શુભ મેળો-કુંભ મેળો પ્રકરણ ૩૭ : ચાંદલાપ્રથા બંધ નહીં, ચાલુ રાખજો

08 February, 2025 03:20 PM IST  |  Mumbai | Mukesh Pandya

બાયોફીલ્ડ વ્યુઅરમાં જે પ્રકાશનાં કિરણોનો ઉપયોગ કરવામાં આવે છે એ એક્સ-રે જેવાં શરીરની આરપાર નીકળી જતાં કિરણો નથી હોતાં, જેને કારણે શરીરને રેડિયેશનથી નુકસાન થવાનો ભય રહેતો નથી.

કુંભ મેળો

પુણે શહેરમાં આવેલી બાયોફીલ્ડ સાયન્સની આ સંસ્થામાં મનુષ્યના શરીરની આસપાસ જોવા મળતા બાયોફીલ્ડ ઉપર રિસર્ચ કરવામાં આવે છે.

કોઈ પણ શરીર પર પ્રકાશ ફેંકવામાં આવે ત્યારે એમાંથી કેટલાંક ફોટોન શરીરમાં શોષાઈ જાય છે, જ્યારે કેટલાંક પરાવર્તિત થઈને પાછાં ફરે છે. શરીરના કયા ભાગમાં કેટલો પ્રકાશ શોષાઈ જાય છે એના આધારે તેજસ શરીરની તસવીર તૈયાર કરવામાં આવે છે. આ તસવીરનો અભ્યાસ કરવાથી શરીરમાં કોઈ પણ રોગ પેદા થયો હોય તો એનો તાગ મેળવી શકાય છે અને એ મુજબ નિષ્ણાતોના માર્ગદર્શન હેઠળ એની ચિકિત્સા પણ કરી શકાય છે. બાયોફીલ્ડ વ્યુઅરમાં જે પ્રકાશનાં કિરણોનો ઉપયોગ કરવામાં આવે છે એ એક્સ-રે જેવાં શરીરની આરપાર નીકળી જતાં કિરણો નથી હોતાં, જેને કારણે શરીરને રેડિયેશનથી નુકસાન થવાનો ભય રહેતો નથી.

આ યંત્રની મદદથી શરીરના એનર્જી ફીલ્ડની ખરેખરી તસવીર મેળવવામાં આવે છે અને એનો ઉપયોગ શરીરમાં ચાલી રહેલી પ્રક્રિયાની જાણકારી માટે કરવામાં આવે છે. બાયોફીલ્ડ વ્યુઅરના ઉપયોગથી શરીરમાં થયેલી બીમારીઓની જાણકારી મેળવી શકાય છે અને ભવિષ્યમાં આવનારી બીમારીઓનો અણસાર પણ આવી શકે છે. એમાં ભૂતકાળમાં શરીરમાં પેદા થયેલી બીમારીઓ બાબતમાં પણ માહિતી મેળવી શકાય છે.

બાયોફીલ્ડ વ્યુઅરમાં ત્રણ પ્રકારનાં સેટિંગ હોય છે :

બાયોફીલ્ડ વ્યુ : એમાં મનુષ્યના શરીરની ઓરાની લાઇવ તસવીર મેળવવામાં આવે છે. આ લાઇવ તસવીરને આધારે ચિકિત્સાની અસરકારકતા જોઈ શકાય છે. 

ચક્ર વ્યુ : આ પ્રોગ્રામ વડે મનુષ્યના શરીરનાં સાત ચક્રો અને એમાંથી વહેતા ઊર્જાના પ્રવાહને લાઇવ જોઈ શકાય છે અને એના આધારે ચિકિત્સા પણ કરી શકાય છે.

