ચાર વિદ્યાર્થી, પચાસ માળ અને ચાર વાર્તા

08 June, 2023 03:33 PM IST  |  Mumbai | Morari Bapu

પહેલો વિદ્યાર્થી વાર્તા કરે તો દસ-પંદર માળ સુધી ચડી જવા

મિડ-ડે લોગો

ચાર મિત્રો અમેરિકામાં એક મોટા મકાનમાં રહેતા હતા. પચાસ માળનું બિલ્ડિંગ. ચારે વિદ્યાર્થીઓ પચાસમા માળ પર રહીને ભણતા. એક દિવસ કશુંક ખરીદીને આવ્યા અને લિફ્ટમાં બેઠા તો સૂચના આવી કે પાવર ફેલ થયો છે અને જનરેટર પણ નથી ચાલતું એટલે ચોવીસ કલાક લિફ્ટ નહીં ચાલે. જેમણે પણ ઉપર જવું હોય તેમણે ચાલીને જ જવું પડશે. આ છોકરાઓ તો ક્યારેય દાદરા ચડ્યા નહોતા. હવે પચાસ માળ કેમ ચડવા? બધાએ એક યુક્તિ કરી કે દરેક મિત્ર એક-એક વાર્તા કરે. પહેલો વિદ્યાર્થી વાર્તા કરે તો દસ-પંદર માળ સુધી ચડી જવાય. પછી બીજો સંભળાવે, પછી ત્રીજો અને એમ કરતાં-કરતાં ઉપર પહોંચી જવાય. મન મશગૂલ હોય તો જવાબદારી ભારરૂપ નથી બનતી.

એક વિદ્યાર્થીએ વાર્તા શરૂ કરી તો લગભગ દસ માળ ચડી ગયા. બીજાએશરૂ કરી તો દસ માળ બીજા ચડી ગયા. ત્રીજાની વાર્તા લાંબી હતી તો પચાસમા માળ સુધી ચડી ગયા. ચોથો વિદ્યાર્થી વાર્તા કહેવામાં બાકી રહી ગયો. મકાનનાં બે પગથિયાં જ બાકી હતાં. તાળું ખોલવાની નજીક હતા ત્યારે ત્રણેએ ચોથાને કહ્યું, ‘તું પણ વાર્તા કહે.’

તે બોલ્યો, ‘હવે વાર્તા કહેવાનો કોઈ અર્થ નથી. વાર્તા તો એક માધ્યમ હતું જેથી આપણે ઉપર પહોંચી જઈએ.’

ત્રણે બોલ્યા, ‘ના, અમે ત્રણેએ કહી અને તું ન કહે? ના, કંઈક તો કહે જ. અમે અહીં ઊભા રહીશું, પણ કહે. અમારી પાસે કહેવડાવીને તું છટકી જાય છે?’

તે બોલ્યો, ‘અરે, હું એમ કહું કે એક રાજા હતો અને ત્યાં સુધીમાં તો દરવાજા પાસે પહોંચી જઈશું. બેકાર થઈ જશે.’

ત્રણે બોલ્યા, ‘ના, કંઈક તો કહે જ.’

હવે પેલાએ વાર્તા કહેવાની આવી એટલે તેણે કહ્યું, ‘ભલે, તમે આગ્રહ જ કરો છો તો હું પણ મારી વાર્તા કહું છું. નાની છે, પણ ધ્યાનથી સાંભળજો.’

ત્રણેએ પૂછ્યું, ‘કઈ?’

તે બોલ્યો, ‘વાર્તા સાંભળતાં-સાંભળતાં આપણે પચાસ માળ સુધી તો પહોંચી

ગયા, પણ ઘરના મુખ્ય દરવાજાની ચાવી તો કારમાં રહી ગઈ છે. મારી વાર્તા પૂરી થઈ ગઈ.’

 ત્રણ બરાડી ઊઠ્યા, ‘શું કહે છે?’

પેલો બોલ્યો, ‘હા, જાવ ફરી નીચે અને ચાવી લઈ આવો.’

આ વાર્તા જેવું જીવનનું છે. આપણે પણ ખૂબ ઉડાન ભરીએ છીએ, પણ જીવન ખોલવાની ચાવી તો ભૂલી જ જઈએ છીએ. જીવનના મહત્ત્વને તો સમજી જ નથી શક્યા અને જ્યાં સુધી એ સમજી નહીં શકીએ ત્યાં સુધી ધક્કા થયા કરવાના છે એટલે મહત્ત્વ સમજો અને ધક્કા ઓછા કરો.

(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)

culture news life and style columnists Morari Bapu