International Translation Day 2021: સારા અનુવાદકની આ વિશેષતાઓ વિશે તમે જાણો છો?

30 September, 2021 04:19 PM IST  |  Mumbai | Karan Negandhi

પહેલી નજરે સહેલું દેખાતું અનુવાદનું કામ કંઈ ખાવાના ખેલ નથી અને આ કાર્ય માટે વિવિધ ભાષાઓ સહિત બીજી પણ અનેક લાયકાત જરૂરી છે.

ભાષા પ્રેમ એ સારા અનુવાદકની પહેલી નિશાની છે, જ્યારે એક ભાષામાંથી બીજી ભાષામાં એક વાત કહેવાય ત્યારે ભાષા અનુસાર તેની ફ્લેવર અને સોડમ પણ બદલાય પણ તેનું સત્વ જળવાય તે જરૂરી છે. 

અનુવાદ વ્યવસાય વિશે અને સમાજના વિકાસમાં મહત્ત્વની ભૂમિકા ભજવતી ભાષાઓ વિશે જાગૃતિ લાવવા માટે દર વર્ષે 30 સપ્ટેમ્બરે આંતરરાષ્ટ્રીય અનુવાદ દિવસ (International Translation Day) ઉજવવામાં આવે છે.  સંત જેરોમ, જેમણે બાઇબલનું અનુવાદન કર્યું હતું, તેમની યાદમાંસંયુક્ત રાષ્ટ્ર આ દિવસ ઊજવે છે. વર્ષ ૨૦૧૭માં યુનાઇટેડ નેશનના અધિવેશનમાં આ દિવસ ઊજવવા માટે ઠરાવ પસાર કર્યો હતો. આ વર્ષે ઇન્ટરનેશનલ ટ્રાન્સલેશન ડેની થીમ `યુનાઇટેડ ઇન ટ્રાન્સલેશન` રાખવામાં આવી છે. 

એકંદરે અનુવાદના વ્યવસાયને સાધારણ અને સહેલો ગણવામાં આવે છે, પરંતુ એ માન્યતા સદંતર ખોટી છે. માત્ર કલ્પના કરો કે વિશ્વનો સમગ્ર વ્યવહાર જો કોઈ એક જ ભાષામાં કરવામાં આવે તો? માટે સામન્ય લોકોના જીવનમાં પણ પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે અનુવાદનું મહત્ત્વ છે જ. પહેલી નજરે સહેલું દેખાતું અનુવાદનું કામ કંઈ ખાવાના ખેલ નથી અને આ કાર્ય માટે વિવિધ ભાષાઓ સહિત બીજી પણ અનેક લાયકાત જરૂરી છે.

અનુવાદક વિશે વાત કરતા લેખક, પત્રકાર અને યુવલ નોઆ હરારીના સેપિયન્સ જેવા ખ્યાતનામ પુસ્તકનો અનુવાદ કરનાર રાજ ગોસ્વામીએ ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમને જણાવ્યું કે "અનુવાદક ભાષામાં નિપુણ તો હોવો જ જોઈએ, પરંતુ તેને જે તે ભાષાના સાહિત્યનું પણ સારું જ્ઞાન હોવું જોઈએ અને તેમાં રસ હોય તે જરૂરી છે." તેમણે કહ્યું કે "અનુવાદક જે લેખકના પુસ્તકનો અનુવાદ કરતો હોય તે લેખક વિશે પણ તેને પૂરતી જાણકારી હોવી જોઈએ. લેખકના વિચારો અને તેમના લખાણથી અનુવાદક વાકેફ હોય તે મહત્ત્વનું છે." તેમણે ઉમેર્યું કે "અનુવાદક બંને ભાષાના વાચકોથી અવગત અને તેમની માનસિકતા પણ ખબર હોવી જોઈએ. વાચકોનો રસ કયા વિષયમાં છે, તે પણ ધ્યાન રાખવું જરૂરી છે." અનુવાદના મહત્ત્વ વિશેના સવાલનો જવાબ આપતા તેમણે કહ્યું કે,  "સાહિત્ય એ આદાન-પ્રદાનનો વિષય છે. બીજી ભાષાના સાહિત્યમાં જે સારા ગુણ છે તે આપણી ભાષાના સાહિત્યમાં ઉમેરવા અનુવાદ મહત્ત્વની ભૂમિકા ભજવે છે."

