ચાલો જઈએ જુહુના શ્રી ગોવર્ધનનાથજી મંદિરમાં

17 August, 2025 07:43 AM IST  |  Mumbai | Heena Patel

જન્માષ્ટમીના પર્વ નિમિત્તે નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી...ના નાદથી દેશભરનાં કૃષ્ણ મંદિરો ગુંજી ઊઠશે ત્યારે આજે આપણે વાત કરીએ શ્રી વલ્લભનિધિ ટ્રસ્ટ દ્વારા સંચાલિત શ્રી ગોવર્ધનનાથજી મંદિરની જે વૈષ્ણવોની આસ્થાનું કેન્દ્ર છે

હવેલીમાં વિરાજમાન શ્રી ગોવર્ધનનાથજી. તસવીરો: ધીરજ ભોઈર

જન્માષ્ટમીના પર્વ નિમિત્તે નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી...ના નાદથી દેશભરનાં કૃષ્ણ મંદિરો ગુંજી ઊઠશે ત્યારે આજે આપણે વાત કરીએ શ્રી વલ્લભનિધિ ટ્રસ્ટ દ્વારા સંચાલિત શ્રી ગોવર્ધનનાથજી મંદિરની જે વૈષ્ણવોની આસ્થાનું કેન્દ્ર છે અને જન્માષ્ટમીમાં તો ત્યાં ઉજવણીનો અનોખો માહોલ હોય છે. 

પુષ્ટિ સંપ્રદાયનાં મંદિરો માટે જન્માષ્ટમીનું ખૂબ મહત્ત્વ છે એટલે જ તેઓ ભગવાન કૃષ્ણના જન્મની ઉજવણી ખૂબ જ શ્રદ્ધા અને ઉત્સાહ સાથે કરે છે. મંદિરોને ભવ્ય રીતે સજાવવામાં આવે છે, વિશેષ પૂજા અને અનુષ્ઠાન કરવામાં આવે છે અને ભક્તો કૃષ્ણની ભક્તિમાં લીન થાય છે. જન્માષ્ટમીના શુભ અવસરે આજે આપણે પણ પહોંચી જઈએ જુહુસ્થિત ગોવર્ધનનાથજી મંદિર. 

જન્માષ્ટમીની ઉજવણી
જુહુમાં આવેલા શ્રી ગોવર્ધનનાથજી મંદિરમાં ધામધૂમથી જન્માષ્ટમીની ઉજવણી થાય છે. એ વિશે માહિતી આપતાં ૪૦ વર્ષથી અહીં સેવા કરતા મંદિરના મુખિયાજી અમૃત પંડ્યા કહે છે,  ‘જન્માષ્ટમીના દિવસે ભગવાનને પંચામૃતથી સ્નાન કરાવાય છે જેમાં ૭૫ લીટર દૂધ, ૫૦ કિલો દહીં, ૧૫ કિલો ઘી, ૧૫ કિલો મધ અને ૨૦ કિલો સાકર ઉપયોગમાં લેવાય છે. કેસર જળમાં ભીંજવીને રંગવામાં આવેલા ડોરિયાનાં વસ્ત્રો અને આભૂષણોથી તેમનો શણગાર કરવામાં આવે છે. તિલક લગાવવામાં આવે, આરતી કરવામાં આવે, ઉપરણાં અર્પણ કરવામાં આવે અને પછી ઠાકોરજીની પત્રિકા વાંચવામાં આવે છે. સાંજે સંગીતસંધ્યાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં નીલેશ ઠક્કર અને સાથી કલાકારો ભક્તોને ભગવાનની ભક્તિના રંગે રગશે. એ પછી રાત્રે બાર વાગ્યે કૃષ્ણ જન્મોત્સવ ઊજવવામાં આવે છે જેમાં શાલિગ્રામજીનો પંચામૃતથી અભિષેક કરવામાં આવે, વસ્ત્રો-આભૂષણોથી સજાવવામાં આવે, ભજન-કીર્તન થાય અને પ્રસાદ-વિતરણ કરવામાં આવે છે. બીજા દિવસે સવારે નંદમહોત્સવ ઊજવવામાં આવશે : ભક્તો ભગવાનના બાળસ્વરૂપની પૂજા કરશે, તેમને પારણે ઝુલાવશે. ભક્તો પર કેસર મિશ્રિત દૂધ-દહીંનો છંટકાવ કરવામાં આવશે અને બધા જ આનંદથી ઝૂમી ઊઠશે. જન્માષ્ટમીના દિવસે દર્શનનો સમય આ મુજબનો રહેશે: મંગળા આરતી - છથી સવાછ વાગ્યા સુધી, પંચામૃત સ્નાન સવા છથી સાત વાગ્યા સુધી, શૃંગાર સાડાદસથી અગિયાર વાગ્યા સુધી, રાજભોગ બારથી સાડાબાર વાગ્યા સુધી, ઉત્થાપન ભીતરમાં, ભોગ પાંચથી છ વાગ્યા સુધી, શયન સાતથી આઠ વાગ્યા સુધી અને ભજનસંધ્યા સાડાઆઠથી બાર વાગ્યા સુધી રહેશે. એ પછી બારથી દોઢ વાગ્યા સુધી જન્મપ્રાગટ્ય દર્શન હશે. બીજા દિવસે સવારે સાડાદસથી સાડાઅગિયાર વાગ્યા સુધી ‘નંદમહોત્સવ’ પારણા દર્શન હશે.’  
શ્રી યમુના મહારાણીજી

