દુપટ્ટા ગયા, કન્ટેમ્પરરી સ્ટાઇલ છે કેપ

27 February, 2024 08:10 AM IST  |  Mumbai | Heena Patel

ટ્રેડિશનલ અને એથ્નિક બન્ને પ્રકારના ગાર્મેન્ટમાં સરસ લાગતી આ નવી ફૅશન શું છે અને કોની સાથે સારી લાગે એ જાણી લો

દીપિકા પાદુકોણ , આલિયા ભટ્ટ , કિયારા અડવાની

દીપિકા પદુકોણથી લઈને આલિયા ભટ્ટ, ભૂમિ પેડણેકર, તૃપ્તિ ડિમરી સુધીની અભિનેત્રીઓએ કેપ ડ્રેસ પ્રિફર કરીને તેમના લુકમાં એક એક્સ્ટ્રા ચાર્મ ઍડ કર્યો છે ત્યારે જો તમને પણ આ ટ્રેન્ડી લુક જોતો હોય તો વૉર્ડરોબમાં કેપ ડ્રેસનો સમાવેશ કરી લેજો. ટ્રેડિશનલ અને એથ્નિક બન્ને પ્રકારના ગાર્મેન્ટમાં સરસ લાગતી આ નવી ફૅશન શું છે અને કોની સાથે સારી લાગે એ જાણી લો

આજકાલ કેપ ખૂબ જ ટ્રેન્ડમાં છે. રેડ કાર્પેટ ફૅશન શોઝથી લઇને વેડિંગ અને પાર્ટીઝ બધી જગ્યાએ કેપ ડ્રેસિસ લાઇમ લાઇટમાં છે. કેપ એક એવી ક્લોધિંગ ઍક્સેસરી અથવા તો સ્લીવલેસ આઉટર ગાર્મેન્ટ છે જે તમારા બૅક અને આર્મ્સને કવર કરે છે. જેમ માથું ઢાંકવા આપણે કૅપ એટલે કે જાતજાતની ટોપીઓ વાપરીએ છીએ એમ ખભા અને હાથને ઢાંકવા માટે જે ઓપન દુપટ્ટા જેવી પૅટર્ન છે એ છે કેપ સ્લીવ. 

જૂના જમાનામાં કિંગ અને ક્વીન પણ સિલ્ક અથવા વેલ્વેટ જેવાં લક્ઝુરિયસ મટીરિયલથી બનેલા લૉન્ગ કેપ પહેરતાં જે સ્ટેટસ સિમ્બલ મનાતાં. ઈવન આપણે જ્યારે સુપર હીરોને ઇમૅજિન કરીએ ત્યારે પણ આપણા માઇન્ડમાં તેમણે ગળામાં પહેરેલું લાલ કલરનું કપડું યાદ આવે જે તેમની સાથે હવામાં ઊડતું હોય. આજકાલ કેપ હવે ફક્ત રૉયલ ફૅમિલીઝ કે સુપર હીરોઝ પૂરતું મર્યાદિત રહ્યું નથી, એક ફૅશન ટ્રેન્ડ બની ગયું છે જેને બધા જ લોકો પસંદ કરી રહ્યા છે. એનું કારણ એ છે કે કેપ તમારા લુકને ઇન્સ્ટન્ટ્લી એલિવેટ કરે છે. તમને એક રૉયલ જેવી ફીલ આપે છે. 
વેસ્ટર્ન કે ટ્રેડિશનલ કોઈ પણ આઉટફિટ સાથે કેપ સ્ટાઇલ યુઝ કરો એટલે તમને એલિગન્ટ અને સૉફિસ્ટિકેટેડ ટચ મળે. સાથે જ કેપ પહેરવામાં પણ કમ્ફર્ટેબલ હોય છે, કારણ કે એ તમારા આર્મ્સને ફ્રીલી મૂવમેન્ટ કરવાની સ્પેસ આપે છે.

ડિફરન્ટ પૅટર્ન્સ અને સાઇઝ |  ૨૦૨૪માં ફૅશન ટ્રેન્ડમાં ઘણા નવા-નવા એક્સપરિમેન્ટ થઈ રહ્યા છે. કેપ પણ આનો જ એક ભાગ છે એમ જણાવતાં ફૅશન-ડિઝાઇનર જેસલ વોરા કહે છે, ‘કેપ માટે તમે એમ કહી શકો કે એ દુપટ્ટાનો કન્ટેમ્પરરી લુક છે. દુપટ્ટાને આપણે જનરલી માથા પર કે ખભા પર આગળના ભાગે પહેરીએ છીએ, જ્યારે કેપ બંને શૉલ્ડર પર પાછળના ભાગે પહેરવામાં આવે છે. કેપમાં તમે જોઈએ એટલા એક્સપરિમેન્ટ કરી શકો. જેમ કે તમે દુપટ્ટાને શૉલ્ડરના પાછળના ભાગે ડ્રેપ કરી દો તો એ સ્ટ્રેટ કટ કેપ થઈ જાય. કેપમાં એક અમ્બ્રેલા ટાઇપ પૅટર્ન પણ હોય છે જે તમારા શૉલ્ડરને બધી બાજુથી કવર કરી લે છે. હજી એક હૅન્ડકરચીફ સ્ટાઇલ કેપ પણ આવે છે જેમાં નીચેથી અનઈવન ડિઝાઇન હોય. આમ તો કેપ અનેક પૅટર્ન્સમાં આવે, પણ આ ત્રણ ટાઇપ કૉમન છે. સાઇઝ વાઇઝ પણ એલ્બો, હિપ, થાઇ, ની લેંગ્થનાં કેપ હોય છે.’

