ગલતી સે ભી મત કરના યે મિસ્ટેક્સ

24 April, 2023 05:28 PM IST  |  Mumbai | Kajal Rampariya

ફૉર્મલ્સ પહેરતી વખતે પૅન્ટ અને શર્ટના રંગોની વાત હોય કે ઇન કરવું કે નહીં એની વાત હોય કે સાથે કેવાં શૂઝ પહેરવાં એ વાત, એમાં કેટલીક ભૂલો ફૅશન ડિઝૅસ્ટર બની શકે છે

ગલતી સે ભી મત કરના યે મિસ્ટેક્સ

પ્રોફેશનલ લુક માટે પુરુષોના વૉર્ડરોબમાં ફૉર્મલ વેઅર્સ હોવાં મસ્ટ છે. ફૉર્મલ કપડાં તમારી પર્સનાલિટી છતી કરે છે અને એને કારણે ક્યાંય પણ કોઈ પ્રેઝન્ટેશન કે મીટિંગ માટે જવાનું હોય ત્યારે ફૉર્મલ લુક તમારા આત્મવિશ્વાસમાં પણ વધારો કરે છે. ફૉર્મલ લુક માટે બે મોટી અને ખોટી માન્યતા છે. એક તો એ કે ફૉર્મલ કપડાં બહુ મોંઘાં હોય છે અને બીજું, પૅન્ટ અને ટ્રાઉઝર પહેરી લો એટલે ફૉર્મલ લુક આપમેળે આવી જાય. ખર્ચની વાત કરીએ તો ફૉર્મલ વેઅર્સ બિલકુલ ખર્ચાળ નથી. તમારા બજેટના હિસાબે ફૉર્મલ સ્ટાઇલ સેટ કરી શકો છો. મોટા ભાગના નોકરિયાત પુરુષો ફૉર્મલ્સ પહેરતી વખતે કેટલીક ભૂલો કરે છે, જેને કારણે તેમની પર્સનાલિટી કન્ફ્યુઝિંગ લાગે છે. બૉડી લૅન્ગ્વેજ અને કમ્યુનિકેશન સાથે ફૉર્મલ લુક પણ ઘણો મહત્ત્વનો છે. જો આ ત્રણેયમાંથી કોઈ એક ચીજ પણ નહીં હોય તો તમારી પર્સનાલિટીમાં તમને સતત કંઈક ખૂટતું હોય એવું લાગ્યા કરશે. 

કલર કૉમ્બિનેશન

ફૉર્મલ લુકમાં શું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે એના વિશે ફૅશન ઇન્ડસ્ટ્રીમાં ૧૫ વર્ષ કરતાં વધુ વર્ષનો અનુભવ ધરાવતાં એક્સપર્ટ કાજલ દેઢિયા કહે છે, ‘એવું નથી કે શર્ટ અને પૅન્ટ પહેર્યાં એટલે ફૉર્મલ લુક આવી જાય. સૌથી પહેલાં તો પુરુષો પૅન્ટ અને શર્ટનો કલર સિલેક્ટ કરવામાં ભૂલ કરે છે. જો તમે વાઇટ શર્ટ પહેરો છો તો એની નીચે બ્લૅક પૅન્ટનું કૉમ્બિનેશન ક્લાસિક લુક આપે છે. આ સાથે જ શૂઝ પણ બ્લૅક જ પહેરવાં જોઈએ. ફૉર્મલ્સમાં હંમેશાં કૉન્ટ્રાસ્ટ કલર પસંદ કરવા જોઈએ. શર્ટ લાઇટ અને પેસ્ટલ કલરનાં હોય તો પૅન્ટ્સ ડાર્ક કલરનાં લેવાં જોઈએ. ખાસ કરીને શર્ટ પ્લેન હોય તો વધુ પ્રોફેશનલ લાગે છે. જોકે તમે લાઇનિંગવાળાં શર્ટ પહેરી શકો છો. શર્ટ ફુલ સ્લીવ્સનું હશે તો તમને વધુ પ્રોફેશનલ લુક આપશે.’

