લેયર્ડ નેકલેસ છે યંગ જનરેશનના ફેવરિટ

24 June, 2022 03:11 PM IST  |  Mumbai | Aparna Shirish

ત્રણ કે ચાર ચેઇન જેવા પાતળા નેકલેસ એકસાથે પહેર્યા હોય એવો લુક આપતા લેયર્ડ નેકલેસ આજકાલ કૉલેજ ગોઇંગ ગર્લ્સને ખૂબ પસંદ પડી રહ્યા છે

અનન્યા પાંડે

યંગ જનરેશન જેને ખૂબ ફૉલો કરે છે એવી અનન્યા પાંડે અને તારા સુતરિયા હોય કે પછી કરીના કપૂર હોય, આજકાલ વેસ્ટર્ન વેઅર સાથે નેકલેસની વાત આવે ત્યારે લેયર્ડ નેકલેસ બધાનો હૉટ ફેવરિટ બની ગયો છે. આ નેકલેસની ખાસિયત એ છે કે એ ખૂબ ડિઝાઇન અને વરાઇટીમાં મળી રહે છે અને ડેલિકેટ લુકને કારણે રેગ્યુલર વેઅરમાં પણ પહેરી શકાય છે. જાણી લો કેવી ડિઝાઇન્સ ટ્રેન્ડમાં છે.
મિનિમલ જ્વેલરી | મોટા ભાગની યુવતીઓ રોજબરોજની લાઇફમાં ગળામાં કંઈ પણ હેવી પહેરવાનું ટાળતી હોય છે, કારણ એ કે નેકલેસ પહેરતાં જ એ દેખાઈ આવે છે; જેની સરખામણીમાં ઇઅર-રિંગ્સ કે બ્રેસલેટ પર ભાગ્યે જ નજર પડે છે. અહી લેયર્ડ નેકલેસ કામ આવી રહ્યા છે, કારણ કે આ નેકલેસની ડિઝાઇન ખૂબ મિનિમલ અને સિમ્પલ છતાં સ્ટાઇલિશ હોય છે. લેયર્ડ નેકલેસની ડિઝાઇન બે કે વધુમાં ત્રણ લેયરમાં બનેલી હોય છે જેમાં એક લેયરમાં પાતળી અને બીજા લેયરમાં થોડી જાડી અથવા પાતળી ચેઇન વધુ જોવા મળે છે. આ નેકલેસમાં લેયર્સ માટે મોતી, જેમ સ્ટોન બીડ્સ તેમ જ મેટલનાં ચાર્મ્સ જોવા મળે છે. આજકાલ ટર્કિશ ઈવિલ આઇવાળા ચાર્મના નેકલેસ પણ ખૂબ ટ્રેન્ડમાં છે. 
પર્સનલાઇઝ્ડ પેન્ડન્ટ | લેયર્ડ નેકલેસમાં સૌથી ટૂંકી ચેઇન ચોકર સ્ટાઇલની હોય છે જેમાં મોટા ભાગે કોઈ પેન્ડન્ટ નથી હોતું. આ લેયરમાં મોતી, શેલ, જાડી કલરફુલ ચેઇન વગેરે જોવા મળે છે. જ્યારે બીજા અને ત્રીજા લેયરમાં પેન્ડન્ટ હોય છે જેમાં પોતાના નામનો પહેલો અક્ષર અથવા પૂરું નામવાળાં પેન્ડન્ટ પહેરવાનું યુવતીઓ પસંદ કરે છે. ફક્ત ઇનિશ્યલવાળા પેન્ડન્ટમાં ડાયમન્ડ કે જેમ સ્ટોન જડેલા હોય તો વધુ સુંદર લાગે છે.
શાની સાથે પહેરશો? | નેકલેસ ત્યારે સારા લાગે જ્યારે નેક દેખાવાનું હોય. લેયર્ડ નેકલેસ સિમ્પલ રાઉન્ડ નેક ટી-શર્ટ સાથે સારા નથી લાગતા. ટ્યુબ ટૉપ કે બ્રૉડ નેકવાળા ટૉપ્સ સાથે લેયર્ડ નેકલેસ પહેરી શકાય. એ સિવાય વી-નેક શર્ટ કે ટૉપ સાથે પણ લયર્ડ નેકલેસ સારા લાગે છે. ટ્યુબ ટૉપ કે ડીપ-વી નેક સાથે લેયર્ડ નેકલેસ અને ડેનિમ જૅકેટ લુક કમ્પ્લીટ કરશે.

fashion fashion news columnists