દુપટ્ટાને કમ્પ્લીટલી રિપ્લેસ ન કરી શકે, પણ ટ્રેન્ડી લુક જરૂર આપે
એ વાત સાચી છે કે આજકાલ દુપટ્ટાને બદલે ગર્લ્સ કેપ પહેરવાનું વધુ પસંદ કરી રહી છે પણ કેપ દુપટ્ટાની પૂર્ણપણે જગ્યા ન લઈ શકે, કારણ કે અમુક ઓકેઝન પર દુપટ્ટો જોઈએ જ એમ જણાવતાં જેસલ વોરા કહે છે, ‘દાખલા તરીકે તમે તમારા સંગીત, હલ્દી, મેંદી કે રિસેપ્શનમાં કેપ પહેરી શકો પણ વેડિંગમાં માથા પર અને ખભા પર દુપટ્ટો ડ્રેપ કરવા માટે જોઈએ જ. દુપટ્ટાની પોતાની એક ટ્રેડિશનલ વૅલ્યુ છે. હા, તમારે કોઈના વેડિંગમાં જવાનું હોય તો તમે દુપટ્ટો કૅરી કરવાને બદલે કેપ પહેરવાનું પ્રિફર કરી શકો. જેમ કે કોઈને પોતાનો બ્રાઇડલ ઘાઘરો બીજા કોઈ સગાના વેડિંગમાં પહેરવો હોય તો કેપ કામ આવે. ટ્રેડિશનલ લાંબી સ્લીવના બ્લાઉઝ સાથે એ ન સારું લાગે. એટલે ઘાઘરા સાથે નવી ડિઝાઇનનું સ્લીવલેસ બ્લાઉઝ બનાવી દો અને જે દુપટ્ટો હોય એને કેપ સ્ટાઇલમાં ડ્રેપ કરી દો તો ટ્રેન્ડી લુક મળી જાય.’

બધા જ આઉટફિટ અને બૉડી-ટાઇપ માટે છે ફિટ | કેપ બધા જ પ્રકારની બૉડી-ટાઇપ પર સૂટ થઈ જાય છે અને એને તમે ગમે તે આઉટફિટ સાથે પહેરી શકો છો એમ જણાવતાં જેસલ વોરા કહે છે, ‘જો તમે થોડાં હેલ્ધી હો અને સ્લીવલેસ પહેરો તો કેપ તમારાં આર્મ્સને પણ કવર કરી દે છે. ઈવન તમે કોઈ પણ બૅકલેસ આઉટફિટ પહેર્યો હોય તો એના પર પણ તમે કેપ પહેરી લો તો એ પાછળનો ભાગ કવર કરી નાખે એટલે તમે વધુ કૉન્શિયસ પણ ફીલ ન કરો કે તમારા પર આ સારું લાગશે કે નહીં. બીજું,  કેપ એક વર્સટાઇલ ગાર્મેન્ટ છે. કેપને તમે ગાઉન, લેહંગા, ક્રૉપ ટૉપ-ધોતી, સાડી, શરારા, ધોતી સ્કર્ટ, જીન્સ બધાં જ સાથે પહેરી શકો છો. એટલે ટ્રેડિશનલ હોય કે વેસ્ટર્ન, બધા જ આઉટફિટ સાથે કેપ સૂટ થાય છે. હા, પણ કેપ રેગ્યુલર ડેમાં પહેરવાની વસ્તુ નથી. તમે એને કોઈ ઓકેઝન પર પહેરો તો જ સારું લાગે. કેપ યંગસ્ટર્સ પર વધુ સૂટ થાય. આજકાલ બૉડીના કર્વ એન્હેન્સ થાય એવા આઉટફિટનો ટ્રેન્ડ છે એટલે દુપટ્ટાને બદલે તેઓ કેપ પહેરવાનું વધુ પ્રિફર કરે છે.’

fashion life and style deepika padukone kiara advani alia bhatt