✕

નોખી ભાત પાડતી અમદાવાદની નવશક્તિ નવરાત્રિ

11 October, 2026 03:51 PM IST  |  Mumbai | Shailesh Nayak

સાંજે સમૂહ ધ્યાનથી શરૂ થશે અને આખી રાત ગરબા રમીને પ્રાતઃકાળે પ્રભા‌તિયાં ગાઈને મૌનથી પૂરા થશે

ગયા વર્ષની નવરાત્રિનો માહોલ.

માતાજીની આરાધનાની સાથે એકતા, સહિયારાપણું અને સંગઠનશક્તિનો પરચો બતાવતી આ નવરાત્રિમાં ૪૫૦થી વધુ સ્વયંસેવકો ‘મારી’ નહીં પણ ‘આપણી’ નવરાત્રિ સમજીને સફાઈથી લઈને રસોઈનાં તમામ સેવાકાર્યો કરે છે

આજથી આદ્યશક્તિનાં નવલાં નોરતાંનો રંગેચંગે પ્રારંભ થઈ રહ્યો છે. સમગ્ર વિશ્વમાં માઈભક્તો નવરાત્રિના પાવન પર્વમાં માતાજીના ગરબા ગાઈને આરાધના કરશે. નવરાત્રિના પર્વમાં કમર્શિયલ ગરબા થઈ રહ્યા છે ત્યારે અમદાવાદમાં એક એવી નવરાત્રિ પણ યોજાય છે જ્યાં આદ્યશક્તિની અલખ જગાવતી અને શક્તિની ભક્તિ કરાવવા સાથે તમને તમારા ભીતરમાં ડોકિયું કરાવીને ઊર્જાનો સંચાર કરાવતી નવશક્તિ નવરાત્રિ થાય છે. અમદાવાદમાં નવશક્તિના ગરબા એટલે ‘મારા’ નહીં પણ ‘આપણા’ ગરબાનો કન્સેપ્ટ છે. અષાઢી કંઠ ધરાવતા લોકપ્રિય લોકગાયક પ્રફુલ દવે અને તેમના દીકરા લોકગાયક હાર્દિક દવે સહિતના જાણીતા ગાયકો અહીં ખેલૈયાઓ પાસેથી એક પણ રૂપિયો ચાર્જ લીધા વિના ગરબે રમાડે છે. એમ છતાં અહીં કોઈ હીરો નથી. હીરો છે તો એ માત્ર નવશક્તિની આખી ટીમ છે. આ ગરબા-કાર્યક્રમનું સૌથી મજબૂત પાસું હોય તો એ છે અહીં આવનારા ૪૫૦થી વધુ સ્વયંસેવકો, જેઓ પોતાના ‘હું’પણાને બહાર મૂકીને ‘આપણે’ થઈને અંદર જાય છે અને સ્વયંસેવક તરીકે કામ કરે છે, ગરબે રમવા આવતા હજારો લોકોની સેવામાં ઊભા રહે છે. એટલે જ આજે નવશક્તિની નવરાત્રિએ લોકોને ઘેલું લગાડ્યું છે અને લોકો એમાં સ્વયંભૂ જોડાઈ રહ્યા છે.


ગરબાના મેદાનની સફાઈ માટે રાતે શ્રમદાન કરતાં યુવાનો-યુવતીઓ, નાડાછડીથી નવશક્તિ લખીને બનાવ્યું બોર્ડ.

છેલ્લાં ૪ વર્ષથી શરૂ થયેલી અને આ વર્ષે પાંચમા વર્ષમાં પ્રવેશ કરતી નવશક્તિની નવરાત્રિએ એના અલગ કન્સેપ્ટને કારણે અહીં આવતા લોકોને માતાજીની આરાધનાની સાથે એકતા, સહિયારાપણું અને સંગઠનશક્તિનો ગુણ બતાવ્યો છે અને શીખવ્યો છે. યંગ જનરેશનથી લઈને વડીલો તેમ જ બાળકો પણ સ્વયંભૂ રીતે નવશક્તિ સાથે જોડાઈને સાથે મળીને નવરાત્રિ માટે તૈયારીઓ કરે છે. ઘણા લોકો માતાજીનાં આર્ટવર્ક અને તોરણ જેવી સુશોભનની વસ્તુઓ એકઠા થઈને બનાવે છે તો ઘણા શ્રમદાન કરીને મેદાનની સફાઈ કરે છે તો ઘણા રસોઈકામ કરીને નવરાત્રિમાં સાથે મળીને સંગઠનશક્તિ અને એકતાનો પરચો બતાવીને માતાજીનાં ગુણગાન ગાતાં ગરબે ઘૂમે છે. આ પ્રકારના કન્સેપ્ટ સાથેના ગરબા કદાચ બીજે ક્યાંય નહીં થતા હોય એવું લોકોનું એમાં સ્વયંભૂ ઇન્વૉલ્વમેન્ટ હોય છે.

