04 August, 2025 06:57 AM IST | Bhopal | Alpa Nirmal
શિવાલયના શિખરે આ મનુષ્ય કાં બેઠો હશે?
ભારતની પ્રાચીન સ્થાપત્ય શૈલી દુનિયાની કોઈ આર્કિટેક્ચર, એન્જિનિયરિંગની સામે બેજોડ છે, નાયાબ છે. અદ્યતન ટેક્નૉલૉજી વિના, જૂજ સાધનો સાથે આપણા દેશના વિચક્ષણ કારીગરોએ નિર્જીવ પથ્થરોને બોલતા કરી દીધા છે. વળી આ કારીગરોની સૂઝબૂઝ તો જુઓ, સિમેન્ટ કે નટ-બોલ્ટ કે લોખંડનોય ઉપયોગ કર્યા વિના તેમણે મંદિરસ્વરૂપે એવા બેનમૂન નમૂનાઓ બનાવ્યા છે કે આજે હજાર, બારસો, પંદરસો વર્ષ પછી પણ એ સ્થાપત્યો અડીખમ ઊભાં છે.
તીર્થાટન એક્સપ્રેસ ભારત કા દિલ મધ્ય પ્રદેશમાં વિચરણ કરી રહી છે ત્યારે આજે જઈએ ૨૦૦ રૂપિયાની નોટ પર અંકિત સાંચીના સ્તૂપની નજીક આવેલા ઉદયપુર ગામે જ્યાં ઉધ્યાદિત્ય રાજા દ્વારા નિર્માણ પામેલું નીલકંઠનું શિવાલય છે. ઈસવી સન ૧૦૭૦થી ૧૦૯૩ના ગાળામાં બનાવાયેલું આ શિવમંદિર પરમાર વંશના રાજવીઓ દ્વારા નિર્મિત એકમાત્ર જીવિત દેવળ છે.
ઉદયેશ્વર મંદિર તરીકે પણ પ્રખ્યાત આ શિવાલય વિશે જાણતાં પૂર્વે લેટ્સ ટૉક અબાઉટ વિદિશા જિલ્લો. વિદિશા સિટી અને ૭૩૦૦ સ્ક્વેર કિલોમીટરનો આ જિલ્લો મધ્ય પ્રદેશના અશોકનગર, સાગર, રાયસેન, ભોપાલ તેમ જ ગુના ડિસ્ટ્રિક્ટ સાથે સીમાઓ શૅર કરે છે. વીંધ્યાચલ પર્વતમાળાના ઉચ્ચ પ્રદેશમાં ફેલાયેલા આ વિસ્તારને બેતવા, બીના, સિંધુ જેવી નદીઓએ રળિયામણો બનાવ્યો છે. ભિલસા કે ભેલસામાંથી અપભ્રંશ થઈને વિદિશા બનેલા આ પ્રદેશનું પૌરાણિક કનેક્શન રામજીના ભાઈ શત્રુઘ્નજી સાથે જોડાયેલું છે. વાલ્મીકિ રામાયણમાં આલેખાયું છે કે રાજા દશરથના પુત્ર શત્રુઘ્નના દીકરા શત્રુધાતિ અહીંના રાજા હતા અને બ્રહ્મપુરાણમાં જે ભદ્રાવતી નગરીનો ઉલ્લેખ છે (જ્યાંના યવનોએ રાજા યુધિષ્ઠિરને અશ્વમેધ યજ્ઞ માટે ઘોડો આપ્યો હતો) એ મૂળ ભૂમિ આ જ. એ ઉપરાંત જૈન, બૌદ્ધ સાહિત્યોમાં પણ આ પાવન ધરતીનો ઉલ્લેખ વારંવાર થયો છે. ભારતની અર્વાચીન તવારીખ જોઈએ તો મૌર્ય સમ્રાટ અશોક તેમ જ સૂંગા, કાન્વા, નાગા, વાકટકા, ગુપ્ત, કલચૂરી, મહિષ્મતિ, ચાલુક્ય તેમ જ પરમાર વંશના રાજાઓએ આ ભૂમિ પર રાજ્ય કર્યું છે અને પરમાર રાજા ઉદયાદિત્યે જ અહીં ઉદયપુર શહેર વસાવવા સાથે આ મંદિર બનાવડાવ્યું છે.
