સિમ્પલ ડ્રેસિંગ ઉચ્ચ વિચાર

16 May, 2022 02:16 PM IST  |  Mumbai | Aparna Shirish

સાયન્સ કહે છે કે કયાં કપડાં પહેરવાં એ નિર્ણય લેવા માટે પણ મગજે બહુ નહીં તો થોડી એનર્જી ખર્ચવી જ પડે છે. વર્લ્ડના પ્રખ્યાત યંગ લીડર્સ રોજ સવારે પોતાની આ એનર્જી બચાવવા શું કરે છે એ જાણી લો

માર્ક ઝકરબર્ગ

ક્યારેય વિચાર્યું છે કે ફેસબુકના સીઈઓ માર્ક ઝકરબર્ગ હંમેશાં એકના એક ગ્રે ટી-શર્ટમાં જ કેમ જોવા મળે છે? આટલા મોટા ઑન્ટ્રપ્રનર પાસે શું કપડાં ખરીદવા માટે સમય નહીં હોય? કે પછી તેમને પોતાની પર્સનાલિટી અને દેખાવની કંઈ પડી નથી? આ પ્રશ્ન તેમને અનેક વાર લોકોએ પૂછ્યો પણ છે. એક વાર તેમણે આ વાતનો ખુલાસો આપતાં કહ્યું હતું કે ‘સાઇકોલૉજી પ્રમાણે નાનામાં નાના નિર્ણયો લેવા માટે તમારી એનર્જી ખર્ચાય છે. એમાં રોજ ઊઠીને શું ખાવું અને શું પહેરવું એ પણ સામેલ છે. આવી વાતો પર સમય ન બગાડું તો હું લાઇફમાં બીજા સારા નિર્ણયો લઈ શકીશ જે મારી કંપની અને સમાજ માટે ફાયદાકારક હશે.’ 
ઍપલના ભૂતપૂર્વ સીઈઓ સ્વર્ગીય સ્ટીવ જૉબ્સ પણ હંમેશાં બ્લેક ટી-શર્ટ અને બ્લુ જીન્સ પહેરતા. મુકેશ અંબાણીની જ વાત કરીએ તો તેઓ હંમેશાં સિમ્પલ ડ્રેસિંગમાં જોવા મળે છે. અહીં એક વાત સાબિત થાય છે કે પાવરફુલ લીડર્સ પોતાના લુકને નહીં, પોતાના કામને અને વિચારોને હાઇલાઇટ કરવા માગે છે. આ વિશે વાત કરતાં ફૅશન-ડિઝાઇનર પરિણી ગાલા કહે છે, ‘ઑફિસમાં તમારું ડ્રેસિંગ નહીં, તમારા કામ અને તમારા શબ્દોનો વટ પડવો જોઈએ. તમારાં કપડાં તમારા વિચારો અને તમારા કામને ઓવરપાવર કરે એવાં ન હોવાં જોઈએ. રંગબેરંગી કપડાં પહેરીને જો પ્રેઝન્ટેશન આપશો તો તમારા શબ્દો પર કોઈનું ધ્યાન જશે જ નહીં અને તમારું ડ્રેસિંગ લોકોને ડિસ્ટ્રેક્ટ કરશે એ વાત જુદી.’
કેવું હોવું જોઈએ ઑફિસ-ડ્રેસિંગ? |  ઑફિસમાં ફૉર્મલ ડ્રેસકોડ હોય કે ન હોય, પણ આ ડ્રેસિંગ ન્યુટ્રલ હોવું જોઈએ. આ વિશે પરિણી કહે છે, ‘વર્કવેઅરમાં બ્લૅક અને વાઇટ મોખરે પહેરાય છે. એ સિવાય ઇન્ડિગો બ્લુ, ગ્રે, બેજ, ખાખી જેવા ન્યુટ્રલ શેડ્સ પહેરી શકાય. આ એવા રંગો છે જે દેખાવમાં પ્રોફેશનલ અને ક્લાસી લાગે છે અને હાઇલાઇટ પણ નથી થતા. ગ્રે સૉફિસ્ટિકેટેડ લાગે છે, જ્યારે બ્લૅક પાવરફુલ વ્યક્તિત્વની નિશાની છે. એ જ પ્રમાણે રેડ પૅશન અને અગ્રેસિવનેસનું પ્રતીક છે એટલે ઑફિસમાં રેડ શર્ટ કે ટી-શર્ટ તો નહીં જ.’
વૉર્ડરોબમાં આટલું મસ્ટ | રોજ કપડાં પસંદ કરવામાં સમય ન વેડફવો પડે એવો વૉર્ડરોબ તૈયાર કરવો હોય તો એમાં વાઇટ, નેવી બ્લુ, બેજ જેવા શેડનાં શર્ટ્સ, એક બ્લૅક, બ્લુ અને ગ્રે બ્લેઝર, ખાખી અને બેજ ચીનો પૅન્ટ્સ આટલું મસ્ટ છે. રંગો લિમિટેડ છે પણ બોરિંગ જરાય નથી. એક જ રંગના બ્લેઝરમાં તમે શર્ટ અને ટાઇની યોગ્ય પસંદગી સાથે વેરિએશન લાવી શકો છો. આ વિશે પરિણી કહે છે, ‘અહીં સ્માર્ટ દેખાવા માટે કપડાં મોંઘાં હોવાં જરૂરી નથી. એક સિમ્પલ સસ્તા શર્ટને પણ યોગ્ય રીતે ઇસ્ત્રી કરીને પહેરશો તો એ પાવરફુલ લાગશે. ઝીણી પ્રિન્ટનાં શર્ટ પણ આજકાલ ઇન ટ્રેન્ડ છે જે સેમી ફૉર્મલમાં પણ સારાં લાગે છે.’
ઑફિસમાં ટી-શર્ટ | આમ તો ઑફિસમાં ટી-શર્ટ ન જ પહેરવાં જોઈએ, પણ જો ટી-શર્ટ પહેરવાની પરવાનગી હોય તો પ્લેન ટી-શર્ટ જેમાં કોઈ ક્વોટ્સ ન હોય, રંગ ભડકીલા ન હોય કે પછી એ કઈ બ્રૅન્ડનું છે એનો લોગો એના પર ન હોય એ ધ્યાનમાં રાખો. ટી-શર્ટને બદલે કૅઝ્યુઅલ શર્ટની પસંદગી કરી શકાય. એની સાથે બ્લુ ડેનિમ સારું લાગશે.

 એક ઑન્ટ્રપ્રનરના વિચારોના જ્યારે લોકો ફૅન બની જાય અને તેને સાંભળવા તત્પર બની જાય એ લેવલ પર તેનું ડ્રેસિંગ કંઈ પણ હોય, ફરક નથી પડતો; કારણ કે પ્રભાવ તેના વિચારો પાડવાના છે, તેનાં કપડાં નહીં. - પરિણી ગાલા, ફૅશન-ડિઝાઇનર 

fashion news fashion columnists