યંગસ્ટર્સની ઊર્જા ચૅનલાઇઝ કરો તો સારાં કામ અચૂક થાય : પ્રફુલ દવે


અષાઢી કંઠના લોકગાયક પ્રફુલ દવે અને તેમના દીકરા હાર્દિક દવે નવશક્તિ નવરાત્રિમાં પોતાના કંઠથી જમાવટ કરે છે 

નવશક્તિ નવરાત્રિ કાર્યક્રમ માટે યંગસ્ટર્સ જે રીતે ઉત્સાહપૂર્વક કામ કરી રહ્યા છે એ જોઈને ગુજરાતી સંગીતમાં જેમનું નામ ટોચ પર છે તે લોકગાયક પ્રફુલ દવેએ ‘મિડ-ડે’ને કહે છે, ‘યંગસ્ટર્સની ઊર્જાને ચૅનલાઇઝ કરો તો સારાં કામ અચૂક થાય. એનું ઉદાહરણ નવશક્તિ નવરાત્રિ છે, જ્યાં યંગસ્ટર્સ બખૂબી કામ કરી રહ્યા છે. યોગ્ય દિશા મળે તો યંગસ્ટર્સ સારાં કામ કરી શકે છે. સ્વયંસેવક તરીકે કામ કરતા છોકરાઓ સુશોભનનું કામ કરે છે. તોરણ બનાવવાનાં, ધજાઓ બનાવવાની, નવશક્તિના ગરબાનું આયોજન કેવી રીતે થશે, સ્ટેજ ક્યાં, સ્ટેજ પરથી આર્ટિસ્ટ ક્યાંથી ગાશે – આ બધું આયોજન છોકરાઓએ કર્યું છે. યંગ છોકરાઓ છે જેમને જેન-ઝી કહેવામાં આવે છે. આ જેન-ઝી મિસગાઇડેડ નથી. તેમની પાસે કોઈ સારી લીડરશિપથી, સારી નિષ્ઠાથી, ઉત્સાહથી કામ કરાવો તો તેઓ તમારામાં વિશ્વાસ મૂકે છે અને સારાં કામ કરી શકે છે. પાંચ વર્ષ પહેલાં માત્ર એક દિવસ નવરાત્રિમાં કાર્યક્રમ કર્યો હતો, પરંતુ નવશક્તિના ગરબાને રિસ્પૉન્સ મળતો ગયો એટલે ગયા વર્ષથી નવરાત્રિમાં નવેનવ રાત ગરબા રાખ્યા અને આ વર્ષે પણ ૯ રાત ગરબાનો કાર્યક્રમ રાખ્યો છે.’

