સેલિબ્રિટી અપ્રૂવ્ડ રોઝ વૉટર નેઇલ ટ્રેન્ડ વિશે કેટલું જાણો છો?

04 August, 2025 02:14 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

નેઇલ્સને સૉફ્ટ, ગ્લૉસી, નૅચરલ અને એસ્થેટિક લુક આપતો રોઝ વૉટર નેઇલ ટ્રેન્ડ દરેક પ્રકારના પ્રસંગમાં ફ્રેશ લુક આપશે

પ્રતીકાત્મક તસવીર

જેન્ઝી  ફૅશન અને બ્યુટી-ટ્રેન્ડ વિશે જાગૃત છે. એ માત્ર કપડાં કે મેકઅપ જ નહીં, નખની સુંદરતાને પણ જાળવી રાખવા માટે અલગ-અલગ ટ્રેન્ડ્સ અપનાવવાનું પસંદ કરે છે. તાજેતરમાં સોશ્યલ મીડિયા પર રોઝ વૉટર નેઇલ ટ્રેન્ડ લોકપ્રિય બની રહ્યો છે. જી હા, રોઝ વૉટર નેઇલ ટ્રેન્ડ નખને એકદમ સૉફ્ટ, ગુલાબી અને નૅચરલ લુક આપે છે. એવું લાગે કે નખોમાં તાજગીસભર રોઝ વૉટર જ સ્પ્રેડ થયેલું હોય. આ ટ્રેન્ડમાં ડાર્ક શેડ્સ કે કોઈ ભારે નેઇલ આર્ટ હોતી નથી એટલે આ નેઇલ આર્ટ એસ્થેટિક અને નૅચરલ લુક આપે છે. અત્યારે મિનિમલિસ્ટ ફૅશનનો જમાનો હોવાથી આ ટ્રેન્ડને યુવતીઓ ખૂબ જ પસંદ કરી રહી છે.

સ્ટેપ્સને ફૉલો કરો

રોઝ વૉટર નેઇલ્સ બહુ જ સરળતાથી મેળવી શકાય છે. જો તમને નેઇલ આર્ટ વિશે થોડું નૉલેજ હોય તો વધુ સારું. સૌથી પહેલાં નખને ગોળ અથવા ઓવલ શેપમાં કાપીને આકાર આપવો. પછી નખને તાજગી આપતી મૉઇશ્ચરાઇઝિંગ ક્રીમ અથવા રોઝ સેન્ટેડ ઑઇલ લગાવવું. એનાથી નખની આસપાસની ત્વચાને હાઇડ્રેશન મળશે. ત્યાર બાદ લાઇટ પિન્ક અથવા ન્યુડ કલરની પારદર્શક નેઇલપૉલિશ લગાવવી. પછી ઉપરથી જેલ જેવું ચમકદાર કોટિંગ આપવું જેથી નખ વધુ ગ્લૉસી દેખાય.

ક્યારે સૂટ થશે?

બ્રાઇડલ શાવર, ફ્રેન્ડ્સ સાથે પાર્ટી કે લંચ અથવા ધાર્મિક તહેવારો દરમ્યાન તમારાં આઉટફિટ્સ સાથે રોઝ વૉટર ટ્રેન્ડ એકદમ બંધબેસતો વિકલ્પ છે. ઑફિસમાં કે કૉલેજમાં જતી યુવતીઓ પણ એને અપનાવી શકે છે, કારણ કે એ વેસ્ટર્ન અને ટ્રેડિશનલ બન્ને આઉટફિટ્સ સાથે મૅચ થઈ જાય છે. કૅઝ્યુઅલ લુકમાં પણ આવા નેઇલ્સ બહુ મસ્ત લાગે છે. અત્યારની બ્રાઇડ્સ પણ પોતાના લગ્નપ્રસંગે આવા નેઇલ્સ કરાવવાનું પ્રિફર કરી રહી છે.

fashion news fashion beauty tips life and style columnists gujarati mid day mumbai