26 May, 2024 10:38 AM IST | Telangana | Alpa Nirmal
યેલ્લનાડુમાં અંજનીસુત
હનુમાનજી લોકદેવ છે. દરેક વયના લોકો તેમની સાથે કનેક્ટ થઈ શકે. બાળકો માટે તે સૂરજને લાડવો સમજીને ગળી જતો નટખટ બાળહનુમાન છે તો સ્ત્રીઓ માટે લંકા જઈને સીતાજીની ભાળ લઈ આવતો ચિરંજીવપુત્ર જેવો છે. યુવાનો અને પુરુષો માટે તે અતૂટ શક્તિ પ્રદાન કરતા શક્તિમાન દેવ છે તો વયસ્કો માટે પ્રભુ રામ સુધી તેમનો સંદેશો પહોંચાડતો દૂત છે.
આપણા પ્રાચીન વેદો અને ગ્રંથોમાં મહાવીરનાં અવનવાં પાસાંઓનું સુંદર નિરૂપણ કરવામાં આવ્યું છે અને અનેક શાસ્ત્રીજીઓ, પંડિતો, જ્ઞાનીઓ, કથાકારો વારતહેવારે પવનસુતના વિવિધ
ગુણોથી આપણને અવગત કરાવે જ છે; પરંતુ પરાશરસંહિતામાં આલેખાયા મુજબ હનુમાનજીનાં લગ્નની કથા બહુ પ્રસિદ્ધ નથી.
વર્ષોથી જેઠ સુદ દસમના દિવસે તેલંગણના હનુમાનભક્તો ભગવાનના પ્રતીક વિવાહને અનુલક્ષીને મહોત્સવ ઊજવે છે ત્યારે આપણે પણ જઈએ એ શાદીમાં, પણ રામદૂતના વિવાહની કથા જાણીને.
હિન્દુ કિંવદંતીઓ અનુસાર બજરંગબલી શિવજીના પુત્ર છે અને વિષ્ણુના અવતાર શ્રી રામને મદદ કરવા અંજનીમાતાની કૂખે અવતર્યા છે. ૧૬મી સદીમાં લખાયેલા ભાવાર્થ રામાયણમાં લેખક લખે છે કે અયોધ્યાના રાજા દશરથ સંતાનપ્રાપ્તિ અર્થે પુત્રકામેષ્ટિ યજ્ઞ કરી રહ્યા હતા ત્યારે દક્ષિણ ભારતના કિષ્કિંધાની પહાડીઓ પર અંજનીદેવી વાયુદેવની સાધનામાં લીન હતાં. પુત્રકામેષ્ટિ યજ્ઞના અંતે ખીરનો પ્રસાદ વહેંચાયો જે રાજા દશરથની ત્રણેય રાણીઓ કૌશલ્યા, સુમિત્રા તથા કૈકેયીએ આરોગ્યો અને થોડા કાળ બાદ તેમને રામ, લક્ષ્મણ, ભરત, શત્રુઘ્ન નામે પુત્રો થયા; પરંતુ પેલો ખીરનો પ્રસાદ વહેંચાતો હતો ત્યારે એક ઘટના બની હતી. અચાનક એક સમડી ક્યાંકથી આવીને એ પ્રસાદમાંથી થોડો ભાગ પોતાની ચાંચમાં ભરી ચીલઝડપે આકાશમાં ઊડી ગઈ અને તપસ્યામાં મગ્ન અંજનીના હાથમાં મૂકતી ગઈ. અંજનીમાતાએ વિચાર્યું આ ચોક્કસ દૈવી સંકેત છે અને મને તપોસાધનાના અન્વયે આ પ્રસાદ મળ્યો છે. અંજનીમાતાએ એ ખીર આરોગી અને તેમણે પણ એક તેજસ્વી પુત્રને જન્મ આપ્યો.