એક નવરાત્રિ એવી ન હોઈ શકે? વિચાર આવ્યો અને શરૂ કર્યો અમલ

અમદાવાદમાં નવશક્તિના ગરબા કેવી રીતે શરૂ થયા એ વિશે વાત કરતાં નવશક્તિ ટીમના ભાર્ગવ પુરોહિત ‘મિડ-ડે’ને કહે છે, ‘અમે બધા સ્વયંસેવકો તરીકે જોડાયા છીએ. બધા જ લોકો પોતપોતાનો ભાગ ભજવે છે. નવશક્તિમાં પરંપરાગત વાદ્યો સાથે માત્ર ને માત્ર પરંપરાગત ગરબા જ ગવાય છે. માતાજીની મૂર્તિ વચ્ચે હોય છે. એના ફરતે બધા કલાકારો મંડળીની જેમ ગોઠવાય છે અને ભાવપૂર્ણ રીતે ગરબા ગવાય છે. ૪ વર્ષ પહેલાં હાર્દિક દવેએ વિચાર મૂક્યો હતો કે નવરાત્રિનું કમર્શિયલાઇઝેશન ચાલી રહ્યું છે એ અયોગ્ય છે એવું નથી કહેતા, કેમ કે એને કારણે કેટલાય લોકોની રોજગારી ઊભી થાય છે. એનો ક્યાંય નિષેધ નથી કરી રહ્યા; પણ શું એક નવરાત્રિ એવી ન હોઈ શકે કે જે પરંપરાગત રીતે ઊજવાતી હોય, જેમાં આવનારો દરેક માણસ કોઈક રીતે પોતાનું યોગદાન આપે અને પોતાની નવરાત્રિ છે એવું અનુભવે? એવો પ્રયત્ન ન થવો જોઈએ? એવો વિચાર અમારા જેવા મિત્રો સમક્ષ રજૂ કર્યો અને નાના પાયેથી શરૂઆત કરી. ૪ વર્ષ પહેલાં નવરાત્રિમાં એક દિવસ ગરબાનો કાર્યક્રમ કર્યો અને નવશક્તિ નવરાત્રિની શરૂઆત થઈ હતી. એ સફળ રહ્યો એટલે બીજા વર્ષે નવરાત્રિમાં ૩ દિવસ માટે, એ પછીના વર્ષે નવરાત્રિમાં પાંચ દિવસ માટે ગરબાના કાર્યક્રમ કર્યા. એમાં સફળતા મળતી એટલે ગયા વર્ષથી નવરાત્રિના ૯ દિવસ ગરબાના કાર્યક્રમ શરૂ કર્યા. આ વખતે અમદાવાદમાં સોલા ભાગવત વિદ્યાપીઠમાં નવશક્તિના ગરબાનો કાર્યક્રમ યોજાશે.’


નવશક્તિ નવરાત્રિમાં આવતા ખેલૈયાઓ માટે સ્વયંસેવકો ગિરનારી ખીચડી બનાવે છે, ખેલૈયાઓ સહિત સૌકોઈને બ્રેકમાં ગિરનારી ખીચડી અને છાશનો નાસ્તો અપાય છે

અહીં અંતરાત્માની મજા કંઈક અલગ જ છે : પ્રિયા બ્રહ્મભટ્ટ

નવશક્તિ નવરાત્રિમાં પહેલેથી જ જોડાયેલાં પ્રિયા બ્રહ્મભટ્ટ ‘મિડ-ડે’ને કહે છે, ‘નવશક્તિ માટે લોકો સામેથી કામ કરવા આવે છે. મેદાનમાં ખાડો કરવાનો હોય, ઘાસ કાપવાનું હોય, કચરો ઉપાડવાનો હોય, ડેકોરેશન બનાવવાનું હોય કે લગાવવાનું હોય, એન્ટ્રી-ગેટ સંભાળવાનો હોય કે બીજાં કોઈ કામ હોય એ બધાં કામ લોકો પ્રેમથી કરે છે. અહીં કોઈ ‘હું’ લઈને નથી આવતું, ‘આપણા’ માટે બધા આવે છે. લોકો ‘હું’ને બહાર મૂકીને આવે પછી જે અંતરાત્માની મજા આવે છે એ કંઈક અલગ જ હોય છે. આ ફ્રીના ગરબા નથી, કેમ કે આ ગરબાની કોઈ કિંમત નથી. એ અમૂલ્ય છે. અહીં લોકો સ્વયંભૂ કામ કરે છે, ભાવથી કામ કરે છે જેને કારણે એક એનર્જી એકઠી થાય છે જે ક્યાંય નહીં મળે. હાર્દિકભાઈ હોય કે દેવલભાઈ હોય કે દર્શનભાઈ હોય કે અહીં સેવાભાવથી કામ કરતી કોઈ પણ વ્યક્તિ હોય, સૌ પોતાનું કામ સંભાળી લે છે અને એટલે જ નવશક્તિની નવરાત્રિ પ્રત્યે લોકો સ્વયંભૂ ખેંચાય છે. આ વખતે બાળકોએ જુદાં-જુદાં પેઇન્ટિંગ્સ કર્યાં છે એ બાઉન્ડરી પર લાગશે. લોકોએ આભલાંમાંથી અને દોરામાંથી જુદી-જુદી કૃતિઓ બનાવી છે, ૪૦૦૦થી વધુ ફુટનાં તોરણ બનાવ્યાં છે, ત્રિશૂળ અને ઓમ બનાવ્યાં છે, વારલી પેઇન્ટિંગ્સ બનાવ્યાં છે. માતાજીનાં ૭૦ જેટલાં પેઇન્ટિંગ્સ સહિત કુલ ૬૦૦થી વધુ પેઇન્ટિંગ્સ સૌએ સાથે મળીને બનાવ્યાં છે, જેનાથી ગ્રાઉન્ડમાં સુશોભન કરવામાં આવશે.’

