માત્ર મેંદી કે પીઠીમાં જ નહીં, ધાર્મિક પ્રસંગોમાં પણ ગલગોટા અને ફ્રેશ ફ્લાવર્સની જ્વેલરીની બોલબાલા

04 February, 2025 02:54 PM IST  |  Mumbai | Rajul Bhanushali

લગ્નપ્રસંગોમાં દુલ્હન અને દુલ્હનની સખીસહેલીઓ મૅચિંગ કરીને સાચુકલાં ફૂલોની જ્વેલરી પહેરતી થઈ

ગલગોટા અને ફ્રેશ ફ્લાવર્સની જ્વેલરીની બોલબાલા

વર્ષો પહેલાં ટીવી-સિરિયલોને કારણે હલ્દી સેરેમનીમાં ફૂલોનાં આભૂષણોની શરૂઆત થયેલી. એ પછી લગ્નપ્રસંગોમાં દુલ્હન અને દુલ્હનની સખીસહેલીઓ મૅચિંગ કરીને સાચુકલાં ફૂલોની જ્વેલરી પહેરતી થઈ. હવે ફૂલો ધારણ કરવાનો ટ્રેન્ડ ધાર્મિક પ્રસંગો અને બીચ પાર્ટી સુધી પણ વિસ્તરી રહ્યો છે

ઘરમાં નાની પૂજાવિધિ કરવાની હોય, ઘરના કોઈ પ્રસંગ માટે બધાએ સાથે મંદિરે જવાનું હોય, ખાસ માનતા માટે ચોક્કસ મંદિરે માથું ટેકવાનું નક્કી કર્યું હોય ત્યારે પણ ઇન્સ્ટાગ્રામ રીલ્સ સારી લાગવી જોઈએ વાતને ધ્યાનમાં રાખીને ખાસ સાજશણગારનું ચલણ વધ્યું છે. ટૂંકમાં કહીએ તો ઋષિકન્યાઓ જેમ ફૂલોનાં આભૂષણો પહેરતી ચલણ પાછું આવ્યું છે. ગ્લૅમર વર્લ્ડ સાથે સંકળાયેલા પુરુષો સાથે ઘરના પ્રસંગમાં પણ પુરુષો ફ્રેશ ફ્લાવર્સ પહેરવા લાગ્યા છે. લગ્નપ્રસંગે પીઠી કે મેંદી સેરીમનીમાં છોકરીઓ ઑર્ડર આપીને ફૂલોની ઍક્સેસરીઝ બનાવડાવતી આવી છે. પરંતુ એમાં મોટા ભાગે મોગરો, ગુલાબ, લીલી કે પછી ઑર્કિડ જેવાં ફૂલોનો ઉપયોગ થતો હોય છે. ગલગોટા આજ સુધી ભગવાનને ચડાવતા હાર કે પછી તોરણ સુધી સીમિત હતાં પરંતુ હમણાં-હમણાં ગલગોટાને પણ લોકો પસંદ કરવા લાગ્યા છે. પ્રસંગો હોય કે કિટી પાર્ટીઝ હોય કે પછી બીચ પાર્ટીઝ, છોકરીઓ ફ્રેશ ફ્લાવરને ઇઅરરિંગ્સ તરીકે પણ પહેરતી થઈ છે.

આ સ્ટાઇલ થોડી ઑફબીટ છે એટલે ક્યાં અને કેવી રીતે કરવી મહત્ત્વનું છે એમ જણાવતાં કાંદિવલીનાં ફૅશન-સ્ટાઇલિસ્ટ ભાવના રાજગોર કહે છે, ‘લોકો ગલગોટાનાં ફૂલને પસંદ કરવા લાગ્યા છે પરંતુ એના ટેક્સ્ચર અને રંગને કારણે થોડું લિમિટેશન આવી જાય છે. એ ટ્રેડિશનલ કે ઇન્ડો-વેસ્ટર્ન આઉટફિટ સાથે જ પેર કરી શકાય છે.  જોધપુરી કે ચૂડીદાર-કુરતા જેવા ટ્રેડિશનલ આઉટફિટ અને બનારસી કે ગજી સિલ્ક જેવી સાડી હોય તો એની  સાથે ગલગોટો જશે.

કલરની વાત કરીએ તો વાઇટ અને ક્રીમના ટોન, ગ્રેમાં ક્રીમ સાઇડ હોય એ કલર કે પછી યલોના શેડ સાથે પણ આ ફુલી બ્લેન્ડ થશે. મૉડલ્સ જ્યારે આ કૅરી કરે છે ત્યારે સ્ટાઇલ સ્ટેટમેન્ટ બનાવવા માટે કરે છે. સામાન્ય પબ્લિકને પણ જો આ લુક અપનાવવો હોય તો કૉન્ફિડન્સ સાથે અપનાવવો. આજકાલ ઇઅરરિંગ્સમાં પણ ફ્રેશ ફ્લાવર્સ પહેરવાનો ટ્રેન્ડ ચાલુ થયો છે. આ સ્ટાઇલ થોડી ઑફબીટ છે એટલે ક્યાં અને કેવી રીતે કરવી એ મહત્ત્વનું છે.’

હમણાંથી પીઠી કે મેંદીના પ્રસંગે દુલ્હન સાથે તેની બહેનપણીઓ કે પછી બહેન, ભાભી કે કઝિન્સનું ગ્રુપ મૅચ કરીને ફ્રેશ ફ્લાવર્સનાં ઇઅરરિંગ્સ પહેરે છે એમ ઝણાવતાં આગળ ભાવના રાજગોર કહે છે, ‘આવે વખતે આઉટફિટ મોનોક્રોમ કલરના હોય તો વધારે સારું લાગે છે. બહુ બધા કલર્સ, પ્રિન્ટ કે બહુ બધું વર્ક હોય તો એની સાથે ફ્રેશ ફ્લાવરની બુટ્ટી કે ગળામાં ગલગોટા કે અન્ય ફૂલોની માળા નેકપીસ તરીકે નહીં શોભે. માળા ચોકર સ્ટાઇલમાં જ પહેરવી.

યાત્રાએ કે મંદિરે જતા હો ત્યારે પણ આ પ્રકારનો લુક લઈ શકાય. ફરીથી કહીશ કે પ્લેન, એકદમ ઓછી પ્રિન્ટવાળા ડ્રેસ સાથે ફ્લાવર્સ બુટ્ટી તરીકે પહેરી શકાશે. જો આ પ્રકારે ફ્રેશ ફ્લાવર બુટ્ટી તરીકે પહેરો તો પછી એની સાથે બીજી ઍક્સેસરીઝનું પણ ધ્યાન રાખવું પડે. એની સાથે ગોલ્ડન કે મોટા ડાયલવાળી વૉચ નહીં પહેરી શકો સિવાય કે તમારી પાસે એ પર્ટિક્યુલર રંગની વૉચ હોય. અન્ય કોઈ મેટલનું નેકપીસ પણ ન પહેરવું. હા, એની સાથે બીડ્સવાળું અથવા શંખવાળું કે પછી આજકાલ ધૂપછાંવ બટનવાળાં જે બ્રેસલેટ્સ આવે છે એ પહેરી શકાશે. જુદા દેખાવાના ટ્રેન્ડ પાછળ આંખ મીંચીને કૂદી ન પડવું. જે સ્ટાઇલ કરો એને પ્રૉપરલી કૅરી કરો.’

fashion news fashion life and style culture news columnists gujarati mid-day mumbai instagram social media