ટ્રેન્ડમાં છે ઓવરસાઇઝ મોતીની ઍક્સેસરીઝ

15 July, 2022 01:00 PM IST  |  Mumbai | Aparna Shirish

છેલ્લા કેટલાક સમયથી બૉલીવુડથી લઈને ફૅશન પરસ્ત યુવતીઓમાં મોટી સાઇઝનાં મોતીનાં સ્ટડ અને લેયર્ડ નેકલેસ ફેવરિટ બન્યાં છે

ટ્રેન્ડમાં છે ઓવરસાઇઝ મોતીની ઍક્સેસરીઝ

કાન ફિલ્મ ફેસ્ટિવલમાં ખૂબ વખણાયેલા લુક્સમાં હિના ખાનનો ગોલ્ડન ગાઉન અને એની સાથે પહેરેલાં મોતીનાં સ્ટડ તેમ જ દીપિકા પાદુકોણે વાઇટ સાડી સાથે પહેરેલો મોતીનો કેપ નેકલેસ ફૅશન જગતમાં ખુલ્લા દિલે અપનાવાયાં છે. આજે દરેક ફૅશન ઇન્ફ્લુઅન્સર તેમ જ સામાન્ય યુવતીઓ પર્લ્સની ફૅન બની ગઈ છે. જાણી લો આ ટ્રેન્ડ અપનાવવો હોય તો શું ધ્યાનમાં રાખવું
ટ્રેડિશનલ કે વેસ્ટર્ન? | પર્લ સ્ટડ્સ કેવા ડ્રેસ સાથે પહેરવાં એ વિશે જણાવતાં જ્વેલરી ડિઝાઇનર નૂપુર જૈન કહે છે, ‘મોતી સિમ્પલ અને સૉફિસ્ટિકેટેડ લાગે છે અને એ વર્સટાઇલ છે એટલે સાડી સાથે પહેરો કે પછી જીન્સ અને ટૉપ સાથે, એ સુંદર લાગે છે.’
સિમ્પલ સિલ્ક કે સૅટિનની સાડી સાથે ઓવરસાઇઝ્ડ પર્લનાં સ્ટડ ઇયર-રિંગ સ્ટાઇલિશ લુક આપશે. એ સિવાય એવરીડે ફૅશનમાં પણ ઑફિસ ફૉર્મલ કે કૅઝ્યુઅલ જીન્સ અને ટૉપ સાથે પણ ઓવરસાઇઝ્ડ પર્લ સ્ટડ પહેરી શકાય. 
મોતીનાં સ્ટડ્સમાં મોતીમાં મળતા બધા જ રંગો મળી રહે છે, પણ ઓરિજિનલ પર્લ કલર્સ એટલે કે વાઇટ, આઇવરી અને ક્રીમ જેવું ક્લાસિક કંઈ નહીં. 
સ્ટેટમેન્ટ જ્વેલરી એટલે શું? | સ્ટેટમેન્ટ જ્વેલરી એટલે એવી જ્વેલરી જે એકલી જ આકર્ષણનું કેન્દ્ર બનવા માટે પૂરતી હોય. એ પહેરો એટલે બીજી કોઈ જ્વેલરી પહેરવાની જરૂર પડે જ નહીં. મોતીનાં સ્ટડનું પણ કંઈક એવું જ છે. આ વિશે નૂપુર જૈન કહે છે, ‘આ સ્ટેટમેન્ટ સ્ટડ છે એટલે એ પહેરો ત્યારે નેકલેસ પહેરવાની ભૂલ ન કરવી. હા, બ્રેસલેટ કે રિંગ પહેરી શકાય.’
પર્લ નેકલેસ અને કૅપ | મોતીની પાંચ-સાત લડીઓવાળા નેકલેસ તેમ જ બન્ને ખભા પણ ઢંકાઈ જાય એવા લેયર્ડ કૅપ આજકાલ ટ્રેન્ડમાં છે. દીપિકાએ કાનમાં વાઇટ સાડી સાથે આવી જ્વેલરી 
પહેરી હતી એ યાદ છે? આ વિશે વાત કરતાં નૂપુર કહે છે, ‘જ્યારે એકાદી પાર્ટીમાં જવું હોય ત્યારે ચાર-પાંચ લડીઓવાળી મોતીની માળા જેવો નેકલેસ કે ચોકર પર્ફેક્ટ ચૉઇસ બને છે પછી ડ્રેસિંગમાં સાડી હોય, કો-ઑર્ડ સેટ હોય કે પછી જમ્પ સૂટ. પર્લ્સ બેસ્ટ લાગે છે.’
પર્લ કૉલર નેકલેસ | કૉલર નેકલેસ કે કૅપ ગાઉન કે પછી સાડી સાથે પહેરી શકાય. આ પ્રકારની ઍક્સેસરીઝ બૉડી જ્વેલરી ગણાય છે. સામાન્ય રીતે એ ખાસ પ્રસંગ કે પછી પોતાનો જ કોઈ પ્રસંગ કે જ્યા તમારે આકર્ષણનું કેન્દ્ર બનવાનું છે ત્યાં સારો લાગશે. બાકી જો કૉન્ફિડન્સ ન આવતો હોય તો આ કૅપ જ્વેલરીનો ટ્રેન્ડ જતો કરી શકાય. બાકી મોતીનાં સ્ટડ અપનાવવા જેવો ટ્રેન્ડ છે. ફેસ્ટિવ સીઝન પણ આવી રહી છે ત્યારે ઑનલાઇન વેબસાઇટ્સ પર આવાં સ્ટડ્સ સહેલાઈથી મળી જશે. પહેરો અને રહો સ્ટાઇલિશ. 

fashion news fashion columnists