✕

સમય બદલાય, સંજોગ બદલાય; પણ નવા વર્ષની પરંપરાનો રંગ ન બદલાય

10 November, 2026 11:58 AM IST  |  Mumbai | Darshini Vashi

કોઈ બ્રાહ્મમુહૂર્તમાં થાળી વગાડીને આળસ કાઢે છે તો કોઈ ત્રણ પેઢી સાથે મળીને કરે છે ચોપડાપૂજન; આજે પણ પરિવારોમાં દિવાળીના પરંપરાગત રિવાજો અને શુકનની વાનગીઓનો વારસો જળવાયો છે

પ્રતીકાત્મક તસવીર

ગુજરાતમાં જેમ ગામે-ગામે બોલી બદલાય છે એમ દિવાળી અને નવા વર્ષની ઉજવણીની રીત અને પરંપરાઓમાં પણ વિવિધતા જોવા મળે છે. ક્યાંક બેસતા વર્ષના દિવસે બ્રાહ્મમુહૂર્તમાં ઊઠીને થાળી વગાડતાં-વગાડતાં ચાર રસ્તે જઈ અાળસ અને નકારાત્મકતા કાઢવાનો રિવાજ છે તો ક્યાંક ત્રણ પેઢી સાથે મળીને ચોપડાપૂજન કરવાની પરંપરા આજે પણ જળવાઈ છે. કોઈ પરિવાર દિવાળીના પાંચેય દિવસ પરંપરાગત વાનગીઓ બનાવે છે તો કોઈ આજે પણ કુટુંબીજનોના ઘરે જઈને ઘરનાં બનાવેલાં નાસ્તા અને મીઠાઈની આપ-લે કરે છે. સમય બદલાયો, જીવનશૈલી બદલાઈ અને નવી પેઢી પણ આવી; છતાં અનેક પરિવારોમાં તહેવારોના રિવાજો અને પરંપરાઓનો વારસો એક પેઢીથી બીજી પેઢી સુધી અવિરત આગળ વધી રહ્યો છે ત્યારે ચાલો જાણીએ મુંબઈમાં વસતા કેટલાક પરિવારોની આવી જ અનોખી પરંપરાઓ વિશે.

નવા વર્ષે સવારે શુકન માટે ચોળીનું શાક અને ગોળપાપડી અચૂક બને : મીતા ભરવાડા

જુહુ ખાતે રહેતાં મીતા ભરવાડા કહે છે, ‘ધનતેરસથી અમારા દિવાળીના તહેવાર શરૂ થઈ જાય છે. પહેલા દિવસે અમે કાચા દૂધમાં પાણી નાખીને ઉંબરાની પૂજા કરીએ છીએ. પાંચ દીવા કરીએ અને પછી તોરણ બાંધીએ. રસોઈમાં લાપસી પહેલાં મૂકીએ, પછી બાકીની રસોઈ બને. બીજા દિવસે કાળીચૌદસના પણ એવી જ રીતે ઉંબરાપૂજન કરીએ અને પછી દીવો કરીએ. પછી રસોઈ બનતી. રાત્રે વડાં બનતાં. થોડાં વર્ષ પહેલાં જ મેં કકળાટ કાઢવાનો બંધ કર્યો છે, બાકી હું દર વર્ષે કકળાટ કાઢતી હતી, પણ વડાં બનાવવાની પરંપરા હજી ચાલુ રાખી છે. દિવાળીના દિવસે શ્રીખંડ બનાવવામાં આવે. આ સાથે ઊંધિયું પણ બનાવવાની શરૂઆત થાય તેમ જ આ દિવસે અમારે ત્યાં ચોળીનું પણ શાક બને, જે શુકન કહેવાય એટલે અમે એ બનાવીએ. આજે બાળકો ચોળીનું શાક પસંદ કરતાં નથી એટલે હું એને હવે ઊંધિયાની અંદર નાખી દઉં છું. સાંજે લક્ષ્મીપૂજન કરીએ. નવા વર્ષે સવારે શુકનની ગોળપાપડી બનાવીએ અને પછી ઘરના લોકોને જે ખાવું હોય એ પ્રમાણે રસોઈ બનાવીએ. જો પૂજાવિધિ પરંપરાગત હોય તો પછી નાસ્તા પણ એવા જ હોવા જોઈએ. હું સાતપડાની પૂરી બનાવું છું. ચેવડા, મોહનથાળ ઉપરાંત બીજા પણ નાસ્તા હું બનાવું જ છું.’

