13 June, 2024 03:52 PM IST | Mumbai | Heena Patel
પ્રતીકાત્મક તસવીર
બ્યુટિફુલ લુક મેળવવા માટે એક વર્ગ એવો છે જે જાતજાતનાં કેમિકલ્સ અને પિલ્સ વાપરીનેય ગ્લોઇંગ રહેવાનું પસંદ કરે છે તો બીજો વર્ગ એવો છે જે ઓછાંમાં ઓછાં કેમિકલ્સ યુઝ કરીને ત્વચાને કુદરતી રીતે યુથફુલ રાખવા માટે પ્રયત્નશીલ હોય છે. સારી વાત એ છે કે આ બન્ને પ્રકારના લોકો માટે અઢળક ઑપ્શન્સ અવેલેબલ છે. ઓછાં કેમિકલ્સ વાપરીને ત્વચાને ટાઇટ, રિન્કલ-ફ્રી રાખવા માટે કુદરતી સ્ટિમ્યુલેશન પૂરું પાડતી જૂની અને ભુલાઈ રહેલી ફેશ્યલ-કપિંગનો ટ્રેન્ડ હમણાં પાછો ચાલ્યો છે. આવો જાણીએ આ નવા પ્રકારનું ફેશ્યલ છે શુંનામ પરથી જ ખબર પડે છે એમ આ થેરપીમાં કપનો ઉપયોગ કરીને ત્વચાને યુથફુલ અને ગ્લોઇંગ બનાવવાનું કામ કરવામાં આવે છે. ઇન્ટરનેટ પર ભલે આ થેરપી આજકાલ ટ્રેન્ડ થઈ રહી હોય પણ ચાઇના અને મિડલ ઈસ્ટર્ન દેશોમાં વર્ષોથી બૉડી-કપિંગનો ઉપયોગ થતો આવ્યો છે. અલબત્ત, બૉડી-કપિંગ અને ફેશ્યલ કપિંગમાં ઘણો ફરક છે. ચહેરા પર જે ફેશ્યલ કપિંગ કરવામાં આવે છે એમાં સ્કિન પર ગ્લાસ અથવા સિલિકૉનના કપ એવી રીતે મૂકવામાં આવે જેનાથી પ્રેશર ક્રીએટ થાય અને બ્લડ સ્કિનની સર્ફેસ પર આવી જાય. ત્વચાના અંદરના લેયર સુધી એ પ્રેશર પહોંચતું હોવાથી ત્યાંના ટિશ્યુ રિલૅક્સ થઈ જાય છે.
ફેશ્યલ કપિંગ બૉડી-કપિંગનું જ જેન્ટલ વર્ઝન છે, જેમાં નાની સાઇઝના સિલિકૉન કપ્સથી જેન્ટલ પ્રેશર દ્વારા કામ કરવામાં આવે છે. આ થેરપીથી અનેક સ્કિન-બેનિફિટ્સ મળતા હોવાનો દાવો કરાય છે ત્યારે એની અસરકારકતા વિશે એક્સપર્ટ પાસેથી જાણીએ.
કપિંગ થેરપી કઈ રીતે થાય?
કપિંગ થેરપી ફેશ્યલનો જ એક પ્રકાર છે એટલે કપથી ચહેરા પર મસાજ કરવામાં આવે છે. આ માટે સ્પેશ્યલ વૅક્યુમ કપ્સ આવે છે. કપને દબાવીને ચહેરાની ત્વચા પર મૂકો અને પછી દબાણ છોડી દો એટલે અંદર હલકું વૅક્યુમ ક્રીએટ થાય. ફેશ્યલ કરતી વખતે જે કામ આંગળીઓ કરે એ જ કામ કપથી કરવાનું હોય. એકદમ હળવા વૅક્યુમ પ્રેશરને કારણે ત્વચાના અંદરના લેયર સુધી મસાજ પહોંચે, જે બ્લડ-સર્ક્યુલેશન સુધારીને કુદરતી રીતે ત્વચાને તરોતાજા કરે. ફેશ્યલ કપિંગ કરતી વખતે શું ધ્યાન રાખવું એ વિશે ડર્મેટોલૉજિસ્ટ ડૉ. પૂજા દેસાઈ કહે છે, ‘ફેશ્યલ કપિંગ થેરપીમાં તમે મસાજની કઈ ટેક્નિક યુઝ કરો છો એ વધુ મહત્ત્વનું છે. આનો ફાયદો મળે એ માટે કપને કયા ડાયરેક્શનમાં મૂવ કરવો જોઈએ એની તમને ખબર પડવી જોઈએ. તમે આડેધડ ફેસ પર કપ મૂવ કરી નાખો તો સ્કિનને ફાયદો પહોંચવાને બદલે વધુ નુકસાન થઈ જાય. કપને હંમેશાં અપવર્ડ અને આઉટવર્ડ મોશનમાં મૂવ કરવો જોઈએ તેમ જ એને એક જગ્યાએ વધુ સમય સુધી મૂકી ન રાખવાને બદલે સ્લોલી-સ્લોલી મૂવ કરતાં રાખવો જોઈએ. કપ સરળતાથી મૂવ થઈ શકે એ માટે પહેલાં મૉઇશ્ચરાઇઝર કે ઑઇલ ચહેરા પર અપ્લાય કરી લેવું જોઈએ નહીંતર ઉઝરડા પડી શકે છે.’
