સ્કિન-કૅર માટે કેટલા પ્રકારની માટીઓ વપરાય છે એ ખબર છે?

28 June, 2022 12:29 PM IST  |  Mumbai | Aparna Shirish

આપણે ત્યાં મોટા ભાગે મુલતાની માટી જ વધુ વપરાય છે, પરંતુ આજકાલ કેઓલિન ક્લે ટ્રેન્ડમાં છે ત્યારે જાણીએ કેટલી માટીઓ ત્વચા માટે વપરાય છે અને એના ફાયદા શું છે

સ્કિન-કૅર માટે કેટલા પ્રકારની માટીઓ વપરાય છે એ ખબર છે?

ભારત આયુર્વેદનો દેશ છે. અહીં ત્વચાની સારસંભાળની વાત આવે ત્યારે નૅચરલ સ્કિન-કૅર પર લોકો વધુ વિશ્વાસ રાખે છે. તેમ જ મુલતાની માટી, ચંદન જેવી કુદરતી ચીજોને ક્રીમ કે પાર્લરના ફેશ્યલ કરતાં વધુ વાપરે છે. પણ શું તમે જાણો છો કે એ સિવાય સાત જુદા-જુદા પ્રકારની માટી ત્વચા માટે ફાયદાકારક છે. જોકે એક મુલતાની માટી સિવાયની બીજી કોઈ ક્લે બજારમાં આસાનીથી નથી મળતી. હા, આ ક્લેવાળા માસ્ક અને પ્રોડક્ટ્સ જરૂર મળે છે. 
ક્લે શા માટે? |  એવો એક ગુણધર્મ કે જે ક્લે કે માટીને બીજી સ્કિન-કૅર પ્રોડક્ટ્સથી જુદી પાડે એ છે એનો ઍબ્સૉર્પ્શન પાવર. દરેક ક્લેનો આ પાવર જુદો હોય છે. એટલે કે ત્વચાનાં રોમછિદ્રોમાં જે મેલ કે વધારાનું તેલ હોય એ આ માટી શોષી લે છે અને ત્વચાને ક્લીન કરે છે. અહીં ત્વચાની જરૂર પ્રમાણે ક્લેની પસંદગી કરવાની હોય છે. ચાલો જાણીએ કઈ ક્લે શું કામ કરે છે. 
કેઓલિન ક્લે | ચીનમાં મળી માવતી ખૂબ જ ઝીણી એવી કેઓલિન ક્લે સ્કિન-કૅરમાં સૌથી વધુ વપરાય છે. સંવેદનશીલ અને સૂકી ત્વચા માટે પણ યોગ્ય ગણાતી કેઓલિન ક્લેના ફાયદા અનેક છે. કેઓલિન ક્લે માઇલ્ડ હોય છે. જેમની ત્વચા વધુ પડતી તૈલી હોય તેમને રોમછિદ્રોની સફાઈની જરૂર પડે છે જેના માટે પીળી કેઓલિન ક્લે શ્રેષ્ઠ રહેશે. કેઓલિન માઇલ્ડ ક્લેન્ઝર તરીકે કામ કરે છે અને સાથે જ ત્વચાને સુંવાળી બનાવે છે, ગ્લો વધારે છે અને ત્વચાની લવચિકતા વધારી વૃધ્ધત્વની નિશાનીઓને નાબૂદ કરે છે. 
બેન્ટોનાઇટ ક્લે | કૅનેડામાં લાવાની રાખમાંથી મળી આવતી આ ક્લે પાણીના સંપર્કમાં આવે એટલે ફૂલે છે અને રોમછિદ્રોમાંથી માટીને ખેંચીને બહાર કાઢે છે. એના આ જ ગુણધર્મને લીધે એ મૅગ્નેટિક ક્લે તરીકે પણ ઓળખાય છે. આ ક્લે નૉર્મલ, તૈલી અને ખીલવાળી ત્વચા માટે યોગ્ય છે. 
ફ્રેન્ચ ગ્રીન ક્લે | મિનરલ્સથી ભરપૂર એવી આ ક્લે પ્લાન્ટ બેઝ્ડ છે અને માટે જ એનો રંગ લીલો છે. આ માટી ખૂબ જ ઝીણી હોય છે અને મોટા ભાગે ત્વચાને વધુ સારી બનાવવા માટે, ત્વચા પરના ડાઘ દૂર કરવા માટે તેમ જ ત્વચા પર કોઈ ઘા હોય તો એની સારવાર માટે વપરાય છે. આ ક્લે તૈલી અને સંવેદનશીલ ત્વચા માટે છે. 
રાસોલ | રાસોલ મૉરોક્કોમાં મળી આવતી લાલ રંગની ક્લે છે. 
બધી જ ક્લેની સરખામણીમાં રસોલ સૌથી સૌમ્ય ગણાય છે. મોટા ભાગે સ્પામાં ત્વચાને સૉફ્ટ બનાવા માટે વપરાતી આ ક્લે સૌથી વધુ મોંઘી પણ છે.  
ફ્રેન્ચ રોઝ ક્લે | હલકી ગુલાબી રંગની આ માટી તૈલી ત્વચા માટે નથી, કારણ કે એની ઍબ્સૉર્બ કરવાની ક્ષમતા ઓછી છે અને એ રોમછિદ્રોને બ્લૉક કરી શકે છે. જોકે સંવેદનશીલ ત્વચા માટે આ માટી સારી ગણાય છે, કારણ કે એ માઇલ્ડ છે. 
ડેડ સી ક્લે  |  ઔષધીય તત્ત્વો ધરાવતી આ ક્લે સૉરાયસિસ જેવા ત્વચાના રોગો પર પણ અસરદાર છે. ત્વચાની લવચિકતા વધારી ત્વચાને ચળકતી, ફ્રેશ અને હેલ્ધી બનાવે છે. ટૂંકમાં આ ક્લેમાં ઍન્ટિએજિંગ તત્ત્વો સામેલ છે. 
મુલતાની માટી | ભારતમાં ઘરેઘરમાં વપરાતી મુલતાની માટી ત્વચા માટે ખૂબ જ સારી છે. મુલતાની માટી સૌથી સસ્તી પણ છે. નૉર્મલ અને ઑઇલી બન્ને પ્રકારની સ્કિન માટે આ માટી શ્રેષ્ઠ છે. મુલતાની માટી અને ગુલાબજળ ખીલ માટે અકસીર ઉપાય છે.

