18 February, 2026 12:35 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
અત્યારની જનરેશન સ્કિન-કૅર પાછળ હજારો રૂપિયાનો ખર્ચ કરે છે. મોંઘાં સિરમ, ફૅન્સી ફેસવૉશ અને સનસ્ક્રીન લગાવીને ત્વચાને હેલ્ધી રાખવાની પૂરેપૂરી કોશિશ કરે છે પણ શું તમને ખબર છે કે તમે જે પાણીથી દિવસમાં ત્રણથી ચાર વાર ચહેરો ધુઓ છો એ જ પાણી તમારી ત્વચાને નુકસાન પહોંચાડી શકે છે? આ સવાલથી તમે આશ્ચર્યમાં મુકાઈ ગયા હશો, પણ હકીકતમાં એનો જવાબ હા છે. નળમાંથી આવતું હાર્ડ વૉટર એટલે કે ક્ષારયુક્ત પાણી તમારી ત્વચાના નૅચરલ ગ્લોને છીનવી લે છે એટલું જ નહીં, એના સતત ઉપયોગથી ત્વચાનું મૉઇશ્ચર દૂર થાય છે અને ડ્રાયનેસ આવે છે. આ જ ડ્રાયનેસને કારણે ખીલની સમસ્યા વકરે છે.
આટલું જાણ્યા બાદ હવે તમારો પ્રશ્ન એ હશે કે ખબર કેમ પડશે કે ત્વચા પાણીને કારણે જ ખરાબ થઈ રહી છે? એનો જવાબ પણ છે. પાણીથી ચહેરો ધોયા બાદ જો ચહેરા પર અચાનક ઝીણી ફોડલીઓ કે ઍક્ને થવા લાગે, મોઢું ધોયા પછી સ્કિન એકદમ ડ્રાય અને ખેંચાતી લાગે, સેન્સિટિવ સ્કિન પર રેડનેસ કે બળતરા થાય, સાબુ કે ફેસવૉશ વાપરતી વખતે પાણીમાં ફીણ ઓછું અને ચીકણો પદાર્થ વધુ બનતો હોય તો સમજી જવું કે દોષ તમારા ફેસવૉશનો નહીં, પાણીનો છે. નળના પાણીમાં કૅલ્શિયમ અને મૅગ્નેશિયમ જેવાં મિનરલ્સનું પ્રમાણ વધુ હોય છે. આ ક્ષાર ત્વચાના કુદરતી ઑઇલ સાથે ભળીને પોર્સને બંધ કરી દે છે. પરિણામે ત્વચા શ્વાસ લઈ શકતી નથી અને ખીલની સમસ્યા ઊભી થાય છે. આ પાણી સ્કિનનું pH લેવલ બગાડે છે, જેથી ત્વચા એની કુદરતી ભેજ જાળવવાની શક્તિ ગુમાવે છે.
જો તમારા વિસ્તારમાં હાર્ડ વૉટર આવતું હોય તો ચહેરો ધોવા માટે RO અથવા ફિલ્ટર કરેલા પાણીનો આગ્રહ રાખો. એ સ્કિન માટે સેફ ઑપ્શન છે. જો ફિલ્ટર કરલું પાણી ન વાપરવું હોય તો નળમાં લગાવી શકાય એવાં નાનાં વૉટર ફિલ્ટર કે સૉફ્ટનર માર્કેટમાં ઉપલબ્ધ છે જે પાણીના હાનિકારક ક્ષારને દૂર કરે છે. વારંવાર ચહેરો સાફ કરવાની આદત હોય અને પાણીનો ઉપયોગ ટાળવો હોય તો માઇસેલર વૉટરથી ચહેરો સાફ કરી શકાય. એ ગંદકી દૂર કરે છે અને સ્કિનને હાઇડ્રેટ રાખે છે. બહુ ગરમ પાણી સ્કિનને ડ્રાય કરી શકે છે. તેથી હંમેશાં સામાન્ય તાપમાનવાળા અથવા સહેજ નવશેકા પાણીનો ઉપયોગ ફેસવૉશ માટે કરી શકાય. ચહેરો ધોયા પછી તરત જ કોઈ સારું મૉઇશ્ચરાઇઝર લગાવો. આનાથી પાણીમાં રહેલા ક્ષારની અસર ઓછી થશે અને તમારી ત્વચામાં ભેજ જળવાઈ રહેશે. યાદ રાખો, ચમકતી ત્વચા માટે માત્ર પ્રોડક્ટ્સ બદલવી પૂરતી નથી, તમે કેવું પાણી વાપરો છો એ પણ મહત્ત્વનું છે.