18 August, 2024 12:10 PM IST | Jammu and Kashmir | Alpa Nirmal
બલરામ મંદિર
કહેવાય છે કે ‘દાઉજી કૃપા કરે તો જ મુરલીધરની ભક્તિ પ્રાપ્ત થાય...’ શ્રીકૃષ્ણ અને સુભદ્રાના બડે ભૈયા બલરામ નટખટ નંદકિશોરની દરેક લીલામાં તેમની જોડે ને જોડે જ હતા. બાળપણમાં કાલિયા નાગનું દમન હોય કે મહાભારતનો ભીષણ સંગ્રામ, બલભદ્ર સદાય મોહનના પડછાયાની જેમ તેમની સાથે રહ્યા. તેઓ એ યુગના સર્વશ્રેષ્ઠ ગદાધર, અસીમ બળવાન અને અજેય યોદ્ધા હતા. એ સાથે જ તેમના હાથમાં હળ હોવાથી તેઓ જગતના તાત (ખેડૂત) પણ કહેવાય છે. વિષ્ણુપુરાણ તથા ભાગવતપુરાણમાં જણાવાયું છે કે બલરામ ભગવાન વિષ્ણુનો જ અંશાવતાર હતા.
પૌરાણિક કિંવદંતી કહે છે, દ્વાપરયુગમાં કંસના અત્યાચાર ચરમસીમાએ હતા. તેણે એક-એક કરી વાસુદેવ અને દેવકીના ૬ પુત્રોના વધ કરી નાખ્યા હતા. ત્યારે ભગવાન શ્રીહરિ વિષ્ણુએ તેમનો અંશ શેષનાગજીને દેવકીના ગર્ભમાં સાતમા પુત્રરૂપે બિરાજમાન કર્યો અને યોગમાયાને આદેશ આપ્યો કે એ ભ્રૂણ ગોકુળમાં વાસુદેવના મિત્ર નંદબાબાના ઘરે રહેતી વાસુદેવની બીજી પત્ની રોહિણીની કૂખમાં પ્રસ્થાપિત કરે જેથી દેવકી-વાસુદેવનો સાતમા પુત્ર તરીકે વિષ્ણુના અંશ સમો શેષનાગ મનુષ્યરૂપે જન્મ લઈ શકે અને આઠમા પુત્ર તરીકે અવતરનારા જગન્નાથ શ્રીકૃષ્ણને ભાઈનો સહયોગ મળી રહે. યોગમાયાએ સૃષ્ટિના પાલનહાર શ્રી વિષ્ણુના કહેવા મુજબ કર્યું. દુનિયાની નજરે દેવકીમાની કુક્ષિમાં રહેલા સાતમા જીવનો ગર્ભપાત થઈ ગયો હતો, પરંતુ વિષ્ણુપ્રભુની લીલાથી તે રોહિણીમાતાના ઉદરમાં ઊછરી રહ્યો હતો. પ્રસવકાળ પૂર્ણ થતાં યાદવકુળના ચંદ્રવંશમાં અતિ બળવાન અને તેજસ્વી પુત્રનો જન્મ થયો અને નામ પડ્યું બલભદ્ર. દેવકીના ગર્ભમાંથી શેષ (નાગ)ના અંશનું સંકર્ષણ થવાથી તેમને સંકષર્ણ પણ કહેવાયા છે અને અક્ષયબળના સ્વામી હોવાથી બળદેવ પણ કહેવાય છે.
અન્ય મત પ્રમાણે ત્રેતાયુગમાં શ્રીરામ અવતારના સમયે શેષનાગે લઘુ ભ્રાતા લક્ષ્મણના રૂપે જન્મ લીધો હતો અને લક્ષ્મણજી શ્રીરામની દરેક આજ્ઞાનું પાલન કરતા. એથી મર્યાદાપુરુષોત્તમે વિષ્ણુજીને આજીજી કરી અને વચન માગ્યું કે આ અવતારમાં હું મોટો હોવાથી મેં લક્ષ્મણને હંમેશાં આદેશ આપ્યા છે જેથી આવતા અવતારમાં મને તેમનો નાનો ભાઈ બનાવજો, જેથી હું તેમની આજ્ઞાને અનુસરી શકું, તેમની સેવા કરી શકું અને કાંઈ પણ આપત્તિ આવે તો હું પહેલાં એનો સામનો કરી મોટા ભાઈને સુરક્ષિત રાખી શકું.
ખેર, બલરામજીના અવતાર માટે આવા વિભેદો છે. એ જ રીતે તેમની જન્મતિથિ માટે પણ બે ભિન્ન મત છે. એક સમુદાય અનુસાર તેઓ ગુજરાતી મહિના પ્રમાણે શ્રાવણ વદ છઠે જન્મ્યા છે, જે બલષષ્ઠિ તરીકે ઊજવાય છે. જ્યારે બીજો સંપ્રદાય માને છે તેમનો જન્મ શ્રાવણ મહિનાની પૂર્ણિમાએ શ્રવણ નક્ષત્રમાં થયો હતો.
