15 November, 2026 08:02 AM IST | Mumbai | Aashutosh Desai
મોઢેરા સૂર્યમંદિર
મંદિરનું મૂળ સ્વરૂપ ભલે ખંડિત થયું હોય; પરંતુ એનાં કલા, સ્થાપત્ય અને ઇતિહાસ આજે પણ અખંડિત વારસાની જેમ ઊભાં છે. આપણે આપણા વારસાને માત્ર ભૂતકાળની યાદ તરીકે નહીં, પરંતુ ભવિષ્યની પ્રેરણા તરીકે જોવો જોઈએ. એક હજાર વર્ષ પહેલાં સૂર્યદેવની આરાધના માટે બનાવાયેલું મોઢેરા આજે સૌરઊર્જા ક્ષેત્રે દેશનું પ્રેરણાસ્રોત બન્યું છે. એક તરફ પથ્થરમાં કંડારાયેલી પ્રાચીન સંસ્કૃતિ છે તો બીજી તરફ સોલર પૅનલ દ્વારા વીજળી ઉત્પન્ન કરતું સૌરગ્રામ છે
એક હજાર વર્ષોથી શ્રદ્ધા અને સ્થાપત્યનું એક એવું સૂર્યતીર્થ જેના ઇતિહાસનાં સોનેરી કિરણો વર્તમાનને પણ સુનહરો કરી રહ્યાં છે. ગુજરાતની ધરતી પર વસેલું એક અદ્વિતીય સ્થાપત્ય, જ્યાં પથ્થરો બોલે છે અને સૂર્યનાં કિરણો એ ઇતિહાસની સાક્ષી પૂરે છે. ભારતીય સંસ્કૃતિનો વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ અને આધ્યાત્મિક શ્રદ્ધાનો અદ્ભુત સમન્વય એટલે મહેસાણા જિલ્લાના મોઢેરાનું વિશ્વવિખ્યાત સૂર્યમંદિર. આ મંદિર માત્ર ધાર્મિક આસ્થાનું કેન્દ્ર જ નથી, એ આપણા પૂર્વજોની ખગોળવિદ્યા, ગણિત, શિલ્પકલા, સ્થાપત્યકૌશલ્ય અને પ્રકૃતિ સાથેના અતૂટ સંબંધની એક જીવંત કથા છે. એટલે જ મોઢેરાનું નામ આજે માત્ર એના પ્રાચીન મંદિરને કારણે જ નહીં, પરંતુ આધુનિક સૌરઊર્જા ક્ષેત્ર તરીકે અને ભારતની નવી ઓળખ તરીકે પણ ચર્ચામાં છે.
મોઢેરાનું ઐતિહાસિક મહત્ત્વ
ગરવી ગુજરાતનું મોઢેરા એટલે મહેસાણાથી આશરે ૩૫ કિલોમીટર દૂર આવેલું એક એવું ઐતિહાસિક ગામ છે જ્યાં કાન દઈને સાંભળીએ તો ત્યાંનો એક-એક કણ ભવ્યાતિભવ્ય સાંસ્કૃતિક વારસાની ગાથા કહે છે. પુષ્પાવતી નદીના કિનારે વસેલું આ ગામ આજે વિશ્વના પ્રવાસીઓ માટે કંઈ અમસ્તું જ આકર્ષણનું કેન્દ્ર નથી બન્યું. આપણા સાંસ્કૃતિક અને આધ્યાત્મિક ગ્રંથો ઉથલાવીશું તો મોઢેરાનો ઉલ્લેખ અનેક પ્રાચીન ધાર્મિક પરંપરાઓ અને પુરાણકથાઓમાં જોવા-વાંચવા મળશે. સ્કંદપુરાણની જ એક કથાની વાત કરીએ તો ધર્મારણ્ય માહાત્મ્ય સાથે મોઢેરાની એક કથા સંકળાયેલી છે. રાવણનો વધ કર્યા બાદ ભગવાન શ્રી રામને બ્રહ્મહત્યાના પાપમાંથી મુક્તિ મેળવવા માટે મહર્ષિ વશિષ્ઠ ધર્મારણ્યમાં યજ્ઞ કરવાનું સૂચન કરે છે. શ્રી રામચંદ્રજીએ એ સમયે અહીં યજ્ઞ કર્યો અને વસાહત પણ સ્થાપી. કહેવાય છે કે રામચંદ્રજી દ્વારા સ્થાપિત એ પ્રાચીન વસાહતને આજે આપણે મોઢેરા તરીકે ઓળખીએ છીએ, પણ આપણે રહ્યા આજની પેઢી, તરત પૂછીએ કે આ વાતના પુરાવા શું છે? ચાલો આ ભવ્ય સંસ્કૃતિના પુરાવાઓ મળે એવી ઐતિહાસિક વાતોમાં ડૂબકી મારીએ.
