ચોમાસામાં ત્વચા અને વાળની બરાબર સંભાળ રાખો

14 July, 2025 12:47 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વરસાદમાં હવામાં ભેજનું પ્રમાણ વધી જાય એ સાથે જ પરસેવા અને વરસાદના પાણીને કારણે ત્વચા અને વાળ ચીકણાં અને ડલ થઈ જાય છે. એવા સમયે ચહેરાની અને વાળની કાળજી રાખવી જરૂરી બની જાય છે

પ્રતીકાત્મક તસવીર

વરસાદની ઋતુમાં ત્વચા ઑઇલી અને ડલ થઈ જાય છે. ભેજને કારણે ત્વચા ઑઇલનું પ્રોડક્શન વધારી દે છે અને પરસેવો પણ વધુ વળતો હોય છે. એને કારણે ત્વચા ચીકણી થઈ જાય છે. એવી જ રીતે વરસાદનું પાણી વાતાવરણમાંથી પ્રદૂષકો શોષી લે છે જે ત્વચા પર જામી શકે છે, રોમછિદ્રોને બંધ કરી શકે છે અને ત્વચાને બેજાન બનાવી શકે છે. ઘણી વાર ત્વચા પર ઑઇલ, પરસેવો, ગંદકી વગેરે જમા થઈને રોમછિદ્રો બંધ કરી દે છે. પરિણામે ​પિમ્પલ્સ અને ઍકને થવાનું જોખમ વધી જતું હોય છે. ચોમાસામાં તડકાની કમીને કારણે ત્વચામાં વિટામિન Dનું ઉત્પાદન ઘટી જાય છે અને ત્વચા ફિક્કી લાગવા લાગે છે. એ‍વી જ રીતે હવામાં વધુ પડતા ભેજને કારણે વાળ ચીકણા થઈ જાય છે. ગરમી અને પરસેવાને કારણે વાળમાં ગંદકી વધારે જમા થાય છે. પરિણામે વાળ બેજાન અને કમજોર થવા લાગે છે. ભેજવાળું વાતાવરણ ફંગલ ઇન્ફેક્શનનું જોખમ વધારી દેતું હોવાથી સ્કૅલ્પ સંબંધિત અનેક સમસ્યા થાય છે. આ બધી સમસ્યાઓને કારણે વાળ ખરવાની સમસ્યા પણ વધી જાય છે.

ત્વચાની સંભાળ કઈ રીતે લેશો?

દિવસમાં બે વાર સવારે અને સાંજે માઇલ્ડ ફેસવૉશથી ચહેરો ધોવો. તમે લીમડો, ટી ટ્રી ઑઇલ, અલોવેરાવાળા ફેસવૉશ યુઝ કરી શકો. એનાથી ત્વચામાંથી ગંદકી, તેલ અને બૅક્ટેરિયા હટી જશે અને ફ્રેશનેસ બની રહેશે. અઠવાડિયામાં બે વાર સ્ક્રબ કરો, જેથી ડેડ સ્કિન-સેલ્સ હટી જાય અને તમારી ડલ સ્કિન ફરી ગ્લો કરવા લાગે. તમે બેસન, હળદર અને દહીં મિક્સ કરીને ચહેરા પર લગાવી શકો. દરરોજ ચહેરા પર ટોનર લગાવો જે ચહેરા પરનાં રોમછિદ્રોને ટાઇટ કરે છે અને ઑઇલ-પ્રોડક્શનને ઘટાડવામાં મદદ કરે છે. તમે ઘરે પણ ટોનર બનાવી શકો. એ માટે તમે ગુલાબજળ, કાકડીનો રસ, લીંબુનો રસ મિક્સ કરી એને સ્પ્રે-બૉટલમાં ભરીને દિવસમાં એક-બે વાર ચહેરા પર છાંટી શકો છો. ચોમાસામાં ત્વચાને હાઇડ્રેશન જોઈતું હોય છે. એ માટે ઑઇલ-ફ્રી, વૉટરબેઝ્ડ મૉઇશ્ચરાઇઝર લગાવો. અલોવેરા જેલ પણ એક સારો વિકલ્પ છે. ચહેરો વારંવાર ચીકણો થઈ જતો હોય તો એને વારંવાર હાથથી ટચ કરવાને બદલે ટિશ્યુથી હળવા હાથથી સાફ કરો. હાથથી વારંવાર ચહેરાને અડવાથી પિમ્પલ્સ થવાની શક્યતા છે. અઠવાડિયામાં બે વાર ચહેરા પર હોમમેડ ફેસપૅક લગાવો. ટમેટાંનો રસ અને લીંબુનો રસ મિક્સ કરીને ૧૦-૧૫ મિનિટ માટે ચહેરા પર લગાવી શકો છો. એનાથી ચહેરા પર ગ્લો આવશે. મુલતાની માટી અને કાકડીના રસને મિક્સ કરીને પણ લગાવી શકો છો જે ત્વચા પરથી ઑઇલ ઓછું કરશે. એ સાથે જ દરરોજ પૂરતા પ્રમાણમાં પાણી પીવાનું રાખો. એ તમારા શરીરને ડિટૉક્સ કરશે.

આ રીતે રાખો વાળની સંભાળ 

વરસાદમાં પલળીને ઘરે આવ્યા બાદ વાળને તરત સાફ પાણીથી ધોઈને સૂકા કરી નાખો, જેથી સ્કૅલ્પમાં ફંગલ ઇન્ફેક્શન ન થાય. સ્કૅલ્પને પોષણ આપવા અને ડ્રાયનેસને ઓછી કરવા માટે અઠવાડિયામાં બે વાર તેલ લગાવો. ચોમાસામાં વધારે વાર તેલ લગાવી રાખવાથી વાળ વધુ ચિપચિપા થઈ જતા હોવાથી એકાદ કલાક પછી હેરવૉશ કરી લો. વાળ ધોવા માટે ઍન્ટિ-ફંગલ શૅમ્પૂનો ઉપયોગ કરો તો વધુ સારું. ચોમાસામાં જો તમારા વાળ વધારે પડતા ફ્રિઝી અને ડ્રાય રહેતા હોય તો કન્ડિશનરનો ઉપયોગ કરો. અઠવાડિયામાં એક વાર હેરમાસ્ક લગાવો, જે સ્કૅલ્પને સબળ કરે અને વાળને વધુ મુલાયમ બનાવે. તમે દહીં, મધ અને અલોવેરા મિક્સ કરીને હેરમાસ્ક બનાવી શકો છો. તમે જે ઓશીકું વાપરો એ સ્વચ્છ હોય એનું ધ્યાન રાખો.

skin care beauty tips life and style monsoon news mumbai monsoon columnists gujarati mid day mumbai fashion fashion news