✕

બાલ્કનીને સ્ટોરેજ સ્પેસ બનાવવાને બદલે ફેસ્ટિવ કૉર્નર બનાવો

27 October, 2026 10:37 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મોટી બાલ્કની સ્પેશ્યસ લાગે અને ઘરમાં ફેસ્ટિવ વાઇબ્સ આવે એ માટે એની સજાવટ ઘરની સુંદરતામાં ચાર ચાંદ ઉમેરે છે.

પ્રતીકાત્મક તસવીર

દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે ઘરની સાફસફાઈ અને સજાવટની તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે. મોટા ભાગનાં ઘરોમાં બાલ્કની મોટી હોવા છતાં એનો ઉપયોગ માત્ર વધારાનો સામાન કે કબાટ મૂકવાની સ્ટોરેજ-સ્પેસ તરીકે જ થતો હોય છે. આ દિવાળી પર બાલ્કનીને બિનજરૂરી સામાનથી મુક્ત કરીને એને મલ્ટિફંક્શનલ સ્પેસમાં ફેરવી શકાય છે, જે રોજના વપરાશની સાથે તહેવારોમાં ઘરનો સૌથી આકર્ષક ખૂણો બની શકે.

સ્ટોરેજને બદલે મલ્ટિફંક્શનલ યુઝ

મોટી બાલ્કનીને એક જ હેતુ માટે વાપરવાને બદલે એને અલગ-અલગ ઝોનમાં વહેંચીને મલ્ટિફંક્શનલ બનાવી શકાય છે. બાલ્કનીના એક ખૂણામાં વેધરપ્રૂફ ફર્નિચર જેમ કે વાંસ કે કેનની ખુરસીઓ, કમ્ફર્ટેબલ ઝૂલો અથવા ફ્લોર સીટિંગ ગોઠવી શકાય છે. સવારની ચા માટે કે સાંજનું પુસ્તક વાંચવા માટે આ જગ્યા ઉત્તમ બને છે. શક્ય હોય તો ફોલ્ડેબલ ફર્નિચર વસાવવું, જેથી એને ફોલ્ડ કરીને એ જગ્યાનો બીજી કોઈ રીતે યુઝ કરી શકાય.

જમીનની જગ્યા રોકાય નહીં એ માટે દીવાલ પર વર્ટિકલ સ્ટૅન્ડ મૂકીને ઇન્ડોર છોડ, મનીપ્લાન્ટ કે ફ્લાવરિંગ પ્લાન્ટ્સ વાવી શકાય છે. આનાથી બાલ્કનીને નૅચરલ અને તાજો લુક મળે છે.

સવારના સમયે યોગ કે સ્ટ્રેચિંગ કરવા માટે અને દિવસ દરમ્યાન લૅપટૉપ પર કામ કરવા માટે નાના કૉમ્પૅક્ટ ટેબલ સાથે આ જગ્યાનો ઉપયોગ થઈ શકે છે.

જો ઘરમાં બાળકો હોય તો બાલ્કનીના એક સુરક્ષિત ખૂણાને તેમના રમવા માટે અથવા ક્રીએટિવ કામો માટે વાપરી શકાય છે. ત્યાં એક નાની ઈઝી-ટુ-ક્લીન મેટ પાથરીને આર્ટ ઍન્ડ ક્રાફ્ટ, બોર્ડ ગેમ્સ કે રમકડાં રમવા માટે જગ્યા બનાવી શકાય છે. તહેવારો દરમ્યાન બાળકો આ જગ્યાએ સુરક્ષિત રીતે પોતાની ક્રાફ્ટ-આઇટમ્સ કે દીવા શણગારવાની પ્રવૃત્તિઓ કરી શકે છે, જેથી ઘરના મુખ્ય હૉલ કે લિવિંગરૂમમાં અસ્તવ્યસ્ત સામાન ન ફેલાય.

દિવાળી માટે ફેસ્ટિવ કૉર્નર

 દિવાળી માટે બાલ્કનીની ગ્રિલ પર વૉર્મ વાઇટ કે ગોલ્ડન ફેરી લાઇટ્સ લગાવો. બાલ્કનીના ખૂણાઓમાં જુદા-જુદા કદનાં કંદીલ લટકાવી શકાય છે.

 બાલ્કનીના ફ્લોરિંગ કે રેલિંગ પર માટીના દીવા, પિત્તળની અથવા ગ્લાસ હોલ્ડરમાં ટી-લાઇટ કૅન્ડલ્સ ગોઠવો.

 બાલ્કનીના એન્ટ્રન્સ કે સેન્ટરમાં ગલગોટા અને ગુલાબની પાંખડીઓથી અથવા ઇકો-ફ્રેન્ડ્લી રંગોથી રંગોળી બનાવો. સીટિંગ એરિયામાં બ્રાઇટ કલરનાં કુશન કવર અને એમ્બ્રૉઇડરીવાળી ચાદર પાથરીને ફેસ્ટિવ લુક આપી શકાય છે.

 પિત્તળ કે માટીની એક ઉરલીમાં પાણી ભરીને એમાં ફ્લોટિંગ કૅન્ડલ્સ અને ફૂલોની પાંખડીઓ મૂકીને સિમ્પલ ડેકોર પણ કરી શકાય. એમાં સુગંધ માટે ચંદન કે મોગરાની ધૂપ-અગરબત્તીનો ઉપયોગ કરો.

 ચાઇનીઝ કે પ્લાસ્ટિકની બનાવટોને બદલે માટીના દીવાઓનો ઉપયોગ કરો. ફૂલોના કચરામાંથી ખાતર બનાવી શકાય છે, જેથી ઉત્સવ પણ ઊજવાય અને પ્રકૃતિને પણ નુકસાન ન થાય.

 

diwali festivals home decor lifestyle news life and style fashion