મિનિમલ ટ્રેન્ડ : નો મેકઅપ ઍન્ડ ઓપન હેર

30 January, 2024 08:22 AM IST  |  Mumbai | Heena Patel

આજકાલની બ્રાઇડ્સ એવો મેકઅપ ઇચ્છે છે જેમાં ફાઉન્ડેશન કે ક્રીમના થપેડા ચહેરા પર લગાવ્યા હોય એવું ન દેખાય, એના બદલે એકદમ નૅચરલ અને ફ્લોલેસ સ્કિન દેખાય. હેરસ્ટાઇલ પણ તેમને હેવી ગમતી નથી, એમાં પણ આજકાલ ઓપન હેર રાખવાનો ટ્રેન્ડ વધ્યો છે

પ્રતીકાત્મક તસવીર

મેકઅપ એક એવી વસ્તુ છે જે તમારા લુકને સારો પણ બનાવી શકે છે અને ખરાબ પણ કરી શકે છે. લગ્નમાં પણ બ્રાઇડના મેકઅપ પર લોકોનું સૌથી વધુ ધ્યાન હોય છે. એટલે જ એક સારા મેકઅપ આર્ટિસ્ટ શોધવામાં બ્રાઇડ સૌથી વધુ ધ્યાન આપતી હોય છે. જો તમારા આઉટફિટથી લઇને જ્વેલરી બધું જ પર્ફેક્ટ હોય, પણ મેકઅપ સરખો થયો ન હોય તો તમારો આખો લુક ફીકો પડી શકે છે. ઉપરથી લગ્નના ફોટોઝ અને વિડિયોઝ પણ ખરાબ આવે. એટલે આજકાલ એચડી વૉટરપ્રૂફ મેકઅપ પર લોકો પસંદગી ઉતારી રહ્યા છે. આના બે ફાયદા છે, એક તો એચડી મેકઅપને કારણે તમારા ફોટોગ્રાફ્સ સારા આવે પ્લસ વૉટરપ્રૂફ હોવાના કારણે પસીનામાં પણ તમારો મેકઅપ ખરાબ ન થાય. બીજું એ કે આઇ અને લિપ્સનો મેકઅપ વધુ પડતો ડાર્ક કે કૅચી કરાવવાને બદલે બ્રાઇડ ન્યુડ મેકઅપ પર પસંદગી ઉતારે છે, જ્યારે હેરસ્ટાઇલ પણ હેવી કરવાને બદલે સિમ્પલ અને સોબર રાખવાનું પસંદ કરે છે. ઇન શૉર્ટ આજકાલ મિનિમલ લુક ટ્રેન્ડમાં છે. 