આ છે ફાયદા
ફેશ્યલ કપિંગને શા માટે લોકો પસંદ કરી રહ્યા છે અને એના બેનિફિટ્સ કયા છે એ જણાવતાં ડૉ. પૂજા દેસાઈ કહે છે, ‘આ થેરપીને પસંદ કરવાનાં બે કારણો છે, એક તો આમાં કોઈ કેમિકલનો ઉપયોગ કરવાનો આવતો નથી અને બીજું, આ એકદમ પેઇનલેસ પ્રોસીજર છે. કપિંગ થેરપી બ્લડ-સર્ક્યુલેશન વધારવાનું તેમ જ કૉલેજન પેદા કરતા કોષોને સ્ટિમ્યુલેટ કરવાનું અને સ્કિનના ટિશ્યુઝને મજબૂત કરવાનું કામ કરે છે. આને કારણે ચહેરા પરની ફાઇન લાઇન્સ દૂર થાય છે, સ્કિનની ઇલૅસ્ટિસિટી વધે છે, ડાર્ક સર્કલ્સ રિમૂવ થાય, સ્કિન-ટોનમાં સુધારો થાય છે. ફેશ્યલ કપિંગ થેરપી લિમ્ફેટિક ડ્રેનેજ સિસ્ટમ ઇમ્પ્રૂવ કરીને સ્કિનમાંથી ટૉક્સિન્સ રિમૂવ કરે છે. ફેશ્યલ કપિંગ થેરપી થોડાઘણા અંશે લચી પડેલા ચહેરાને લિફ્ટ કરવામાં અને જૉ લાઇનને શાર્પ કરવામાં પણ મદદ કરે છે. આપણી ડે-ટુ-ડે લાઇફનાં સ્ટ્રેસ, ઍન્ગ્ઝાયટીની નેગેટિવ અસર પણ સ્કિનની હેલ્થ પર પડે છે એટલે ઘણા લોકો તાણમુક્ત થવા માટે રેગ્યુલર બેઝિસ પર કપિંગ થેરપી કરાવતા હોય છે.’
આ પ્રકારના આવે છે કપ
ફેશ્યલ કપિંગ થેરપી માટે બજારમાં કેવા પ્રકારના કપ અવેલેબલ છે એ વિશે જણાવતાં ડૉ. પૂજા દેસાઈ કહે છે, ‘જનરલી સિલિકૉન અને ગ્લાસના કપ આવે છે. તમારે એવા કપ લેવા જોઈએ જે સૉફ્ટ અને ફ્લેક્સિબલ હોય. ફેશ્યલ કપિંગની જે કિટ હોય એમાં પણ ડિફરન્ટ સાઇઝના કપ આવે છે. મોટી સાઇઝના કપ હોય એ ગાલ, કપાળ જેવા ભાગ પર વાપરવાનો હોય છે અને નાનો કપ આંખ અને હોઠની આસપાસના એરિયા માટે હોય છે. આ બન્ને કપનું પ્રેશર પણ અલગ-અલગ હોય છે એટલે ફેસના સેન્સિટિવ પાર્ટ્સમાં ઓછા પ્રેશરવાળો નાનો કપ યુઝ કરવાનો હોય છે. એટલે ફેશ્યલ-કપિંગ થેરપી શરૂ કરતાં પહેલાં એક વાર તમારે એક્સપર્ટ પાસેથી એને યુઝ કરવાની ટેક્નિક શીખી લેવી જોઈએ.’
ફેશ્યલ કપિંગ થેરપી કેટલી ઉપયોગી છે?
ફેશ્યલ કપિંગ થેરપીની અસર કેટલા સમય સુધી રહે છે એ વિશે ડૉ. પૂજા દેસાઈ કહે છે, ‘તમે પાંચ મિનિટ માટે અઠવાડિયામાં બે-ત્રણ વાર ફેશ્યલ કપિંગ કરી શકો. એક મહિનો યોગ કરીને એનો ફાયદો લાઇફટાઇમ મળે એવી આશા તમે ન રાખી શકો. એવી જ રીતે ફેશ્યલ કપિંગનો લાંબા ગાળા સુધી ફાયદો જોઈતો હોય તો તમારે રેગ્યુલર બેઝિસ પર તમારા સ્કિન-કૅર રૂટીનમાં એનો ઉપયોગ કરતા રહેવું પડે. આ એક સેફ અને ઈઝી ટ્રીટમેન્ટ છે અને એમાં તમને મિનિમમ ટાઇમ અને રિસોર્સિસ જોઈએ. જનરલી કપિંગ થેરપી એકદમ સેફ છે. ઘણી વાર એ કર્યા બાદ બ્લડ-સર્ક્યુલેશનને કારણે ચહેરા પર થોડી રેડનેસ આવે છે, પણ એ નૉર્મલ છે. જે લોકોને એક્ઝિમા, રોસેશિયા, સેન્સિટિવ સ્કિનની સમસ્યા હોય તેમણે આ અવૉઇડ કરવું જોઈએ. ફેશ્યલ કપિંગ થેરપીથી સ્કિનને ફાયદો થતો હોવાનો દાવો કરાય છે અને ઘણાને એનો ફાયદો થતો દેખાય પણ છે તેમ છતાં આને લઈને કોઈ પ્રૉપર સાયન્ટિફિટ સ્ટડી થયો નથી.’