મંદિર વિશે
આ મંદિરની સ્થાપના, એમાં વિરાજમાન ભગવાન અને દર્શનના સમય વિશે માહિતી આપતાં મુખિયાજી કહે છે, ‘જુહુમાં આવેલા શ્રી ગોવર્ધનનાથજી મંદિરનું નિર્માણ ૧૯૮૬માં પરમ પૂજ્ય શ્રી કૃષ્ણ શંકર શાસ્ત્રીજી (પૂજ્ય દાદાજી)ના પ્રયત્નોથી શ્રી વલ્લભનિધિ ટ્રસ્ટ દ્વારા હાથ ધરવામાં આવ્યું હતું. ગ્રાઉન્ડ ફ્લોર પ્લસ બે માળની આ હવેલીના બાંધકામમાં રાજસ્થાની પથ્થરોનો ઉપયોગ કરવામાં આવેલો છે અને મંદિર પર પણ સુંદર નકશીકામ કરેલું છે. મંદિરનું ખાતમુહૂર્ત અને પ્રાણપ્રતિષ્ઠા પ્રાત: સ્મરણીય પરમ પૂજ્ય શ્રી રામચંદ્ર ડોંગરેજી મહારાજ દ્વારા કરવામાં આવી હતી. મંદિરના કળશની સ્થાપના પૂજ્ય મોરારીબાપુએ કરી હતી. આ મંદિરમાં શ્રી ગોવર્ધનનાથજી, શ્રી યમુના મહારાણીજી અને શ્રી મહાપ્રભુજી વિરાજમાન છે. એ સિવાય મંદિરમાં શ્રી ગણેશજી, શીતળામાતાજી, શ્રી રામ-લક્ષ્મણ-જાનકી, શ્રી અંબે માતાજી, શ્રી હનુમાનજી, શ્રી મહાદેવજી, શ્રી સ્વામીનારાયણ ભગવાન વિરાજમાન છે. સામાન્ય દિવસોમાં મંદિરમાં દર્શનના સમયની વાત કરીએ તો મંગળા સવારે સાતથી આઠ વાગ્યા સુધી, શૃંગાર સવારે સાડાનવથી દસ વાગ્યા સુધી, રાજભોગ સવારે અગિયારથી બાર વાગ્યા સુધી અને પછી સાંજે ઉત્પાન ચારથી સાડાચાર વાગ્યા સુધી, ભોગ પાંચથી છ વાગ્યા સુધી અને છેલ્લે શયન પોણાસાતથી પોણાઆઠ વાગ્યા સુધી હોય છે.’

બહારથી આવી દેખાય છે શ્રી ગોવર્ધનનાથજી હવેલી

અન્ય ઉજવણીઓ
શ્રી ગોવર્ધનનાથજી મંદિરમાં વર્ષભર દરમિયાન ઉત્સવો થતા રહે છે. એ વિશે માહિતી આપતાં મુખિયાજી કહે છે, ‘અષાઢ વદ બીજથી શ્રાવણ વદ બીજ સુધી હિંડોળા ઉત્સવ ચાલે જેમાં ફૂલ, શાકભાજી, સૂકા મેવા, સોના-ચાંદીથી ભગવાન કૃષ્ણ માટે હિંડોળા સજાવીને તેમને ઝુલાવવામાં આવે. એ સિવાય શ્રાવણ મહિનાના અંતિમ દિવસે હોમાત્મક લઘુરુદ્ર યાગ પૂજાનું આયોજન કરવામાં આવ્યું છે. થોડા દિવસોમાં ગણેશોત્સવ આવશે તો એમાં કોઈ એક દિવસે ગણેશ યાગ કરવામાં આવશે. નવરાત્રિમાં પણ માતાજીની ગરબીની સ્થાપના થાય છે અને વૈષ્ણવ બહેનો ગરબા રમે છે તેમ જ અષ્ટમીએ ખાસ માતાજીનો હવન હોય છે. દિવાળીના સમયે પણ અન્નકૂટ અને ગોવર્ધન પૂજાનું આયોજન કરીએ અને દેવદિવાળીએ ધામધૂમથી તુલસી વિવાહની ઉજવણી થાય છે. એવી જ રીતે વસંતપંચમીથી લઈને ૪૦ દિવસ સુધી વસંતોત્સવ ઊજવાય જેમાં ઠાકોરજીને ચંદન, અબીલ, ગુલાલથી ખેલવામાં આવે. હોળીના એક મહિના અગાઉ મહા મહિનાની પૂનમે હોળીનો દાંડો રોપાય ત્યારથી ધુળેટી સુધી પિચકારીમાં કેસૂડાના પાણીથી ભગવાન સાથે હોળી રમવામાં આવે છે. એ સિવાય હોળીની આસપાસ ખાસ રસિયાનું આયોજન થાય જેમાં રાધા-કૃષ્ણનાં ગીતો ગવાય, નૃત્ય થાય, સંગીત વાદ્યો વગાડાય અને અબીલ-ગુલાલ ઉડાડી બધા જ ભક્તિના રંગે રંગાય.’