પ્રસાદની ખીરના પસાયે જન્મેલા પેલા સાકેતના રાજકુંવરો તો પ્રતિભાવાન હતા અને રાજા પુત્રોની મેધાને વધુ ખીલવવા તેમને વિશ્વના ઉત્તમ ગુરુ પાસે મોકલે એ સ્વાભાવિક છે, પણ અહીં અંજનેય પહાડીઓ અને જંગલોમાં જન્મેલું બાળક તો સામાન્ય હતું. ભલે તે પણ ઈશ્વરીય પ્રસાદ આરોગવાથી અવતરેલો પુત્ર હતો, પણ તેનાં
માતા-પિતા આમ આદમી હતાં એટલે તેમનું સંતાન પણ ઉચ્ચ સ્તરે પહોંચશે એવો ખ્યાલ તેમને ક્યાંથી આવે. જોકે મારુતિએ બાળપણમાં જ એક પરાક્રમ કર્યું. એક દિવસ તેમને ખૂબ ભૂખ લાગતાં તેઓ સૂરજને... હા, એ મહાકાય અગનગોળાને લાડુ સમજીને ગળી ગયા. તેમનું આ વિરાટ પણ નાદાન કાર્ય જોઈને માતા અંજની અને પિતા કેસરીને થયું કે આ બાળકની શક્તિ સાચા માર્ગે વાળવા તેને યોગ્ય ગુરુ પાસે મોકલવો પડશે, અન્યથા જો તે તેનું બળ અયોગ્ય રીતે વાપરશે તો ત્રણેય લોક તકલીફમાં મુકાશે.
સંકટમોચન શિક્ષા ગ્રહણ કરવા યોગ્ય થયા એટલે અંજનીમાતા અને કેસરીદેવે દીકરાને કહ્યું કે તું સૂર્યદેવને તારા ગુરુ બનાવ અને તેમની પાસેથી જ્ઞાન પ્રાપ્ત કર. માતા-પિતાની આજ્ઞાને માન આપીને હનુમાનજી તો ચાલ્યા સૂર્યદેવતા પાસે અને તેમને પ્રાર્થના કરી કે હું આપનો શિષ્ય બનવા માગું છું, આપ મને વિદ્યા પ્રદાન કરો. ત્યારે સૂર્યદેવે કહ્યું, ‘વાયુસુત, હું તો એક ક્ષણ પણ રોકાઈ શકતો નથી કે નથી રથથી ઊતરી શકતો. મારે સતત ભ્રમણ કરવાનું રહે છે. એવી સ્થિતિમાં હું તમને શાસ્ત્રોનું જ્ઞાન કઈ રીતે આપી શકું?’
ત્યારે હનુમાને તેમને કહ્યું કે હું તમારી ગતિ સાથે મારી ગતિ મેળવીશ અને તમારી સાથે ચાલતાં-ચાલતાં વિદ્યા પ્રાપ્ત કરીશ. ભાનુદેવ હનુમાનના આવા ડેડિકેશનથી ખુશ થઈ ગયા અને તેમને શાસ્ત્રોનું જ્ઞાન આપતા ગયા. શિષ્યની ગ્રહણશક્તિ, ભક્તિ અને નિષ્ઠાથી પ્રભાવિત થઈને સૂરજદેવે પોતાની નવ વિદ્યાઓ હનુમાનને શીખવવાનું નક્કી કર્યું અને એમાંથી પાંચ વિદ્યાઓ તેમણે કપીશ્વરને શીખવી પણ દીધી, પરંતુ બાકીની ચાર વિદ્યાઓ મેળવવા માટે જે-તે વિદ્યાર્થીએ પરિણીત હોવું જરૂરી હતું. હવે આ મહાબલી તો બાળબ્રહ્મચારી. તેઓ ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કરવાના જ નહોતા. તો હવે શું કરવું? ત્યારે ગુરુદેવ સૂર્યએ જ સમસ્યાનો તોડ કાઢ્યો અને તેમણે તેમની પુત્રી અતિ તપસ્વી સુર્વચલાના વિવાહ હનુમાન સાથે કરાવવાનું ઠેરવ્યું. હનુમાને ગુરુ-આજ્ઞા સર આંખો પર ચડાવી અને હનુમાનજી તેમ જ સુર્વચલાના વિવાહ સંપન્ન થયા.