૩-ડી વ્યુ : આ પ્રોગ્રામ વડે મનુષ્યના તેજસ શરીરની થ્રી ડાઇમેન્સનલ તસવીર મેળવી શકાય છે, જેના આધારે શરીરમાં ચાલતી નાનામાં નાની પ્રક્રિયા પણ જાણી શકાય છે. આજના વિજ્ઞાનીઓ પણ સ્વીકારે છે કે દરેક મનુષ્યના શરીરમાંથી ઊર્જાનો પ્રવાહ સતત વહેતો હોય છે જે વિદ્યુતચુંબકીય મોજાંઓના સ્વરૂપમાં હોય છે. આ ઊર્જાનાં કેન્દ્રોને ૭ ચક્રો કહેવામાં આવે છે. જો સાત ચક્રોનું શુદ્ધીકરણ કરી શકાય તો એના વડે માનસિક રોગોનો ઇલાજ પણ કરી શકાય છે.

ચક્રોનું શુદ્ધીકરણ આધ્યાત્મિક ઉત્થાન પણ શક્ય બનાવે છે. 

યોગમાં ઈશ્વર મેળવવા માટે કુંડલીની શક્તિ જે કરોડરજ્જુના મૂળમાં સ્થિત છે એને જગાડીને કુલ સાત ચક્રોને શુદ્ધ કરવાની પ્રક્રિયા કરવી પડે છે. આ સાતે ચક્રોને સતેજ કરવા અને એને પોષણ-રક્ષણ આપવા તિલક કરવાં જરૂરી છે. આપણે તો આજે મૉડર્ન મનુષ્યો તરીકે ઓળખાવા કપાળ પરના તિલકને પણ અવગણીએ છીએ. 

કોઈ વિદેશી ક્રિકેટર ઉનાળામાં ફીલ્ડ પર આવે ત્યારે મોઢા પર સફેદ ક્રીમના લપેડા કરીને આવે તો આપણે તેને અહોભાવથી જોઈ રહીએ છીએ, પરંતુ કોઈ સાધુપુરુષ કપાળ સહિત મોઢા પર તિલક-ભસ્મના લેપ કરે તો તેમની ઉપેક્ષા કરીએ છીએે. 

હવે તો મહિલાઓ પણ તિલકને તિલાંજલિ આપી રહી છે. તેમના કપાળ પરનો ચાંલ્લો પણ અદૃશ્ય થતો જાય છે. પ્રસંગોમાં ચાંદલાપ્રથા બંધ થતી જાય છે. 

અગાઉ કોઈ પણ નાના-મોટા પ્રસંગોમાં ચાંલ્લો કરવાની પ્રથા હતી એ પણ બંધ થતી જાય છે. જેનો પ્રસંગ હોય તેના કપાળ પર કુમકુમનો ચાંલ્લો કરીને દક્ષિણા કે ભેટ આપવામાં આવતી. પામતા પહોંચતા લોકો આજકાલ ચાંદલાપ્રથા બંધ છે એ લખવાનું પ્લીઝ બંધ કરે. હા, ભેટપ્રથા બંધ છે એમ લખવું હોય તો લખજો. આજની પેઢીને ચાંલ્લો એટલે રૂપિયા એવી અધકચરી સમજ છે. રૂપિયાની લેણદેણ ન કરો તો કંઈ નહીં, કપાળે ચાંલ્લો સોહાવજો.

આજકાલ મહિલાઓ જે ચાંલ્લો કરે છે એમાંથી કુદરતી તિલક દ્રવ્યો ગાયબ થઈ ગયાં છે. પ્લાસ્ટિક અને વેલ્વેટના ચાંલ્લા આવી ગયા છે. બીમારી વધતી ચાલી છે. તનમનની સ્વસ્થતા ઘટતી જાય છે. 

આવા સંજોગોમાં આ તિલકપ્રથા જાળવી રાખતા સાચા સાધુ-સંતો કુંભમેળામાં મળી જાય તો દર્શન કરી લેવાનું ચૂકતા નહીં.
(ક્રમશ:)

culture news life and style kumbh mela prayagraj health tips uttar pradesh