ત્વચા નિષ્ણાત શું કહે છે?

ક્લેના ત્વચા માટે અનેક ફાયદા હોવા છતાં એ વાપરવી કે નહીં એ પ્રશ્નનો જવાબ આપતાં ડર્મેટોલૉજિસ્ટ ડૉ. મેઘના મૌર કહે છે, ‘જે પ્રમાણે જુદી-જુદી ક્લે અને એના ગુણધર્મો જુદા છે એ જ રીતે દરેક ત્વચા જુદી છે, એની જરૂરિયાત જુદી છે. ભારતમાં સ્કિન-કૅરમાં મુલતાની માટીનો વપરાશ સદીઓથી થઈ રહ્યો છે અને હવે તો ક્લેના ઘણા પ્રકાર ઉપલબ્ધ છે. ક્લેનું મુખ્ય કામ ત્વચાનાં રોમછિદ્રોમાંથી વધારાનું તેલ બહાર કાઢી એને ક્લીન કરવાનું છે. એટલે એ ઑઇલી સ્કિન માટે ખૂબ સરસ રીતે કામ કરે છે. અઠવાડિયામાં એક વાર કોઈ પણ સૂટેબલ ક્લેનો પૅક લગાવી શકાય. અહીં ડ્રાય કે સંવેદનશીલ સ્કિન ધરાવતી વ્યક્તિએ ક્લેનો વપરાશ ત્વચા નિષ્ણાતની સલાહ વિના કરવો નહીં, કારણ કે એ ત્વચાને વધુ રુખી બનાવે છે.’

fashion news fashion columnists