વેલ, મધ્ય પ્રદેશનું ઉદયપુર આજે તો એક નાનકડું ગામ છે, પણ દસમી સદીમાં અહીં ભારે જાહોજલાલી રહી હશે જેનું પ્રત્યક્ષ ઉદાહરણ છે બસોદા નામે નાનકડા કસબામાં આવેલું નીલકંઠેશ્વર મંદિર. રાજા ઉદયાદિત્ય ભારતના ઇતિહાસમાં અતિ પ્રચલિત નામ નથી, પરંતુ તેમના ભાઈ રાજાભોજ પરાક્રમી હોવા સાથે વિદ્વાન, ભારતની સંસ્કૃતિ, ધર્મગ્રંથોનું સંરક્ષણ કરનાર તેમ જ સંસ્કૃત અધ્યયન પાઠશાળા (ભોજશાળા) શરૂ કરનાર હતા. રાજસ્થાનથી છેક કોંકણ સુધી પોતાના રાજ્યની સીમા પ્રસરાવનાર હોવા સાથે ભોજરાજા અત્યંત ધર્મનિષ્ઠ અને બહુશ્રુત હતા. ધર્મના રક્ષક ભોજરાજાના ભાઈ હોવાના નાતે ઉદયાદિત્યને પણ સાહિત્ય, ધર્મ તેમ જ કળામાં વંશાનુગત રુચિ હતી, સંસ્કાર હતા. આ જ પરંપરાએ તેમણે તેમના શાસનકાળનાં લગભગ ૨૩ વર્ષ દરમ્યાન અનેક મંદિરો, પાઠશાળાઓ, સ્થાપત્યોનું નિર્માણ કરાવ્યું જેમાં આજે ઉદયગિરિ કેવ્સ અને ઉદયાદિત્ય મંદિર ધર્મ, પર્યટન, સંસ્કૃતિની દૃષ્ટિએ અગ્રેસર છે.
નાઉ કટ ટુ મહાદેવાલય. હાલ ભારતીય પુરાતત્ત્વ વિભાગના સંરક્ષણ હેઠળ રહેલું આ મંદિર લાલ બલુઆ પથ્થરમાંથી બનેલું છે. પહેલી દૃષ્ટિએ એ ખજૂરાહો શૈલીનું લાગે, પરંતુ હકીકતમાં આવી બાંધકામની શૈલીને ભૂમિજા શૈલી કહેવાય છે જે માલવા ક્ષેત્રની વિશિષ્ટ મંદિર સ્થાપત્ય શૈલી છે. ભૂમિજાનો અર્થ છે પૃથ્વીમાંથી પ્રગટ થયેલું. ટેમ્પલના શંકુ આકારના શિખરના આખા ભાગને જોતાં એવું જ લાગે છે કે આ પૃથ્વીના પેટાળમાંથી પ્રગટ થયેલું છે.
જનરલી હિન્દુ મંદિરો એક ઊંચા પ્લૅટફૉર્મ પર બનાવવામાં આવતાં હોય છે, પરંતુ આ મંદિર બનાવાયું ત્યારે જમીનને સમાંતર હતું (જે ભૂમિજા શૈલી છે). જોકે આજે એ ઊંચા ઓટલા પર દેખાય છે. જોકે એ ઓટલો પછીથી મંદિરની આજુબાજુના વિશાળ પટ્ટાને ખોદીને ઊંડો કર્યા બાદ નિર્માણ કરવામાં આવ્યો છે, જેથી મૂળ મંદિર પ્રોટેક્ટેડ રહે. શિલ્પોથી ઉકેરાયેલાં મંદિરનાં ત્રણ પ્રવેશદ્વાર, વિશાળ ગર્ભગૃહ અને એથીયે વિશાળ રંગમંડપ ધરાવતા આ મંદિરની અંદરની દીવાલો કરતાં બહારની દીવાલો અદ્ભુત શિલ્પોથી સુશોભિત છે. એમ કહી શકાય કે આવડી મોટી સંરચનામાં એકેય ફુટ એવી જગ્યા હોય જ્યાં કોઈ કોતરણી વગર પ્લેન પથ્થર હોય. સનાતન સંસ્કૃતિનાં મહત્ત્વનાં દેવી-દેવતાઓ, પ્રસંગો, કથાઓથી અલંકૃત આ દીવાલો કરતાં મંદિરના શિખરની ડિઝાઇન એકદમ ડિફરન્ટ છે. શંકુ આકારના શિખરને ચાર ઊભા વિભાગથી વિભાજિત કરાયેલો છે. દરેક વિભાગમાં નાનાં-નાનાં શિખરોની ક્રમબદ્ધ હરોળ છે. એ ચારેય ભાગની વચ્ચે લાંબો ઊભો પટ્ટો છે. આ પટ્ટાની બારીક કોતરણી યુનિક તેમ જ મનમોહક છે. તો શિખરની ઉપર રહેલું કમળ પણ અદ્ભુત છે. આ કમળની નીચે એક મનુષ્યની કલાકૃતિ છે.
