ચહેરાની સુંદરતા વધારવા કૉલેજન માસ્ક કેટલા કામના?

13 February, 2024 08:31 AM IST  |  Mumbai | Heena Patel

સ્કિનની ઇલૅસ્ટિસિટી અને એજિંગની ઇફેક્ટને ઓછી કરવાનું કામ કૉલેજન કરે છે. વધતી ઉંમર સાથે બૉડીમાં એનું પ્રોડક્શન ઘટતું જાય છે, પરિણામે ફેસમાસ્કનો યુઝ કરીને સ્કિનના કૉલેજનને બૂસ્ટ કરવામાં આવે છે

પ્રતીકાત્મક તસવીર

દરેક મહિલા ઇચ્છતી હોય કે તે સુંદર દેખાય અને તેની ઉંમર ચહેરા પર ન વર્તાય એ માટે થઈને તેઓ તેમના સ્કિન-કૅર રૂટીનમાં અનેક સ્કિન-કૅર પ્રોડક્ટ્સ યુઝ કરે છે. કૉલેજન ફેસમાસ્ક પણ એક સ્કિન-કૅર પ્રોડક્ટ છે જે તમારી સ્કિનને હાઇડ્રેટેડ, ગ્લોઇંગ, ટાઇટ અને રિંકલ ફ્રી રાખવાનું કામ કરે છે. કૉલેજન ફેસમાસ્ક શું છે, એનાથી સ્કિનને શું ફાયદો થાય છે, એ કેટલા અસરકારક છે, કઈ ઉંમરથી તમારે એનો યુઝ શરૂ કરી દેવો જોઈએ એ વિશે જાણીએ.

કૉલેજન શું છે અને કેમ 
ડૅમેજ થાય? | કૉલેજન ફેસમાસ્ક શું છે એ સમજતાં પહેલાં આપણે કૉલેજન શું છે એ જાણવું જરૂરી છે. આ વિશે કન્સલ્ટન્ટ ડર્મેટોલૉજિસ્ટ ડૉ. રાશિ મહેતા કહે છે, ‘કૉલેજન એક પ્રોટીન છે જે તમારી ત્વચા, માંસપેશીઓ, હાડકાંઓ, લિગામેન્ટ્સ, ટેન્ડન્સમાં જોવા મળે છે. આમ તો કૉલેજનને આપણું શરીર પ્રાકૃતિક રીતે બનાવે છે. જેમ-જેમ ઉંમર વધતી જાય તેમ-તેમ કૉલેજનનું ઉત્પાદન ઘટતું જાય છે. કૉલેજન તમારા બૉડીને એક સપોર્ટ અને સ્ટ્રેંગ્થ પ્રોવાઇડ કરે છે, જે ઉંમર વધતાંની સાથે ઘટતું જવાથી તમારી ત્વચા ઢીલી પડી જાય, માંસપેશીઓ સંકોચાઈ જાય, હાડકાંઓ નબળાં પડતાં જાય વગેરે જેવી સમસ્યાઓ થાય. એ સિવાય સૂર્યનાં તેજ કિરણો, પૉલ્યુશન, પુઅર ડાયટ, આલ્કોહૉલ-સ્મોકિંગની હૅબિટ આ બધાં કારણોને લીધે પણ તમારા શરીરનું કૉલેજન ડૅમેજ થાય છે.’