સવારે ૬ ભાઈઓના પરિવાર સાથે અને સાંજે દીકરી-જમાઈ સાથે ઉજવણી : કિશોરી મહેતા

ભાઈંદરમાં રહેતાં કિશોરી મહેતા કહે છે, ‘મારા હસબન્ડના ૬ ભાઈઓ છે અને દુકાન પણ એક છે. એટલે દિવાળીમાં ૬ ભાઈઓ અને તેમના પરિવારના લોકો સાથે ભેગા થઈને આનંદ-ઉત્સાહથી દિવાળી ઊજવીએ છીએ. ઑફિસમાં પૂજા કરીએ ત્યારે બ્રાહ્મણ આવે અને વિધિવત્ પૂજા થાય. સાંજે જમવાનું પણ બધાનું સાથે જ થાય. ત્યાર બાદ અમે ફટાકડા ફોડીએ. અમે બધા આખું વર્ષ આ દિવસની રાહ જોતા હોઈએ છીએ. બાકીના દિવાળીના દિવસોમાં અમે રોજ સવારે હવેલી તો જઈએ જ છીએ, પરંતુ નવા વર્ષના દિવસે કુટુંબના સભ્યો હવેલીમાં શ‍ૃંગારના સમયે મળીએ. અમે કુલ ૩૦ કરતાં પણ વધુ લોકો હોઈએ છીએ. ત્યાર બાદ અમે ઘરના મુખ્ય વડીલના ઘરે ભેગા થઈએ છીએ. તેમના આશીર્વાદ લઈએ છીએ અને વારાફરતી દરેકના ઘરે જઈએ છીએ. મારા હસબન્ડ મોટા છે એટલે સૌથી પહેલાં બધા અમારા ઘરે આવે અને પછી તેમના નાના ભાઈઓ હોય તેમના ઘરે જઈએ. જેના-જેના ઘરે જઈએ ત્યાં નાસ્તાપાણી હોય. પછી સાલમુબારક કરીને છૂટા પડીએ. અમે બધા નજીકમાં જ રહીએ છીએ એટલે સરળતાથી પહોંચી વળીએ છીએ. સવારના ૯-૧૦ વાગ્યાથી અમારું ઘરે જવાનું ચાલુ થાય છે જે ૩ વાગ્યા સુધી ચાલતું રહે છે. સાંજે ઘરે બધી દીકરીઓ અને જમાઈઓ આવે છે અને સાથે જમણવાર કરીએ છીએ. રોજ પરંપરાગત રીતે જમવાનું પણ બને. ધનતેરસે લાપસી, ચૌદસનાં વડાં, દિવાળીના દિવસે ચોળીનું શાક અને ઓરમુ (ફાડાલાપસીમાંથી બને) છે. ઘરને પણ અમે સુંદર રીતે સજાવીએ છીએ. દર વર્ષે અમે અલગ-અલગ થીમ સાથે ઘરને ડેકોરેટ કરીએ છીએ, જેમ કે કઠપૂતળી થીમ, રાધાકૃષ્ણ થીમ, મોર વગેરેની થીમ સાથે અમે ઘરને ડેકોરેટ કરીએ છીએ.’