આપણી નવરાત્રિનો કન્સેપ્ટ

નવશક્તિ નવરાત્રિના કન્સેપ્ટમાં સૌની વાત કરવામાં આવે છે, કોઈ એકની વાત નહીં. આ મુદ્દે વાત કરતાં ભાર્ગવ પુરોહિત કહે છે, ‘આ કમ્યુનિટીનો ભાગ છે. અહીં કોઈ ‘અમે’ કે ‘તમે’ નથી. આમાં સૌ ‘આપણે’ છીએ એવો વિચાર છે. આપણી નવરાત્રિનો કન્સેપ્ટ એટલા માટે છે કે તહેવારોનું આપણે ત્યાં ધાર્મિક મહત્ત્વ છે અને ઋતુગત મહત્ત્વ પણ છે; પરંતુ એના કરતાં એ બધાં કારણો હતાં કે સમાજનો દરેક વર્ગ, દરેક લોકો એ રીતે ભેગા થાય અને એક પ્રકારની સમાનતાનો અનુભવ કરે. આ એક સામાજિક પ્રયોગ પણ છે. ગરબે રમવા આવતા કોઈની પાસે અમે એન્ટ્રી-ફી લેતા નથી, સૌ આવી શકે છે. આ વખતે એક મહિના પહેલાંથી જ અમારી તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. બહુબધા મિત્રોની ટીમ છે. રાતે બધા ભેગા થાય છે અને આયોજન કરીએ છીએ, જવાબદારીઓ નક્કી કરીએ છીએ. આ વખતે અમારી પાસે ૪૫૦થી ૫૦૦ જેટલા સ્વયંસેવકો છે અને એક કોર કમિટી પણ છે, પરંતુ અહીં કોઈનું કામ ઊંચું નહીં અને કોઈનું કામ નીચું નથી. સિસ્ટમ છે, પણ બધા એમાં સમાન છે અને નવરાત્રિ માટે તૈયારીઓ કરીએ છીએ. આ નફાની પ્રવૃત્તિ નથી. માત્ર અને માત્ર નિજાનંદથી, આનંદથી આ પ્રવૃત્તિ થઈ રહી છે.’


ગરબાના મેદાનમાં આવેલાં વૃક્ષો પર કરાયેલી રોશની, સૌએ સાથે મળીને હાથથી બનાવેલાં ઓમ, ઘંટડી, દીવા, ત્રિશૂળ સહિતની સુશોભનની વસ્તુઓથી એન્ટ્રી-ગેટ શણગારવામાં આવ્યો. તસવીરો : જનક પટેલ 

લોકો સ્વયંભૂ જોડાતા ગયા

નવશક્તિના ગરબાનો એક દિવસનો કાર્યક્રમ, ૩ દિવસનો અને એ પછી પાંચ દિવસનો કાર્યક્રમ એવો તો સફળ બન્યો કે લોકો એમાં સ્વયંભૂ જોડાવા માટે આગળ આવ્યા. યંગસ્ટર્સથી લઈને સમાજમાં વેલ-સેટલ્ડ થયેલા લોકો તેમ જ વડીલો પણ ખેલૈયાઓને સેવા કરતા જોઈને તેમ જ કાર્યક્રમની તૈયારીઓ કરતા જોઈને અને તેમની વચ્ચે એકતા જોઈને સેવાકામમાં ‘અમે પણ મદદ કરીએ’ એ ભાવથી જોડાતા ગયા. આ વિશે વાત કરતાં ભાર્ગવ પુરોહિત કહે છે, ‘અમારી નવશક્તિની નવરાત્રિની વાત ઘણા બધા લોકો સુધી પહોંચી. દરેકને થયું કે અમારે પણ નવશક્તિનો અનુભવ લેવો છે. એ રીતે લોકો વધારે ને વધારે જોડાતા ગયા. મને લાગે છે કે આ જોડાવામાં એક કારણ એ પણ છે કે જે લોકો જોડાયા એમાંના ઘણાબધા લોકોમાં નાનપણમાં આપણે જે નવરાત્રિ જોઈ હોય, સાંભળી હોય, માણી હોય એ ક્યાંક ને ક્યાંક વીસરાયાની લાગણી હતી. એ બધાને લાગ્યું કે ફરી એવું કંઈક થઈ રહ્યું છે, ફરી એવું કંઈક મળી રહ્યું છે તો ચાલો આનો ભાગ બનીએ. એ ઉત્સાહ લોકોને ખેંચી લાવ્યો એવું અમને લાગે છે. સેવા કરવાના ભાવ સાથે લોકો આવી રહ્યા છે. એમાં યંગસ્ટર્સ ઉપરાંત દરેક એજ-ગ્રુપના લોકો આવે છે. અમારે ત્યાં સેવા કરવા જે સ્વયંસેવકો આવે છે તેઓ સેવા પણ કરે છે અને ખેલૈયા તરીકે ગરબા પણ રમે છે. અમે કહીએ છીએ કે આ બધી વ્યવસ્થા સચવાય એ આપણી સહિયારી જવાબદારી છે, કારણ કે આ કોઈ આયોજક અને ગ્રાહક જેવું મૉડલ નથી એટલે ખૂબ લોકો સેવા માટે આવે છે. જોકે જેટલા લોકોની જરૂર હોય એટલા લોકોને જ અમે સેવામાં જોડીએ છીએ. ઘણાબધા લોકોને નથી જોડી શકતા. જોકે આ લોકો ગરબામાં અચૂક આવે છે.’

