11 July, 2026 03:48 PM IST | Mumbai | Darshini Vashi
થાણેમાં મળે છે બુલેટ કૉફી
નૉર્મલી એવું હોય છે કે પત્ની અથવા મમ્મી સારી કુક હોય તો તેને સ્ટૉલ કે કૅફે શરૂ કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે, પરંતુ ભાગ્યે જ એવા કેસ સાંભળવા મળતા હોય છે જ્યાં ઘરનો કોઈ પુરુષ રસોઈકળામાં પાવરધો હોય અને તેને ઘરની સ્ત્રી દ્વારા સ્ટૉલ શરૂ કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે. આજે આપણે એવા જ એક ઘરની વાત કરવાના છીએ જ્યાં પત્નીએ પોતાના હસબન્ડની કૉફી બનાવવાની કળા જોઈને તેને કોલ્ડ કૉફીનો સ્ટૉલ શરૂ કરવાની પ્રેરણા આપી છે.
થાણેમાં માજીવડા વિસ્તારમાં આવેલી લોઢા વર્લ્ડ સ્કૂલની નજીક રોજ રાત્રે એક કપલ પોતાની બુલેટ લઈને કોલ્ડ કૉફી વેચવા આવે છે. આ કૉફી બુલેટ પર વેચવામાં આવતી હોવાને લીધે એનું નામ બ્રુઇન બુલેટ કૉફી રાખવામાં આવ્યું છે. આ વિશે જણાવતાં બ્રુઇન બુલેટનો ઓનર આયુષ રાઠોડ કહે છે, ‘મારા હાથની કોલ્ડ કૉફી ખૂબ જ સરસ બને છે. મારા ફૅમિલી મેમ્બર્સથી લઈને મારા મિત્રો સુધી બધા મારી કોલ્ડ કૉફીનાં વખાણ કરતાં આવ્યા છે, પરંતુ મારી વાઇફ નિશાએ મને એમાં આગળ આવવાનું પ્રોત્સાહન આપ્યું હતું. તેણે મને કૉફીનો સ્ટૉલ શરૂ કરવા માટે કહ્યું. પહેલાં મેં તેની વાતને મજાકમાં જ લીધી, પરંતુ પછી અમે એના પર ગંભીરતાથી વિચારવા લાગ્યા. અમે નવા-નવા આઇડિયા પર પણ કામ કર્યું અને ૩ મહિના પહેલાં સાહસ કરીને વૅનિલા કોલ્ડ કૉફી વેચવાનું શરૂ કર્યું. સ્ટૉલ નાખવાનો, પછી એને બંધ કરવાનો એમાં બહુ મગજમારી કરવી પડે એટલે અમે સ્ટૉલ નાખવાને બદલે અમારી બુલેટને જ અમારો સ્ટૉલ બનાવી દીધો અને નામ રાખી દીધું બ્રુઇન બુલેટ. આમ તો હું જૉબ કરું છું, પરંતુ રાતે મારી પાસે થોડો ફ્રી સમય હોય છે એટલે એ દરમ્યાન હું અને મારી વાઇફ બુલેટ પર કૉફી વેચવા નીકળીએ છીએ. રૉ મટીરિયલ ઘરેથી લઈ આવીએ છીએ અને અહીં આવીને કૉફી રેડી કરીને સર્વ કરીએ છીએ. અત્યારે તો અમે માત્ર કોલ્ડ કૉફી જ ઑફર કરીએ છીએ. લોકોને અમારી કૉફી પસંદ પડી રહી છે.’
કોલ્ડ કૉફી : સ્મૉલ રૂ. 60 અને કોલ્ડ કૉફી : લાર્જ રૂ. 90
ક્યાં મળશે? : બ્રુઇન બુલેટ, લોઢા આઇરિસ, માજીવડા, થાણે
સમય : બુધવારથી રવિવારે રાત્રે ૮ વાગ્યાથી ૧૧ વાગ્યા સુધી