15 May, 2025 01:11 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
લાંબા વાળ બધી સ્ત્રીને ગમે. જોકે લાંબા વાળ તો જ સારા લાગે જ્યારે સ્મૂધ અને શાઇની હોય. વાળ રૂક્ષ અને પાતળા હોય તો એ તૂટવા લાગે છે. વાળની માવજત કરવા માટે અનેક હેરકૅર પ્રોડક્ટ્સનો યુઝ પણ સ્ત્રીઓ કરતી હોય છે. જોકે એનું ધાર્યું પરિણામ મળતું નથી. એટલે આજે એવી અમુક હેર સિરમ વિશે વાત કરવી છે જેને તમે ઘરે જ બનાવી શકો. એને વાળમાં લગાવવાથી એ સ્મૂધ અને શાઇની બનશે. સાથે જ વાળને જાડા, લાંબા અને મજબૂત બનાવવામાં પણ મદદ કરશે.
હેર સિરમ બનાવવાની રીત
તમે આર્ગન ઑઇલ અને જોજોબા ઑઇલનો ઉપયોગ કરીને સિરમ બનાવી શકો. એ માટે બે ટેબલસ્પૂનમાં આર્ગન ઑઇલ અને એક ટેબલસ્પૂન જોજોબા ઑઇલને મિક્સ કરીને એનું સિરમ બનાવી શકો. આર્ગન ઑઇલમાં ફૅટી ઍસિડ્સનું સારુંએવું પ્રમાણ હોય છે જે વાળને અંદર સુધી પોષણ આપે છે અને જોજોબા ઑઇલ મૉઇશ્ચરને જાળવી રાખવાનું કામ કરે છે. જેમના વાળ ડ્રાય અને ફ્રિઝી હોય તેમણે આ સિરમ અપ્લાય કરવું જોઈએ.
ગ્લિસરિન અને ગુલાબજળનો ઉપયોગ કરીને પણ એક લાઇટવેઇટ સિરમ તૈયાર કરી શકો. એ માટે બે ટેબલસ્પૂન ગુલાબજળ અને એક ટેબલસ્પૂન ગ્લિસરિનને મિક્સ કરો. ગ્લિસરિન વાળમાં મૉઇશ્ચર ઍડ કરવાનું કામ કરશે અને ગુલાબજળ વાળને સૉફ્ટ બનાવશે. આ સિરમને તમે સ્પ્રે બૉટલમાં ભરીને દરરોજ વાળ પર અપ્લાય કરી શકો.
જેમના માથાના વાળ નીચેથી બહુ તૂટતા હોય એ લોકો વિટામિન E અને ઑલિવ ઑઇલનો ઉપયોગ કરીને સિરમ બનાવી શકે છે. વિટામિન Eમાં ઍન્ટિઑક્સિડન્ટ્સનું પ્રમાણ સારું હોય છે જે વાળને મજબૂત કરવાનું અને હેરગ્રોથને પ્રમોટ કરવાનું તેમ જ ઑલિવ ઑઇલ વાળને સ્મૂધ બનાવવાનું કામ કરશે. આ સિરમ બનાવવા માટે બે ટેબલસ્પૂન ઑલિવ ઑઇલમાં અડધી ટીસ્પૂન વિટામિન E વાપરવાનું છે. વિટામિન Eની કૅપ્સ્યુલ મેડિકલ સ્ટોરમાંથી આરામથી મળી જશે.
ગ્રીન ટી અને ઍલોવેરાનો ઉપયોગ કરીને પણ હેર સિરમ બનાવી શકાય. એ માટે પાણીમાં ગ્રીન ટી ઉકાળીને એને ઠંડું થવા દો. સિરમ બનાવવા માટે ૧/૪ કપ ગ્રીન ટી લો. એમાં બે ટેબલસ્પૂન ઍલોવેરા જેલ મિક્સ કરો. વાળને જાડા કરવામાં અને હેરગ્રોથમાં આ સિરમ લગાવવાથી ફાયદો થશે.
સામાન્ય રીતે એવું થતું હોય કે આપણા ખભા સુધીના વાળની ક્વૉલિટી સારી હોય છે, પણ નીચેના જે વાળ છે એ ડ્રાય અને ડૅમેજ થઈ જાય છે. સ્કૅલ્પમાંથી જે નૅચરલ ઑઇલ ઉત્પન્ન થાય એનું પોષણ નીચેના વાળ સુધી પહોંચી શકતું ન હોવાથી આવું થાય છે. એટલે આપણે નીચેના વાળમાં આ પ્રકારની સિરમ લગાવીને એને બહારથી પોષણ આપી વાળની હેલ્થ સારી રાખી શકીએ.