અમદાવાદઃઅહીં મળે છે ચુડેલ ચા, કંકાલ બિસ્કિટ, લોકો આરામથી આરોગે છે

17 April, 2019 05:35 PM IST  |  અમદાવાદ | ભાવિન રાવલ

અમદાવાદઃઅહીં મળે છે ચુડેલ ચા, કંકાલ બિસ્કિટ, લોકો આરામથી આરોગે છે

ભયાનક ટી સ્ટૉલના માલિક અનિલ છારા બજરંગી

ભૂતિયા થીમ પરની રેસ્ટોરન્ટનો વિદેશોમાં ખૂબ ટ્રેન્ડ છે, તમે તેના વિશે વાંચ્યુ પણ હશે. પરંતુ જો તમારે આવો લ્હાવો લેવો હોય તો વધારે દૂર જવાની જરૂર નથી. કારણ કે અમદાવાદમાં જ આવેલો છે એક 'ભયાનક' ટી સ્ટોલ. જી હાં, આ ટી સ્ટોલનું નામ જ ભયાનક ટી સ્ટોલ છે અને ભૂતિયા થીમ પરનો આ સ્ટોલ ચલાવે છે પાછા બજરંગે ભાઈ!

અહીં મળે છે 'મુર્દા પાપડી'

છેલ્લા કેટલાક દિવસોથી સોશિયલ મીડિયામાં આ ભયાનક ટી સ્ટોલના ફોટોઝ વાઈરલ થઈ રહ્યા છે. એટલે gujaratimidday.com તમારા માટે આ ટીસ્ટોલની બધી જ માહિતી લાવ્યું છે, પરંતુ એ પહેલા તમે એ જાણી લો કે આ ટી સ્ટોલમાં શું શું મળે છે. આ ભાયનક ટી સ્ટોલ પર મળે છે ચૂડેલ ચા, ભૂત કૉફી, વિરાના દૂધ, અસ્થિ ખારી, કંકાલ બિસ્કિટ, મુર્દા પાપડી, પિશાચી ચવાણું, ભૂતડી પરોઠા, તાંત્રિક પોપકોર્ન. તો પાછી આ ટી સ્ટોલની સ્પેશિયાલિટી છે દો ગજ જમીન કે નીચે ચા.

સ્મશાનમાં છે ભયાનક ટી સ્ટૉલ

જવાની ઈચ્છા થઈને. અમે એડ્રેસ પણ આપીશું. પણ એ પહેલા જાણો કે આ ટી સ્ટોલ ચલાવવાનો આવો ખતરનાક આઈડિયા બજરંગી ભાઈને આવ્યો ક્યાંથી. ભયાનક ટી સ્ટોલ ચલાવનાર ભાઈનું સાચું નામ છે અનિલ છારા બજરંગે. તેઓ અમદાવાદના છારા નગરમાં જ રહે છે. આમ તો અનિલભાઈ 10 ધોરણ જ ભણેલા છે, પરંતુ તેમને ઓશોના પુસ્તકો વાંચવા ખૂબ ગમે છે. અને ઓશોના પુસ્તક વાંચવા તેઓ ઈન્દિરા બ્રિજ પાસે આવેલા વિશ્રામ સ્મશાન ગૃહમાં આવતા હતા. શાંતિથી વાંચી શકાય એટલે તેમણે સ્મશાન પસંદ કર્યું.

સોશિયલ મીડિયામાં વાઈરલ

અનિલ બજરંગીનું કહેવું છે કે,'સ્મશાનમાં આવ્યા બાદ મને અહીં કિટલી ચાલુ કરવાનો વિચાર આવ્યો, પણ મારે કંઈક અલગ કરવું હતું. એટલે ઘણું વિચાર્યા બાદ મેં કિટલીનું નામ ભયાનક ટી સ્ટોલ રાખ્યું અને જુદી જુદી આઈટમ્સના નામ પણ વિચિત્ર રાખી લીધા.' છેલ્લા કેટલાક દિવસથી આ કિટલીના ફોટા સોશિયલ મીડિયા પર ખૂબ વાઈરલ થયા છે. ફોટોઝ વાઈરલ થયા બાદ આ ભયાનક ટી સ્ટોલના મુલાકાતીઓ પણ વધ્યા છે. અનિલ બજરંગી કહે છે કે,'અલગ નામ રાખવાથી લોકો અહીં તો આવે જ છે, સાથે જ સ્મશાનનો ભય પણ દૂર થાય છે.'

આ પણ વાંચોઃ મહિલા દિવસ પર મળો ગૌરવી અધ્યારુને, એકલી જ પર્વતો ખૂંદે છે આ ગુજરાતી મહિલા

ક્યાં આવ્યો છે આ ટી સ્ટૉલ?

તો જો હવે તમારે પણ સ્પેશિયલ દો ગજ જમીન કે નીચે ચા પીવી છે કે પછી મુર્દા પાપડી ખાવી છે તો પહોંચી જાવ અમદાવાદ. અને જો તમે અમદાવાદી છો તો તમે ઈન્દિરા બ્રિજ તો જોયો જ હશે. ઈન્દિરા બ્રિજ પાસે આવેલા ભદ્રેશ્વરના વિશ્રામ ટ્રસ્ટ સ્મશાનમાં આ ભયાનક ટી સ્ટોલ આવેલો છે.

 

gujarat news ahmedabad