વેલ, અવતાર અને તિથિના ભેદ વિવાદમાં ન ગૂંચવાતાં આપણે ઊપડીએ ભારતના તાજ કહેવાતા રાજ્ય જમ્મુ-કાશ્મીરના જમ્મુ શહેરમાં. શ્રીકૃષ્ણના જન્મથી અંત સુધી બલરામજી દરેક ક્ષણે છોટા ભાઈ સાથે છે, પરંતુ દેશભરમાં જેટલાં કૃષ્ણમંદિરો છે એટલાં બલરામજીને સમર્પિત સ્થાન નથી. ઇન ફૅક્ટ, તેમની મૂર્તિઓ પણ જૂજ છે. હા, મથુરા, ગ્વાલિયર જેવાં ક્ષેત્રોમાંથી બલરામજીના શુંગકાલીન વિગ્રહો મળ્યા છે, તો કુષાણકાલીન પ્રતિમાઓમાં તે વિષ્ણુ સમાન ચતુર્ભુજધારી પણ દર્શાવાયા છે. મોટા ભાગે તેઓ દ્વિભુજ આકારમાં છે, જેના એક હાથમાં ગદા અને બીજા હાથમાં હળ છે. જોકે તેમની દરેક પ્રતિમામાં તેમને માથે મંગલ ચિહ્નોથી શોભિત નાગફણાઓ છે.
સાડાત્રણસોથી વધુ વર્ષ પ્રાચીન જમ્મુના બલરામ મંદિરમાં પણ શ્યામ પાષાણમાંથી બનેલી નાગફણાધારી બલરામજીની મૂર્તિ છે. કહેવાય છે કે આ વિગ્રહ જમ્મુના મહારાજ છેક વૃંદાવનથી અહીં લઈ આવ્યા હતા. બલરામજીની કથા કહેવામાં જમ્મુના પંજતિર્થીમાં આવેલા બલરામ મંદિરની સ્ટોરી કહેવાનું તો વીસરાઈ ગયું. એ પણ ખાસ્સી ઇન્ટરેસ્ટિંગ છે.
તો વાર્તા એમ છે કે સત્તરમી સદીની મધ્યમાં અહીંના શૂરવીર શાસક મહારાજ રણવીર સિંહને રાતે સપનામાં સાપ દેખાયા. એક દિવસ, બે દિવસ, ત્રણ દિવસ. રાજાના શમણામાં નાગદેવતાઓ દરરોજ આવતા. આ આખો સિલસિલો રાજવીએ પોતાના ધર્મગુરુને કહ્યો અને ધર્મગુરુએ કિંગ રણવીર સિંહને સૂર્યપુત્રી તવિષી (તવી) નદીના કિનારે ધૌંથલીમાં મંદિર બનાવવાનું કહ્યું. જેવું રાજાએ મંદિર માટે કામ કરાવવાનું શરૂ કર્યું ત્યારથી રાજાનાં સાપનાં સપનાં બંધ થઈ ગયાં. હવે અહીં મંદિર તો બનાવડાવે, પણ મૂર્તિ કઈ રાખવી? ત્યારે ધર્મગુરુએ વિષ્ણુ ભગવાનના શેષનાગના અવતાર સમા બલદેવજી તથા તેમનાં પત્ની રેવતીજીની મૂર્તિ પધરાવવાનું સૂચન કર્યું. મંદિર તૈયાર થયા પછી મહારાજ મથુરા નજીક વૃંદાવનથી પ્રાચીન બલદેવજીની તથા રેવતીની પ્રતિમાઓ લઈ આવ્યા અને એને અહીં સ્થાપિત કરી. એ બન્યું દાઉજીનું સેકન્ડ મંદિર ઇન ધ ઉત્તર ભારત.
આ મંદિર માટે કહેવાય છે કે અહીંની માત્ર ૨૧ પ્રદક્ષિણા કરવાથી મનુષ્યની જન્મકુંડળીમાં રહેલા કાલસર્પ યોગનું નિવારણ થઈ જાય છે. ધર્માદા ટ્રસ્ટ દ્વારા સંચાલિત મંદિરના મુખ્ય પૂજારી
‘મિડ-ડે’ને કહે છે, ‘કાલસર્પ યોગની અહીં કોઈ વિશેષ પૂજા નથી કરવી પડતી. ફક્ત શ્રદ્ધા રાખી જાતક ૨૧ પ્રદક્ષિણા કરે તો પણ આ દોષથી મુક્તિ પામે છે અને તેમનું કલ્યાણ થાય છે. જોકે ઘણા ભક્તો કન્ટિન્યુઅસ ૨૧ દિવસ અહીં આવીને ૨૧ પરિક્રમા કરે છે તેમ જ અનેક લોકો ચાંદીનાં નાગ-નાગણની જોડ ચડાવે છે. ભાવિકોની આસ્થા એટલી પ્રબળ છે કે એ લોકો જ અમને અહીં આવીને કહે છે કે ‘હમારે કઈ સમય સે અટકે હુએ કાર્ય સંપન્ન હુએ.’ એ સાથે જ તેમની વિપદા પણ હટી છે.’
