ફેસ્ટિવ સીઝન માટે પર્ફેક્ટ રહેશે કુરતા-ટ્રાઉઝર્સ

23 August, 2022 05:40 PM IST  |  Mumbai | Aparna Shirish

છેલ્લા થોડા સમયથી બૉલીવુડ ઍક્ટ્રેસિસથી લઈને ગૃહિણીઓ અને ઑફિસ ગોઇંગ વિમેન સુધી બધાને જ પાકિસ્તાની સ્ટાઇલના મલમલના અને ચિકનકારી ડ્રેસિસ ગમી ગયા છે

ફેસ્ટિવ સીઝન માટે પર્ફેક્ટ રહેશે કુરતા-ટ્રાઉઝર્સ

કાશી અને બનારસની ટ્રિપ એન્જૉય કરતી સારા અલી ખાન હોય કે પછી પોતાની મૂવીની ઈવેન્ટ માટે આવેલી કરીના કપૂર હોય, આજકાલ બધી જ ઍક્ટ્રેસિસ કૉટનના કુરતા અને પૅન્ટ્સ કે શરારા પહેરતી થઈ ગઈ છે. આ પ્યૉર કૉટન કે મલમલના પૅન્ટ સ્ટાઇલના સલવાર સૂટ કૅઝ્યુઅલ, ફૉર્મલ અને એથ્નિક એમ દરેક ડ્રેસ-ટાઇપનો ભાગ બની ગયા છે. આવી રહેલી ફેસ્ટિવ સીઝનમાં આ ડ્રેસિસ અપનાવવા માટે ડિઝાઇનરો શુ સલાહ આપે છે એ જાણી લો.

ક્યાંથી આવી સ્ટાઇલ?

આ ટાઇપના કુરતા સેટ્સ પાકિસ્તાની ડ્રેસિસ તરીકે ઓળખાય છે. કૉટન, સિલ્ક કે મલમલના પ્લેન કે પ્રિન્ટેડ સ્ટ્રેટ ફિટ કુરતા કે અનારકલી કુરતા સાથે પગની ઘૂંટી સુધીની લંબાઈનાં ટ્રાઉઝર્સ દરેક પ્રસંગે સારાં લાગે એવાં છે. આ વિશે વાત કરતાં ફૅશન-ડિઝાઇનર પરિણી ગાલા અમૃતે કહે છે, ‘પાકિસ્તાની ડ્રેસિસ એના સોબર રંગો અને સિમ્પલ સ્ટાઇલ માટે પસંદ કરાય છે. આ ડ્રેસિસમાં તમને ક્યારેય ખૂબ ડાર્ક રંગો કે લાઉડ પ્રિન્ટ્સ નહીં જોવા મળે. ફૅબ્રિક પણ મસલિન કે પછી સૉફ્ટ સિલ્ક કે કૉટન જ વપરાય છે. એમ્બ્રૉઇડરી કે કોઈ હૅન્ડ વર્ક હશે તો એ પણ સટલ રંગોમાં અને આંખોમાં ઊઠીને ન દેખાઈ આવે એવું હશે. ટૂંકમાં આ ડ્રેસિસમાં પાકિસ્તાની કલ્ચર અને ત્યાંની ફૅશન સેન્સની ઝલક જોવા મળે છે.’

પૅટર્ન અને કટ્સ

પાકિસ્તાની સૂટ્સનું ફિટિંગ રિલૅક્સ્ડ હોય છે. ડીપ નેક, શૉર્ટ સ્લીવ્ઝ, શરીરના કર્વ્સ દેખાઈ આવે એવા ફિટેડ ડ્રેસ આ સ્ટાઇલમાં જોવા નહીં મળે. આ વિશે પરિણી કહે છે, ‘લાંબી અથવા થ્રી-ફોર્થ સ્લીવ, વી નેક, રાઉન્ડ નેક અથવા બંધ ગળાના ડ્રેસિસ સારા લાગે છે અને એ જ પાકિસ્તાની સૂટની સ્ટાઇલ છે. એ સિવાય પૅન્ટ્સમાં ઍન્કલથી થોડા ઉપર રહે એવાં ટાઇટ ફિટિંગ કે થોડાં લૂઝ ટ્રાઉઝર્સ પહેરાય છે. શરારા પૅન્ટ્સ પણ સારાં લાગે છે. ટૂંકમાં આ સ્ટાઇલ સૉફિસ્ટિકેટેડ અને સિમ્પલ ડ્રેસિંગ કરવું હોય તેમના માટે છે.’

ચિકનકારી

આ ડ્રેસિસનો એક સૌથી મહત્ત્વનો ભાગ એટલે ટ્રાઉઝર, કુરતાની સ્લીવ્ઝ, હેમલાઇન અને ક્યારેક નેકલાઇન પર લગાવવામાં આવતી ચિકનકારી લેસ. આ લેસ ડ્રેસિસને એક જુદો જ રિચ લુક આપે છે. અહીં વાઇટ કે કૉન્ટ્રાસ્ટ લેસ પણ પસંદ કરી શકાય. 

દુપટ્ટો મસ્ટ

જો તમે આ સ્ટાઇલનો આ અટાયર પહેરવા માગતા હો તો દુપટ્ટો અવૉઇડ નહીં કરી શકો. પાકસ્તાની ડ્રેસિસમાં દુપટ્ટો મહત્ત્વનો છે. આ ડ્રેસિસના દુપટ્ટા પણ ખૂબ જહેમતથી 
બનાવેલા હોય છે અને એમાં પણ એમ્બ્રૉઇડરી તેમ જ ચિકનકારી કરેલી હોય છે. પંજાબી ડ્રેસિસમાં સામાન્ય રીતે દુપટ્ટો કૉન્ટ્રાસ્ટ  રંગનો જોવા મળે છે, પરંતુ આ ડ્રેસિસનો દુપટ્ટો કૉન્ટ્રાસ્ટ નહીં પણ ડ્રેસના રંગનો જ બને છે. હવે જો ફેસ્ટિવ સીઝનમાં ઘરમાં સટલ અને સ્ટાઇલિશ લુક જોઈતો હોય તો આ પાકિસ્તાની ડ્રેસિસ બનાવડાવી લો. 

આ સ્ટાઇલ સૉફિસ્ટિકેટેડ અને સિમ્પલ ડ્રેસિંગ કરવું હોય તેમના માટે છે. પૅન્ટ્સમાં ઍન્કલથી થોડા ઉપર રહે એવાં ટાઇટ ફિટિંગ કે થોડાં લૂઝ ટ્રાઉઝર્સ પહેરાય છે. શરારા પૅન્ટ્સ પણ સારાં લાગે છે. : પરિણી ગાલા અમૃતે, ફૅશન-ડિઝાઇનર

columnists fashion fashion news