સોલંકીયુગ અને સૂર્યમંદિર
મોઢેરા અને એનો સાંસ્કૃતિક, ઐતિહાસિક વારસો મહદંશે સોલંકીયુગમાં પ્રચલિત થયો. એ સમયગાળામાં ગુજરાત રાજકીય, આર્થિક, સાંસ્કૃતિક અને સ્થાપત્યની દૃષ્ટિએ અત્યંત સમૃદ્ધ પ્રદેશ હતો. ભારતીય અને વિદેશી પુરાતત્ત્વવિદો દ્વારા અનેક સાહિત્યમાં નોંધાયું છે કે મોઢેરાનું સૂર્યમંદિર સોલંકી અથવા ચાલુક્ય વંશના શાસક રાજા ભીમદેવ પ્રથમના શાસનકાળ દરમ્યાન બંધાયું હતું. હવે આ ભીમદેવ પ્રથમનો શાસનકાળ એટલે આશરે ઈ. સ. ૧૦૨૨થી ૧૦૬૩ સુધીનો ગણાય. એટલું જ નહીં, મંદિરના નિર્માણની તારીખ વિશે પણ એક રસપ્રદ ઐતિહાસિક આધાર મળે છે. મંદિરના ગર્ભગૃહની પાછળની દીવાલ પર ‘વિક્રમ સંવત ૧૦૮૩’નો એક શિલાલેખ આપણને મળે છે, જે આપણે કહી એ સંવત ઈ. સ. ૧૦૨૫-૨૬ને અનુરૂપ છે. આ દૃષ્ટિએ જોઈએ તો મોઢેરાનું મંદિર લગભગ એક હજાર વર્ષ પહેલાંના સોલંકીયુગની અદ્ભુત સ્થાપત્યકૃતિ છે.
સોમનાથ પર આક્રમણ અને મોઢેરા
મોઢેરાના ઇતિહાસને હજી વધુ સમજવા માટે આપણે ઈ. સ. ૧૦૨૫-૨૬ના સમયગાળાની રાજકીય પરિસ્થિતિને થોડેઘણે અંશે સમજવી જરૂરી છે. અફઘાનિસ્તાનના લૂંટારુ અને બળાત્કારી શાસક મહમૂદ ગઝનીએ ગુજરાત પર આક્રમણ કર્યું અને ઈ. સ. ૧૦૨૫-૨૬માં જ તે સોમનાથ મંદિર સુધી પહોંચ્યો હતો. આ આક્રમણ દરમ્યાન તેણે સોમનાથ મંદિરને ભારે નુકસાન પહોંચાડ્યું હતું. પરિસ્થિતિ કંઈક એવી સર્જાઈ હતી કે રાજા ભીમદેવને પણ પોતાની રાજધાની છોડવી પડી હતી. આ એ સમયગાળો હતો કે જ્યારે ગુજરાતે રાજકીય અને સાંસ્કૃતિક બંને દૃષ્ટિએ મોટા આઘાતો સહન કરવા પડ્યા હતા. જોકે મહાન રાજવી ભીમદેવે ત્યાર બાદ ફરી પોતાની સત્તા સ્થાપિત કરી અને ગુજરાતમાં બાંધકામ તથા પુનઃ નિર્માણની પ્રવૃત્તિઓને તેમણે આગળ વધારી. આપણે એમ કહી શકીએ કે મોઢેરાના મંદિરનો સ્થાપનાકાળ અને બહાના લૂંટારાનાં આક્રમણોની ઘટનાઓને એક જ નિશ્ચિત સમય કે કથા સાથે બાંધી દેવી યોગ્ય નથી, પરંતુ પુરાતાત્ત્વિક દસ્તાવેજો અને પુરાવાઓ મંદિરના નિર્માણનો સમય અને સોમનાથ પરના આક્રમણનો સમય એકબીજાથી ખૂબ નજીક હોવાનું કહે છે. અને આ ઐતિહાસિક સંયોગ જ આજે એની એક હજાર વર્ષની ગાથાને વધુ મહત્ત્વપૂર્ણ બનાવે છે.
