ગ્લોઇંગ સ્કિન માટે નવો ટ્રેન્ડ : સ્કિન-સૉલ્ટિંગ

09 July, 2026 02:18 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પહેલાં કોરિયન બ્યુટી રેજિમમાં રાઇસ વૉટર વપરાતું હતું, પણ હવે નવા ટ્રેન્ડમાં ચોક્કસ સાંદ્રતા ધરાવતું નમકનું પાણી ટોનરનું કામ આપે છે

પ્રતીકાત્મક તસવીર

ગ્લોઇંગ અને કાચ જેવી ગ્લાસ સ્કિન મેળવવા માટે યુવતીઓમાં કોરિયન બ્યુટી-પ્રોડક્ટ્સ અને હેક્સનો ક્રેઝ જોવા મળે છે. આ ગ્લો પાછળ દોડતી બ્યુટી-ઇન્ડસ્ટ્રીમાં દરરોજ નવા પ્રયોગો થતા રહે છે, પરંતુ હાલમાં ઇન્ટરનેટ પર કોરિયન સ્કિન-સૉલ્ટિંગનો ટ્રેન્ડ ચાલે છે. સામાન્ય રીતે સ્કિન-કૅરમાં મીઠાનો ઉપયોગ માત્ર બૉડી-સ્ક્રબ તરીકે થતો આવ્યો છે, પરંતુ ફેસ-ગ્લો માટે એનો ઉપયોગ કેવી રીતે થઈ શકે એ ખરેખર જાણવા જેવું છે.

શું છે કોરિયન સ્કિન-સૉલ્ટિંગ?

સ્કિન-સૉલ્ટિંગ એ ત્વચાને ચમકદાર બનાવવાનો એક નવો કોરિયન ટ્રેન્ડ છે. આ હેકમાં સામાન્ય રસોડામાં વપરાતા આયોડાઇઝ્ડ કે રિફાઇન્ડ મીઠાને બદલે સી-સૉલ્ટ અથવા સેંધા નમકમાંથી ખાસ પ્રકારનું વૉટર-બેઝ્ડ ટોનર તૈયાર કરવામાં આવે છે. આ સૉલ્ટ-બેઝ્ડ ટોનરને ચહેરા પર સ્પ્રે કરીને ત્વચાની અશુદ્ધિઓ દૂર થાય છે એવો દાવો કરવામાં આવી રહ્યો છે. કોરિયન બ્યુટી-લવર્સ આ રીતને ત્વચાને ડીટૉક્સિફાય કરવા માટે શ્રેષ્ઠ માની રહ્યા છે. આ ટ્રેન્ડમાં મીઠાને ક્યારેય સીધું જ ચહેરા પર ઘસવાનું કે અપ્લાય કરવાનું નથી. એને પાણીમાં ઓગાળીને ચોક્કસ માત્રામાં ડાઇલ્યુટ કરીને જ વાપરવામાં આવે છે, જેથી ત્વચાને કોઈ નુકસાન ન થાય.

કેમ ટ્રેન્ડ કરી રહ્યો છે?

સી-સૉલ્ટ અને સેંધા નમકમાં કુદરતી રીતે જ ઍન્ટિ-બૅક્ટેરિયલ ગુણો અને મિનરલ્સ હોય છે. એ ત્વચાનાં રોમછિદ્રોની ઊંડાણપૂર્વક સફાઈ કરે છે અને વધારાનું તેલ નિયંત્રિત કરવામાં મદદ કરે છે. આ સિવાય એ ત્વચાના ડેડ સેલ્સને હળવાશથી દૂર કરીને કુદરતી ચમક લાવે છે. મોંઘાં કેમિકલયુક્ત ટોનર છોડીને આ સરળ હોમમેડ ઑપ્શન તરફ યુવતીઓ આકર્ષાઈ રહી હોવાથી એ વાઇરલ થયો છે.

સાવચેતી જરૂરી

દરેક વ્યક્તિની ત્વચાનો પ્રકાર અલગ હોય છે. જો તમે આ ટોનરનો પહેલી વાર ઉપયોગ કરી રહ્યા હો તો ચહેરા પર લગાવતાં પહેલાં ગળા કે હાથના ભાગે પૅચ-ટેસ્ટ જરૂર કરો. જો તમારી સ્કિન ખૂબ સેન્સિટિવ કે ડ્રાય હોય અથવા ચહેરા પર ખીલ કે ઘા હોય તો આનો ઉપયોગ ટાળવો હિતાવહ છે. કોઈ પણ પ્રકારની બળતરા કે ઍલર્જી જણાય તો ત્વચાના નિષ્ણાતની સલાહ લેવી હિતાવહ છે.

ઘરે જ બનાવો સ્કિન-સૉલ્ટિંગ ટોનર

એક બાઉલમાં એક કપ નવશેકું પાણી લઈ એમાં અડધી ચમચી મીઠું ઉમેરીને ચમચીથી બરાબર ઓગાળી લો. આ મિશ્રણને ૧૦ મિનિટ માટે સ્થિર છોડી દો જેથી મીઠું સંપૂર્ણપણે ભળી જાય. ત્યાર બાદ એને સ્પ્રે બૉટલમાં ભરી લો. ચહેરો ફેસવૉશથી બરાબર સાફ કર્યા પછી આ ટોનર ચહેરા પર સ્પ્રે કરો અને ૧૦ મિનિટ સુધી રહેવા દો. ત્યાર બાદ ચહેરાને સામાન્ય પાણીથી ધોઈ લો.

skin care fashion fashion news life and style lifestyle news columnists