ફ એ એક સિમ્પલ કપડાનો ટુકડો છે, પણ એને તમારા આઉટફિટ સાથે સ્ટાઇલ કરવાનું કામ થોડું અઘરું છે, કારણ કે સ્કાર્ફને સાચી રીતે પહેરવામાં આવે તો જ એ તમને સ્ટાઇલિશ લુક આપશે. જનરલી સ્કાર્ફને ગર્લ્સના આઉટફિટ સાથે જોડીને જોવામાં આવે છે પણ એવું નથી, સ્કાર્ફને બૉય્ઝ પણ પહેરી શકે છે પણ એ માટે કેટલીક વાતોનું ધ્યાન રાખવું 
જરૂરી છે

સ્ટનિંગ દેખાવા માટે એક્સપેન્સિવ આઉટફિટ ખરીદવાને બદલે તમારા આઉટફિટમાં એક સ્કાર્ફ ઍડ કરી દેશો તો તમારો લુક આપોઆપ સ્ટાઇલિશ બની જશે, પણ એ માટે તમને સ્કાર્ફ પહેરવાનો રાઇટ વે ખબર હોવો જોઈએ. જો તમને એમ લાગતું હોય કે સ્કાર્ફને ફક્ત ગળે વીંટાળીને તમારું કામ થઈ જશે તો એ તમારી ભૂલ છે, કારણ કે સ્ટાઇલિશ લુક મેળવવા માટે સ્કાર્ફને રાઇટ વેમાં સ્ટાઇલ કરવો પણ એટલો જ જરૂરી છે. માર્કેટમાં વિવિધ ફૅબ્રિક, શેપ, સાઇઝના સ્કાર્ફ અવેલેબલ છે એટલે એ વિશેની માહિતી તમારી પાસે હોવી જરૂરી છે. તો જ તમે તમારી જરૂરિયાત અને સીઝનના હિસાબે સ્કાર્ફ સિલેક્ટ કરી શકશો. 

સિલેક્શન કઈ રીતે?
તમે જોશો તો માર્કેટ0માં લંબચોરસ, ચોરસ, ત્રિકોણ અને જેના છેડા ન હોય એવા ગોળ શેપના સ્કાર્ફ હોય છે. આ ચારેય શેપના સ્કાર્ફમાંથી કેવા પ્રકારનો સ્કાર્ફ લેવો જોઈએ એ તમારી જરૂરિયાત પર ડિપેન્ડ કરે છે. આ વિશે વધુ માહિતી આપતાં ફૅશન સ્ટાઇલિસ્ટ ખ્યાતિ ધામી કહે છે, ‘જે લંબચોરસ સ્કાર્ફ હોય છે એ સ્પેશ્યલી તમારે ત્યારે યુઝ કરવો જોઈએ જ્યારે તમારે ફક્ત નેક નહીં પણ નીચેના ભાગને પણ કવર કરવો હોય. આ પ્રકારના સ્કાર્ફને તમે શ્રગ, જૅકેટની જેમ સ્ટાઇલ કરી શકો છો. હવે જે ચોરસ સ્કાર્ફ છે એનો યુઝ તમે ગળાની આસપાસ વીંટાળવા માટે કરી શકો છો. આ સ્કાર્ફને તમે ડિફરન્ટ વેમાં સ્ટાઇલ કરી શકો જેમ કે ક્લાસિક નૉટ, ચોકર ડ્રેપ વગેરે. સ્ક્વેર શેપના સ્કાર્ફનો ઉપયોગ તમે માથું ઢાંકવા માટે પણ કરી શકો છો. એ સિવાય ઍક્સેસરી તરીકે પણ એનો યુઝ થઈ શકે જેમ કે તમે એને પર્સ પર બાંધી શકો. ત્રિકોણ શેપના સ્કાર્ફનો ઉપયોગ તમે નેક સ્કાર્ફ અને હેડબૅન્ડ તરીકે કરી શકો છો. તમે આને ગળામાં એ રીતે પણ ડ્રેપ કરી શકો જેમાં તમારો છાતીનો ભાગ અથવા તો પીઠનો ભાગ ઢંકાઈ જાય. તમે એને કમર પર પણ બાંધી શકો જેથી હિપનો ભાગ ઢંકાઈ જાય. ઇન્ફિનિટી સ્કાર્ફ એટલે કે એવો સ્કાર્ફ જેમાં બે છેડા ન હોય. આ ગોળ શેપના સ્કાર્ફ સ્પેશ્યલી ગળામાં વીંટાળવા માટે જ હોય છે. આ બધા ટાઇપના સ્કાર્ફ ડિફરન્ટ સાઇઝમાં આવે છે. તમારા સ્કાર્ફની જેટલી સાઇઝ હોય એ પ્રમાણે તમે એને ડિફરન્ટ રીતે સ્ટાઇલ કરી શકો.’ 