સૂર્યમંદિરનું અદ્ભુત સ્થાપત્ય
મોઢેરાનું સૂર્યમંદિર ભારતીય સ્થાપત્યની મારુ-ગુર્જર શૈલીનું એક ઉત્તમ ઉદાહરણ છે. આ શૈલીને સોલંકી સ્થાપત્ય તરીકે પણ ઓળખવામાં આવે છે. આ બેનમૂન સ્થાપત્યકલાને વર્ણવવાની હોય તો કહી શકાય કે આ પથ્થરમાં કંડારેલું વિજ્ઞાન છે. આ અપ્રતિમ સ્થાપત્યની અનેક વિશેષતા છે, પણ મુખ્ય વિશેષતા તરીકે આખા પરિસરને ત્રણ મુખ્ય ભાગમાં વહેંચવી પડે.
સૂર્યકુંડ અથવા રામકુંડ
મંદિરના પ્રવેશદ્વારની સામે આવેલું આ વિશાળ લંબચોરસ જળાશય જે સૂર્યકુંડ તરીકે ઓળખાય છે એને રામકુંડ પણ કહેવામાં આવે છે. આ કુંડની સૌથી અદ્ભુત વિશેષતા એની ચારેય બાજુ બનાવેલાં પગથિયાં અને એની રચનામાં રહેલી ભૌમિતિક ચોકસાઈ છે. આ રચના એટલી અદ્વિતીય છે કે જો આજના કોઈ આધુનિક આર્કિટેક્ટને આવી જ રચના બનાવવા કહીશું તો કદાચ તે અનેક નકશા બનાવ્યા પછી પણ આટલું ચોક્કસ બાંધકામ નહીં કરી શકે. કુંડમાં નીચે ઊતરવા માટે ચારે બાજુ પગથિયાં એ રીતે બનાવવામાં આવ્યાં છે કે એની આસપાસ ૧૦૮ જેટલાં નાનાં દેવમંદિરો સ્થાપિત થયાં અને દેવદેવીઓની પ્રતિમાઓ જોવા પણ સ્થિત થઈ.
આ ૧૦૮નો આંકડો આપણી ધાર્મિક અને આધ્યાત્મિક પરંપરામાં વિશેષ મહત્ત્વ ધરાવે છે. જપમાળા કહો કે મંત્રજાપ, ઉપાસના ગણો કે આહુતિમાં પણ ૧૦૮ની સંખ્યા વિશેષ સ્થાન ધરાવે છે. રીત ગણો કે પરંપરા કંઈક એવી હતી કે પ્રાચીન સમયમાં ભક્તો મુખ્ય મંદિરમાં પ્રવેશ કરતાં પહેલાં આ કુંડમાં સ્નાન કરતા અને સૂર્યદેવને જળ અર્પણ એટલે કે અર્ઘ્ય અર્પણ કરતા.