કૉલેજન માસ્ક કેટલા બેનિફિશ્યલ છે? | કૉલેજન ફેસમાસ્ક એક પાતળી શીટ હોય છે જેને ફેસ પર ૧૫થી ૨૦ મિનિટ માટે લગાવીને રાખવાની હોય છે. આ શીટમાં જે લિક્વિડ હોય એમાં ઍન્ટિ-એજિંગ ઇન્ગ્રીડિયન્ટ હોય છે એમ જણાવતાં ડૉ. રાશિ મહેતા કહે છે, ‘કૉલેજન ફેસમાસ્ક તમારી સ્કિન હાઇડ્રેટ અને મૉઇશ્ચરાઇઝ કરવાનું કામ કરે છે, જેથી તમને પ્લમ્પી કૉલેજન મળે છે. જો ચહેરા પર કરચલીઓ પડી ગઈ હોય તો એને ઓછી કરવાનું અને ચામડી ઢીલી પડી ગઈ હોય તો એને ટાઇટ કરવાનું કામ પણ કૉલેજન ફેસમાસ્ક કરે છે. સાથે જ તમારી સ્કિનને સ્મૂધ અને બ્રાઇટ કરવાનું કામ પણ કૉલેજન માસ્ક કરે છે. હેલ્ધી સ્કિન માટે તમે અઠવાડિયામાં એક વાર કૉલેજન ફેસમાસ્કનો ઉપયોગ કરી શકો. તમારે કોઈ ફંક્શન કે પાર્ટીમાં જવાનું હોય તો એ પહેલાં ટેમ્પરરી ગ્લો માટે તમે કૉલેજન માસ્કનો યુઝ કરી શકો.’

કૉલેજન ફેસમાસ્ક કેટલા ઇફેક્ટિવ? | કૉલેજન ફેસમાસ્કની ઇફેક્ટિવનેસ પર્સન ટુ પર્સન ડિફરન્ટ હોય છે. ઘણા લોકોને સ્કિન પર પૉઝિટિવ ચેન્જ દેખાઈ શકે, ઘણાને ન પણ દેખાય. ડૉ. રાશિ મહેતા કહે છે, ‘કૉલેજન ક્રીમ અને સિરમની સરખામણીમાં કૉલેજન ફેસમાસ્ક સ્કિનમાં ડીપમાં જઈને કામ કરતા નથી. માર્કેટમાં કૉલેજન લિપ માસ્ક પણ આવે છે, જે તમારા લિપ્સના ડેડ કૉલેજન સેલ્સને રિમૂવ કરે છે અને હાઇડ્રેટ કરે છે. પણ આની ઇફેક્ટ પણ ટેમ્પરરી હોય છે. જોકે આ માસ્કની અસર ત્યારે દેખાશે જ્યારે તમે એને તમારા રેગ્યુલર સ્કિન-કૅર રૂટીનમાં સામેલ કરશો. એક વાર ચહેરા પર ફાઇન લાઇન્સ આવવાનું શરૂ થઈ ગયા બાદ એનાથી છુટકારો મેળવવો થોડો અઘરો છે. એટલે ૨૫ વર્ષ અને એનાથી વધુની વયની સ્ત્રીઓ કૉલેજન માસ્કનો યુઝ કરી શકે છે.’

માસ્ક સિવાય આનું ધ્યાન રાખવું પણ જરૂરી | સ્કિન-કૅર રૂટીનમાં પણ ફક્ત કૉલેજન માસ્કથી કંઈ નહીં વળે એમ જણાવતાં ડૉ. રાશિ મહેતા કહે છે, ‘તમારે વિટામિન સી, હાયોલ્યુરૉનિક ઍસિડ, રેટિનોલ, ગ્લાયકોલિક ઍસિડ બેઝ્ડ ક્રીમ કે સિરમ તમારા ડેઇલી સ્કિન-કૅર રૂટીનમાં ઍડ કરવાં પડશે. એ સિવાય અંદરથી જ ગ્લો મળે એ માટે ડાયટમાં કૉલેજન બૂસ્ટર ફૂડ જેમ કે સંતરાં, પાલક, બદામ, અખરોટ, બ્રૉકલી વગેરેનો સમાવેશ કરવો જોઈએ. માર્કેટમાં કૉલેજન સપ્લિમેન્ટ પાઉડર પણ અવેલેબલ છે જે અમે ઘણી વાર પેશન્ટને રેકમન્ડ કરતા હોઈએ છીએ.’

columnists fashion news fashion