ક્યાં પહેરવાનો છે?
સ્કાર્ફ પહેરતી વખતે ઓકેઝનનું પણ ધ્યાન રાખવું જરૂરી છે એમ જણાવતાં ખ્યાતિ ધામી કહે છે, ‘જો તમારે બીચ પર જવા માટે રેડી થવાનું હોય તો તમારે પ્રિન્ટેડ સ્કાર્ફ પસંદ કરવા જોઈએ. ખાસ કરીને વાઇટ, બ્લુ, ગ્રીન કલરના સ્કાર્ફ. આ સ્કાર્ફને તમે બિકીની સ્ટાઇલમાં અથવા તો નીચેના ભાગને કવર કરવા અથવા તો તડકાથી બચવા માથાને કવર કરવા માટે કરી શકો છો. જો તમારે નાઇટ ડેટ કે કૉકટેલ પાર્ટીમાં જવાનું હોય તો તમે એમ્બેલિશ્ડ સ્કાર્ફ પહેરી શકો છો જેમાં સીક્વન વર્ક, બીડ વર્ક, મિરર વર્ક એટલે કે જેમાં શિમરી એલિમેન્ટ હોય. જો તમારે ઑફિસમાં સ્કાર્ફ પહેરીને જવું હોય તો તમે સિલ્ક, કૉટન કે શિફોનના સ્કાર્ફ પહેરીને જઈ શકો જે લાઇટ વેઇટ, બ્રીધેબલ અને કમ્ફર્ટેબલ હોય છે. સાથે જ ન્યુટ્રલ કલર અને સટલ પૅટર્નના સ્કાર્ફ પ્રિફર કરવા જોઈએ જે વધારે પડતા નોટિસેબલ ન હોય અને તમારા આઉટફિટ સાથે પર્ફેક્ટ્લી બ્લેન્ડ થઈ જાય. ફૅબ્રિકની વાત કરીએ તો તમને ડિફરન્ટ ફૅબ્રિકના સ્કાર્ફ મળી રહેશે જેમ કે કૉટન, સિલ્ક, શિફોન, સૅટિન, પશ્મીના, વુલ વગેરે. જેમ કે સમર સીઝન હોય તો એમાં તમે કૉટન, શિફોન, સિલ્કના સ્કાર્ફ યુઝ કરી શકો; જે લાઇટવેઇટ હોય છે. ઠંડીની સીઝનમાં તમે પશ્મીના, વુલ પર પસંદગી ઉતારી શકો.’

ગર્લ્સ માટે સ્ટાઇલિંગ ટિપ્સ


જો તમે ઈઝી અને ફાસ્ટ પણ ક્રીએટિવ વેમાં ગળામાં સ્કાર્ફ પહેરવા ઇચ્છતા હો તો તમે વીંટીનો યુઝ કરીને એ પહેરી શકો છો. જેમ કે એક ચોરસ સિલ્કના સ્કાર્ફને તમે પાછળથી ગળામાં પહેરીને આગળથી નીચે લટકતા બે છેડાને એક એક કરીને વીંટીમાં નાખી દો અને પછી તેને ખેંચીને ઉપરની તરફ લઈ જાઓ એટલે તમારે સ્કાર્ફને ટાઇ કરવાની જરૂર ન પડે અને વીંટીને કારણે સ્કાર્ફ વધુ સ્ટાઇલિશ દેખાય. વીંટી કાઢ્યા વગર સેમ સ્કાર્ફને તમે ઉપરની તરફ લઈ જઈને માથા પર હેરબૅન્ડની જેમ પહેરી શકો અને સ્કાર્ફના બે લટકતા છેડાને નીચે લઈ જઈને બાંધી શકો. 
તમારી પાસે મોટો લંબચોરસ કૉટનનો પ્લેન સ્કાર્ફ હોય તો તમે એમાંથી જૅકેટ જેવું બનાવીને પહેરી શકો છો. એ માટે સૌથી પહેલાં સ્કાર્ફને ફોલ્ડ કરીને એના બે છેડા ભેગા કરો. ફરી એક વાર એ સ્કાર્ફને ફોલ્ડ કરીને એના છેડા ભેગા કરો. હવે આ ભેગા કરેલા છેડાને ઉપરથી રબરથી બાંધી લો. એટલે બે સ્લીવ્ઝ જેવું બનીને રેડી થઈ જશે. આને તમે જૅકેટની જેમ પહેરી શકો છો.
જો તમારે સ્કાર્ફને ખભા ફરતે શૉલની જેમ વીંટાળવો હોય, પણ એમાં પણ થોડી હટકે સ્ટાઇલ જોઈતી હોય તો તમે આ રીતે એને ડ્રેપ કરી શકો. સૌથી પહેલાં તો સ્કાર્ફ ખભા પર વીંટાળીને એની બંને સાઇડ આગળની તરફ લઈને આવો. હવે તમારી ચેસ્ટ પર સ્કાર્ફના જે બંને ભાગ આવે છે એને રબરથી બાંધી લો. એ પછી સ્કાર્ફને ઊલટો કરીને એને ગળામાં ભરાવી પહેરી લો. તમે ઇચ્છો તો રબરથી બાંધેલો જે ભાગ છે એને ખભા પર પણ લઈ શકો છો. 