અલંકારો, કમરે કછોટો અને માથે શિખા ધરાવતા એ માણસના શિલ્પ માટે કંઈકેટલીયે કિંવદંતીઓ પ્રચલિત છે. કોઈના મતે એ ભૂત છે, કારણ કે ભૂતે એક રાતમાં મંદિર ઊભું કરી દીધું ને પોહ ફાટતાં આ ભૂત નીચે ન ઊતરી શક્યો એથી એ શિલામાં પરાવર્તિત થઈ ગયો (જોકે એ સાવ હમ્બગ માન્યતા છે). તો કોઈ વર્ગ આ વ્યક્તિને રાજા ઉદયાદિત્ય ગણાવે છે. વળી કેટલાક લોકોને લાગે છે કે એ મંદિર બનાવનાર કારીગર હશે. જે હાથ કપાઈ જશે એ ડરથી અહીં જ રહી ગયો અને પથ્થર બની ગયો. જોકે પુરાતત્ત્વના અભ્યાસુઓ આકૃતિના હાવભાવથી માને છે કે શિવાલયના શિખરે બેઠેલો એ મનુષ્ય મંદિરનો ધ્વજવાહક છે જે મંદિરની ધજા ચડાવવા ઉપર ચડ્યો હોય. કારણ કે તેના હાથની પોઝિશન એવી છે જાણે એમાં ધ્વજાદંડ હોય.
હવે મંદિરની ચોટીને આ પ્રકારનું શિલ્પ કેમ બનાવાયું? કે ખરેખર કોઈ જીવિત વ્યક્તિ જડવત્ થઈ ગઈ એનો ખુલાસો કોઈ પાસે નથી. જોકે અહીં આવનાર ભક્તને એ ખુલાસાની કે તર્ક જાણવાની જરૂર પણ નથી લાગતી. તેમને માટે આ દેવો કે દેવનું અદ્વિતીય ધામ છે જેનું શિખર અનોખું છે.
મંદિરના અંદરના ભાગમાં પણ સરસ નકશીકામ છે એમાં ઘણું ખંડિત થઈ ગયું છે અને કાળું પડી ગયું છે. એનું કારણ એ છે કે ૧૩મી સદીમાં મોગલ શાસક તુઘલકે આ મંદિરના ગર્ભગૃહને દારૂગોળા વડે નષ્ટ કરવાનો પ્રયત્ન કર્યો હતો. એ પછી ૧૭મી સદીમાં ઔરંગઝેબે પણ મંદિરને નેસ્તનાબૂદ કરવાના મરણિયા પ્રયાસ કર્યા હતા. જોકે ભોલેનાથની અસીમ કૃપાથી મંદિરના સ્ટ્રક્ચરની કાંકરી પણ નહોતી ખરી પરંતુ ગર્ભગૃહ સહિત આખોય અંતરાલ કાળો પડી ગયો હતો. એમાં અમુક સ્તંભ પરની છત, તોરણો પરનું નકશીકામ ઇન્ટેક્ટ છે અને ઘણા ભગ્ન થઈ ગયા છે. મહામંડપના મધ્ય ભાગમાં જ નંદી મહારાજ બિરાજમાન છે. જોકે મંદિરના નકશીકામ સામે આ નંદીબાબા બહુ સામાન્ય ડિઝાઇનના લાગે, પણ બની શકે કે પહેલાંના નંદી ખંડિત થયા હોય ને બાદમાં જીર્ણોદ્ધાર સમયે આ બનાવાયા હોય. મંડપથી ૪ દાદરા નીચે ઊતરીને ગર્ભગૃહમાં જવાય છે. લગભગ ૨૦૦ ફુટના મોટા ગર્ભગૃહની વચ્ચોવચ ૪ ફુટ ઊંચા ઓટલા પર આશરે સાડાત્રણ બાય દોઢ ફુટનું ગોળાકાર શિવલિંગ છે. જોકે એ ઓરિજિનલ શિવલિંગ હંમેશાં અષ્ટધાતુ મુખવટાથી ઢંકાયેલું રહે છે. ફક્ત શિવરાત્રિએ અને એના પછીના દિવસ અમાસ દરમ્યાન મુખવટો ખસેડાય છે. ઈસવી સન ૧૭૭૫માં પ્રાચીન ભેલસા (વિદિશા)ના સૂબા ખાંડેરાવ અખાજીએ શિવલિંગના સંરક્ષણ અર્થે એ ધાતુનું કવચ ચડાવ્યું હતું અને એની વિધિવત્ પ્રતિષ્ઠા કરી હતી. એ પછી ૧૯મી સદી દરમ્યાન ગ્વાલિયરના શાસકોએ પણ મંદિરનો પુનરુદ્ધાર કરાવ્યો હતો.
પહેલાં મોગલો પછી અંગ્રેજોની સત્તાને કારણે મંદિર ધીરે-ધીરે ઓજલમાં જતું રહ્યું અને એના વચગાળાની આખી તવારીખ પણ ભુલાઈ ગઈ. આ ભવ્ય મંદિરને સ્થાનિક લોકોએ એટલું અવગણ્યું કે એની નજીકમાં લોકોએ ઘર-દુકાન બનાવી દીધાં એને પરિણામે મુખ્ય મંદિરની ચારે બાજુએ આવેલાં નાનાં-નાનાં દેવાલયો તો સાવ જીર્ણશીર્ણ થઈ ગયાં, ટેમ્પલ કૉમ્પ્લેક્સનું મુખ્ય પ્રવેશદ્વાર પણ ખંડિત થઈ ગયું. એ તો ભલું થજો એ લોકોનું જેમના પ્રયાસોથી આજે આ સ્થાન ઊભું છે. ઈસવી સન ૧૯૧૩માં ગ્વાલિયરના સિંધિયા રાજવીઓના અનુરોધ પર અંગ્રેજ ઑફિસર સર જૉન માર્શલે ભારતીય પુરાતત્ત્વ અધીક્ષકોની મદદથી આ વિસ્તારનાં અનેક સ્મારકો સહિત આ મંદિરમાંથી અતિક્રમણ દૂર કર્યાં અને યોગ્ય સમારકામ કરાવ્યું. જોકે એ પછી પણ સ્થાનિક લોકો સિવાય આ બેનમૂન સ્થાપત્યની યોગ્ય કદર ન થઈ, કારણ કે આપણે મોગલોએ બાંધેલા તાજમહલ અને અંગ્રેજોએ નિર્માણ કરેલાં હિલ સ્ટેશનોના મોહમાં જ રહ્યા.