આ પણ વાંચો : ટ્રેડિશનલ સ્ટાઇલિંગમાં ગ્લૅમરસ લુક

જો તમે ફૉર્મલ્સ પહેરો છો ત્યારે ફૂલ મોજાં જ પહેરવાં જોઈએ. ઘણા પુરુષો નો-શો સૉક્સ પહેરે છે. બીજી મોટી ભૂલ પુરુષો કરે છે એ બેલ્ટ અને વૉચનું સિલેક્શન. એ વિશે કાજલ કહે છે, ‘ધારો કે તમે ક્રીમ શર્ટ અને બ્રાઉન પૅન્ટ પહેર્યાં હોય તો એના પર બ્લૅક બેલ્ટ સારો નહીં લાગે. આ પ્રકારનાં શર્ટ-પૅન્ટ પર ટૅન બ્રાઉન કલરનો બેલ્ટ, શૂઝ અને વૉચ હોવાં જોઈએ. તમે જે કલરનો બેલ્ટ પસંદ કરો છો એ જ કલરનાં શૂઝ અને વૉચ હોવી જોઈએ. નોકરિયાત પુરુષો હોય કે બિઝનેસમૅન, જ્યારે તમે એક પ્રોફેશનલ તરીકે કામ કરો છો તો હેરકટ પણ ડીસન્ટ રાખવી જરૂરી છે. આ ઉપરાંત જો તમે દાઢી રાખો છો તો એને સમયસર ટ્રિમ કરાવવી જોઈએ. જો બિઅર્ડ પાછળ સમય ગાળવાની તૈયારી ન હોય તો ક્લીનશેવ પણ બેસ્ટ રહેશે. ઘરેથી નીકળતી વખતે શૂઝને એક વાર પૉલિશ કરી લેવાં જોઈએ.’

ફૉર્મલ્સ પહેરતી વખતે નાની-નાની બાબત ખૂબ જ મહત્ત્વ ધરાવે છે એમ જણાવતાં ફૅશન એક્સપર્ટ કાજલ કહે છે, ‘માનો કે ન માનો, પર્સનાલિટી સારી દેખાય તો અડધાથી વધારે કામ ઈઝી થઈ જાય છે. ઑફિસના વાતાવરણમાં તમે કૅઝ્યુઅલ વેઅર પહેરીને જશો તો તમને કામ કરવાનું મન નહીં થાય અને કોઈ તમારી વાતને સિરિયસલી પણ લેશે નહીં, પણ જો પ્રૉપર ફૉર્મલ્સ પહેરીને ટિપટૉપ થઈને જશો તો આપમેળે અંદરથી કામ કરવાની સ્ફૂર્તિ આવી જશે. તમે ક્યાં કેવાં કપડાં પહેરો છો એ પણ મહત્ત્વનું છે.’

સ્નીકર્સ કે શૂઝ? 

સ્નીકર્સના ટ્રેન્ડ વિશે કાજલ જણાવે છે, ‘આજકાલ યુવકોમાં વાઇટ સ્નીકર્સનો ખૂબ જ ટ્રેન્ડ ચાલી રહ્યો છે. ફૉર્મલ્સ પર સ્નીકર પહેરવાં જોઈએ કે નહીં એ સવાલ ઘણા લોકો પૂછતા હોય છે. મારા મતે સ્નીકર્સ ક્રીઝ ફ્રી કમ્ફર્ટેબલ પૅન્ટ્સ પર સારાં લાગે છે, પરંતુ શૂઝને પ્રાથમિકતા આપવી એ સ્માર્ટ ડિસિઝન કહેવાશે. ક્રીઝ ફ્રી કૉટન પૅન્ટ્સની ખાસિયત એ છે એ તમે ઇસ્ત્રી વગર પણ પહેરી શકો છો. પૅન્ટનું સિલેક્શન કરતી વખતે એ વાત ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ કે સ્કિન ટાઇટ અથવા લૂઝ ન હોય.’

columnists fashion fashion news life and style