બૉય્ઝ આ રીતે સ્ટાઇલ કરે સ્કાર્ફ


જનરલી સ્કાર્ફનું નામ પડે એટલે એમ કહેવાય કે એ તો છોકરીઓ પહેરે, પણ એવું નથી. છોકરાઓ પણ એનો યુઝ કરીને સ્ટાઇલિશ દેખાઈ શકે છે. ફરક એટલો છે કે છોકરાઓ પર અમુક સિલેક્ટેડ કલર અને પ્રિન્ટના સ્કાર્ફ જ સૂટ થાય તેમ જ એને લિમિટેડ વેમાં જ સ્ટાઇલ કરી શકે. એટલે તેમણે બ્લૅક, ગ્રે અથવા નેવી બ્લુ કલરના સ્કાર્ફ પ્રિફર કરવા જોઈએ. આ એક સેફ ઑપ્શન છે. તમે લૉન્ગ સ્લીવ્ઝનાં ટી-શર્ટ કે પછી જૅકેટ સાથે પણ સ્કાર્ફ પહેરી શકો છો. હંમેશાં ભારેભરખમ જૅકેટ સાથે હેવી અને હળવા જૅકેટ સાથે લાઇટ સ્કાર્ફ પહેરવા જોઈએ. તમે ફૉર્મલ સૂટ કે ટી-શર્ટ સાથે સિલ્કના પ્રિન્ટેડ સ્ક્વેર શેપના સ્કાર્ફ પહેરી શકો, પણ એ માટે તમારી ફૅશન સેન્સ સારી હોવી જોઈએ. 

સ્કાર્ફને તમે સિમ્પલ રીતે ગળા ફરતે વીંટાળવાને બદલે એને થોડી જુદી પણ ઈઝી રીતથી પણ પહેરી શકો. જેમ કે પહેલાં સ્કાર્ફને પાછળથી ગળામાં પહેરો. આગળથી એક બાજુ નાની અને બીજી બાજુ મોટી રાખો. હવે જે મોટી બાજુ છે ત્યાંથી સ્કાર્ફને ગળા ફરતે વીંટાળીને એનો છેડો ફરી આગળની બાજુ લઈને આવો. આગળથી તમારા બંને છેડા એકસરખા રહેવા જોઈએ. 
લંબચોરસ સ્કાર્ફને બે સરખા ભાગમાં ફોલ્ડ કરીને એને પાછળથી ગળામાં પહેરો. હવે આગળની સાઇડથી જે છેડાનો ભાગ છે એને બીજી તરફના વાળેલા ભાગમાંથી બહાર કાઢો. આમ તમારી ક્લાસિક સ્કાર્ફ નૉટ રેડી છે. 

વધુ એક સ્ટાઇલની વાત કરીએ તો તમે સ્કાર્ફને ગળામાં પહેરી આગળની બાજુથી સ્કાર્ફના બે છેડાને ભેગા કરીને નીચે ગાંઠ વાળી લો. હવે સ્કાર્ફને ટ્વિસ્ટ કરીને તમે ગળામાં પહેરી શકો છો. 

life and style fashion news columnists