આજે પણ નવા વર્ષે બ્રાહ્મમુહૂર્તમાં ઊઠીને થાળી વગાડતાં-વગાડતાં ચાર રસ્તે જઈને અાળસ કાઢી આવીએ : લીલાવતી ધ્રુવ

કાંદિવલીમાં રહેતાં લીલાવતી ધ્રુવ કહે છે, ‘હું ગામમાં મોટી થઈ હોવાથી બધા તહેવારો નાનપણથી પરંપરાગત રીતે ઊજવતી આવી છું. લગ્ન બાદ પણ મેં મારી આ પરંપરા ચાલુ રાખી હતી. આજે મારાં બાળકોના ઘરે પણ બાળકો છે અને અમે જૉઇન્ટ ફૅમિલીમાં રહીએ છીએ. છતાં આજે મેં મારી તહેવારો ઊજવવાની પરંપરા યથાવત્ રાખી છે. ખાસ કરીને દિવાળી જે આજે પણ એવી જ રીતે ઊજવીએ છીએ જે અમે વર્ષો પહેલાં ઊજવતાં હતાં. એટલે અમે દિવાળીના દિવસોમાં ઘર પણ બંધ નથી કરતાં. અમારી દિવાળીના પાંચેય દિવસની શરૂઆત હવેલીનાં દર્શનથી થાય છે. અમે સહપરિવાર હવેલીમાં દર્શન કરવા જઈએ. ધનતેરસની પૂજા અમે પરંપરાગત રીતે કરીએ છીએ. ત્યાર બાદ ચોપડાપૂજન અમે બ્રાહ્મણને બોલાવીને વિધિસર કરાવીએ છીએ. કાળીચૌદસના દિવસે અમે ચાર રસ્તે વડાં મૂકવા જઈએ છીએ અને એ પણ એવી રીતે કે કોઈ જુએ નહીં. બેસતા વર્ષના દિવસે અમે સવારે ઝાડુ કાઢીએ છીએ. ત્યાર બાદ ઘરમાંથી નેગેટિવિટી અને આળસ કાઢવા માટે અમે વહેલી સવારે એટલે કે બ્રાહ્મમુહૂર્તમાં ઊઠીને થાળી વગાડતાં-વગાડતાં ચાર રસ્તે જઈએ છીએ. આ બધું મેં મારી વહુને શીખવ્યું છે અને તે પણ હવે બધું એવું જ કરે છે અને હવે તેના ઘરે પણ વહુ આવી ગઈ છે અને હવે તે પણ તેને એવું જ શીખવી રહી છે. જમવાનું પણ અમે પાંચેય દિવસ એવું જ બનાવીએ છીએ. અગિયારસના દિવસે અમે ઠાકોરજીને દૂધીનો હલવો અથવા તો શીરા સાથે રાજગરાની ભાખરી ધરીએ. બારસના દિવસે અમે બેસનના લાડુ બનાવીએ. ધનતેરસના દિવસે મગ-ભાત અને લાપસી હોય. કાળી ચૌદસનાં દહીંવડાં, નવા વર્ષે ઊંધિયું, પૂરી અને શ્રીખંડ હોય. આમ અમે દિવાળીના પાંચેય મુખ્ય દિવસ પરંપરાગત પૂજાપાઠ તો કરીએ જ, સાથે જમવાનું પણ એવી જ રીતે બનાવીએ છીએ.’