રક્ષાબંધનના દિવસે અહીં આવીને દાઉજીને રાખડી બાંધવા વિશેની માન્યતા શું છે? એના જવાબમાં પંડિતજી કહે છે, ‘આ પ્રથા કોણે શરૂ કરી, ક્યારે શરૂ થઈ એનું કોઈ પ્રમાણ નથી, પરંતુ છેલ્લા ત્રણ દાયકાથી હું જોઉં છું કે મહિલાઓ શ્રાવણી પૂનમે અહીં આવીને બલદાઉજીને રાખડી બાંધે છે. આપણે રાખીના દિવસે પૂજામાં કૃષ્ણ ભગવાનને રક્ષાસૂત્ર ધરીએ જ છીએ અને પ્રાર્થના કરીએ છીએ કે જેમ ભાઈ બની દ્રૌપદીની રક્ષા કરી એમ અમ ભક્તોની પણ રક્ષા કરજો. બલદેવજી કૃષ્ણના મોટા ભાઈ છે એ નાતે તેઓ ભક્તોના પણ મોટા ભાઈ થયા. વર્ષો પહેલાં કોઈ બહેને અહીં આવીને બલદેવજીને રાખડી પૂનમે રાખડી બાંધી અને સારો જીવનસાથી માગ્યો હશે જે ઇચ્છા દાઉજીએ પૂર્ણ કરી હશે અને પછી ધીરે-ધીરે વાત ફેલાતાં-ફેલાતાં આ પ્રથા શરૂ થઈ હશે એવું હોઈ શકે.’
પંડિતજી ઉમેરે છે, ‘પહેલાં કુંવારી બહેનો, દીકરીઓ અહીં આવતી, પણ હવે પરણેલી સ્ત્રીઓ પણ સુંદર વૈવાહિક જીવનના આશીર્વાદ લેવા બલભદ્રજીને રાખડી બાંધે છે. એ જ રીતે કુંવારા પુરુષો પણ અહીં લડ્ડુનો ભોગ ધરાવી શીઘ્ર વિવાહના આશીર્વાદ માગે છે. શ્રાવણી પૂર્ણિમાએ તો અહીં સેંકડો આસ્થાળુઓ આવે જ છે, પરંતુ હવે બારે મહિના ગામેગામથી ભક્તો આવીને પ્રભુને રાખડીઓ સમર્પિત કરે છે.’
શહેરની મધ્યમાં તવી નદીના તટની ઉપરના ભાગમાં આવેલું બલરામ મંદિર પહેલી નજરે ભવ્ય ન જણાય, પરંતુ અહીંની શાંતિ અને સુકૂન એવાં દુર્લભ છે જે અન્ય પૉપ્યુલર મંદિરમાં મળવાં મુશ્કેલ છે અને મંદિરની આ જ મુખ્ય વિશેષતા એને જમ્મુનાં બેસ્ટ મંદિરોની કૅટેગરીમાં નૉમિનેશન અપાવી દે છે. બલદેવજીની પ્રતિમા પણ દાઉજીના બળ સમાન પાવરફુલ છે. અઢી ફુટની ઊંચાઈ ધરાવતા શ્યામ પથ્થરની નવ ફણાધારી મૂર્તિની ચમક જોઈને ભાવિકોની આંખ ઠરે છે. માતા રેવતીની મૂર્તિ સામાન્ય છે, પણ એ જોડાનાં દર્શન કરતાં સાચે જ મોટાં ભાઈ-ભાભીના આશીર્વાદ મળ્યા હોવાની અનુભૂતિ થાય છે.
ટેમ્પલ ટાઉનના ઉપનામે જાણીતું જમ્મુ દેશના બધા જ છેડાથી સંકળાયેલું છે. વળી દેશનું સેકન્ડ વિઝિટેબલ તીર્થસ્થાન વૈષ્ણોદેવીનું લૅન્ડિંગ સિટી હોવાથી અહીંની રેલવે અને હવાઈ સેવાઓ પણ ધમધોકાર છે. એ સાથે આ શહેર અમરનાથ યાત્રાએ જતા યાત્રાળુઓનું પણ ફર્સ્ટ અપ્રોચ સિટી છે. અહીં પહોંચવું સહેલું છે અને શહેરમાં રિક્ષા, પ્રાઇવેટ કૅબ્સ તેમ જ સિટી બસની સારી સગવડ છે. રહેવા માટે પણ સુવિધાયુક્ત હોટેલો અને જમવા માટે ભારતભરનાં ક્વિઝિન અહીં મળી રહે છે. બટ ડોન્ટ મિસ જમ્મુની સિગ્નેચર ડિશ રાજમા ચાવલ.