સેમ ટુ સેમ

29 November, 2022 02:35 PM IST  |  Mumbai | Rupali Shah

અત્યારે બેટરહાફ, સિબલિંગ કે ફૅમિલી કૉમ્બો સાથે ટ્‍વિનિંગની ફૅશન પુરજોરમાં જામી છે ત્યારે અમે મળ્યાં એવાં યુગલોને જેઓ વર્ષોથી કપડામાં ટ્યુનિંગ અને ટ્‍‍‍વિનિંગ કરે છે. વાંચો તેમની મૅચિંગની મજેદાર વાતો

દીપિકા અને અતુલ દવે

જો તમારે પણ ટ્‍‍‍વિનિંગ કરવું હોય તો શું ધ્યાન રાખવું એની એક્સપર્ટ કમેન્ટ વાંચો પાછળના પાને.

અત્યારે ફૅશન માર્કેટમાં મૅચિંગ આઉટફિટ્સ માટે વપરાતા ‘ટ્‍‍‍વિનિંગ ’ શબ્દે ધૂમ મચાવી છે. પહેલાંના વખતમાં અમુક ઉંમર સુધી પેરન્ટ્સ દરેક સંતાનોનાં કપડાં એક જ તાકામાંથી સિવડાવતા, પણ મોટા થઈને એ સિનારિયો ચેન્જ થઈ ગયો હોય. પણ આજે મિત્ર, ભાઈબહેન, તમારા બેટર હાફ કે ફૅમિલી મેમ્બર્સ રંગ, પ્રિન્ટ કે ફૅબ્રિકને મૅચ કરીને એકસરખો અટાયર પહેરે એ એક અપીલિંગ વે બન્યો છે. લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. બટ વેઇટ અત્યારે આવેલો આ ટ્રેન્ડ અહીં મુલાકાત લીધેલાં કપલ્સ છેલ્લાં અનેક વર્ષોથી જીવી રહ્યાં છે, માણી રહ્યાં છે. આવો તેમને મળીએ અને તેમને થયેલા અનુભવોને માણીએ.

હીરાનંદાની, પવઈમાં રહેતાં દીપિકા અને અતુલ દવે લગભગ ત્રણ દાયકાથી તેમના અટાયરમાં ટ્‍‍‍વિનિંગ કરે છે. દીપિકાબહેન કહે છે, ‘ટ્‍‍‍વિનિંગ નો કન્સેપ્ટ કદાચ તમે કહો છો એમ નવો આવ્યો હશે, બાકી અમે છેલ્લાં ૩૩ વર્ષથી આ કન્સેપ્ટ જીવીએ છીએ અને આજે એ અમારી આઇડેન્ટિટી બની ગયું છે. પહેલી વાર અમારાં લગ્નના રિસેપ્શનમાં અમે એકસરખો બ્લુ રંગ પહેર્યો હતો. આજે પણ ક્યાંય જવાનું હોય તો અમે મૅચિંગ કરીને જ જઈશું. કલર કો-ઑર્ડિનેશન કરવાથી તમે લોકોથી ડિફરન્ટ લાગો છો. તમારું બૉન્ડિગ વધુ મજબૂત બને. બાકી ટ્‍‍‍વિનિંગ  કરવા પાછળનું કોઈ ખાસ કારણ નથી. બસ ગમે છે. શોખ છે.’

અતુલભાઈ ટેક્સટાઇલ એન્જિનિયર છે, જ્યારે દીપિકાબહેન બ્યુટિશિયન, ટ્રાવેલ કન્સલ્ટન્ટ, જ્વેલરી ડિઝાઇનર હોવાની સાથે દીપિકાબહેન પોતાનાં કપડાં જાતે ડિઝાઇન કરે છે અને એને ડાય કરાવવાથી માંડી લાઇનિંગ લાવવાનું બધું ખુદ કરે છે. ઑફિસ જતી વખતે કપડાં સાથે હૅન્ડબૅગ, ફુટવેઅર અને ઍક્સેસરીઝ બધું મૅચિંગ કરવાનું તેમને ગમે છે. જોકે, સોમવારથી શુક્રવાર આ દંપતી ઑફિસમાં જુદાં કપડાં પહેરે છે. અતુલભાઈને ન ગમતા કલર્સ દીપિકાબહેન વર્કિંગ ડેમાં પહેરી લે છે. ફક્ત લીઝર ટાઇમ, પાર્ટી, ફંક્શન, લગ્ન જેવા ઓકેઝનમાં તેઓ ટ્‍‍‍વિનિંગ કરે છે. મુંબઈ બહાર સામાન્ય રીતે તેઓ યુનિસેક્સ સ્ટોરમાંથી કપડાં ખરીદે છે. તેમનાં શૂઝ, ગ્લેર્સ અને નાઇટવેઅર પણ સરખાં હોય છે. 

