ન્યુ યર હોમ-પાર્ટીમાં અપનાવો ફીલ-ગુડ લુક

28 December, 2021 08:41 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ વખતે થર્ટીફર્સ્ટની પાર્ટીઓ તો નથી થવાની, પણ ફ્રેન્ડ્સ અને ફૅમિલી સાથે થનારી ડિનર પાર્ટીમાં તમે જુદા જ તરી આવો એ માટે હટકે, કમ્ફર્ટેબલ અને તમે પહેલાં ટ્રાય ન કર્યું હોય એવું કરવા માગતા હો તો આ રહ્યા ઑપ્શન્સ

ન્યુ યર હોમ-પાર્ટીમાં અપનાવો ફીલ-ગુડ લુક

ન્યુ યર પાર્ટી એટલે એ જ બ્લૅક ડ્રેસ, મૉડર્નના નામે એ જ ટૂંકાં કપડાં અને વન-પીસ જ પહેરવામાં આવતાં હોય છે. એ જ હાઈ હીલ્સ જેમાં જરાય કમ્ફર્ટ ન હોય અને એ ટાઇટ કપડાં જેમાં શ્વાસ ન લઈ શકાતો હોય એમાં ફસાઈને થર્ટીફર્સ્ટ ન માણવી હોય છતાં સ્માર્ટ અને ખરી રીતે મૉડર્ન દેખાવું હોય તો આ છે એકદમ ટ્રેન્ડી અને હટકે આઇડિયાઝ જેને તમે ફૉલો કરી શકો છો.
દરેક તહેવારનું પોતાનું એક ડ્રેસિંગ હોય છે જેમાં દિવાળીના દિવસે બધા ટ્રેડિશનલ સાડી જ પહેરે એમ ન્યુ યર પાર્ટીમાં બધી સ્ત્રીઓ મોટા ભાગે બ્લૅક કે વધુમાં રેડ ડ્રેસ પહેરતી હોય છે. વન-પીસ ડ્રેસમાં પણ લૉન્ગ ડ્રેસ વિથ સ્લિટ, શૉર્ટ ડ્રેસ, ની-લેન્ગ્થ ડ્રેસ, ફ્રિલવાળા ડ્રેસ વર્ષોથી લોકો ન્યુ યર પાર્ટી માટે જ સાચવી મૂકે છે અને પોતાની હાઈ હીલ્સ સાથે મૅચ કરીને એને પહેરે છે. જો તમને એ પહેરવું ગમતું હોય તો બેસ્ટ છે. તમે એ મનથી પહેરો પણ જો તમે એ પહેરીને કંટાળ્યા હો, તમને એ ટિપિકલ ન્યુ યર લુકમાં ફિટ ન થવું હોય, તમે જે પાર્ટીમાં જાઓ છો એમાં બધાથી અલગ તરી આવવું હોય અને છતાં ટ્રેન્ડી અને એકદમ સ્માર્ટ પણ દેખાવું હોય આ રહી કેટલીક ટિપ્સ જેને ફૉલો કરીને તમે આ ન્યુ યર પાર્ટીની મજા બમણી કરી શકો છો.  મુંબઈમાં કોઈ બહારના સ્થળે તો પાર્ટીની પરમિશન છે નહીં; પરંતુ તમે જે હોમ પાર્ટી, સોસાયટી પાર્ટી કે ડિનર પર જવાના છો એમાં સ્માર્ટ અને કમ્ફી લુક સાથે તૈયાર થઈને તો ન્યુ યર ઊજવી જ શકો છો. પાર્ટી કદાચ લૅવિશ નહીં હોય પણ લવલી તો હશે જ.

ફૅશન-સ્ટાઇલિસ્ટ અને ઇન્ફ્લુઅન્સર પૂર્ણિમા રાવત મહેતા પાસેથી જાણીએ કેટલીક ખાસ ટિપ્સ

બોહો સ્ટાઇલ

જે લાંબા ફ્લો ધરાવતાં સ્કર્ટ કે ડ્રેસિસ હોય એને બોહો સ્ટાઇલ ડ્રેસ કહે છે જેમાં થોડો ઍથ્નિક ટચ હોય અને એની સાથે બિડિંગવાળું વર્ક કે એમ્બ્રૉઇડરી હોય, કલરફુલ પૉમપૉમ હોય. આવા ડ્રેસ સાથે જ્યારે મેટલ જ્વેલરી કે વુડન ઘણીબધી જ્વેલરી પહેરવામાં આવે, હાથમાં ઘણીબધી રિન્ગ્સ હોય, બૅન્ગલ્સ હોય, ગળામાં બે કે ત્રણ લેયરવાળા નેકપીસ હોય તો એ સ્ટાઇલને બોહો સ્ટાઇલ કહેવાય છે. આ લુક ઘણી લેયરવાળો અને કલરફુલ લાગે છે. જો તમને આખો લુક બેસાડવામાં મહેનત લાગે તો ફક્ત બોહો સ્ટાઇલનું એક જૅકેટ પણ પ્લેન ડ્રેસ પર રંગ જમાવી શકે છે.

