16 September, 2026 05:03 PM IST | Mumbai | Ruchita Shah
મિચ્છા મિ દુક્કડં
દર વર્ષે સંવત્સરીના પાવન દિવસે સોશ્યલ મીડિયા અને ફોનની સ્ક્રીન પર ‘મિચ્છા મિ દુક્કડં’ના ઢગલાબંધ ફૉર્વર્ડેડ મેસેજ ફરી વળે છે. ‘હમકા માફી દૈ દો, હમસે ગલતી હો ગઈ...’ જેવી હળવાશ કે ઔપચારિક શબ્દો પાછળ શું આપણે ખરેખર હૃદયની કડવાશને વિદાય આપી શકીએ છીએ કે પછી સામેવાળાને માફી મોકલીને પણ મનની કોઈ ગુપ્ત પેટીમાં વેરનો કાંટો અકબંધ રહી જાય છે? શું કામ માફ કરવાનું કામ અઘરું છે? કઈ રીતે કોઈને સરળતાથી માફ કરવાનું આત્મબળ કેળવી શકાય? આ વિષય પર અધ્યાત્મયોગી અને બાળદીક્ષાર્થી ૮૦ વર્ષના પરમ પૂજ્ય મુનિવર્ય શ્રી ધુરંધરવિજયજી મહારાજસાહેબ સાથે થયેલી વિગતવાર ચર્ચા પ્રસ્તુત છે.
ક્ષમા આપવી કે ક્ષમા માગવી એ કોઈ સામાજિક શિષ્ટાચાર, દેખાડો કે તહેવાર પૂરતી ફૉર્મલિટી નથી; એ તો વર્ષો જૂના માનસિક ભારથી મુક્ત થઈને નવી જિંદગી શરૂ કરવાનું એક જીવંત અને આધ્યાત્મિક વિજ્ઞાન છે એમ જણાવીને પૂજ્ય શ્રી ધુરંધરવિજયજી મહારાજ કહે છે, ‘ક્ષમાપના હંમેશાં હૃદયના ઊંડાણમાંથી કરવાની હોય છે. આ માત્ર કોઈ ચોક્કસ વ્યક્તિ પૂરતી સીમિત બાબત નથી; વિશ્વના ૮૪ લાખ જીવયોનિ હાલતા-ચાલતા, જોઈ શકાતા, ન જોઈ શકાતા અને સ્થિર હોય એવા તમામ જીવો પ્રત્યે આ ભાવ રાખવાનો હોય છે. જો વ્યક્તિગત રીતે કોઈની સાથે મનદુઃખ થયું હોય અને તમે માત્ર ઉપરછલ્લું મિચ્છા મિ દુક્કડં કહી દો, પણ તમારા મનમાં કે સામેવાળાના ચિત્તમાં અણગમાનો અંશ પણ રહી જાય તો ક્ષમાની આરાધના અધૂરી છે.’
અઘરું કેમ છે?
ક્ષમાપના સરળ નથી. કદાચ સારી વાતો સાંભળીને શાબ્દિક રીતે તો આપણે ચાર્જ થઈને માફી માગી લઈએ, પણ મનમાંથી એ હર્ટ અથવા એ અન્યાય અથવા એ અપમાનને કઈ રીતે કાઢવું? આ સવાલના જવાબમાં પૂજ્ય શ્રી ધુરંધરવિજયજી મહારાજ કહે છે, ‘સૌથી પહેલાં તો એ સમજો કે ક્ષમાપનાના માર્ગમાં સૌથી મોટો અંતરાય માણસનો અહંકાર એટલે કે આપણો ઈગો છે. માણસ હંમેશાં એમ વિચારે છે કે મારો કોઈ વાંક જ નહોતો, હું તો સાવ નિર્દોષ છું તો પછી હું શા માટે ઝૂકું, માફી તો તેણે માગવી જોઈએ. જોકે તમે જે વિચારો છો એ સત્ય નથી. એ તમારી અહંકારપ્રેરિત માન્યતા છે. આ આપણી વાસ્તવિકતા ન સ્વીકારવાની માનસિક નબળાઈ છે. જેમ કે જો પાડોશી કે પારકાનું બાળક આપણા આંગણામાં ગંદકી કરી જાય તો આપણને અતિશય ક્રોધ આવે છે અને આપણે લડવા પહોંચી જઈએ છીએ, પરંતુ જો આપણું પોતાનું બાળક એ જ ગંદકી કરે તો આપણે હસીને એને સાફ કરી લઈએ છીએ. ગંદકી એ જ છે પણ આપણી દૃષ્ટિ બદલાઈ ગઈ! એક જ ઍક્શન પણ બીજાનું બાળક હોય તો રીઍક્શન જુદું અને પોતાનું બાળક હોય તો રીઍક્શન જુદું. આ જ આપણો રાગ અને પક્ષપાત છે. આ જ બાબત આપણે આપણી પોતાની ભૂલો અને બીજાના વ્યવહારના ઇન્ટરપ્રિટેશનમાં કરતા હોઈએ છીએ. સાચી સાધના એ છે જેમાં સામા માણસનો વાંક શોધવાને બદલે પોતાની અંદર રહેલા અહંકારને ઓગાળીને પહેલ કરવી.’