વાંચન એ વિશ્વની એવી બારી છે જેના થકી જાણવા અને જોવા માટે બહુ જહેમત નહીં પણ સારી ટેવની જ જરૂર પડે છે. બીજા કલ્ચર્સ, બીજી સંસ્કૃતિઓ અને લોકોના વહેવારો વચ્ચેની સામ્યતા તફાવતો બધું જ વાંચનમાંથી સારી પેઠે જાણી શકાય છે તથા આ કારણે જ વાંચન એક અનિવાર્ય આદત હોવી જોઇએ. 


આ ઉપરાંત રાજ ગોસ્વામીએ પોતાના મનગમતા અનુવાદિત પુસ્તકોની યાદી પણ આપી હતી, જેમનો અનુવાદ વિવિધ ભાષાઓમાંથી માતૃભાષા ગુજરાતીમાં થયો છે. તે યાદીમાં દુખિયારાં, સળગતા સૂરજમુખી, પિકવિક પેપર્સ, વિધરીંગ હાઇટ્સ, જ્વાલા અને જ્યોત, કઝીન બેટ્ટી, આશા અને ધીરજ, ક્રાંતિ કે ઉત્ક્રાંતિ?, ધ ઓલ્ડ મેન એન્ડ ધ સી અને ગુડ અર્થ જેવા પુસ્તકોનો સમાવેશ છે.

છેલ્લા આઠ વર્ષથી વધુ સમયથી વ્યવસાયિક ધોરણે અનુવાદનું કામ કરતા પલ્લવી મહેતાએ ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમને આ સંદર્ભે જણાવ્યું કે "વ્યવસાયિક દ્રષ્ટિએ અનુવાદ ખૂબ જરૂરી છે. અનુવાદ બે ભાષાઓ વચ્ચે પુલનું કામ કરે છે, જેમ કે કંપનીઓમાં કર્મચારીઓ માટે વિવિધ નીતિઓ તો સર્વોચ્ચ સ્તરનું મેનેજમેન્ટ અંગ્રેજીમાં તૈયાર કરે છે, પરંતુ તેને કર્મચારીઓ સુધી પહોંચાડવા માટે પ્રાદેશિક ભાષામાં તેનો અનુવાદ જરૂરી બને છે." 
તેણીએ ઉમેર્યું કે "સારા અનુવાદક બનવા ભાષામાં પ્રભુત્વ અને શબ્દ ભંડોળ સિવાય પ્રાદેશિક બોલીની સમજ પણ જરૂરી છે. ગ્રાહકની જરૂરિયાત અને કોના માટે અનુવાદ કરવામાં આવી રહ્યો છે, તે મુજબ શબ્દોની પસંદગી કરવી છે. ઉપરાંત સૌથી મહત્ત્વનું છે કે અનુવાદ દરમિયાન અર્થનો અનર્થ ન થાય તેની કાળજી રાખવી આવશ્યક છે."

ભાષા પ્રેમ એ સારા અનુવાદકની પહેલી નિશાની છે, જ્યારે એક ભાષામાંથી બીજી ભાષામાં એક વાત કહેવાય ત્યારે ભાષા અનુસાર તેની ફ્લેવર અને સોડમ પણ બદલાય પણ તેનું સત્વ જળવાય તે જરૂરી છે.  અનુવાદો વાંચો અનેે તમારા ભાવ વિશ્વને વધુ સમૃદ્ધ કરો તેવી શુભેચ્છા સાથે હેપ્પી વર્લ્ડ ટ્રાન્સલેટર્સ ડે.

culture news life and style raj goswami