સ્કિન ઍન્ગ્ઝાયટી : જ્યારે મનની ચિંતા ચહેરા પર દેખાવા લાગે

27 April, 2026 02:28 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

શું તમે તમારી ત્વચાને જોઈને સ્ટ્રેસમાં આવી જાઓ છો અને આ સ્ટ્રેસ તમારી ત્વચાને વધુ ટ્રિગર કરે છે? જો હા, તો તમે સ્કિન ઍન્ગ્ઝાયટીના ચક્રમાં ફસાયા છો જેમાંથી બહાર નીકળવા સજાગતાપૂર્વક કેટલાંક પગલાં લેવાં જરૂરી છે

પ્રતીકાત્મક તસવીર

આધુનિક સમયમાં આપણે શારીરિક ફિટનેસ અને ડાયટ પર જેટલું ધ્યાન આપીએ છીએ એટલું જ મહત્ત્વ માનસિક સ્વાસ્થ્યનું પણ છે. જોકે શું તમે જાણો છો કે તમારો તનાવ માત્ર તમારા મનને જ નહીં, તમારી ત્વચાને પણ નુકસાન પહોંચાડે છે? મેડિકલ સાયન્સમાં આ સ્થિતિને સ્કિન ઍન્ગ્ઝાયટી તરીકે ઓળખવામાં આવે છે. આ એક એવું ચક્ર છે જ્યાં માનસિક તનાવ ત્વચાની સમસ્યાઓ સર્જે છે અને ખરાબ ત્વચા વ્યક્તિની માનસિક ચિંતામાં વધારો કરે છે.

શું છે આ સ્કિન ઍન્ગ્ઝાયટી?

જ્યારે આપણે સતત ચિંતા કે તનાવમાં હોઈએ છીએ ત્યારે આપણું શરીર કૉર્ટિઝોલ નામનું હૉર્મોન રિલીઝ કરે છે. આ હૉર્મોન ત્વચામાં તેલનું પ્રમાણ વધારે છે જેને કારણે ખીલ, સોજો અથવા લાલાશ જેવી સમસ્યાઓ થાય છે. સ્કિન ઍન્ગ્ઝાયટી એ માત્ર મેડિકલ કન્ડિશન નથી, એક મનોવૈજ્ઞાનિક સ્થિતિ છે જેમાં વ્યક્તિ પોતાની ત્વચાના દેખાવને લઈને સતત અસુરક્ષિતતા અનુભવે છે.

સ્કિન ઍન્ગ્ઝાયટીનું વિષચક્ર

ચક્રની શરૂઆત ત્વચા પર દેખાતી કોઈ નાની સમસ્યાથી થાય છે. જેમ કે એક ખીલ, ડાઘ અથવા સામાન્ય લાલાશ. ઘણી વાર આ ફેરફાર એટલો મોટો નથી હોતો, પણ એ ચિંતા જન્માવવા માટે પૂરતો હોય છે. તમે અરીસામાં વારંવાર તમારી ત્વચા ચેક કરવા લાગો છો. તમે ત્વચાની નાની-નાની ખામીઓને પણ મોટી માનવા લાગો છો, જેનાથી મનમાં સતત તનાવ ઊભો થાય છે. જ્યારે તમે ચિંતિત હો ત્યારે શરીર કૉર્ટિઝોલ જેવાં સ્ટ્રેસ-હૉર્મોન્સ રિલીઝ કરે છે. આ હૉર્મોન્સ ત્વચામાં તેલનું પ્રમાણ વધારે છે. એનાથી શરીરમાં ઇન્ફ્લમેશન વધે છે. પરિણામે ખીલ, ખંજવાળ કે એક્ઝિમા જેવી સમસ્યાઓ વધી જાય છે. ચિંતામાં આવીને ઘણા લોકો ત્વચાને સતત અડ્યા કરે છે અથવા ખીલને ફોડવાનો પ્રયત્ન કરે છે. આનાથી બૅક્ટેરિયા ફેલાય છે અને ત્વચા પર કાયમી ડાઘ કે ઇન્ફેક્શન થવાનું જોખમ વધે છે. ત્વચા ખરાબ દેખાવાના ડરથી વ્યક્તિ લોકોમાં જવાનું ટાળે છે અથવા ફોટો પડાવવાનું બંધ કરી દે છે. આનાથી આત્મવિશ્વાસ ઘટે છે અને લોકો શું વિચારશે એની ચિંતા ફરીથી વધે છે.

આ સ્થિતિમાંથી બહાર કેવી રીતે નીકળવું?

સ્કિન ઍન્ગ્ઝાયટી સામે લડવા માટે માત્ર મોંઘી ક્રીમ કે સીરમ પૂરતાં નથી. એના માટે જીવનશૈલીમાં ફેરફાર જરૂરી છે.

માઇન્ડફુલનેસ અને મેડિટેશન : દિવસમાં માત્ર ૧૦-૧૫ મિનિટ ધ્યાન ધરવાથી કૉર્ટિઝોલનું સ્તર નીચું લાવી શકાય છે. મન શાંત હશે તો ત્વચા આપોઆપ ચમકવા લાગશે.

સ્કિનકૅર રૂટીનને સરળ બનાવો : ઘણી વાર ચિંતામાં આપણે વધુપડતી પ્રોડક્ટ્સ વાપરવા લાગીએ છીએ. એને બદલે લેસ ઇઝ મોરનો સિદ્ધાંત અપનાવો. હળવું ક્લેન્ઝર અને મૉઇશ્ચરાઇઝર પૂરતું છે.

સોશ્યલ મીડિયાથી અંતર : ઇન્સ્ટાગ્રામ પર ફિલ્ટર કરેલા ફોટો જોઈને પોતાની તુલના કરવી બંધ કરો. વાસ્તવિક ત્વચામાં છિદ્રો અને ડાઘ હોવાં સ્વાભાવિક છે.

જો સમસ્યા ગંભીર હોય તો માત્ર ડર્મેટોલૉજિસ્ટ જ નહીં, કાઉન્સેલરની મદદ લેવામાં પણ અચકાવું જોઈએ નહીં. તમારી ત્વચા તમારા આંતરિક સ્વાસ્થ્યનો અરીસો છે. સ્કિન ઍન્ગ્ઝાયટીમાંથી મુક્તિ મેળવવાનો શ્રેષ્ઠ માર્ગ છે સ્વ-સ્વીકાર. જ્યારે તમે તમારી જાતને પ્રેમ કરવાનું શરૂ કરશો ત્યારે તનાવ ઘટશે અને એની હકારાત્મક અસર તમારા ચહેરા પર કુદરતી ગ્લો તરીકે દેખાશે.

fashion fashion news skin care life and style lifestyle news columnists