જેવા વાળ એવું હેરબ્રશ

29 January, 2025 02:14 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મોટા ભાગે વાળ સેટ કરવા માટે કાંસકો જ પૂરતો નથી, તમારા વાળને સેટ કરવા માટે ચોક્કસ પ્રકારનાં હેરબ્રશના બે સ્ટ્રોક પણ પૂરતા છે. જોકે તમારા માટે કયું હેરબ્રશ બેસ્ટ છે એ આજે જાણી લો

જેવા વાળ એવું હેરબ્રશ

હેર-સ્ટાઇલિંગ માટે હંમેશાં હૉટ આયર્ન, કર્લર, મિસ્ટ, જેલની જ જરૂર પડે એવું નથી; તમારા વાળ અનુસાર ચોક્કસ બ્રશ વાપરશો તો હેરસ્ટાઇલ મસ્ત સેટ થઈ જાય છે. પાંખા વાળનું વૉલ્યુમ વધી જાય અને કુદરતી રીતે જ વાળમાં ચોક્કસ પ્રકારનાં ટેમ્પરરી વેવ્સ બની જાય છે. આ બધી ચીજો વાળ માટે વિવિધ હેરબ્રશનો ઉપયોગ કરવાની કારીગરી પર નિર્ભર કરે છે. ઘરમાં બેસિક જરૂરિયાતનાં હેરબ્રશ વસાવી લેશો તો ઘર જ મિની સૅંલો બની જશે.

રાઉન્ડ અને વેન્ટેડ બ્રશ ઓવરઑલ જનરલ સ્ટાઇલિંગ માટે બેસ્ટ છે. જોકે તમારા વાળ અને તમે કેવી હેરસ્ટાઇલ કરવા માગો છો એ સમજીને જો હેરબ્રશ વાપરવામાં આવે તો હેરસ્ટાઇલિંગ બહુ સરળ થઈ જાય.

ભીના વાળમાં કાંસકો કે બ્રશ ફેરવવું હાનિકારક છે, એમ છતાં જો તમને ભીના વાળ જ ઓળવાની આદત હોય તો વેટ હેરબ્રશ વસાવવું જોઈએ. એના સૉફ્ટ દાંતા ભીના વાળને ડૅમેજ કર્યા વિના ગૂંચ ઉકેલે છે. કર્લી હેર હોય ત્યારે ભીના વાળમાં જ બ્રશ ફેરવી લેવું જોઈએ.

ડીટૅન્ગલર બ્રશ દરેક હેર ટાઇપને સૂટ થાય છે. ખૂબ જાડા, કર્લી વાળ હોય તો પણ. આવાં બ્રશથી વાળમાં પડેલી ગૂંચ વાળને ડૅમેજ કર્યા વિના ઊકલી જાય છે. આ બ્રશ તમે ભીના અને કોરા બન્ને વાળમાં વાપરી શકો છો.

પૅડલ બ્રશ વાળને સીધા કરવા માટે વપરાય છે. એનાથી સ્કૅલ્પની ચામડીમાંથી ઑઇલ સીક્રીશન સુધરે છે. વાળ પાતળા હોય અને જથ્થો ઓછો હોય ત્યારે આ બ્રશ વાળને વૉલ્યુમ આપે છે. વિવિધ લેયરવાળી હેરસ્ટાઇલ આપવા માટે આ બ્રશ કામનું છે. જોકે વાળનો જથ્થો બહુ હોય ત્યારે આ બ્રશ બહુ સારું કામ નથી આપતું. લાંબા વાળ ધરાવતા લોકો માટે આ બ્રશ બહુ ઉપયોગી છે.

સપાટ અને રાઉન્ડ એમ બે પ્રકારનાં થર્મલ બ્રશ આવે છે. રાઉન્ડ બ્રશમાં વપરાતું વચ્ચેનું બૅરલ સિરૅમિક, ટાઇટેનિયમ કે ટૉર્માલિનનું બનેલું હોય છે જે ઘર્ષણથી ગરમ થઈ જાય છે. જોકે એનાથી વાળ ડ્રાય થવાની સ્પીડ વધી જાય છે. રાઉન્ડ બ્રશ રોલર્સની જેમ કર્લ કરવામાં આવે છે. જોકે એનું હૅન્ડલિંગ શીખવું જરૂરી છે નહીંતર એનાથી વાળ ડ્રાય, ડલ અને ડૅમેજ જલદી થઈ જાય છે.

નૅચરલ બ્રશની કૅટેગરીમાં આવે છે ટાઇની બોઅર બ્રશ. એ રિયલ જંગલી સૂઅરની રુવાંટીમાંથી બનાવવામાં આવે છે. એ સૉફ્ટ હોવાથી વાળને ડૅમેજ નથી કરતાં અને સ્કૅલ્પમાં હેલ્ધી ઑઇલનો સ્રાવ કરાવે છે. ખૂબ પાતળા, એજિંગ હેરની કૅર માટે આ બ્રશ બહુ કામનું છે. અલબત્ત, એ મોંઘું પડી શકે છે. એનો સસ્તો ઑપ્શન નાયલૉન બ્રિસલ બ્રશનો છે. જ્યારે પ્રત્યેક વાળ જાડો હોય અને જથ્થો પણ વધારે હોય ત્યારે એની ગૂંચ માટે આ બ્રશ સારું પડશે.

fashion news fashion life and style beauty tips columnists gujarati mid-day mumbai