સભામંડપ અથવા રંગમંડપ
સૂર્યકુંડથી આગળ વધીએ તો ભવ્ય સભામંડપ આપણી નજર સામે દૃશ્યમાન થાય છે, જેને રંગમંડપ પણ કહેવામાં આવે છે. સુંદર કોતરણીવાળા સ્તંભો, છત અને તોરણ. જેમણે આ ભવ્ય મંદિરની મુલાકાત લીધી હશે તેમને ખબર હશે કે અહીંના સ્તંભો પર રામાયણ, મહાભારત, પુરાણો, દેવી-દેવતાઓ, નૃત્યમુદ્રાઓ અને લોકજીવનનાં વિવિધ દૃશ્યોને અદ્ભુત રીતે કંડારવામાં આવ્યાં છે. સભામંડપનો દરેક સ્તંભ જાણે એક અલગ વાર્તા કહે છે. સૂર્યમંદિર છે તો અહીં ૧૨ આદિત્યોનાં સ્વરૂપો પણ જોવા મળે છે, જે હિંદુ ધર્મ-સંસ્કૃતિમાં સૂર્યનાં બાર સ્વરૂપો, વર્ષના બાર મહિના સાથે સાંકળવામાં આવ્યાં છે. આ મંડપ વાસ્તવમાં માત્ર ધાર્મિક સભાઓ માટે નહીં, પરંતુ સંગીત અને નૃત્ય જેવી કલાઓના પ્રદર્શન માટે પણ ઉપયોગમાં લેવાતો હશે એવું એની સ્થાપત્યરચના સૂચવે છે.
ગર્ભગૃહ અને ગૂઢમંડપ
આ બે મુખ્ય પડાવ પસાર કર્યા બાદ આપણે પહોંચીએ છીએ મંદિરના મુખ્ય ભાગમાં, જેને આખાય મંદિરનો સૌથી પવિત્ર ભાગ કહી શકાય. એ છે ગર્ભગૃહ. જ્યાં ક્યારેક ભગવાન સૂર્યની પ્રતિમા સ્થાપિત હતી, પરંતુ મધ્યકાલીન યુગ દરમ્યાન આ ગર્ભગૃહ અને મૂળ પ્રતિમાને પણ અનેક પ્રકારે નુકસાન થયું. જવાબદાર કોણ? એ જ લૂંટારું મુસ્લિમ શાસકો, જેમને માટે બીજો ધર્મ અને ધર્મસ્થળો તો હરામ છે, પણ એ ધર્મસ્થળો તોડવાં અને લૂંટવાં હરામ નથી. એને કારણે આજે પરિણામ કંઈક એવું છે કે અહીં મૂળ પ્રતિમા જોવા મળતી નથી. અનેકો આક્રમણ અને સમયના પ્રવાહમાં મંદિરને થયેલા નુકસાનને કારણે પ્રતિમા જ નહીં, પણ એ ગર્ભગૃહનું મૂળ સ્વરૂપ સુધ્ધાં જળવાઈ શક્યું નથી.
ભારતીય સનાતન ધર્મસંસ્કૃતિની દૂરંદેશી અને વિજ્ઞાનના સંયોજન થકી મંદિરના ગર્ભગૃહની રચના એવી રીતે કરવામાં આવી હતી કે સૂર્યનાં કિરણો સાથે એનો વિશેષ સંબંધ રહે. મંદિર પૂર્વાભિમુખ તો રખાયું, પણ એ રચના પણ કંઈક એવી રીતે કરવામાં આવી કે વિષુવવૃત્તીય દિવસો એટલે કે માર્ચ અને સપ્ટેમ્બરના સમપ્રકાશ દિવસોમાં સૂર્યોદયનાં કિરણો સભામંડપના પ્રવેશમાર્ગથી સીધા ગર્ભગૃહ તરફ પહોંચે. પ્રાચીનકાળમાં પણ આપણા એ સમયના આર્કિટેક્ટ્સ, રાજવીઓ અને ઋષિમુનિઓ અનેકાનેક વિષયોના કેટલા જ્ઞાતા હશે કે આવી અનેક બેનમૂન સ્થાપત્યકલા ભારતના અલગ-અલગ પ્રદેશોમાં જોવા મળે છે.
