હીલ્સ પહેર્યા વગર હાઇટ દેખાડવી હોય તો ફૅશનની આ ટ્રિક ફૉલો કરો

30 July, 2025 07:00 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

હીલ્સ પહેરવી ન ગમે તો બૉટમ્સ અને કલર શેડ્સની ગેમને સમજીને સ્ટાઇલિંગ કરશો તો તમને જોઈએ એવો લુક અપનાવી શકશો

રિબ્ડ ટૅન્ક ટૉપ સાથે હાઇ વેસ્ટ સ્કર્ટ, હાઈ- વેસ્ટ જીન્સ સાથે બૉડી ફિટેડ ટૉપ, હાઈ- વેસ્ટ પૅન્ટ સાથે ક્રોપ ટૉપ, સ્કર્ટ સાથે ટક-ઈન કરેલો શર્ટ

ફુટવેઅરમાં હીલ્સ ફૅશનમાં ઇમ્પોર્ટન્ટ એલિમેન્ટ ઍડ કરે છે ત્યારે ઘણી વાર ઓછી હાઇટ હોવા છતાં અમુક પ્રસંગે હીલ્સ પહેરવી શક્ય નથી હોતી અથવા અનુકૂળ લાગતી નથી. આવું થાય ત્યારે ફૅશનની કેટલીક ટ્રિક્સ અને સ્ટાઇલિંગ ટિપ્સને અપનાવશો તો તમારી હાઇટ વધુ છે એવો ભ્રમ ક્રીએટ કરશે. આ માટે બૉડીનો સ્કિનટોન અને શેપ સમજીને સ્ટાઇલિંગ કરશો તો હીલ્સ વગર પણ કમ્ફર્ટેબલ અને એલિગન્ટ લુક અપનાવી શકો છો.

હાઈ-વેસ્ટ બૉટમ્સ

કમરથી ઉપર પહેરી શકાય એવાં હાઈ-વેસ્ટ જીન્સ, પૅન્ટ્સ અથવા સ્કર્ટ્સ પહેરવાથી પગ લાંબા લાગે છે. જો તમે ટૉપ્સને હાઈ-વેસ્ટ બૉટમ્સમાં ટક કરશો તો શરીરનું પ્રપોર્શન વધુ સારું દેખાય છે અને આવા બૉટમ્સમાં પગ લાંબા લાગે છે. અત્યારે ફૅશનમાં હાઈ-વેસ્ટ પલાઝો અને ટ્રાઉઝર્સ ઇનથિંગ છે. આ રીતે તમે સ્ટાઇલિંગ કરશો તો ફિગર સ્લિમ દેખાશે. એક વાત ધ્યાન રાખો કે લાઇટ પિન્ક, બેજ, પિસ્તા જેવા પેસ્ટલ કલર્સની પસંદગી કરશો તો તમારી ફૅશન ખીલીને સામે આવશે.

મોનોક્રોમ લુક

એક જ રંગનાં કપડાં પહેરવાથી પણ તમારી હાઇટ વધુ લાગી શકે છે. મોનોક્રોમ લુકમાં શરીરનો વર્ટિકલ વ્યુ હાઇલાઇટ થાય છે. એમાં તમે બેજ, ક્રીમ કે ગ્રે અથવા ડાર્ક કલર્સ પસંદ કરી શકો છો. ટૉપ અને બૉટમ કૉન્ટ્રાસ્ટ ન થાય એનું ખાસ ધ્યાન રાખવું. આવાં આઉટફિટ્સમાં તમે ફ્લૅટ્સ પહેરશો તો સારું લાગશે.

ફ્લેર પૅન્ટ્સ

સ્ટ્રેઇટ લેગ પૅન્ટ્સ અથવા ફ્લેર પૅન્ટ્સ હાઇટ વધુ હોવાનો ભાસ કરાવે છે અને બૉડીને પણ બૅલૅન્સ દેખાડે છે. ખાસ કરીને લાઇટ ફૅબ્રિકના પૅન્ટ્સની લંબાઈ વધુ હોવાથી પગ લાંબા દેખાય છે. પૅન્ટ્સ ન્યુડ શેડ્સનાં લેવાં અને એની સાથે શૂઝ અથવા સ્નિકર્સ પેર કરશો તો સારું લાગશે.

વર્ટિકલ સ્ટ્રાઇપ્સ

જો હીલ્સ પહેરવાની ઇચ્છા ન હોય અને હાઇટ પણ દેખાડવી હોય તો વર્ટિકલ સ્ટ્રાઇપ્સ, સ્લિટ્સ અથવા પ્લીટ્સ હશે તો એ હાઇટને ડિફાઇન કરશે. હૉરિઝૉન્ટલ લાઇન્સવાળાં કપડાં પહેરશો તો એ પગના આકારને નાનો દેખાડશે અને શરીરની પહોળાઈને હાઇલાઇટ કરશે.

ટક-ઇન સ્ટાઇલ

ટૉપ્સ લાંબાં હોય કે હિપ્સથી નીચે આવે તો પગ નાના દેખાય છે અને હાઇટ દેખાતી નથી, પણ એને ટક કરીને પહેરવાથી કમર દેખાય છે અને હાઇટ વધુ હોવાનું ઇલ્યુઝન ક્રીએટ કરે છે. જો લાંબાં ટૉપ્સ પહેરીને ટક-ઇન ન કરવાં હોય તો ક્રૉપ ટૉપ્સ સર્વશ્રેષ્ઠ વિકલ્પ છે. આ રીતે જ લાંબાં અને ઓવરસાઇઝ્ડ જૅકેટ્સ પહેરવાનું પણ ટાળવું જોઈએ.

સ્લિટ્સવાળા ડ્રેસ

જો કોઈ પાર્ટી કે ઈવનિંગ ફંક્શન્સમાં જવાનું થાય અને હીલ્સ પહેરવાની ઇચ્છા ન હોય તો એવાં વન પીસ, ગાઉન કે સ્કર્ટ્સની પસંદગી કરો જેમાં સ્લિટ્સ હોય એટલે કે એમાં પગનો થોડો ભાગ દેખાય. બૉટમમાં અનઈવન કટ્સ હોય એનાથી પણ હાથ અને પગ વચ્ચેની સ્પેસ વધુ દેખાશે. આવા ડ્રેસમાં સ્ટ્રૅપ્સવાળાં ફ્લૅટ્સ અથવા સૅન્ડલ્સ પહેરી શકાય.

fashion fashion news life and style gujarati mid day mumbai columnists