જ્યારે અરીસામાં જોતાં પોતાના ચહેરા પર ડાઘ દેખાય ત્યારે અરીસાને ઘસ્યા કરવાથી કે સાફ કરવાથી કશું વળતું નથી, મોં પર લાગેલા મૂળ ડાઘને ધોવો પડે છે એમ જણાવીને પૂજ્યશ્રી ધુરંધરવિજયજી મહારાજ કહે છે, ‘એવી જ રીતે જ્યારે કોઈ વ્યક્તિ સાથે આપણું બગડે, કોઈ આપણી સાથે ખરાબ વર્તન કરે કે ગેરસમજ થાય ત્યારે સામા માણસ પર ગુસ્સે થવાને બદલે અંતર્મુખ થઈને વિચારવું કે આ મારાં જ પૂર્વકૃત અશુભ કર્મોનો ઉદય છે. લડવું હોય તો બહારના માણસ સામે નહીં, ભીતર રહેલાં કર્મો સામે લડવાનું છે. માન્યું કે આપણા સંચિત સંસ્કારોને કારણે મનમાં ક્યારેક ઓછુંવત્તું થઈ જાય, ગુસ્સો આવી જાય; પણ એને બહુ લાંબું નહીં ચલાવવાનું. હું પોતે પણ એ જ કરું છું. તમારું ચિંતન કર્મલક્ષી હોવું જોઈએ. મનમાં જો કોઈ ગાંઠ પડે, કોઈ પ્રત્યે દુર્ભાવ જન્મે તો એને અઠવાડિયામાં જ આત્મનિરીક્ષણ કરીને ઉકેલી નાખવી જોઈએ. ક્ષમાપનાને શબ્દોમાં લાવતાં પહેલાં સતત મનમાં ઑટો-સજેશન આપો કે મેં સામા માણસમાં માત્ર દોષ અને ખરાબી જોયાં, પણ તેના શુદ્ધ આત્મતત્ત્વને ન જોયું; મારે એ જોવું જોઈતું હતું.’ અને ધીમે-ધીમે તમારા મનમાંથી વેરની ગાંઠ ઢીલી પડવા માંડશે.’
સાચી ક્ષમા સામેવાળાને નિર્દોષ સાબિત કરવા માટે નથી અપાતી, પોતાના મનને નકારાત્મકતાના ઝેરથી મુક્ત કરવા માટે અપાય છે. મોટા ભાગના લોકો ક્ષમાપનાનું સાચું ગણિત સમજતા નથી. પૂજ્યશ્રી ધુરંધરવિજયજી મહારાજ કહે છે, ‘મિચ્છા મિ દુક્કડં એ સબકૉન્શ્યસ માઇન્ડમાં ઘર કરી ગયેલા વેરભાવ અને કડવાશના જૂના સંસ્કારો ભૂંસવાની પ્રક્રિયા છે. જો એ સંસ્કાર અંતરમનમાંથી નહીં ભૂંસાય તો એનું વારંવાર પુનરાવર્તન થયા કરશે. આજે મગન જોડે મનદુઃખ થશે અને કાલે છગન જોડે. મનમાં ગાંઠ બાંધી રાખવાથી નકારાત્મકતાનો ગુણાકાર થતો રહે છે. જો એક વાર પણ ક્ષમાપના દ્વારા આ કન્ટિન્યુટી તૂટી જાય તો વેરની જૂની શ્રૃંખલા આપોઆપ તૂટી જાય છે અને કડવાશ ઓગળી જાય છે.’
કોઈ કહે કે તમે તો દર વર્ષે મિચ્છા મિ દુક્કડં કહો છો, પણ પાછા હતા એવા ને એવા થઈ જાઓ છો એટલે આ દંભ રહેવા દો તો આ વાત માનતા નહીં. ભૂલનું રિયલાઇઝેશન થયું ત્યારે માફી માગી લો. એ પછી ભૂલનું પુનવરાવર્તન નહીં થાય એની ગૅરન્ટી નથી છતાં એ શ્રૃંખલા તોડવી જરૂરી છે. પૂજ્યશ્રી ધુરંધરવિજયજી મહારાજ કહે છે, ‘તમે એક વાર શરદીની દવા લીધી એટલે હવે જીવનમાં ક્યારેય શરદી નહીં થાય એવું નથી. ઋતુ બદલાશે અથવા તો ઇમ્યુનિટી કોઈ પણ કારણસર નબળી પડશે તો પાછી શરદી થશે. એક વાર દવા લીધી એટલે શું ફરી શરદી થાય તો દવા નહીં લેવાની? ના, લેવી પડે; જેટલી વાર શરદી થાય એટલી વાર દવા લેવી પડે. ક્ષમાપના પણ આત્મા માટે એવી જ ઔષધિ છે. કદાચ એક જ ઝાટકે બધી નબળાઈઓ દૂર ન થાય, પણ ક્ષમા માગવાથી અને આપવાથી ભૂલો અને ક્રોધની જડ ચોક્કસપણે નબળી પડે છે. બીજી વાત, આપણા સંબંધો કે વેર કોઈ એક ભવનું નથી, જન્મોજન્મના ઋણાનુબંધ છે. દરેક ભવમાં વ્યક્તિઓ નવાં-નવાં રૂપ અને પદ ધારણ કરીને જીવનમાં પ્રવેશે છે. કોઈ આ ભવમાં મિત્ર બનીને આવે છે તો કોઈ ભવમાં વિરોધી બનીને. આ ભવમાં ક્ષમાપના દ્વારા એ વેરના હિસાબો પતાવી દેવાનો સભાન પ્રયાસ કરવાનો છે જેથી આગલા ભવમાં એ વેરની ગાંઠ સાથે ન જાય.