કહેવાય છે કે જેઠ સુદ દસમના દિવસે અને યેલ્લનાડુની ધરતી પર હનુમાનજી અને સુર્વચલાના વિવાહ થયા હતા. જોકે એનું કોઈ પ્રમાણ નથી, પરંતુ ફક્ત આ ગામે હનુમાનજીની મૂર્તિ વરરાજા સ્વરૂપે છે અને તેમની બાજુમાં યોગિની સુર્વચલા નવવધૂના રૂપમાં બિરાજે છે. પૌરાણિક મહત્ત્વ ધરાવતી કથાના પ્રતીકસમું હોવા છતાં આ મંદિર દેખાવે સામાન્ય અને નાનું છે. સ્થાનિક લોકોના મતે એ લગભગ ૩૦૦ વર્ષ પહેલાંનું છે, પણ અગેઇન એ કોણે બનાવડાવ્યું? અહીં જે મૂર્તિ છે એ ક્યારની છે? એના પુરાવા કે કોઈ માહિતી ઉપલબ્ધ નથી. જોકે પ્રભુભક્તોને કોઈ સાબિતીની જરૂર નથી. તેમના માટે હનુમાનજી તેમનાં સંકટોનું મોચન કરે છે એ શ્રદ્ધા જ કાફી છે.
યેલ્લનાડુ નવનિર્મિત તેલંગણ રાજ્યનું નાનકડું નગર છે અને કોલસાની ખાણો માટે પ્રસિદ્ધ છે. અહીંથી સૌથી નજીકનું શહેર ખમ્મમ છે અને એ પણ ૪૮ કિલોમીટર દૂર છે. જોકે રાજ્યના જાણીતા શહેર વારંગલથી એ ૧૦૬ કિલોમીટરના અંતરે છે અને રાજધાની હૈદરાબાદથી ૨૪૬ કિલોમીટરના ડિસ્ટન્સે છે. આમ છતાં મુંબઈગરાઓ માટે યેલ્લનાડુનાં દર્શને જવા માટે હૈદરાબાદમાં લૅન્ડ કરવું વધુ કમ્ફર્ટેબલ બની રહે છે. ત્યાંથી વન-ડેની યેલ્લનાડુની ટૂર કરી શકાય. યસ, વારંગલ ઇઝ ઍન ઑપ્શન ટૂ. ૧૨થી ૧૪ સેન્ચુરી સુધી કાકડિયા ડાયનેસ્ટીનું કૅપિટલ રહેલું આ શહેર આપણી ઐતિહાસિક ધરોહરનો ભવ્યાતિભવ્ય ખજાનો સમાવીને બેઠું છે. વળી મુંબઈથી વારંગલ માટે ડાયરેક્ટ ટ્રેનો પણ છે અને અહીં રહેવા માટે અનેક પ્રકારની આવાસ-વ્યવસ્થા પણ છે.
છેલ્લા થોડા સમયમાં મંદિરની પૉપ્યુલરિટી વધવાથી મંદિરની આજુબાજુ ચા-કૉફી અને લાઇટ સ્નૅક્સ પીરસતી નાની ટપરીઓ બની છે તેમ જ જનરલ સ્ટોર્સ પણ નિર્માણ પામ્યા છે જેમાં મિનરલ વૉટર, બિસ્કિટ, વેફર્સ જેવું મળી રહે છે. એ સિવાય ગામ ખૂબ જ શાંત છે. મંદિર સવારે ૬થી ૧૧ વાગ્યા સુધી ખુલ્લું રહે છે. જોકે જાહેર રજાના દિવસે એ બપોરે એક વાગ્યા સુધી પણ ખુલ્લું હોય છે. મંદિર દરરોજ બપોરે બંધ રહેવા છતાં જો તમે ઑડ ટાઇમે પહોંચ્યા તો નજીકમાં રહેતા પૂજારી દેવાલય ખોલી આપે છે. અન્યથા સાંજે પાંચ વાગ્યાથી રાતે નવ વાગ્યા સુધી ફરી મંદિરનાં દ્વાર ઊઘડે છે. શિવલિંગ, અમ્માલુ (માતાજી) સહિત સિંહાસન પર બિરાજમાન હનુમાનજીની મૂર્તિ અત્યંત મોહનીય છે અને અહીંના વાઇબ્સ માઇન્ડ-કૂલિંગ.