ખેર, હવે જાગૃતિ આવી છે. આપણાં પુરાતત્ત્વિક સ્થાનોની વિદેશીઓ તો ઠીક, દેશીઓ પણ વૅલ્યુ કરતા થયા છે એટલે હવે દર્શનાર્થી સહિત સહેલાણીઓનું આવાગમન વધ્યું છે. એ અન્વયે તીર્થાટનપ્રેમીઓ તમે પણ આપણી ધરોહરના અમૂલ્ય આભૂષણ સમા મંદિરે જલદી જજો. હા, અહીંથી નજીકનું રેલવે-સ્ટેશન ભોપાલ છે અને મુંબઈથી ભોપાલની સીધી ટ્રેન છે. હવાઈ માર્ગે જવું હોય તો ભોપાલની ડાયરેક્ટ, વન સ્ટૉપ ફ્લાઇટ પણ અવેલેબલ છે. પર્ટિક્યુલર, ઉદયપુરમાં રહેવા માટે કોઈ ઢંગની વ્યવસ્થા નથી. રહેવા માટે વિદિશા શહેરમાં મીડિયમ કક્ષાની હોટેલ, ગેસ્ટહાઉસ છે. તો સાંચી તેમ જ ઉદયગિરિમાં મધ્ય પ્રદેશ ટૂરિઝમ બોર્ડનાં સરસ રિસૉર્ટ અને હોટેલ છે. સાંચીથી નીલકંઠેશ્વરનું ડિસ્ટન્સ ૭૫ કિલોમીટર છે અને ઉદયગિરિ કેવ્સ તો માત્ર ૮ કિલોમીટર છે. ઉદયેશ્વર મંદિરની આજુબાજુ પૂજાપો વેચતી દુકાનો અને ચા-પાણી-નાસ્તો પીરસતાં ઉપહારગૃહો, ટપરીઓ છે. અનેક સહેલાણીઓ સાંચી સ્તૂપ, ઉદયગિરિ કેવ્સ, આ શિવાલયની સહિયારી વન-ડે ટ્રિપ કરે છે, પણ જો તમને ખરેખર ભારતીય સ્થાપત્ય શૈલીમાં રસ હોય, ભારતના સમૃદ્ધ ઇતિહાસ વારસાનું ગૌરવ હોય તો સ્પેર મોર ટાઇમ હિયર.
પૉઇન્ટ્સ ટુ બી નોટેડ
ઉદયેશ્વર મંદિરના પ્રવેશદ્વાર સામે જટિલ નકશીદાર ઇમારત છે જેને કોઈ શિખર નથી. કદાચ આ સ્થાન સાધુઓને રહેવા, યજ્ઞ, અધ્યયન કરવા માટે બનાવાયું હોય એવું લાગે છે.
મંદિરમાં અનેક શિલાલેખો છે જેમાં વેદમંત્રો, રાજા ઉધ્યાદિત્યનાં પરાક્રમોની ગાથાના દુહા સહિત માધવ-કેશવ નામના બે ભાઈઓનો પણ ઉલ્લેખ છે જેમણે આક્રાંતાઓથી આ મંદિરને બચાવવા પોતાના પ્રાણની આહુતિ આપી હતી.
એક દિવસમાં મંદિર બન્યું છે એવી લોકવાયકાનું ખંડન કરતાં પૂજારી કહે છે કે એ સમયે મંદિરનું ચણતર ફક્ત પુષ્ય નક્ષત્રમાં જ થતું. બાકીનાં ૨૬ નક્ષત્રો દરમ્યાન કારીગરો મંદિરના વિવિધ ભાગો તૈયાર કરતા અને પુષ્ય નક્ષત્ર આવે એટલે એનું ચણતર કરતા. મંદિરના ઊંચા શિખર પર સ્થાપત્યો સેટ કરવા એ વખતે દોઢ કિલોમીટરનો હંગામી રૅમ્પ તૈયાર કરવામાં આવ્યો હતો અને હાથી દ્વારા ભારે પથ્થર ઉપર ચડાવાયા હતા.
આ મંદિર સાથે કોઈ ધાર્મિક ચમત્કાર કે માન્યતા જોડાયેલાં નથી, પરંતુ એ જમાનામાં જ્યારે ગણતરીનાં ઑટોમૅટિક સાધનો નહોતાં ત્યારે પણ કારીગરોએ શિવલિંગને એ પ્રમાણે સ્થાન આપ્યું કે દરરોજ ઊગતા સૂર્યદેવ શિવલિંગને પ્રકાશિત કરે. એ તથ્ય કોઈ ચમત્કારથી કમ છે?
મંદિરથી ઉદયગિરિ કેવ્સ જતાં રસ્તામાં હેલીડોરસ પિલર આવે છે. ગ્રીસ દેશના પ્રતિનિધિ તરીકે છેક બીજી શતાબ્દીમાં આવેલા હેલિડોરસે આ ૧૫ મીટર ઊંચો ગરુડધ્વજ (સ્તંભ) બનાવડાવ્યો હતો. ડોન્ટ મિસ ટુ વૉચ ઇટ.