17 October, 2023 03:57 PM IST | Mumbai | Heena Patel
પ્રતીકાત્મક તસવીર
નવરાત્રિમાં યંગ ગર્લ્સ બૅકલેસ ચોલી પહેરવાનું પસંદ કરતી હોય છે, કારણ કે એ એક ટ્રેડિશનલ ચોલીમાં ગ્લૅમરનો તડકો નાખવાનું કામ કરે છે. જોકે બૅકલેસ પહેરતી વખતે ઘણીબધી બાબતોનું ધ્યાન રાખવાનું હોય છે, જે આપણે રાખતા નથી અને પછી ગ્રાઉન્ડ પર રમવા જઈએ ત્યારે ડિસકમ્ફર્ટ ફીલ કરીએ છીએ. આવું ન થાય અને તમે બૅકલેસમાં પણ મુક્ત થઈને ગરબા રમી શકો એ માટે એક્સપર્ટ પાસેથી જાણી લઈએ કેટલીક મહત્ત્વપૂર્ણ વાતો.
ચોલીની નીચે શું પહેરશો?
બૅકલેસ ચોલી પહેરીને ગ્રાઉન્ડ પર ગરબા રમવા જાઓ ત્યારે તમને કમ્ફર્ટેબલ ફીલ થાય એ ખૂબ જરૂરી છે. એ માટે અગાઉથી જ કેટલીક વાતનું ધ્યાન રાખવું જરૂરી છે. આ વિશે સેલ્ફ-ડિઝાઇનર અને બૃહદ મુંબઈ ગરબા ક્વીન સ્વાતિ ઠક્કર કહે છે, ‘જો તમારી બૅકલેસ ચોલી પૅડેડ હોય તો તમારે અંદર કશું પહેરવાની જરૂર નથી. જો બ્રા પહેરવી જ હોય તો તમે ટ્રાન્સપરન્ટ લો બૅક બ્રા અને સ્ટિક ઑન બ્રા પહેરી શકો છો. જો બ્રા ન પહેરવી હોય અને ફક્ત નિપલ જ હાઇડ કરવી હોય તો તમે નિપલ કવર કે ટેપનો ઉપયોગ કરી શકો છો. સાથે જ તમારી ચોલીનું ફિટિંગ પણ સરખું હોવું જોઈએ. એ વધારે લૂઝ કે વધારે ફિટ હશે તો તમે કમ્ફર્ટેબલ નહીં થઈ શકો. એ સિવાય તમે તમારી બૅકલેસ ચોલીને કઈ રીતે કૅરી કરો છો એ પણ મહત્ત્વપૂર્ણ છે, કારણ કે અન્ય કોઈ જુએ ત્યારે તેને એ રિવીલિંગને બદલે એલિગન્ટ લાગે એ જરૂરી છે. એટલે જો બૅકલેસ ચોલી પહેરવી જ હોય તો એને કૉન્ફિડન્સ સાથે પહેરો.’
કઈ રીતે સ્કિન કૅર કરશો?
જો તમને બૅકલેસ ચોલી પહેરવી હોય તો જરૂરી છે કે તમારી પીઠ પર વાળ, ખરબચડી ત્વચા કે ડાઘ-ધબ્બા ન હોય. એ માટે કઈ રીતે સ્કિન કૅર કરવી જોઈએ એ વિશે મુલુંડનાં કૉસ્મેટોલૉજિસ્ટ ડૉ. મમતા છેડા કહે છે, ‘જો તમારી પીઠ પર વધુપડતા વાળ હોય તો તમે વૅક્સિંગ અથવા લેસર હેર રિમૂવલ ટ્રીટમેન્ટ કરી શકો છો. શાઇન લાવવા માટે તમે હાઇડ્રાફેશ્યલ, કેમિકલ પિલ્સ અથવા ડાયમન્ડ સ્કિન પૉલિશિંગ માટે જઈ શકો છો. જો તમારી પીઠ પર પિગમેન્ટેશન કે ડાર્ક સ્પૉટ હોય તો તમે લેઝર ટોનિંગ માટે જઈ શકો છો. એ સિવાય તમે તમારી સ્કિન ટાઇપના હિસાબે ડે ઍન્ડ નાઇટ ક્રીમનો ઉપયોગ કરી શકો છો. હોમ કૅરની વાત કરીએ તો તમે કાકડીનો રસ, એલોવેરા જેલ અને ગ્લિસરીનને મિક્સ કરીને પીઠ પર લગાવી શકો છો.
મેકઅપ કઈ રીતે કરશો?
બૅકલેસ ચોલી પહેરતી વખતે લોકો ચહેરા પર તો મેકઅપ કરે છે પણ પીઠ પર ધ્યાન આપતા નથી. આ વિશે મેકઅપ આર્ટિસ્ટ ભક્તિ ચુડાસમા કહે છે, ‘જો તમારા ચહેરા અને પીઠનો કલર મૅચ ન થતો હોય તો તમે સ્કિન ટોન મૅચ કરવા માટે પીઠ પર મૉઇશ્ચરાઇઝર સાથે ફાઉન્ડેશન અથવા કન્સીલર મિક્સ કરીને લગાવી શકો છો. એ પછી એને કૉમ્પૅક્ટ પાઉડર લગાવી સેટ કરી દો જેથી એ લાંબા સમય સુધી ટકી રહે.’
કેવી હેરસ્ટાઇલ સૂટ થશે?
હેરસ્ટાઇલ વિશે ભક્તિ કહે છે, ‘બૅકલેસ ચોલી પહેરતી વખતે ઘણા લોકો ઓપન હેર રાખવાની ભૂલ કરે છે. તમારા ઓપન હેર તમારી ચોલીના બૅકલેસ લુકને બગાડી નાખે છે. બૅકલેસ ચોલી સાથે પોનીટેલ, બ્રેડ, બન વધારે સૂટ થાય છે. સામાન્ય રીતે યંગ ગર્લ પર પોનીટેલ અથવા ફિશ ટેલ બ્રેડ અને એના પર મલ્ટિકલરની લેસ સૂટ થશે, જ્યારે લેડીઝ પર સાઇડ બન ઉપર મલ્ટિકલરનો ગજરો શોભશે.’