ત્રણ પેઢી સાથે ચોપડાપૂજન કરીએ અને નવા વર્ષે જ ભાઈબીજ મનાવીએ : પૂજા સાવલા

આજે ઘણા લોકો દિવાળીની પૂજાથી લઈને અન્ય વિધિ વગેરે પોતપોતાની રીતે પોતપોતાના ઘરે કરી લેતા હોય છે, પરંતુ આજે અમુક એવાં ઘરો પણ છે જ્યાં એક-બે નહીં પણ ત્રણ પેઢીના લોકો સાથે મળીને પૂજાપાઠ વગેરે કરે છે. બોરીવલીમાં રહેતાં પૂજા સાવલા કહે છે, ‘અમે ત્રણ પેઢી સાથે મળીને આજે પણ બધા તહેવાર ઊજવીએ છીએ. ખાસ કરીને દિવાળી, જે અમે ત્રણ પેઢી સાથે મળીને સેલિબ્રેટ કરીએ છીએ. દરેકના બિઝનેસ અલગ છે છતાં છેલ્લાં ૫૦ વર્ષથી આ જ રિવાજ ચાલુ છે. ચોપડાપૂજન અમે ત્રણ પેઢી સાથે મળીને જ કરીએ છીએ. પૂજા કરીને પછી ફટાકડા પણ સાથે જ ફોડવા જઈએ. ધનતેરસની પૂજા પણ અમારી યુનિક હોય. બધા ભાઈઓ પોતાની પાસે રહેલા ટ્રેડિશનલ કૉઈન વગેરે લઈને આવે છે અને એને એકસાથે પૂજામાં મૂકીએ છીએ અને સાથે જ પૂજા કરીએ છીએ. ત્રણ ભાઈઓ છે. દર વર્ષે અલગ-અલગ ભાઈના ઘરે દિવાળીના તહેવાર ઊજવીએ છીએ. દર વર્ષે અમે બધા એક જ ભાઈના ઘરે ભેગા થઈએ છીએ. નવા વર્ષના દિવસે સાંજે બહેનો ભાઈબીજ પણ ઊજવી લેતી હોય છે. દિવાળીની મીઠાઈ પણ ઘરે જ બને. નાસ્તા પણ ઘરે જ બને. ઘૂઘરા, ચકરી, મઠિયાં વગેરે અમે ઘરે જ બનાવીએ છીએ. ધનતેરસના દિવસે ચોળી બનાવીએ. કાળીચૌદસના દિવસે દહીંવડાં બને એટલે બને જ. દિવાળીના દિવસે લાપસી બને. અને ઘરે બનાવેલી આ વાનગી ઘરના તમામ સભ્યોએ ખાવાની હોય છે. ભલે કોઈને બીજું કંઈ ખાવું હોય તો તેઓ ખાઈ શકે છે, પરંતુ આ શુકનની વાનગી તો દરેકે કમ્પલ્સરી ખાવાની રહે જ છે.’

કુટુંબીઓના ઘરે નાસ્તાની આપ-લે થાય અને નવા વર્ષે પૂરણપોળી બને : આસિતા જસાપરા

‘આજે પણ અમે કુટુંબમાં એકબીજાના ઘરે અસ્સલ પરંપરા મુજબ ઘરે બનાવેલાં નાસ્તા અને મીઠાઈની આપ-લે કરવા જઈએ,’ એમ જણાવતાં મીરા રોડમાં રહેતાં આસિતા જસાપરા કહે છે, ‘અમે દિવાળીના નાસ્તા આજે પણ ગમે તેટલા વ્યસ્ત સમયમાં પણ ઘરે જ બનાવીએ છીએ. પૂરી, ગાંઠિયા, સેવ વગેરે બનાવીએ. આ બધું બનાવીને અમે અમારા કાકાના ઘરે આપવા જઈએ. અમે નાસ્તા લઈને જઈએ ત્યારે કાકા અમને શુકનનાં કવર આપે. અને બાળકો હોય તો તેમને ગિફ્ટ આપે. એવી જ રીતે અમારે ઘરે પણ અમારા કાકા અને કુટુંબી નાસ્તા લઈને આવે અને અમે તેમને કવર આપીએ. આવી પરંપરા અમારે ત્યાં વર્ષોથી ચાલતી આવી છે, જે હજી પણ અમે ચાલુ રાખી છે. સામાન્ય રીતે હવે બધા આ દિવસોમાં હોટેલ વગેરે જતા હોય છે, પણ અમે નથી જતા. અમે બધા તહેવાર ઘરે જ ઊજવીએ છીએ. ઘરે જ બધા ભેગા થઈએ છીએ. અલગ-અલગ દિવસે અલગ-અલગ શુકનની વસ્તુઓ તો બનતી જ હોય છે. ધનતેરસના દિવસે લાપસી અને મગ, કાળીચૌદસે વડાં, દિવાળીના દિવસે અડદની દાળનાં વડાં અને નવા વર્ષે પૂરણપોળી અને ખાંડવી બને. આમ અમારી દિવાળીની ઉજવણી થાય.’

culture news life and style lifestyle news diwali new year gujaratis of mumbai gujarati community news