લેધર લુક

લેધર પૅન્ટ્સ આજકાલ ખૂબ ચલણમાં છે. એમાં પણ જો એ બેલ-બૉટમ હોય તો વધુ સારું. ન પણ હોય તો એને જૅકેટ સાથે પેર કરીને પણ પહેરી શકાય. એને કોઈ ટી-શર્ટ સાથે કે ટૉપ સાથે લેધર બેલ્ટ ઉમેરીને પણ પહેરી શકાય. આ સિવાય હાથમાં જો લેધરની જ કોઈ હૅન્ડલવાળી બૅગ હોય તો ખૂબ સરસ લાગશે. શૂઝ થોડી ચમકવાળાં પહેરી શકાય અને મેકઅપ એકદમ લાઇટ રાખવો. જો તમને ખૂબબધી વસ્તુઓ સાથે એને પેર ન કરવું હોય તો હાલમાં કરીનાએ પહેર્યું હતું એ રીતે લેધર પૅન્ટ પર ફક્ત ટી-શર્ટ પણ તમને સારો લુક આપી શકે છે. 

સેલિબ્રિટી સ્ટાઇલિસ્ટ અને ફૅશન-ડિઝાઇનર રાધિકા મેહરા પાસેથી જાણીએ કેટલીક ખાસ ટિપ્સ

કમ્ફી લૂઝ કફતાન 

મોટા ભાગે ન્યુ યર પાર્ટીમાં બધા ટાઇટ ડ્રેસ પહેરતા હોય છે પણ આ ન્યુ યરમાં તમે કમ્ફર્ટને વધુ પ્રાધાન્ય આપો. તમે કફતાન પહેરો. કફતાન આજકાલ ખૂબ ટ્રેન્ડમાં છે અને એના જેટલો કમ્ફર્ટેબલ ડ્રેસ કોઈ બીજો ન હોઈ શકે. કફતાનમાં વ્યક્તિના બેચાર કિલો ઉપર-નીચે થયા હોય કે પેટ થોડું વધારે બહાર આવી ગયું હોય તો પણ ચિંતા હોતી નથી. પહેરવામાં એ ખૂબ જ સુંદર પણ લાગે છે. કફતાનમાં પણ થોડી જુદી-જુદી સ્ટાઇલ આવે છે. તમને જે ગમે એ તમે પહેરી શકો છો. 

હીલ્સના બદલે પહેરો સ્નીકર્સ 

સ્ત્રીઓ હંમેશાં હીલ્સમાં જ સુંદર લાગે એ કન્સેપ્ટ હવે જૂનો થઈ ગયો છે. આજકાલ તો લગ્નમાં પણ વધૂ તેના લેહંગા નીચે સ્નીકર્સ પહેરતી થઈ ગઈ છે. આજકાલ ખૂબ સ્ટાઇલિશ  સ્નીકર્સ પણ આવતાં હોય છે. જો તમને એકદમ છટાંગ અને ફન્કી લાગે એવાં સ્નીકર્સ ન પહેરવાં હોય તો સિમ્પલ સફેદ કે કાળા રંગનાં સ્નીકર્સ પણ એકદમ કૂલ લાગશે. એમાં તમે નાચી પણ શકશો અને પૂરી મજા પણ લઈ શકશો.

ન્યુ યર પાર્ટીમાં સાડી પહેરાય?

લોકો દિવાળીમાં સાડી પહેરે છે પરંતુ ન્યુ યર પાર્ટીમાં સાડી? આજકાલ સાડીને ડિઝાઇનર્સે ઘણો મૉડર્ન અવતાર આપેલો છે. એમાં બ્લૉક પ્રિન્ટિંગ અને સ્ક્રીન પ્રિન્ટિંગ ફન્કી રાખીને એકદમ હટકે લુકવાળી સાડીઓ બજારમાં મળતી થઈ છે. સૂતા નામની વેબસાઇટ જે ઑનલાઇન સાડી અને બ્લાઉઝ વેચે છે. એમણે હાલમાં જે ક્રિસમસ કલેક્શન બહાર પાડ્યું છે એ વિશે વાત કરતાં સુજાતા અને તાન્યા કહે છે, ‘આ સાડીઓ મલ-કૉટનની સાડી છે એટલે પહેરવામાં ખૂબ જ હળવી છે. દરેક સાડી પોતાનામાં એકદમ યુનિક છે. જો આ પ્રકારની ફન્કી સાડી તમે તમારી નવા વર્ષની ડે-પાર્ટીઝમાં પહેરશો તો લોકો તમને ચોક્કસ નોટિસ કરશે જ અને તમારી સ્ટાઇલને આખું વર્ષ યાદ રાખશે. ફક્ત એ ધ્યાન રાખજો કે બીજી સાડીની જેમ આ સાડીઓ સાથે હેવી જ્વેલરી ન પહેરવી.’

fashion fashion news columnists