વીગન લેધર શું છે એ જાણો છો?

27 June, 2022 08:58 PM IST  |  Mumbai | Aparna Shirish

અમુક કારણોસર રિયલ લેધરનાં જૂતાં પહેરવાનું ટાળતા હો તો સિન્થેટિક લેધરનાં જૂતાં ટ્રાય કરો. એના ફાયદા અનેક છે

કાર્તિક આર્યન

પ્રાણીઓ પર થતા અત્યાચાર અને ચામડું બનાવવાની પ્રોસેસ કાળજુ કંપાવનારાં હોય છે. અનેક લોકો માટે ચામડાની ચીજો વાપરવી કે ચામડાનાં જૂતાં પહેરવાં એ વાત પ્રાણીઓ પર અત્યાચાર કરવા સમાન જ લાગે છે. અહીં જો ફૅશન ઇન્ડસ્ટ્રીની વાત કરીએ તો મોટી બ્રૅન્ડ્સ સ્પેશ્યલી રિયલ લેધરનાં હૅન્ડક્રાફ્ટેડ જૂતાં જ બનાવે છે, કારણ એ કે રિયલ લેધર લાંબું ટકે છે. જોકે હવે એવું નથી. જુદા-જુદા અનેક મટીરિયલમાંથી બનતું સિન્થેટિક લેધર જે વીગન લેધર તરીકે ઓળખાય છે, એમાં પણ અનેક ડિઝાઇન અને વરાઇટી મળી રહે છે અને હવે તો ઇન્ટરનૅશનલ બ્રૅન્ડ્સ પણ વીગન ફુટવેઅર બનાવતી થઈ છે. 
શું છે વીગન લેધર?
વીગન લેધર ખૂબ જ આસાનીથી મળી રહેતા પૉલિયુરેથિન નામના કૃત્રિમ કમ્પાઉન્ડમાંથી બને છે જે મોટા ભાગે રીસાઇકલ કરેલા પ્લાસ્ટિક, ઓકના વૃક્ષની છાલમાંથી મળતા કોર્ક, પ્લાન્ટ વેસ્ટ અને આવા બીજા સસ્ટેનેબલ મટીરિયલમાંથી બને છે. 
વીગન લેધર દેખાવમાં આબેહૂબ અસલી ચામડા જેવું જ હોય છે, પણ અહીં એ પ્રાણીઓને કોઈ ત્રાસ આપ્યા વિના કૃત્રિમ રીતે બનાવવામાં આવ્યું હોવાને કારણે વધુ એથિકલ બને છે. હવે બજારમાં લેધરનાં જૂતાંથી લઈને બેલ્ટ, બૅગ્સ અને જૅકેટ પણ આસાનીથી મળી રહે છે. 
વીગન લેધરમાં બનાના ફાઇબરથી લઈને પીવીસી જે વિનાઇલ જેવી ચમક આપે છે અને પિનટેક્સ જે અનનાસનાં પાનનાં ફાઇબરમાંથી બને છે એવી અનેક વરાઇટી છે. દરેક વરાઇટીના જુદા-જુદા ગુણધર્મો અને ફાયદા છે. 
ઇકો-ફ્રેન્ડ્લી 
રિયલ લેધરને પહેરવાલાયક બનાવવા માટે એના પર પટિના એટલે કે ચમકવાળું આવરણ ચડાવવામાં આવે છે. એ માટે ચામડાને અનેક કેમિકલ પ્રોસેસમાંથી પસાર થવું પડે છે જેને કારણે એ નૅચરલ હોવા છતાં ઇકો-ફ્રેન્ડ્લી નથી ગણાતું. બીજી બાજુ વીગન લેધરમાં એવી કેમિકલ પ્રક્રિયાઓની જરૂર નથી પડતી તેમ જ પ્રાણીજ ચામડામાંથી બનેલું ન હોવાને લીધે એ ઇકો-ફ્રેન્ડ્લી ચીજોના વપરાશકર્તાઓ માટે પહેલી પસંદગી બને છે. 
કૉસ્ટ-ઇફેક્ટિવ
વીગન લેધરની સરખામણીમાં લૉન્ગ લાસ્ટિંગ અને સ્ટાઇલિશ ભલે હોય, પણ રિયલ લેધર પૉકેટ-ફ્રેન્ડ્લી જરાય નથી. લેધરની બનાવટની ચીજો ખૂબ મોંઘી હોય છે. વીગન લેધરમાં રિયલ લેધરનાં બધાં જ ફીચર્સ અડધા ભાવમાં મળી રહે છે. 
ડિઝાઇન અને રંગોની વરાઇટી
વીગન લેધરમાં રંગ અને ડિઝાઇનના પર્યાયો અનેક છે. કૃત્રિમ રીતે બનતું હોવાને કારણે એમાં કોઈ પણ રંગ બનાવવો શક્ય છે જેને કારણે ડિઝાઇનમાં પણ અનેક વરાઇટી બનાવી શકાય છે. આ જ બાબત રિયલ લેધરમાં થોડી મુશ્કેલ બને છે, કારણ કે ચામડું સમય જતાં એનો રંગ બદલે છે. 
ટૂંકમાં, વીગન લેધર સસ્તું છે, પ્રાણીઓને ત્રાસ આપ્યા વિના બનાવવામાં આવ્યું છે, ગિલ્ટ-ફ્રી છે, સસ્ટેનેબલ છે અને ડિઝાઇન તથા રંગોના અઢળક પર્યાયો એમાં છે. એક ફૅશનપરસ્ત જૂતાંના શોખીનને બીજું શું જોઈએ? 
વૉટરપ્રૂફ
જો તમે લેધરનાં જૂતાં પહેરતા હશો તો તમને જાણ હશે જ કે પાણી ચામડાની ચીજો માટે દુશ્મન સમાન છે. વીગન લેધરની બાબતમાં એવું નથી. પીયુ કે પીવીસીનાં બનેલાં જૂતાં મોટા ભાગે વૉટરપ્રૂફ હોય છે અને મિનિમમ વેર ઍન્ડ ટેર સાથે લાંબો સમય ચાલે છે. એ સાથે જ એની સારસંભાળ પણ આસાન છે. 

fashion news fashion columnists