બીજા બહુ ઉત્સુક હોય છે

મનીષા અને કેતન શેઠ

વિલે પાર્લેનાં ઇન્ટીરિયર ડિઝાઇનર મનીષા અને કેતન શેઠ પણ છેલ્લા દાયકાથી ટ્‍‍‍વિનિંગ કરે છે. મનીષાબહેન કહે છે, ‘ટ્‍‍‍વિનિંગમાં ફીલિંગ ઑફ યુનિટી, વેવલેન્થ મૅચ થતી હોય એવું લાગે છે. અમને ગમે છે. મારી દીકરીઓ વચ્ચે બે વર્ષનો ફરક છે. તેઓ આઠ અને દસ વર્ષની હતી ત્યાં સુધી એમને હું સરખાં કપડાં, શૂઝ, પિન, હેરબૅન્ડ પહેરાવતી. ત્યારે ઘણાને લાગતું કે મોટી બહેનનાં કપડાં નાનીને ચાલે તો સરખાં શું કામ લેવાનાં? પણ મને એવું ગમતું. આજે તો મારા ફેસબુક પ્રોફાઇલનું પિક્ચર ન બદલું તો લોકો સામેથી મને એ બદલાવવાનું કહે છે. અમારાં મૅચિંગ આઉટફિટ્સ જોવાની તેમને તાલાવેલી હોય છે.’  

મનીષાબહેન માને છે કે સ્ત્રીઓને તૈયાર થવાનો જન્મસિદ્ધ હક છે. ઈશ્વરે રંગ આપણે માટે જ બનાવ્યા છે. આપણે એમાં એક લાઇફ ઉમેરીએ છીએ. કલર એક થેરપી છે. દરેક કલરનો એક ઓરા છે. રંગ ન હોય તો લાઇફ સ્ટૅગ્નન્ટ થઈ જાય. 

સિલસિલા મોહબ્બત કા

સંગીતા અને સુધીર શાહ

વાલકેશ્વરમાં રહેતાં ઍડવોકેટ ડૉ. સુધીર શાહ અને સંગીતાબહેનની ટ્‍‍‍વિનિંગ સ્ટોરીમાં થોડાસા ટ્વિસ્ટ હૈ. એન્ગેજમેન્ટ સેરિમની માટે તેઓ સાથે ડ્રેસ સિલેક્ટ કરવા ગયાં હતાં. ત્યાં સુધીરભાઈને એવી ઇચ્છા થઈ કે હું પણ સંગીતાના ડ્રેસને મૅચિંગ પહેરું, અને એ પાર્ટીમાં બધાને આ કન્સેપ્ટ બહુ ગમ્યો. પછી તો સિલસિલા યે મહોબ્બત કા હો ગયા શુરૂ. સુધીરભાઈ કહે છે, ‘મને ગમ્યું અને સંગીતાએ વધાવી લીધું. હનીમૂન પર પહેલાં અમે ન્યુ ઝીલૅન્ડ જવાનાં હતાં. ત્યાં ગરમી એટલે એ પ્રમાણેનાં કપડાં લીધાં હતાં, પણ પછી પ્લાન બદલાયો અને અમે વેનિસ ગયાં. ત્યારે ઠંડીને હિસાબે ઍરપોર્ટ પરથી જ અમે એકસરખાં કપડાં ખરીદ્યાં.’ 