અમેરિકન સાઇકોલૉજિકલ અસોસિએશન (APA) અને હૉપકિન્સ મેડિસિનના રિસર્ચ અનુસાર જે વ્યક્તિઓ વેરભાવ કે ગુસ્સો મનમાં દબાવી રાખે છે તેમના શરીરમાં કૉર્ટિઝોલ નામનું સ્ટ્રેસ હૉર્મોન્સ વધે છે, બ્લડ-પ્રેશર ઊંચું જાય છે અને હૃદયરોગનું જોખમ વધી જાય છે. સાચી ક્ષમાથી શરીરની પૅરાસિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ સક્રિય થાય છે, જેનાથી ડિપ્રેશન ઘટે છે અને માનસિક સ્થિરતા વધે છે. ક્ષમા એ માત્ર ધાર્મિક ક્રિયા નથી, માનસિક અને શારીરિક સ્વાસ્થ્યની થેરપી છે.
કર્મનો સિદ્ધાંત કેટલો અફર છે એ સમજાવવા પૂજ્યશ્રી ધુરંધરવિજયજી મહારાજ ઇંગ્લૅન્ડની અદાલતનો એક ઐતિહાસિક કિસ્સો ટાંકતાં કહે છે, ‘એક અદાલતમાં એક નિર્દોષ વ્યક્તિ પર હત્યાનો કેસ ચાલતો હતો. ન્યાયાધીશ પોતે પરિસ્થિતિથી વાકેફ હતા અને જાણતા હતા કે આ માણસ સંજોગવશાત્ ફસાયો છે. છતાં કાયદાનાં કાગળિયાંના પુરાવા એવા હતા કે તેમને તે વ્યક્તિને ફાંસીની સજા સંભળાવવી પડી. ન્યાયાધીશે ચુકાદો આપ્યા પછી ખાનગીમાં તે કેદીને કહ્યું કે હું જાણું છું કે તું આ ગુનામાં સાવ નિર્દોષ છે છતાં તારા ચહેરા પર કોઈ ભય કે ફરિયાદ કેમ નથી, તું આટલો શાંત કેમ છે? ત્યારે પેલી વ્યક્તિએ અદ્ભુત જવાબ આપ્યો કે સાહેબ, મને ઈશ્વરના ન્યાય પર પૂરો ભરોસો છે, ૨૦ વર્ષ પહેલાં મેં ખરેખર એક ખૂન કર્યું હતું અને ત્યારે મારી ચાલાકીથી એક તદ્દન નિર્દોષ માણસ ફાંસીએ ચડી ગયો હતો; હું કાયદાથી બચી ગયો હતો, પણ કુદરતના ચોપડે મારો ગુનો નોંધાયેલો હતો; આજે હું નિર્દોષ હોવા છતાં ફાંસીએ ચડી રહ્યો છું એ વાસ્તવમાં મારા એ જૂના કર્મનો જ હિસાબ છે! કુદરત અને કર્મના દરબારમાં કોઈ અન્યાય નથી. જે કંઈ આપણી સામે આવે છે એ આપણા જ ભૂતકાળનું પ્રતિબિંબ છે. આટલું જો સમજાઈ જાય તો આપણને આપણા જ દોષો દેખાવા માંડે.’
અંતમાં એટલું જ કહેવાનું કે ક્ષમા માગવી એ નિર્બળતા નથી, પણ સર્વોચ્ચ આત્મબળ છે. સંવત્સરીના પાવન અવસરે મિચ્છા મિ દુક્કડં માત્ર હોઠોથી બોલાતો કે વૉટ્સઍપ પર મોકલાતો ઔપચારિક શબ્દ ન બની રહે; પરંતુ સબકૉન્શ્યસ માઇન્ડમાં પડેલા વેર, પૂર્વગ્રહ અને કડવાશને કાયમ માટે સાફ કરીને નવી આંતરિક શરૂઆત કરવાનો સંકલ્પ બને એ જ સાચી સંવત્સરી આરાધના છે.