24 November, 2026 10:47 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
તમારા વાળ ખરે છે કે પછી ટાલ પડી રહી છે?
સવારના સમયે ઓશીકા પર, કાંસકા પર કે નહાતી વખતે બાથરૂમમાં વાળ જોવા મળે એટલે કોઈ પણ વ્યક્તિ ચિંતામાં મુકાઈ જાય છે. આ સમસ્યાથી ઘેરાયેલા લોકો તરત જ અલગ-અલગ પ્રકારનાં તેલ, શૅમ્પૂ કે સપ્લિમેન્ટ્સ વાપરવાનું શરૂ કરી દે છે; પણ દરેક વખતે વાળ ખરવાનો અર્થ કાયમી ધોરણે વાળ ગુમાવવાનો નથી થતો. વાળ ખરવા અને વાળમાં પાતળાપણાની સમસ્યા વચ્ચે સ્પષ્ટ તફાવત છે, જેને સમજવો બહુ જરૂરી છે.
કેટલા વાળ ખરવા સામાન્ય?
વાળની પોતાની એક કુદરતી લાઇફ-સાઇકલ હોય છે. વાળ ઊગે છે, થોડો સમય સક્રિય રહે છે, અંતે ખરી પડે છે. સામાન્ય રીતે દરરોજ ૫૦થી ૧૦૦ જેટલા વાળ ખરવા સામાન્ય માનવામાં આવે છે. જો તમે રોજ વાળ ન ધોતાં હો તો એક જ દિવસે વધુ વાળ દેખાઈ શકે છે. એનો અર્થ એ નથી કે એ દિવસે જ એટલા બધા વાળ ખર્યા છે, અગાઉના દિવસોમાં છૂટેલા વાળ પણ એકસાથે બહાર આવે છે. જો વાળ ખરવાનું પ્રમાણ અઠવાડિયા સુધી અસામાન્ય રીતે વધેલું રહે અને સાથે વાળની ઘનતા ઘટતી દેખાય તો વાત માત્ર સામાન્ય શેડિંગની ન હોય એવું બની શકે છે.
અચાનક વાળ ખરવા પાછળ ‘ટેલોજેન એફ્લુવિયમ’?
વાળના પ્રાકૃતિક ચક્રમાં ત્રણ તબક્કા છે. વાળ વધે છે એને કહેવાય છે એનાજેન. વાળ સક્રિય સ્ટેજમાં હોય છે એને કૅટાજેન તબક્કો કહેવાય અને જ્યારે પાકટ થઈને ખરવા લાગે એ છે ટેલોજેન ફેઝ. ક્યારેક કોઈ ઘટના પછી થોડા મહિનામાં અચાનક વાળ ખરવા લાગે છે. એને ટેલોજેન એફ્લુવિયમ કહેવામાં આવે છે. સતત સ્ટ્રેસ, તાવ, ગંભીર બીમારી, સર્જરી, બાળકનો જન્મ, અચાનક વજન ઘટવું, પોષક તત્ત્વોની ઊણપ, કેટલીક દવાઓ અથવા હૉર્મોનલ ફેરફારો જેવાં કારણો એની પાછળ હોઈ શકે છે. આ સ્થિતિમાં સામાન્ય કરતાં વધુ વાળ ખરી પડે છે. સૌથી મહત્ત્વની વાત એ છે કે આ પ્રકારનું હેર-શેડિંગ ઘણી વાર અસ્થાયી હોય છે. મૂળ કારણ દૂર થયા પછી વાળની વૃદ્ધિ ફરી શરૂ થઈ શકે છે, જોકે નવા વાળ આવવાની પ્રોસેસ ટાઇમ-કન્ઝ્યુમિંગ છે.
હેર-શેડિંગ કે હેર-લૉસ?
હેર-લૉસમાં માત્ર વાળ ખરતા નથી, સમય જતાં વાળની ઘનતા અને જાડાઈમાં ઘટાડો દેખાવા લાગે છે. પુરુષોમાં આગળની હેરલાઇન પાછળ ખસતી દેખાય, માથાના ક્રાઉન સેક્શનમાં વાળ પાતળા થાય અને ટાલ દેખાવા લાગે તો એ હેર-લૉસ છે. એવી જ રીતે સ્ત્રીઓમાં વાળનું પાર્ટિંગ પહેલાં કરતાં પહોળું દેખાય, વાળની ઘનતા ઘટે, પોનીટેઇલ પહેલાં કરતાં પાતળી લાગે તો આ હેર-લૉસ છે. એની પાછળ અન્ય કારણો પણ હોઈ શકે છે. અૅલપીશિયા અને થાઇરૉઇડ હોય તો વાળ ખર્યે જાય છે. સતત ટાઇટ હેરસ્ટાઇલ રાખવાથી વાળના મૂળ પર ખેંચાણ આવી શકે છે. વારંવાર હીટ-સ્ટાઇલિંગ, કેમિકલ ટ્રીટમેન્ટ અને કેટલીક કૉસ્મેટિક પ્રક્રિયાઓ પણ વાળને નુકસાન કરે છે. જો તમારા વાળ સતત ઘણાં અઠવાડિયાં સુધી ખરી રહ્યા હોય, વાળ પાતળા થતા દેખાય અથવા માથા પર વાળની કોઈ જગ્યાએ ચકામાં પડવા લાગે તો ડર્મેટોલૉજિસ્ટની મુલાકાત લેવી યોગ્ય છે. જો માથામાં ખંજવાળ આવે, લાલાશ થાય, પોપડી જામી જાય કે દુખાવો થાય તો પણ તપાસ કરાવવી જરૂરી છે.
ચમત્કારિક હેર-ગ્રોથ પ્રોડક્ટ
વાળ ખરતા જોઈને તરત તેલ, શૅમ્પૂ, સિરમ કે સપ્લિમેન્ટ્સનો ઢગલો શરૂ કરી દેવો એ હંમેશાં યોગ્ય રસ્તો નથી. પોષક તત્ત્વોની ઊણપ હોય તો એની સારવાર કરવી જરૂરી છે, પરંતુ ઊણપ છે કે નહીં એ જાણ્યા વગર સપ્લિમેન્ટ્સ લેવાનું ટાળવું જોઈએ. હેર-લૉસનું સાચું કારણ શોધી કાઢવું એ અડધી સારવાર બરાબર છે. મોટા ભાગના હેર-લૉસનાં પ્રાથમિક પરિબળો ટ્રીટેબલ હોય છે. હૉર્મોનલ ફેરફાર, સ્કૅલ્પની સમસ્યા કે અન્ય કોઈ કારણ હોય તો સારવાર પણ એ પ્રમાણે જ અલગ રહેશે.