શરૂઆતમાં સુધીરભાઈ મશ્કરીમાં કહેતા કે મારી વાઇફ મને એના જેવું જ પહેરવાનો આગ્રહ રાખે છે, તો વળી કોઈ એવી ટકોર પણ કરી જતું કે તમે ખોવાઈ ન જાવ એટલે એકસરખાં કપડાં પહેરો છો કે શું? કોઈ વાર કપડાં પહેરવા બાબતે અમારી વચ્ચે મીઠી નોંકઝોક પણ થાય છે. પછી એક જણ ગિવ-અપ કરે એવું કહેતા સુધીરભાઈ કહે છે, ‘એકસરખાં કપડાં પહેરીએ તો એકબીજાં પ્રત્યેનો પ્રેમ વધે, ક્રીએટિવિટી વધે. સરખાં કપડાં પહેરવાથી કદાચ વિચારો પણ એકસરખા આવે છે. ઇન શૉર્ટ એ બહાને અમે એકબીજાને ગમતું કરી લેવાની કોશિશ કરીએ છીએ. લાગણી અને ઉત્સાહ વધે.

ટ્‍‍‍વિનિંગમાં પણ ખાસિયતો

શરૂઆતના દિવસો યાદ કરતાં દીપિકાબહેન કહે છે, ‘પહેલાં અતુલ જે રંગ પહેરતા એ પ્રમાણે હું ડ્રેસઅપ થતી. હવે તો ઘણી વાર એવું બને છે કે અમારે પાછળથી સાથે બહાર જવાનું હોય અને હું રેડી થઈ બિઝનેસ મીટિંગમાં ગઈ હોઉં તો અતુલનો ફોન આવે કે તેં શું પહેર્યું છે આજે?’

ટ્‍‍‍વિનિંગ ટ્યુનિંગ વિશે એક્સપ્લેઇન કરતાં મનીષાબહેન કહે છે, ‘અમારા ટ્‍‍‍વિનિંગ માં ટિપિકલ મૅચિંગ નથી હોતું. ઓવરઑલ એક સ્ટાઇલ, રીધમ, પ્રપૉર્શન સાથે અમારું ટ્‍‍‍વિનિંગ થયેલું દેખાશે.’ જોકે આ લવબર્ડ પ્રિન્ટ કે ફૅબ્રિક નહીં, રંગ જ મેચ કરે છે. ઇવેન્ટ્સ, મૅરેજીસ, ફંક્શન્સ, પાર્ટીઓ અને રજામાં મૅચિંગ પહેરે છે. હવે તો એવું બને છે કે તેમણે મૅચિંગ ન પહેર્યું હોય તો લોકો પૂછે છે કે ઝઘડો થયો છે? કેતનભાઈ અમુક રંગ છોડીને લેમન યેલો, ડાર્ક પર્પલ બધા જ કલર પહેરે પણ છે અને કૅરી પણ કરે છે. 

ટ્‍‍‍વિનિંગમાં મૅચિંગ શોધવાનું કંઈ સહેલું નથી એ વિશે દીપિકાબહેન કહે છે, ‘હું વેલ ઍડવાન્સ કામ કરવામાં માનું છું. પહેલાં અતુલનાં કપડાં ખરીદાય પછી એને અનુરૂપ મારાં કપડાંની ખરીદી થાય. કદાચ કોઈ ડિફરન્ટ કલર હોય તો એને અમે સ્પેશ્યલી ડાઈ પણ કરાવી દઈએ. મારા દીકરાનાં લગ્નના સંગીત વખતે અતુલે બ્લુ શેરવાની કરાવી હતી અને મારું વાઇટ ગાઉન હતું તો મેં એને ડાઈ કરાવી બ્લુ રંગનું કરાવ્યું અને ત્યાર બાદ એના પર વર્ક કરાવ્યું.’ દીકરાનાં લગ્ન વખતે દીપિકાબહેન અને અતુલભાઈએ એક નવો કન્સેપ્ટ પણ ટ્રાય કર્યો હતો. કલર સિલેક્શનની સાથે કશ્મીરી વર્કનું ફૅબ્રિક પણ મૅચ કર્યું હતું. મોટા ભાગના લોકો દુકાનમાં જાય અને ત્યાં અવેલેબલ હોય એમાંથી ગમતાં કપડાં ખરીદે, પણ તેઓ પહેલેથી કલર નક્કી કરીને પછી જ શૉપિંગ કરે છે. એટલે તેમના કહેવા પ્રમાણે તેમના વૉર્ડરોબમાં બધા જ કલર જોવા મળી જાય છે. 