અલગ-અલગ પ્રકારની સેવા

‘આપણી નવરાત્રિ’ના ભાવ સાથે નવશક્તિ નવરાત્રિનું આયોજન થાય છે ત્યારે એમાં ઘણાબધા પ્રકારનાં કાર્યો પણ હોય છે, આ વિશે વાત કરતાં ભાર્ગવ પુરોહિત કહે છે, ‘લોકો અલગ-અલગ પ્રકારની સેવા કરે છે, જેમાં કોઈને શ્રમદાન કરવું હોય તો તેઓ મેદાનની સફાઈનું કામ કરે છે. ઘણા કલાકારો કલાદાન કરે છે. નવરાત્રિમાં ગ્રાઉન્ડમાં જેટલું ડેકોરેશન થાય છે એ બધું લોકોએ સાથે મળીને કરેલું હોય છે. નવરાત્રિના એક મહિના પહેલાં કલાકારો અને સેવાભાવી લોકો સાથે બેસીને ડિસ્કશન કરે, માતાજીની આરાધના પર મનન-ચિંતન કરે અને એમાંથી પ્રેરણા લઈને માતાજીના આર્ટ-પીસ ક્રીએટ કરે છે. કોઈ તોરણ બનાવે છે તો કોઈ બીજી સુશોભનની વસ્તુઓ બનાવે છે. આ બધી વસ્તુઓથી નવશક્તિના ગરબા ગ્રાઉન્ડમાં ડેકોરેટ કરવામાં આવે છે. ભાડેથી મગાવેલું કશું નથી હોતું, પરંતુ નવરાત્રિ નિમિત્તે લોકોએ રચેલી કૃતિઓથી જ સજાવટ થાય છે.’

