સેફ્ટી પિન હવે છુપાવવા માટે નહીં દેખાડવા માટે છે

05 February, 2026 02:37 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અત્યાર સુધી આપણે જે સેફ્ટી પિનનો ઉપયોગ ફાટેલાં કપડાંને સાંધવા કે સાડીના પલ્લુને અંદરથી છુપાવીને ટકાવી રાખવા માટે કરતા હતા એ હવે અન્ડરકવર મટીને મેઇન ઍક્સેસરી બની ગઈ છે

પ્રતીકાત્મક તસવીર

ફૅશનજગતમાં કહેવાય છે કે અહીં કંઈ જ કાયમી નથી, જે આજે જુગાડ છે એ કાલે સ્ટાઇલ-સ્ટેટમેન્ટ બની શકે છે. આ વાત સેફ્ટી પિનના મામલે સાચી પડી રહી છે. અત્યાર સુધી આપણે જે સેફ્ટી પિનનો ઉપયોગ ફાટેલાં કપડાંને સાંધવા કે સાડીના પલ્લુને અંદરથી છુપાવીને ટકાવી રાખવા માટે કરતા હતા એ હવે અન્ડરકવર મટીને મેઇન ઍક્સેસરી બની ગઈ છે

સેફ્ટી પિનનો ઉપયોગ કપડાને જોડવા માટે નહીં પણ એને સજાવવા માટે થઈ રહ્યો છે. લક્ઝરી બ્રૅન્ડ્સે સોના અને ચાંદીની એવી પિન લૉન્ચ કરી છે જેમાં હીરા અને કીમતી રત્નો જડેલાં હોય. આ પિન હવે માત્ર યુટિલિટી આઇટમ નથી પણ એક સ્ટેટમેન્ટ-પીસ છે. ગળામાં ચોકર તરીકે કે કાનમાં ડ્રૉપ ઇઅરરિંગ્સ તરીકે સેફ્ટી પિનની સેર પહેરવી એ આ સીઝનનો સૌથી હૉટ ટ્રેન્ડ છે.
સિલાઈ વગરના અથવા કટઆઉટ ડ્રેસનું ચલણ વધ્યું છે. ખાસ કરીને બ્લેઝર કે વેસ્ટર્ન ગાઉનમાં જે કટ રાખવામાં આવે છે એને દોરાથી સીવવાને બદલે મોટી સાઇઝની મેટલિક સેફ્ટી પિનથી જોડવામાં આવે છે. આ લુક બોલ્ડ હોવાની સાથે એક પ્રકારની પંક-રૉક વાઇબ પણ આપે છે. યુવાનોમાં જૂના ડેનિમ જૅકેટ પર સેફ્ટી પિનથી આર્ટ બનાવવાનો ક્રેઝ પણ સોશ્યલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે.

સ્ટાઇલિંગ ટિપ્સ

બ્લેઝર અથવા કોટ સાથે પિન આર્ટ : જો તમારી પાસે સાદું બ્લેઝર કે ઓવરકોટ હોય તો એના ખભા પર અથવા ખિસ્સાની આસપાસ હારબંધ સેફ્ટી પિન લગાવો. સોના અને ચાંદી બન્ને રંગની પિન મિક્સ કરીને લગાવશો તો એ વધુ હાઈ ફૅશન લુક આપશે.

ડેનિમ અપસાઇક્લિંગ : જૂના ફાટેલા જીન્સને નવો લુક આપવા માટે જ્યાં કટ હોય ત્યાં એને દોરાથી સીવવાને બદલે આડીઅવળી સેફ્ટી પિનથી જોડી દો. આ જીન્સ સાથે પ્લેન વાઇટ ટી-શર્ટ પહેરવાથી બધું ધ્યાન તમારી પિન ડિઝાઇન પર રહેશે.

ઍક્સેસરીઝ તરીકે ઉપયોગ : જો તમે કપડાં પર પ્રયોગ કરવા નથી માગતા તો ઘરેણા તરીકે આ ટ્રેન્ડ અપનાવો. જેમ કે મોટી સેફ્ટી પિનમાં નાનાં મોતી પરોવીને એને કાનમાં પહેરો. તમે પાંચ-છ સેફ્ટી પિનને એકબીજામાં પરોવીને એની ચેઇન બનાવી નેકલેસ તરીકે ઉપયોગ કરી શકો છો. આ ચોકર અત્યારે ખૂબ ફેમસ છે.

હેરસ્ટાઇલિંગમાં ટ્‌વિસ્ટ : તમારા ચોટલામાં અથવા ખુલ્લા વાળમાં સાસડ પર નાની અને રંગીન નિયૉન કલરની સેફ્ટી પિન લગાવો. વાળમાં લગાવતી વખતે પિન બરાબર લૉક છે કે નહીં એ તપાસી લેવું જેથી એ વાગે નહીં.

ટી-શર્ટમાં ઉપયોગ : તમારા ઓવરસાઇઝ્ડ ટી-શર્ટને ફિટિંગ આપવા માટે પાછળની કે સાઇડમાંથી ગાંઠ મારવાને બદલે કપડાને ભેગું કરીને ૨-૩ મોટી પિનથી સિક્યૉર કરો. એ એક સુંદર ડ્રેપ લુક આપશે.

ફુટવેઅર મેકઓવ‍ર : તમારાં સાદાં સફેદ સ્નીકર્સમાં લેસમાં નાની સેફ્ટી પિન ભરાવી દો. આ એક નાનકડો ફેરફાર તમારા આખા લુકને એકદમ અલગ અને કૂલ બનાવી દેશે.

fashion news fashion life and style lifestyle news exclusive gujarati mid day