સૂર્યઉપાસનાનું આધ્યાત્મિક મહત્ત્વ
ભારતીય સંસ્કૃતિમાં આપણે પરાપૂર્વથી સૂર્યને માત્ર આકાશમાં પ્રકાશ આપતા એક ગ્રહ કે તારા તરીકે નથી જોયા, તેમને જીવન, ઊર્જા, આરોગ્ય, જ્ઞાન અને ચેતનાના સજીવ સતત સ્રોત તરીકે, પ્રતીક તરીકે પૂજતા રહ્યા છીએ. ઋગ્વેદમાં જ જુઓ, સૂર્યદેવની સ્તુતિ કરતાં આપણને અનેક સૂક્તો મળે છે. ગાયત્રીમંત્ર પણ સવિતાદેવની દિવ્ય તેજસ્વિતાનું ધ્યાન કરવા માટે જ મૂક અંતર્મન જાપ કરાતો મંત્ર છે.
આપણાં શાસ્ત્રો અને ધર્મ-સંસ્કૃતિમાં સૂર્યદેવને સાત અશ્વોના રથ પર સવાર દર્શાવવામાં આવ્યા છે. આ સાત અશ્વો એ પ્રકાશના સાત રંગો છે, સપ્તાહના સાત દિવસો છે તો જીવનની વિવિધ ઊર્જાઓ સાથે પણ સાંકેતિક રીતે જોડવામાં આવ્યા છે. આટલી વાતો પછી ફરી એક વાર આપણે મોઢેરાના મંદિર તરફ પ્રયાણ કરીએ. મંદિરની દીવાલો પર સૂર્યદેવને બે હાથમાં કમળ ધારણ કરેલા સ્વરૂપમાં દર્શાવવામાં આવ્યા છે. તેમની સાથે દંડી અને પિંગળ નામના પરિચારકો પણ જોવા મળે છે. આ દૃષ્ટિએ પણ જોઈએ તો મોઢેરાનું મંદિર માત્ર પૂજાનું સ્થાન નથી, પરંતુ ભારતીય ધર્મસંસ્કૃતિમાં સૂર્યોપાસનાની પરંપરાને પથ્થરો પર કંડારવામાં આવેલો દસ્તાવેજ છે.
મોઢેરાના સૂર્યમંદિરની વાત માત્ર ભૂતકાળનું ગૌરવગાન કરવા પૂરતી મર્યાદિત ન રહેવી જોઈએ, પણ એટલું ગૌરવ તો ચોક્કસ થવું જ જોઈએ કે, આપણા પૂર્વજોની સ્થાપત્યકલા કેટલી સમૃદ્ધ હતી! આજથી એક હજાર વર્ષ પહેલાં પણ તેઓ પથ્થરમાં એવી ઝીણવટભરી કોતરણી, ગણિતીય ચોકસાઈ અને ખગોળીય સમજણનો પરિચય આપી શકતા હતા કે આજે આધુનિક યુગમાં પણ દુનિયાના સંશોધકોને આશ્ચર્ય થાય છે. એક હજાર વર્ષ પહેલાં સૂર્યદેવની આરાધના માટે બનાવાયેલું મોઢેરા આજે સૌરઊર્જા ક્ષેત્રે દેશનું પ્રેરણાસ્રોત બન્યું છે. એક તરફ પથ્થરમાં કંડારાયેલી પ્રાચીન સંસ્કૃતિ છે તો બીજી તરફ સોલર પૅનલ દ્વારા વીજળી ઉત્પન્ન કરતું આધુનિક ગામ છે. અને આ બંને વચ્ચે એક હજાર વર્ષનું અંતર હોવા છતાં એક જ કડી છે - સૂર્ય!