હવેલીની અંદરનું સુંદર આર્કિટેક્ચર

ઇતર પ્રવૃત્તિ
શ્રી વલ્લભનિધિ ટ્રસ્ટ દ્વારા અને એના દ્વારા કરવામાં આવતી વિવિધ પ્રવૃત્તિઓ વિશે માહિતી આપતાં મુખિયાજી કહે છે, ‘મંદિરનું સંચાલન કરનાર શ્રી વલ્લભનિધિ ટ્રસ્ટની સ્થાપના પૂજ્ય દાદાજીએ ૧૯૬૯માં કરી હતી. હાલમાં જયંત પારેખ, મીના મહેતા, નીતિન કારિયા, પ્રશાંત વળિયા ટ્રસ્ટીઓ છે. શ્રી વલ્લભનિધિ ટ્રસ્ટના મુખ્ય ઉદ્દેશમાં સેવા, સંસ્કાર અને શિક્ષણ તથા હેલ્થકૅર છે. આ દિશામાં ટ્રસ્ટ સક્રિય રીતે કાર્યરત છે. શ્રી વલ્લભનિધિ ટ્રસ્ટ દ્વારા શ્રી અમીદાસ ભાઈદાસ પારેખ મેડિકલ સેન્ટર ચલાવવામાં આવે છે. અહીં કોઈ પણ જાતિ, ધર્મ કે આર્થિક સ્થિતિના ભેદભાવ રાખ્યા વગર નૉમિનલ ચાર્જિસમાં દરદીને સારવાર આપવામાં આવે છે. એમાં આયુર્વેદ, હોમિયોપથી, ઍલોપથી, ફિઝિયોથેરપી, સ્કિન, ઑર્થોપેડિક, ડેન્ટલ, ઍક્યુપ્રેશર, ડાયટિશ્યન, ગાયનેકોલૉજી, ડાયાબેટોલૉજી, ENT બધાના જ ડૉક્ટર આવે છે. શ્રી વલ્લભનિધિ ટ્રસ્ટ અને ધ પુષ્ટિ સ્કૂલ બન્ને સાથે મળીને એક પાઠશાળા ચલાવે છે. અહીં બાળકો, કિશોરો અને વયસ્કોને પુષ્ટિમાર્ગનું શિક્ષણ આપવામાં આવે છે. આ શિક્ષણ ગુજરાતી અને અંગ્રેજી બન્ને ભાષામાં આપવામાં આવે છે. બાળકો અને કિશોરો માટેના વર્ગ મહિનામાં બે રવિવારે સવારે સાડાદસથી સાડાઅગિયાર વાગ્યા સુધી લેવામાં આવે છે. એવી જ રીતે વયસ્કો માટે પણ મહિનામાં બે રવિવારે સવારે પોણાબારથી પોણાએક વચ્ચે વર્ગ લેવામાં આવે છે જેમાં એક ઑફલાઇન અને એક ઑનલાઇન હોય છે. શ્રી વલ્લભનિધિ ટ્રસ્ટ મારફત યોગ ક્લાસ પણ ચલાવવામાં આવે છે. એમાં સવારે સાડાછથી સાડાઆઠ વચ્ચે અને સાંજે સાડાપાંચથી સાડાસાત વચ્ચે બે-બે બૅચ લેવામાં આવે છે. આ યોગ ક્લાસિસમાં મહિલા અને પુરુષો માટે અલગ-અલગ બૅચ હોય છે. એ ​સિવાય આધ્યાત્મિક ચિંતનમાળાના બૅનર હેઠળ ભજન, વેદ, ઉપનિષદ, ભગવદ્ ગીતાને લઈને પ્રવચનો, ભાગવત સપ્તાહ, કથા વગેરેનું આયોજન કરવામાં આવે છે. એ માટે મંદિરમાં પહેલા અને બીજા માળે સત્સંગ હૉલની વ્યવસ્થા છે. ઉપરાંત ઠાકોરજીની સેવા માટે જુદા-જુદા વર્ગો યોજવામાં આવે છે જેમાં ફૂલમાળા, પવિત્રા, ફૂલમંડળી વગેરે બનાવતાં શીખવાડવામાં આવે છે એટલું જ નહીં; ઉત્સવ દરમિયાન ઠાકોરજીના શણગાર અને મંદિરની સજાવટ માટે સેવાર્થીઓની કુશળતાને પ્રોત્સાહન આપવાનું કામ કરવામાં આવે છે.’ 

janmashtami juhu krishna janmabhoomi religion religious places hinduism culture news life and style lifestyle news