મનીષાબહેનને પૅશનને કારણે આ બધું ગમે છે. જોકે, તેમને એના કરતાં પણ વધુ ચૅલેન્જિંગ લાગતું હોય તો ટ્‍‍‍વિનિંગ કર્યા પછી કેતનભાઈ સાથે ફોટો પડાવવાનું લાગે છે, પણ એક વાર ફોટો પડાવ્યા પછી જ્યારે એ બાબતે લોકોની અપ્રિશિયેટ કરતી કમેન્ટ આવે ત્યારે કેતનભાઈ ચોક્કસ ઍગ્રી કરે છે કે લોકોની નજરમાં સેલિબ્રિટી હો એ રીતે તમે નોટિસ થાવ છો. ટ્‍‍‍વિનિંગ નો એક પાવર છે. 

મહેનત બહુ પડે હોં!

ટ્‍‍‍વિનિંગનું ટ્યુનિંગ બેસાડવા માટે કેટલી જહેમત ઉઠાવવી પડે છે એનો રસાસ્વાદ કરાવતાં સુધીરભાઈ કહે છે, બનારસમાં સંગીતાને એક સાડી ગમી ગઈ. મારું શર્ટ બનાવવા માટે અમે સેમ એવી બીજી મોંઘીદાટ સાડી ખરીદી. અમારા બંનેનાં એકસરખાં શર્ટ બનાવવા માટે જપાનથી અમે એકસરખા બે ડઝન રૂમાલ લીધા હતા. હમણાં ઓઢણીમાંથી અમને અમારો આઉટફીટ કરાવવો હતો ત્યારે એકસરખી ચાર ઓઢણી શોધવા માટે ખાસ્સી જહેમત પડી. જોકે ફૅબ્રિક શોધવાની, ડિઝાઇન કરવાની, સીવડાવવાની ક્રીએટિવિટી માણવાની પણ મજા છે.’  

આ ટ્‍‍‍વિનિંગને લીધે તેઓ કેટલાં જાણીતાં થઈ ગયા છે એ વાત શૅર કરતાં તેમણે કહ્યું કે છેક ન્યુ યૉર્કમાં એક ગુજરાતી કપલ અમને મળ્યું. તમે મુંબઈમાં રોજ હૅન્ગિંગ ગાર્ડન ફરવા જાવ છો એવું આ કપલે તેમને પૂછ્યું. વાત સાચી હતી. તેઓ મુંબઈમાં હોય ત્યારે હૅન્ગિંગ ગાર્ડન જતાં હોય છે. એ કપલનું એક ફ્રેન્ડ કપલ પણ રેગ્યુલર હૅન્ગિંગ ગાર્ડનમાં જતું અને તેમણે આ ટ્‍‍‍વિનિંગ  કરીને આવતા આ ખાસ કપલ વિશે તેમના મિત્રને જણાવ્યું હતું. લો બોલો, લોકોની નજરમાં તમે કેટલાં ફિટ બેસી જાવ છો એનો આ દાખલો.

સુધીરભાઈ અને સંગીતાબહેને ગંજીફાનાં બાવન પત્તાંની કૅટ બનાવી છે જેમાં ‘પ્રેમ એટલે શું? હું અને તું’ એવી પ્રેમની વિવિધ વ્યાખ્યાઓ સાથે દરેક પત્તા પર એકસરખા કપડા પહેરેલા તેમના જુદા-જુદા ફોટોગ્રાફ્સ પ્રિન્ટ કરાવ્યા છે. શોખ ખાતર બનાવેલી આ પત્તાંની કેટ્સ તેઓ તેમના સર્કલમાં ભેટ તરીકે આપે છે.

columnists fashion news fashion