ધ્યાનથી મૌન સુધી ગરબાનું શેડ્યુલ

નવશક્તિની નવરાત્રિમાં ગરબાનું શેડ્યુલ બનાવ્યું છે અને એને ફૉલો કરવામાં આવે છે. આ મુદ્દે વાત કરતાં ભાર્ગવ પુરોહિત કહે છે, ‘ગરબાની શરૂઆત રાતે આઠ-સાડાઆઠ વાગ્યાથી થાય છે. એ સમયે જેટલા પણ ખેલૈયાઓ અને સ્વયંસેવકો મેદાનમાં હોય એ તમામ માટે ધ્યાનનું સેશન રાખીએ છીએ, કેમ કે નવરાત્રિમાં ટ્રાફિકમાંથી પસાર થઈને ક્યાં-ક્યાંથી લોકો આવતા હોય છે. અહીં આવતાં-આવતાં ઘણુંબધું મગજમાં ચાલતું હોય છે. એટલે અહીં આવીને પહેલાં લોકો શાંત થાય એનો પ્રયાસ કરીએ છીએ, કારણ કે માતાજીની ભક્તિમાં ઊતરવા માટે એ પણ જરૂરી છે. ગરબા એ નર્તન છે અને એ ભક્તિનું નર્તન છે, ભાવથી થનારું નૃત્ય છે. એના માટે લોકો મેડિટેશન કરે અને અમે મેડિટેશન કરાવીએ છીએ. એ પછી સામૂહિક ઓમકારનો નાદ કરાવીએ છીએ. કુલ મળીને ૨૦ મિનિટથી ૩૦ મિનિટ સુધીનું સેશન થાય છે. ત્યાર પછી માતાજીની આરતી થાય છે. એ પછી ગરબાનો પહેલો રાઉન્ડ શરૂ થાય છે જે રાતે ૧૨ વાગ્યે પૂરો થાય છે. એ પછી એક કલાકનો બ્રેક પડે છે. એમાં ગિરનારી ખીચડી અને છાશ પીરસાય છે. આ દરમ્યાન સ્ટેજ પરથી લોકો સાથે વાતચીત કરીએ છીએ. ત્યાર બાદ ગરબાનો બીજો રાઉન્ડ શરૂ થાય છે જે વહેલી પરોઢે ચારેક વાગ્યા સુધી ચાલે છે. એ પછી ફરી પાછો ૧૫ મિનિટનો બ્રેક પડે છે. ત્યાર બાદ પરોઢે સવાચાર વાગ્યે બ્રાહ્મમુહૂર્તમાં પ્રભાતિયાં, સંતવાણી અને ભજનનું સેશન શરૂ થાય છે જે સૂર્યના પહેલા કિરણ સુધી ચાલે છે. એ પછી સૌ થોડી વાર મૌનમાં બેસે છે અને ત્યાર બાદ છૂટા પડે છે. લોકો છૂટા પડે છે ત્યારે ગજબની ઊર્જાનો અનુભવ થાય છે.’


નવરાત્રિના મેદાનને સજાવવા માટે યુવાનો અને બાળકોએ સુશોભનની વસ્તુઓ જાતે બનાવી છે,

ગિરનારી ખીચડી અને છાશ

નવશક્તિના નવરાત્રિ કાર્યક્રમમાં ફૂડ-સ્ટૉલ નથી હોતા પણ કમ્યુનિટી કિચન હોય છે એમ જણાવીને ભાર્ગવ પુરોહિત કહે છે, ‘નવરાત્રિની ૯ રાત દરમ્યાન કમ્યુનિટી કિચનમાં સ્વયંસેવકો સાંજથી આવી જાય છે. ગરબા ગાતા જાય અને જુદાં-જુદાં શાકભાજી સમારતા જાય અને ગિરનારી ખીચડી બનાવે છે. ઘણાંબધાં શાકભાજી નાખીને વઘારેલી ખીચડી બનાવીએ અને એની સાથે છાશ આપીએ છીએ. ગરબાના કાર્યક્રમમાં બ્રેક પડે ત્યારે હાજર તમામ ખેલૈયાઓને અને સ્વયંસેવકોને આ ગિરનારી ખીચડી અને છાશ ફ્રીમાં આપવામાં આવે છે. એ લેવા માટે ક્યાંય ધક્કામુક્કી નથી થતી, પરંતુ એવું બને છે કે ગરબા રમવા જે લોકો આવતા હોય છે એમાંથી ઘણા લોકો બીજાને પીરસવા માટેની સેવામાં જોડાય છે. તેઓ કચરો ન થાય એનું પણ ધ્યાન રાખે છે.’

આર્થિક સહયોગ

નવરાત્રિના મોટા કાર્યક્રમમાં આર્થિક બાબત સૌથી પહેલાં આવે. આ બાબતે ભાર્ગવ પુરોહિત કહે છે, ‘૯ દિવસનું આયોજન હોય, રોજ હજારો લોકો આવતા હોય ત્યારે સ્વાભાવિક છે કે એને પહોંચી વળવા માટે ખર્ચ થતો હોય છે. ઘણા લોકો આર્થિક અનુદાનથી સહયોગ આપે છે. અમારા આયોજનમાં ઘણા સર્વિસ-પ્રોવાઇડર અમારી સાથે કમર્શિયલ અપેક્ષા વગર જોડાયા છે. ઘણા એવા લોકો પણ છે કે જેઓ અલગ-અલગ કી-એરિયામાં એક્સપર્ટ હોય છે. આ લોકો પણ સામેથી જવાબદારી સ્વીકારતા હોય છે. આવી રીતે દરેક પ્રકારના અને દરેક વર્ગના લોકો સેવા આપે છે.’

Garba navratri festivals ahmedabad shailesh nayak columnists gujarati mid day