ઉત્તરાર્ધ મહોત્સવ
મોઢેરાની બીજી વિશેષ ઓળખ એનો ઉત્તરાર્ધ મહોત્સવ છે. મકરસંક્રાંતિ પછી જાન્યુઆરી મહિનામાં યોજાતા આ શાસ્ત્રીય નૃત્ય મહોત્સવમાં દેશના જાણીતા નૃત્યકારો ભરતનાટ્યમ, કથક, ઓડિસી, કુચિપુડી અને અન્ય શાસ્ત્રીય નૃત્યશૈલીઓની પ્રસ્તુતિ કરે છે. એમ કહો કે, આ રીતે અહીં ફરી જીવંત થાય છે આપણી પ્રાચીન કલાપરંપરા. હજારો વર્ષ જૂના આ સ્થાપત્યની પૃષ્ઠભૂમિ પર કલાકારો નૃત્યની વિવિધ મુદ્રાઓ રજૂ કરે છે ત્યારે એવું લાગે છે કે જાણે પથ્થરોમાં કંડારેલી પ્રાચીન નૃત્યકલા ફરી જીવંત થઈ રહી હોય. આ ઉપરાંત મંદિર પરિસરમાં રાત્રિના સમયે વિશેષ લાઇટિંગ અને થ્રી-ડી પ્રોજેક્શન મૅપિંગ શો પણ પ્રવાસીઓ માટે આકર્ષણરૂપ બને છે
યુનેસ્કો યાદીમાં મોઢેરાનું સ્થાન
આ સૂર્યમંદિરનું આંતરરાષ્ટ્રીય મહત્ત્વ પણ ઓછું નથી. ભારતે ૨૦૨૨ની ૧૩ ડિસેમ્બરે મોઢેરાના સૂર્યમંદિર અને એના પ્રાંગણમાં આવેલા સ્થાપત્યોને યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટના ટેન્ટેટિવ લિસ્ટમાં સામેલ કરવા માટે પ્રસ્તાવ રજૂ કર્યો હતો.
વડા પ્રધાનની મન કી બાતમાં મોઢેરા
૨૦૨૬ની ૨૭ સપ્ટેમ્બરે ‘મન કી બાત’ના ૧૩૮મા એપિસોડમાં નરેન્દ્ર મોદીએ મોઢેરાના સૂર્યમંદિરના એક હજાર વર્ષના ઇતિહાસની વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, ‘ઈ. સ. ૧૦૨૬માં મહમૂદ ગઝનીના આક્રમણ દરમ્યાન સોમનાથની સાથે મોઢેરાનું સૂર્યમંદિર પણ હુમલાનો ભોગ બન્યું હતું. ભીમદેવ પ્રથમે ૧૦૨૫માં મંદિર બંધાવ્યું અને ત્યાર પછી થયેલા હુમલાઓ છતાં એનું પુનઃ નિર્માણ ટૂંક સમયમાં જ ફરી કરાવ્યું હતું. ભારતીય સમાજની પુનઃ નિર્માણ કરવાની શક્તિ અને અડગ સાંસ્કૃતિક ચેતના એવી રહી છે કે એ આઘાતો પછીના સમયમાં અલાઉદ્દીન ખિલજીના આક્રમણ દરમ્યાન પણ મંદિરને નુકસાન પહોંચ્યું હતું. છતાં આજે આપણી સંસ્કૃતિ અને સ્થાપત્યનો એ બેનમૂન નમૂનો આજે પણ વિદ્યમાન છે. ભારત માટે સૂર્યની ઉપાસના માત્ર મંદિર અને સ્થાપત્ય પૂરતી મર્યાદિત નથી. સૂર્ય આપણા માટે પ્રકાશ, ઊર્જા, વિજ્ઞાન અને સતત આગળ વધવાની પ્રેરણાનું પ્રતીક છે. આ જ કારણથી આજે મોઢેરા માત્ર એક હજાર વર્ષ જૂના સૂર્યમંદિર માટે જ નહીં, પરંતુ દેશના પ્રથમ ‘સૂર્યગ્રામ’ તરીકે પણ ઓળખાય છે.’
