ભગવાન શ્રી કૃષ્ણનું ચરિત્ર સ્મરણીય છે, શ્રી રામચંદ્રજીનું ચરિત્ર અનુકરણીય છે

25 April, 2024 10:08 AM IST  |  Mumbai | Vaishnavacharya Dwarkeshlalji

ભક્તની રક્ષા કરવા માટે ભગવાન પોતે બનાવેલા નિયમો તોડે છે એ ભગવાનનું ‌પુષ્ટિતત્ત્વ છે

પ્રતીકાત્મક તસવીર

તાજેતરમાં ધામધૂમથી રામનવમી ઊજવાઈ. રામચંદ્રજી મર્યાદાપુરુષોત્તમ છે. કૃષ્ણ એ પુષ્ટિપુરુષોત્તમ છે. કૃષ્ણનું ચરિત્ર સ્મરણીય છે. જીવનું સામર્થ્ય નથી કે કૃષ્ણની લીલાનું અનુકરણ કરી શકે. ભગવાન શ્રીકૃષ્ણે લોકોત્તર લીલાઓ કરી છે એટલા માટે તે પુષ્ટિપુરુષોત્તમ છે. જન્મતાં સાથે જ શ્રીકૃષ્ણએ સૌથી પહેલી લીલામાં પુતનાનું વિષપાન કર્યું છે. એનાથી પોતાનું માહાત્મ્ય પ્રગટ કર્યું છે કે જો મારી જેમ આ વિષ પચાવવાની તાકાત હોય તો મારા જેવી લીલાનું અનુકરણ કરશો, બાકી નહીં. 

એટલે જ કૃષ્ણનું ચરિત્ર સ્મરણીય અને રામચંદ્રજીનું ચરિત્ર અનુકરણીય છે. માનવીએ એનું અનુકરણ કરવું જોઈએ. પિતાના વચનનું પાલન કઈ રીતે કરવું, માતાનો આદર કઈ રીતે કરવો જોઈએ, ગુરુની સેવા કઈ રીતે કરવી, પતિ-પત્નીનો સ્નેહ કેવો હોવો જોઈએ, પતિવ્રતા ધર્મ કોને કહેવાય, ભાઈ-ભાઈનો પ્રેમ કેવો હોય, રાજાનો પ્રજા સાથે અને પ્રજા સાથે રાજાનો કેવો વહેવાર હોવો જોઈએ, શત્રુ સાથે કઈ રીતે વહેવાર કરાય આ બધું જ ભગવાને તેમના જીવન થકી સમજાવ્યું છે અને એટલે જ શ્રી રામચંદ્રજીનું ચરિત્ર આદર્શરૂપ છે અને મર્યાદાપુરુષોત્તમ કહેવાય છે. 
મર્યાદાપુરુષોત્તમ હોવા છતાં પણ શ્રી રામચંદ્રજીએ પુષ્ટિકાર્યો કર્યાં છે. શબરીનાં એઠાં બોર ભગવાને આરોગ્યાં. ભીલ જાતિની શબરી વર્ષોથી પ્રતીક્ષા કરી રહી છે કે મારા પ્રભુ ચોક્કસ એક દિવસ મારા ઘરે પધારશે. એક-એક બોર ચૂંટીને પ્રભુ માટે એકઠાં કરી રહી છે. એકાદ કડવું બોર હશે તો મારા પ્રભુને પરિશ્રમ થશે. પ્રભુના સુખનો વિચાર કર્યો એટલા માટે શબરીનાં એઠાં બોર પ્રભુએ આરોગ્યાં છે. 

સમુદ્ર પર સેતુબંધ બાંધીને રામનામ લખીને પથ્થર તરતા મૂકવામાં આવ્યા એમાં ભગવદ નામનું સામર્થ્ય પ્રગટ કર્યું છે. ભગવાનના નામથી પથ્થર પણ જો તરી જાય તો જીવાત્મા ભગવાનના નામથી સંસારસાગર કેમ ન તરી શકે?

અહિલ્યાનો ભગવાને ઉદ્ધાર કર્યો છે. અહિલ્યા બ્રાહ્મણ સ્ત્રી છે અને વેદધર્મની મર્યાદા છે કે બ્રાહ્મણને પગ ન લગાડાય. છતાં મર્યાદા તોડીને પથ્થરરૂપે અહિલ્યાને પોતાના પગનો સ્પર્શ કરાવીને ઉદ્ધાર કર્યો. જટાયુનો ઉદ્ધાર કર્યો. પોતાના પિતા મહારાજ દશરથના અંતિમ સમયમાં મુખમાં ગંગાજળનું ટીપું મૂકવા માટે હાજર રહ્યા નથી, પરંતુ જટાયુને ઉત્તમ ગતિ આપી અને એનો અગ્નિ સંસ્કાર પણ કર્યો. મર્યાદાપુરુષોત્તમ હોવા છતાં ભગવાને અનેક પુષ્ટિકાર્ય કર્યાં છે. ભક્તની રક્ષા કરવા માટે ભગવાન પોતે બનાવેલા નિયમો તોડે છે એ ભગવાનનું ‌પુષ્ટિતત્ત્વ છે એટલા માટે પુષ્ટિમાર્ગમાં રામનવમીનો ઉત્સવ પણ મનાવવામાં આવે છે અને રામનવમીના દિવસે ઉપવાસ કરવામાં આવે છે. 

મર્યાદાપુરુષોત્તમ ભગવાન શ્રી રામના જીવનચરિત્રમાંથી આપણે બોધ લઈએ અને મર્યાદાઓનું પાલન કરીએ એ જ ખરા અર્થમાં રામનવમીનો ઉત્સવ કહેવાશે. જય શ્રી રામ!

culture news life and style Vaishnavacharya Dwarkeshlalji columnists