નૅચરલ અને ન્યુડ મેકઅપની બોલબાલા
આ વિશે માહિતી આપતાં મેકઅપ આર્ટિસ્ટ અર્ચના ઠક્કર કહે છે, ‘આજકાલ એચડી વૉટરપ્રૂફ મેકઅપ ટ્રેન્ડમાં છે. એચડી મેકઅપની ખાસિયત એ છે કે તમે એનાથી તમારા ચહેરાની ખામીઓ છુપાવી શકો છો. તમારા ચહેરા પર ડાઘ-ધબ્બા, ખીલ, કરચલીઓ હોય તો એ તમે હાઈ-એન્ડ પ્રોડક્ટ્સ યુઝ કરીને સરળતાથી કવર કરી શકો છો. એચડી મેકઅપમાં મેઇન તો એચડી ફાઉન્ડેશન ખૂબ જરૂરી હોય છે. આજકાલ લગ્નમાં તમે જોશો તો બધે જ એચડી કૅમેરા યુઝ થાય છે, જે ઝીણામાં ઝીણી ડીટેલ કૅપ્ચર કરી લે છે. એટલે તમારા ફોટો સારા આવે એ માટે ફ્લોલેસ સ્કિન હોવી ખૂબ જરૂરી છે. તમે જોશો તો નૉર્મલ મેકઅપ ચહેરા પર ઊપસેલો લાગે, પણ એચડી મેકઅપ તમારી સ્કિન સાથે એવી રીતે મિક્સ થઈ જાય છે કે તમારો નૅચરલ ગ્લો એવો જ રહે છે. આ મેકઅપ કર્યા બાદ તમને હેવી ફીલ નહીં થાય, કારણ કે એમાં લાઇટ કોટિંગ હોય છે. એચડી મેકઅપ ટેક્સ્ચરમાં લાઇટર, સ્પ્રેડ કરવામાં ઈઝી અને સરખી રીતે બ્લેન્ડ થતા હોવાથી એનાથી ફ્લોલેસ ફિનિશિંગ મળે છે જે તમારા લુકને એકદમ નૅચરલ બનાવે છે. એમાં પણ જો તમારો એચડી મેકઅપ વૉટરપ્રૂફ હોય તો તમને પસીનો થાય તો પણ તમારો મેકઅપ ખરાબ થતો નથી. ખાસ કરીને આઉટડોર વેડિંગમાં વૉટરપ્રૂફ મેકઅપની ડિમાન્ડ વધુ હોય છે. મેકઅપમાં પણ આજકાલ કોઈને ફાઉન્ડેશનના થપેડા જોઈતા નથી. યંગથી લઈને ઓલ્ડ એજ સુધીના બધાને લાઇટ અને નૅચરલ દેખાય એવો જ મેકઅપ જોઈએ. આઇશૅડો પણ તેમને પીચ, કોરલ જેવા વૉર્મ કલરના જોઈએ, વધુપડતો ગ્લિટર આઇ મેકઅપ નથી જોઈતો. લિપસ્ટિકમાં પણ લાલ ચટાકેદારને બદલે એકદમ લાઇટ કલર જોઈએ, જે તેમના હોઠના નૅચરલ કલરને મેળ ખાતો હોય. કેટલીક બ્રાઇડ આઇ અને લિપ્સ બંને ન્યુડ રાખવાને બદલે કૉન્ટ્રાસ્ટ પણ પસંદ કરે છે. એટલે કે આઇમાં થોડો હેવી મેકઅપ કરાવે અને લિપ્સ ન્યુડ રાખે, જો કોઈને ડાર્ક લિપસ્ટિકનો શોખ હોય તો તેઓ આઇશૅડો લાઇટ રખાવે. ખાસ કરીને નાઇટમાં સંગીત કે રિસેપ્શન હોય ત્યારે આ પ્રકારે બ્રાઇડ્સ મેકઅપ કરાવે છે.’ 

ઓપન હેર રાખવાનો ટ્રેન્ડ
હેરસ્ટાઇલ ટ્રેન્ડ વિશે જાણકારી આપતાં અર્ચના ઠક્કર કહે છે કે ‘પહેલાંની બધી બ્રાઇડ્સ બન જ કરાવતી હતી, પણ હવે એવું રહ્યું નથી. આજકાલ ઓપન હેર રાખવાનો ટ્રેન્ડ વધ્યો છે. યુવતીઓને ઓપન હેર વધુ ગમે છે. તેમનું એમ માનવું હોય છે કે બનમાં અમારો લુક મૅચ્યોર દેખાશે. આજે કોઈને એજ દેખાય એ ગમતું નથી. ગર્લિશ લુક જ યુવતીઓને જોઈતો હોય છે એટલે તેઓ છૂટા વાળ રાખવાનું પસંદ કરે છે. બીજું, બનમાં પ્રૉબ્લેમ એ આવે કે એક તો અંબોડો હેવી હોય. ઉપરથી એને સરખી રીતે સેટ કરવા ઘણીબધી પિન લગાવવી પડે. હવે બનને સજાવવા માટે હેર ઍક્સેસરીઝ અને ફ્લાવર્સ લગાવવાં પડે. દુપટ્ટાનું વજન આવે એટલે વજન ખૂબ વધી જાય. હવે આજકાલની છોકરીઓ રેગ્યુલર દિવસોમાં પણ ઓપન હેર રાખવાનું પસંદ કરે. એટલે માથા પર આટલો હેવી બન તેમને ફાવે નહીં. એટલે ત્રણ-ચાર કલાક સુધી આટલા હેવી બનમાં તેમનું માથું ચડી જાય. કમ્ફર્ટેબલી તેઓ વેડિંગ માણી ન શકે. એટલે બ્રાઇડ ઓપન હેર વધુ પ્રિફર કરે. ઓપન હેરમાં પણ તમે ડિફરન્ટ સ્ટાઇલની બ્રેઇડ કરી શકો. જેમ કે સેમી મેસી બ્રેઇડ વિથ ઓપન હેર, રોમૅન્ટિક કર્લ્સ વિથ ફ્લોરલ સેમી બન, ફ્રન્ટ બ્રેઇડ વિથ બીચ વેવ્સ વગેરે.’

columnists fashion news