પ્રાચીન સૂર્યમંદિરથી આધુનિક સૂર્યગ્રામ ઃ ભારતનું પ્રથમ સૌરસંચાલિત ગામ
આટલી ભવ્ય સંસ્કૃતિના આયનાસમાન મોઢેરાની ઓળખમાં સૂર્યમંદિર બાદ નવો અધ્યાય પણ ઉમેરાયો છે. ૨૦૨૨માં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મોઢેરાને ભારતનું પ્રથમ ૨૪ કલાક સૌરઊર્જાથી સંચાલિત ગામ જાહેર કર્યું હતું. આ પ્રોજેક્ટ પાછળનો કેન્દ્રીય વિચાર હતો કે જે ગામમાં ૧૦૦૦ વર્ષ પહેલાં સૂર્યદેવની ઉપાસના માટે ભવ્ય મંદિર બનાવવામાં આવ્યું હતું, એ જ ગામને આધુનિક યુગમાં સૂર્યની ઊર્જાથી આત્મનિર્ભર બનાવવું.
આ પ્રોજેક્ટ અંતર્ગત ગામમાં એક વિશાળ જમીન આધારિત સોલર પાવર પ્લાન્ટ ઊભો કરવામાં આવ્યો. ઘરો અને સરકારી ઇમારતો પર ૧,૩૦૦થી વધુ રૂફટૉપ સોલર સિસ્ટમ્સ સ્થાપિત કરવામાં આવી. વીજળીના સંગ્રહ માટે બૅટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ પણ ગોઠવવામાં આવી. અને સ્થાનિક પરિવારોને પોતાની જરૂરિયાત કરતાં વધારાની વીજળી ગ્રીડમાં મોકલવાની વ્યવસ્થા સુધ્ધાં આપવામાં આવી. આ પ્રોજેક્ટનો સીધો લાભ ગામના લોકોને થયો. વીજળીના બિલમાં બચત તો થઈ જ, ઉપરાંત વધારાની વીજળીથી આવક મેળવવાની તક પણ ઊભી થઈ.
મોઢેરાના એક સ્થાનિક રહેવાસી બિપિન પટેલે ૨૦૨૬ની ‘મન કી બાત’માં પોતાના અનુભવ વિશે વાત કરતાં કહ્યું હતું, કે તેમના ઘરમાં સૌપ્રથમ રૂફટૉપ સોલર સિસ્ટમ લગાવવામાં આવી એ અગાઉ દર મહિને આશરે ૧,૨૦૦થી ૧,૫૦૦ રૂપિયા જેટલું વીજબિલ આવતું હતું. સોલર સિસ્ટમ પછી એ બિલમાંથી તો રાહત મળી જ, સાથે વધારાની વીજળીથી તેમના ખાતામાં નાણાં પણ જમા થવા માંડ્યાં. આમ, મોઢેરાએ કરી દેખાડ્યું કે સૂર્યની પૂજા કરવી અને સૂર્યની ઊર્જાનો વ્યવહારુ ઉપયોગ કરવો એ બંને બાબતો એકબીજાની વિરોધી નથી. ઊલટું, એક પ્રાચીન વિચારને આધુનિક વિજ્ઞાન સાથે જોડવાનું સુંદર ઉદાહરણ છે.
મોઢેરાનું મંદિર - સંસ્કૃતિ
અને વારસાનું સંરક્ષણ
આજે મોઢેરાનું સૂર્યમંદિર ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણ (ASI) દ્વારા સંરક્ષિત સ્મારક છે. મંદિરના ગર્ભગૃહમાં હવે નિયમિત પૂજા નથી થતી, કારણ કે મંદિરનું મૂળ ગર્ભગૃહ, શિખર અને પૂજાની મૂળ વ્યવસ્થા ઐતિહાસિક આક્રમણો તથા સમયના કારણે ખંડિત થઈ ચૂકી છે. છતાં આજે પણ આ સ્થળ ધાર્મિક ઉપાસનાસ્થાન કરતાં ઐતિહાસિક અને સ્થાપત્ય વારસાના સ્મારક તરીકે જળવાઈ રહ્યું છે. દર વર્ષે દેશ-વિદેશના અસંખ્ય પ્રવાસીઓ, ઇતિહાસકારો, સંશોધકો, સ્થાપત્યવિદો અને કલારસિકો અહીં મુલાકાતે આવે છે.